ધીરેન્દ્ર મહેતાની કવિતા/કવિતાનો નિરાળો વેશ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કવિતાનો નિરાળો વેશ

રમણીક સોમેશ્વર

ધીરેન્દ્ર મહેતાની વ્યાપક ઓળખ તો નવલકથા-વાર્તા-નિબંધ આદિના સર્જક તેમજ વિવેચક તરીકેની, પણ એમની આંતરછવિ તો કવિની છે. હર્ષદ ત્રિવેદી સાથેના એક સંવાદમાં એમણે ભારપૂર્વક કહેલું કે, “હું પોતે એમ માનું છું કે કવિતા વિના હું સર્જનના માર્ગે જઈ શક્યો જ ન હોત” (‘તપસીલ’-૧૯૯૯), તો દર્શના ધોળકિયાને એક સંવાદમાં એમણે સ્પષ્ટ રૂપે કહ્યું કે “કવિતા એ મારી સર્જનયાત્રાનું પ્રસ્થાનબિંદુ છે. એ યાત્રા આગળ વધતી ગઈ તેમ એમાંથી બીજી કેડીઓ ફૂટતી રહી.” (‘શબ્દસૃષ્ટિ’ જાન્યુઆરી - ૨૦૧૧) આમ જેમની સર્જનયાત્રાના મૂળમાં કવિતા છે એવા આ કવિ પાસેથી અત્યાર સુધીમાં બાળકાવ્યો સહિત પાંચ કાવ્યસંગ્રહો સાંપડે છે. (૧) ભૂસકાની ઉજાણીઃ બાળગીતો (૧૯૮૬, ૨૦૦૭), (૨) પવનના વેશમાં (૧૯૯૫), (૩) પ્રત્યંચાનો કમ્પ (૨૦૧૧), (૪) ડમરીના દેશમાં (૨૦૨૪) અને (૫) શાહમૃગ (૨૦૨૫). - એમાંથી ‘ડમરીના દેશમાં’ - એ કચ્છના વિલક્ષણ પરિવેશને લક્ષમાં લેતાં કાવ્યોનો સંચય છે. જેમાં અગાઉના કાવ્યસંગ્રહોમાંથી પણ કેટલાંક કાવ્યો લેવાયાં છે. ‘ભૂસકાની ઉજાણી’ - એ સુગેય બાળગીતોનો સંચય છે, જેમાં બાળસહજ વિસ્મયના ભાવો સાથે એક તરફ રમતિયાળ ભાષા-શૈલીમાં ‘કક્કો અને બારાખડી’ - ઘૂંટાયા છે, તો બીજી તરફ પવનનાં વિવિધ રૂપોને પામવાની કુતૂહલભરી બાળ-લીલા પણ દૃષ્ટિગોચર થાય છે. - આ બધામાંથી કવિના ૧૯૬૩ થી ૨૦૨૫ સુધીના છ દાયકાથી લાંબા સમયમાં પ્રસરેલા કાવ્યસર્જનના સગડ સાંપડે છે. સમગ્ર કાવ્યધારામાંથી કવિની આગવી મુદ્રાની પરિચય-રેખ રચી આપતાં થોડાં કાવ્યો અહીં સીમિત પૃષ્ઠોમાં સમાવ્યાં છે, અને એ દ્વારા એમનાં કાવ્યોનાં વિધવિધ રૂપોની એક ઝલક મળી રહે એવો પ્રયાસ કર્યો છે. પોતાની આસપાસની સૃષ્ટિને, પોતાની જાતને અને ભીતરના ભાવપ્રદેશને આ કવિ સતત કુતૂહલપૂર્વક જોતા અને જોગવતા રહ્યા છે. એમાંથી જ અનેક રૂપો ધારણ કરીને આકાર પામ્યો છે એમની કવિતાનો શબ્દ. વિવિધ રૂપે અને વિવિધ રીતે કવિતાના શબ્દને ઉપાસતા આ કવિનાં કાવ્યોમાં ગીત, ગઝલ, છાંદસ, અછાંદસ, ગદ્યકાવ્ય, પરિકથા, હાઈકુ આદિ કવિતાના અનેક સ્વરૂપોની અનેક છટાઓ ઊઘડતી ભળાય છે. ‘શાહમૃગ’ની પ્રસ્તાવનામાં કવિ કહે છે કે, “-અમુક અનુભૂતિ કે સંવેદન જાગે છે અને તત્કાલ કવિના મનોદેશનો કબજો લઈ લે છે પરંતુ એ જે કંઈ હોય છે તે તત્કાલીન મનોદશામાંથી સ્ફૂરેલું સત્ય હોય છે. અન્ય સમયે અન્ય મનોદશામાં એથી તદ્દન જુદી કે વિપરીત સ્થિતિ પણ સર્જાઈ શકે...” -કવિના આ શબ્દો પોતાની કાવ્ય-ક્રીડા પ્રત્યેની એમની સજાગતાના સૂચક છે. કવિ પોતે જ કહે છે તેમ, “જે ભાવદશામાં હું જીવતો હતો તેને લઈને ગીત-ગઝલ જેવાં ઊર્મિપ્રધાન સ્વરૂપો તરફ વળવાનું થયું...” (‘શબ્દસૃષ્ટિ’ ઓક્ટો-નવે. ૨૦૧૧) તો કવિનાં આ સ્વરૂપનાં કાવ્યો તરફ પ્રથમ એક નજર કરીએ. કવિ સુન્દરમ્ ગીતના કાવ્ય-સ્વરૂપ વિશે લખે છેઃ “ગીત એ માત્ર નાજુક, લલિત, હળવી અને ઊર્મિલ રચના નથી પણ જીવનના બધા પ્રદેશોને અને વિષયોને આલેખતી એક વ્યાપક કલાશક્તિવાળી રચના છે.” (‘સાહિત્ય ચિંતન’) ધીરેન્દ્ર મહેતાના ગીતોમાં વિષયોની આવી વ્યાપકતા કે વૈવિધ્ય તરફ જરા દૃષ્ટિપાત કરીએ.

