ધીરેન્દ્ર મહેતાની કવિતા/એક વિકલાંગ અનુભૂતિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૭.
એક વિકલાંગ - અનુભૂતિ

આકાશ જેટલું જ દૂર છે
આ બધું મારાથી -
આ હરિત તૃણોની કુમાશ
છેક મારી ઓરડાની બારી સુધી આવે છે...
અને અટકી જાય છે.
ઓ ટેકરીઓ
ઢાળ ઊતરી
તળેટીમાં
ઢોળાઈ જાય છે...
અને
મેદાનોમાં ખોવાઈ જાય છે.
કોઈ અજાણ્યા પંખીને કંઠેથી
અચાનક છટકી ગયેલો ટહુકો
બહાર ફૂલો પર
પતંગિયું થઈને બેસે છે...
- આ બધું મારાથી
આકાશ જેટલું જ દૂર છે.

મારી દૃષ્ટિસીમાની અંદર
આમાંનું કેટકેટલું સમાવું?
આ બધું -
જે અહીંથી દેખાય છે તે બધું
જોઈને
જાગી ઊઠેલા મારા રોમાંચોમાં
તલપ્યા કરતા સ્પર્શોને તો
એ બધું
ખોબેખોબે પીવું છે...

કોઈ આ હરિત તૃણોની કુમાશ
મારાં શિથિલ ચરણમાં મસળો;
ઓ ટેકરીઓની ઢોળાશ
મારાં અંગઅંગમાં ઢોળો;
પંખીઓનો કલરવ
મારામાં ઝબકોળો;
પતંગિયાની પાંખોનું કમ્પન
મારી પાંપણમાં પરોવો...
કોઈ -
૯-૯-’૮૧