હાથમાં લીધાં કલમ ને દોત
પાસે બળે દીવાની જ્યોત

દોલાયમાન જ્યોતના સ્થિર અજવાળે અનુભવાયેલ એક આલોક સાથે પ્રગટ થતી સર્જન-ક્ષણની મનઃસ્થિતિ - પોતાની જ સળવળ થતી છાયામાંથી પોતાને શોધવાની એક ક્રીડા. એક શોધ. એ શોધ જ પછી એમને લઈ જાય છે ‘ફરફતો આનંદ’ - જેવા ગીત તરફ.

વાસમાં વાગે શંખ
એ જી રે વાસમાં વાગે શંખ
અને પછી એ શંખધ્વનિના નાદે -
રૂંવારૂંવામાં ઝાલર બાજે ને ગવાય રૂડાં છંદ

આવો કોઈ અગમ ભાવલોક એ ધીરેન્દ્ર મહેતાનાં ગીતોનું એક રૂપ છે. તો ‘ધુમ્મસનાં પંખી’-માં વળી એક જૂદું જ રૂપ નીખર્યું છે. ધુમ્મસને પંખીનું રૂપ આપીને સૃષ્ટિના ચૈતન્ય તત્ત્વનું સજીવ આલેખન એમાં થયું છે, તેમજ લયના ચડાવ-ઉતાર સાથે ઉદય અને વિલયની લીલા પણ એમાં ઝલમલતી દેખાય છે. એક તરફ આવી તરલ સૃષ્ટિ છે તો બીજી તરફ ‘જન્મદિને’-માં ભીંતે ચીતર્યા લાભશુભ પર બાઝેલાં પોપડાના ખરખર ખરતા રવમાં કવિ ક્ષીણ થતા જતાં સમયનો પદચાપ સાંભળે છે. દરિયો અને દરિયા સાથે જોડાયેલ ખારવા-ખારવણની વાતો આ સર્જકની કલમે અનેકવિધ રીતે વારંવાર આવતી રહી છે. ખારવણના ઉલ્લાસ અને વિષાદના, સામસામા છેડાના ભાવોને વ્યક્ત કરતા બે ગીતો અહીં મૂક્યા છે. ‘ખારવણનું ગીત’-માં જોવા મળે છે એક અલ્લડ ખારવણ. શંખલાં-છીપલાં વીણતી. નાવિકના ગીત તરાપે લય બનીને તરતી, દરિયાની છાતી પર લહર બની થડકતી. દરિયા પર ઓળઘોળ થઈ જતી ખારવણ. તો બીજા ગીતમાં મરશિયા રૂપે રેલાયું છે ‘ખારવણનું સામૂહિક શોકગાન’ આમ આ કવિના ગીતોમાં અરૂઢ કાવ્ય-બાની અને વિષય તેમજ ભાવવૈવિધ્ય આપણું ધ્યાન ખેંચતા રહે છે. કવિ એમની કેફિયતમાં કહે છે તેમ, “ગઝલલેખનમાં અમૃત ઘાયલને હાથે સારું એવું ઘડતર થયું.” -પછી અમદાવાદમાં છાત્રાવાસમાં રાજેન્દ્ર શુક્લ અને અનિલ જોશીનો સહવાસ સાંપડ્યો. એ રીતે - “ગઝલમાં પણ સંવેદન કેટલું સૂક્ષ્મ થઈને પણ દૃશ્યાત્મક રૂપ લઈ શકે, લય કેટલો પ્રલંબ થઈ શકે, છતાં અંતરે અંતરે એની ચાલ જળવાઈ રહે એના પ્રત્યક્ષ પ્રયોગો જોવા મળ્યા...” (‘શબ્દસૃષ્ટિ’ ઓક્ટો.-નવે. ૨૦૧૧) - આ બધાં તત્ત્વો પછી એમના ગઝલ-સર્જનમાં પણ પ્રકટ થતા રહ્યા.

જોયું એકાન્ત જ્યાં આમ વાતે વળે
ઓરડો શાંત બેસી રહી સાંભળે?

સર્જનની સૃષ્ટિને એકાન્તની સૃષ્ટિ માનનારા આ કવિની અનેક કૃતિઓમાં નિબિડ એકાન્તની સઘન અભિવ્યક્તિ જોવા મળે છે. વિરહ અને વેદના એમની ગઝલના સ્થાયી ભાવો છે, તો સંકુલ મનોભાવોથી માર્મિક અભિવ્યક્તિ એ એમની એક અન્ય લાક્ષણિકતા છે. અન્ય કૃતિઓની જેમ પરિવેશ ગઝલના શેરમાં પણ સંયોજાઈને આવે છે. ‘પગરવ ગયાં તળિયે’-નો આ શેર વાંચોઃ

એક ક્ષીણ સૂકા આંસુની રેખા સમી ચમકે નદી
ડહોળાયલી કો’ આંખ મારા ગામની ભાગોળ છે.

સૂકાઈ ગયેલા આંસુ જેવી આ નદી એટલે ભુજની ભાગોળે, સ્મશાનભૂમિને અડીને આવેલી ‘ખારી નદી’. એક જ શેરમાં એ આખા પરિવેશનું સંવેદન કેવું તીવ્રતાથી ઝીલાયું છે! ‘ખારી નદી’ નામે એક અછાંદસ કાવ્ય પણ આ સંપાદનમાં મૂક્યું છે. એની વાત યથાસ્થાને - પણ નગરની વાત કરતાં કવિએ એક શેરમાં નગર-જીવનની કેવી ક્ષણને પકડે છે એ જુઓઃ

એક આ આકાશને આમ જ ટકાવી રાખવાને
કેટલા માણસ જુઓ ચાલી રહ્યા છે સ્કંધ રાખી

જનસમુદાયના સ્કંધોને ટેકે ટકી રહેલું આકાશ! ‘પવનના વેશમાં’ વહેતી વાતોને કવિતામાં કંડારનારા આ કવિ ‘શબ્દને સ્પર્શું જરા’-માં સર્જનક્ષણોના મનોભાવની વાત કરે છે. તો, ‘પહેલાં-પછી’-માં ચિનુ મોદીની યાદ અપાવે એવો ‘તસ્બી’ -નો સુચારુ પ્રયોગ જોવા મળે છે. ‘કાવ્ય અને પ્રયોગ’ (૨૦૧૮)માં ધીરેન્દ્ર મહેતા અછાંદસ વિશે લખે છેઃ “અછાંદસમાં મુક્તિ અને મોકળાશ મળવા છતાં છંદનો મૂલોચ્છેદ નથી, બલકે અનેકધા છંદોસંસ્કાર અને અધ્યાસ જળવાય તો છે...” એમની કવિતામાં પણ આવી છંદોસંસ્કારવાળી અનેક રચનાઓ મળી આવે છે. ‘યાત્રાનુભૂતિ’-કાવ્ય જુઓ. “-અને આ આંખોમાં હચલચ થતી દૃશ્યરમણા!” પહેલી પંક્તિ શિખરિણીની પછી હલચલ થતી દૃશ્યરમણા વચ્ચે યદૃચ્છા પ્રસરતો ખંડશિખરિણી. વાત તો છે પ્રવાસેથી પાછા ફરવાની, પણ આ નાનકડી કવિતામાં પલટાતા દૃશ્યોની વિશિષ્ટ અભિવ્યક્તિ જોવા જેવી છે. કાવ્યાન્તે કવિ કહે છેઃ

મળી બે આંખો તો
ભલેને બંનેમાં પલક પલટે દૃશ્યરમણા

કવિતાની ત્રીજી આંખ દ્વારા કવિની બે આંખોએ ભાળેલ દૃશ્યરમણા કેવું પડખું બદલે છે! એજ રીતે ‘કાળ’નો ગુલબંકી, કે ‘રણમાં રાતે મોરચંગ’-નો પરંપરિત ગુલબંકી એના લયવિન્યાસને કારણે ધ્યાનાર્હ બને છે. અન્ય કેટલાંક કાવ્યોમાં પણ હરિગીત, મનહર, સવૈયા, ચોપાઈ, વનવેલી, ઈન્દ્રવજ્રા - આદિના અધ્યાસો આપણે કાને અને ધ્યાને પડતા રહે છે. ધીરેન્દ્ર મહેતાનાં કાવ્યોમાં વિષય વૈવિધ્ય પણ ખાસ્સું જોવા મળે છે. ગાંધી સવાસોના ઉપલક્ષ્યમાં પરંપરિત હરિગીતમાં રચાયેલું ‘ચાલો, તમે પણ’ જુઓ. કે પછી ‘સરહદ સુરક્ષા સૈનિકની ઉક્તિ’, ‘એક વિકલાંગ અનુભૂતિ’ કે ‘જળાશય અને વૃદ્ધો’ જેવાં વિલક્ષણ ભાવવિવને પ્રકટ કરતાં કાવ્યો જુઓ. - ‘રસ્તો’માં વળી ગદ્યકાવ્યનું એક જૂદું રૂપ. એમાં સજીવારોપણ અલંકારમાં સજીવ થઈ ઊઠેલા રસ્તાનું નિરૂપણ આસ્વાદ્ય બને છે. તો, ‘ધુમાડો’ કાવ્ય વિશે તો કવિ ચિનુ મોદીએ એવું નોંધ્યું છે કે, “ ‘ધુમાડો’- એ કદાચ ધીરેન્દ્રનું અને ગુજરાતી કવિતાનું સાચવવા જેવું ઘરેણું છે.” (‘પરબ’ જૂન-૨૦૧૩) સ્થળ-સંવેદન અને પ્રદેશ-ચેતનાનાં કાવ્યો એ ધીરેન્દ્ર મહેતાની કવિતાની એક આગવી ઓળખ છે. કવિ જ્યારે કોઈ પદાર્થ, પરિસ્થિતિ કે સ્થળને જોતો હોય છે ત્યારે માત્ર એ જોતો જ નથી હોતો પણ એને અનુભવતો પણ હોય છે અને એ અનુભવને ચેતનામાં સંચિત કરીને એનું કવિતાની ભાષામાં રૂપાંતર કરતો હોય છે. આ કવિના સ્થળ અને પ્રદેશ-સંવેદનનાં કાવ્યોમાં આપણને રૂપાંતરણની આવી પ્રતીતિ અનુભવાય છે. ‘તુલસીશ્યામમાં રાત્રિ’-માં અંધારઘેરી અને ભાળેલી એ તીર્થભૂમિની વાત કવિ આ રીતે કરે છેઃ

અંધાર.. અંધાર ન એ વિના કૈં
અહીં કને દૂર ન પાસ...

ઈન્દ્રવજ્રાના આવર્તનોમાં આછરતા અંધકારમાં સ્થળ અને એનો સમગ્ર પરિવેશ ઊઘડતા જાય છે. કૃષ્ણની સ્મૃતિ, સાવજની ડણક અને -

ને ઢાળ ઊતરીને નિહાળું
સૂર્યો જલે છે જલકુંડમાં ત્યાં!

જલકુંડમાં જલતા સૂર્યો! જલ અને જલવું- ને પાસપાસે મૂકીને કેવો વિરોધાભાસ સર્જ્યો છે! કવિનો પ્રદેશ તો છે રણ અને દરિયાના સાયુજ્યનો પ્રદેશ. ત્યાં ‘રણની આંખમાં દરિયો’ ફાળ ભરતો અને આરડતો કળાય છે. એની વચ્ચે કવિ કહે છેઃ

મારી મથામણ તો છે
સાગર તળે ખોવાયાં
ઊંટના પગેરું માટે,
રણ વચાળે ક્યાંક ધરબાયેલાં
મત્સ્યોના તરફડાટ માટે (‘વારસો’)

રણની વચ્ચે મત્સ્યોનો તરફડાટ અને સાગર તળે ઊંટનું પગેરું મેળવવા તો આપણે એમનાં કાવ્યો સુધી જવું રહ્યું. પણ ‘અવરજવર’માં ઊંટના કલ્પન દ્વારા રણની વાત કઈ રીતે થઈ છે એ જરા જોઈએઃ

ખાંગા થઈને બેઠાં ઊંટ
હવે કદી નહીં ઊઠે
એનું યાં.... યાં સંભળાયા કરશે
છેક લગી!

આપણી આંખો સામે ખડું થાય છે એક દૃશ્ય. રણની વચ્ચે ખાંગા થઈને-વાંકા વળીને જાણે અણગમો વ્યક્ત કરતા રુસણે બેઠાં હોય એમ બેઠેલાં ઊંટ યાં... યા કરતા, કરાંજતા, ત્રસ્ત ઊંટ. - સાંજનો સમય. બળ્યા કરતી આંખોમાં ઝગ્યા કરતું આથમી ગયેલા સૂરજનું તેજ. -રેતીમાં પડેલ પગલાંની છાપ, ફૂંકાતો વંટોળ અને બંધ આંખમાં - અંદર અંદર - વાસ અને ઉચ્છ્વાસમાં ચાલ્યા કરતી એક અવરજવર. એ છે બહાર વ્યાપેલા રણની ભીતરી અવરજવર. ‘અંધડ’ અને ‘છરબત્તી’ જેવી રણની વિલક્ષણ ઘટનાઓ પણ અહીં કાવ્યદેહ પામી છે. અંધડ એ તો-

વીંઝાતા રેતકણોમાં
ઘુમરાતો ધગધગતો અહેસાસ...

રણમાં અચાનક આવી ચડતી વિકરાળ આંધીનું એક ગત્યાત્મક ચિત્ર આ કાવ્યમાં પ્રત્યક્ષ થાય છે. -અને આ ‘છરબત્તી’-? છળ-છલના-ભ્રમણા. રણમાં ક્યારેક કોઈ અંધારી રાતે અચાનક અચાનક દેખાઈ જતો ચળકતો અને હવામાં ઊડતો રહસ્યમય અગનગોળો. આકારહીન અને ભ્રામક એવા આ તેજપુંજને કવિએ સુપેરે આકાર આપ્યો છે. કવિતાના શબ્દોમાં. મલક આખો આજે કચ્છને ઓળખે છે એના સફેદ રણમાં ઉજવાતા રણોત્સવથી. પણ આ ઉત્સવથી ખરડાયેલા રણને ‘રણમાં ઉત્સવ’ કાવ્યમાં વેદનાભર્યા સ્વરમાં કવિ કઈ રીતે નિરૂપે છે તે જુઓઃ

અજાણી દિશામાંથી
ધસી આવેલા ઓચ્છવે
ઉડાડી મેલ્યું
સદીઓથી સેવેલું હૂંફાળું એકાન્ત
રંગબેરંગી બલૂનની દોરીએ લટકાવીને,
અને
કરી નાખ્યું ઓઘરાળું
રણે ઓઢેલું સ્વચ્છ શુભ્ર આકાશ...

કચ્છનો ઐતિહાસિક ‘કાવોડુંગર’ અહી કવિતામાં દંતકથાઓ તેમજ અતીત-વર્તમાનના ભિન્નભિન્ન સમય-સંદર્ભો સાથે નિરૂપાયો છે. થોડી પંક્તિઓ જોઈએઃ

પહેલીવાર ગયો ત્યારે
ડુંગર જ દેખાયો નહોતો
મેં દીઠી
જડબું ફાડીને સૂતેલી બન્ને બાજુની ખાઈઓ;
અને જડબામાં લબડતી જીભ જેવો રસ્તો...

કેવું વિલક્ષણ કલ્પન! અને કેવી અજાયબ ઉપમા!- જડબું ફાડીને સૂતેલી ખાઈઓ અને એમાંથી લબડતી જીભ જેવો રસ્તો! આપણે આગળ એક ક્ષીણ સૂકા આંસુ જેવી નદીને જોઈ હતી. ‘ખારી નદી’- કાવ્યમાં ભુજની એ એકમાત્ર નદીનું સંવેદન અને એનો પરિવેશ સચોટ નિરૂપણ પામ્યા છેઃ

ખારી નદીની લાંછન જેવી ઓળખ સાથે
સૂની નદી આ...
ફાટી ગયેલી આંખો જેવી
એની ફાટો
ભજવતાં દૃશ્યોને નીરખે......

અમદાવાદ કવિનું જન્મસ્થળ. અધ્યયન અધ્યાપનનો સારો એવો સમય એ શહેરમાં વિત્યો. અમદાવાદથી ભુજ બદલી થતાં કવિ ‘અમદાવાદના મિત્રોને-વતનમાંથી’ - એવું કાવ્ય લખે છે. એમાં ઘરઝુરાપાથી વિપરીત ઘરમાં ઝુરાપાનો વિશિષ્ટ ભાવ વ્યક્ત થયો છે. પણ પોતાના નગરને તો કવિએ અપાર ચાહ્યું છે અને એની સાહેદી આપણને એમના એ નગર વિશેનાં અનેક કાવ્યો, કથા સાહિત્ય અને નિબંધોમાં મળી રહે છે. ‘ભુજ-સમયમાંઃ બે સ્નેપશોટ્સ’ અને ‘ભુજ શહેર સ્થળમાંઃ એક વૃતાન્ત’ એ બંને કાવ્યોમાં કવિએ સ્થળ-સમયના અનેક પરિમાણોમાં શહેરને સંવેદ્યું છે. ઉદાહરણ રૂપે થોડી પંક્તિઓ જોઈએઃ

ભુજને
કાંડુ-પંજો અને આંગળીઓ પણ
અને આંગળીઓએ
સળવળી સળવળીને
વિસ્તરવા માંડ્યું છે......

સજીવારોપણનું કેવું સચોટ દૃષ્ટાંત! - શહેરના વિસ્તાર અને વિકાસની વાત આ રીતે પણ થઈ શકે. - કોઈ કવિએ પોતાના શહેર વિશે લખેલાં કાવ્યોમાં આ કાવ્યો તદૃન જુદી ભાત પાડતાં દૃષ્ટાંતરૂપ કાવ્યો છે. વર્ષ ૨૦૦૧ના ભૂકંપમાં પોતાના આ નગરને કવિએ ભાંગી પડેલું જોયું. પોતાના ઘરને ધરાશાયી થતું જોયું. કાટમાળનો દરિયો ડ્હોળી બહુ યત્ને બહાર અવાયું. ઘરવિહોણા થઈ ભટકતાં ભટકતાં છાવણી-વાસ કરવો પડ્યો (એમાંથી જ ગુજરાતી સાહિત્યને ‘છાવણી’ જેવી નવલકથા સાંપડી) - ‘ભૂકંપની પળ-વિપળ’- ને જોતાં જોતાં કવિ ચિત્કારી ઊઠ્યાઃ કયા પ્રચણ્ડ લયમાં

ઘૂમવા લાગી આ ધરિત્રી, કવિ,
જેના પર કશો અંકુશ નથી તારો,
નથી કાંઈ વશ?...

‘પ્રત્યંચાનો કમ્પ’માં ‘ભંગુર શાવતી’ નામે ભૂકમ્પ-કાવ્યનો એક વિભાગ છે. ભંગુરતાને શાવતી સાથે કવિતા વિના તો બીજું કોણ જોડી શકે! તેથી જ કદાચ ચિનુ મોદીને આ કાવ્યોમાં ‘શોકનું શ્લોકત્વ’ થતું જોવા મળ્યું. (‘પરબ’ જૂન-૨૦૧૩). કવિ સ્વયં આ કાવ્યો વિશે લખે છેઃ “ધરતીકમ્પના દિવસોમાં કાટમાળની વચ્ચે રઝળતાં જે જે જોવા મળ્યું તે ક્યાંક દૃશ્યરૂપે, ક્યાંક ક્રિયારૂપે, ક્યાંક ઉક્તિરૂપે તો ક્યાંક પ્રચ્છદપટ રૂપે અનાયાસ જ પ્રગટ થયું એમાં સંવેદન નિરૂપવાને બદલે જગવવાનું થયું છે, તો કોઈકમાં માનવવૃત્તિને સમજવાનું...” (‘શબ્દસૃષ્ટિ’ ઓક્ટો.-નવે.-૨૦૧૧) - “ભંગુર શાવતી’નાં કાવ્યોમાં આવી સંવેદન જગવવાની અને માનવવૃત્તિને સમજવાની ક્ષણો ઘનીભૂત થઈ છે. અહીં તો થોડાં ઈંગિતો માત્ર. પોતે જે કૉલેજમાં ચાર વરસ ભણ્યા અને ત્રીસ વરસ ભણાવ્યું એ ‘લાલન કૉલેજને (ભૂકમ્પ પછી) જોઈને’ - કવિની કલમમાંથી મંદાક્રાન્તાના સ્વરોમાં પોતાના મંદ આક્રંદને વહાવી દેતુ એક સૉનેટ ઝમ્યું. કૉલેજના એ ભગ્નાવેષોને જોતી, ઠરડાતી ચાલે ચાલતી કવિની લેખિની લખે છે

છૂટ્યા પ્હાણા કણકણ મહીં એમ વેરાઈ જાતા
તૂટી આ તો તડતડ થતી જાય આખી હયાતી...

કણકણ થતા આવશેષો અને તડતડ તૂટતી હયાતી! માત્ર કૉલેજ જ નહીં, કવિની ભીતર પણ ઘણું ભાંગ્યું છે જે કવિ પાસે લખાવે છેઃ

ભંડારેલી ક્ષણ સકલ આ ઊછળીને પડી છે
મારી કોઈ વિગત થઈ એકાદ એમાં કડી છે?

છંદોનો નાદ તો કવિને બહુ પ્રારંભથી જ લાગેલો. એમનાં અનેક કાવ્યોમાં વિવિધ રૂપે રમણ કરતો છંદોલય જોવા મળતો રહે છે. પણ સુવાંગ છંદોબદ્ધ કાવ્યો પ્રમાણમાં ઓછાં મળ્યાં છે. છેક ૧૯૮૦માં લખાયેલા ઈન્દ્રવજ્રાના લયહિલ્લોળમાં લહેરાતા સૉનેટ ‘અંધારનો સ્પર્શ’માં અંધારના સેન્દ્રિય રૂપો તાદૃશ થાય છે. ભૂકમ્પગ્રસ્ત લાલન કૉલેજ વિશેનું સૉનેટ તો આપણે જોયું. ‘શાહમૃગ’માં જુદા જુદા છંદોમાં એકી સાથે આઠ જેટલાં સૉનેટ જોવા મળે છે. એમાં આ પ્રયોગશીલ કવિ ‘સમીપે હું કોની’-માં

‘સમીપે હું કોઈ ખબર ન પડે કાંઈ જ મને’...

- એ પંક્તિને ગીતની ધ્રુવપંક્તિની જેમ પ્રયોજે છે. પ્રથમ ત્રણ ચતુષ્કલમાં દ્વિધાભાવને દૃઢાવી અંતે ‘કુમારસમ્ભવ’-ની પાર્વતી જેવી ‘न ययौ न तस्थौ’ ની સ્થિતિમાં મૂકાઈને લખે છેઃ

વટાવી જાઉં ના સ્થિર પણ રહું ના સ્થિતિ કઈ
સમીપે હું કોની ખબર ન પડે કાંઈ જ મને...

‘શાહમૃગ’-માં યુ.કે. પ્રવાસનાં કાવ્યોનું એક ગુચ્છ છે. એમાંથી ‘ડોરસેટ (યુ.કે.)માં શીતકાલીન સૂર્યોદય’- નો ઉઘાડ પણ જરા જોઈ લઈએઃ

ઓચિંતો આ ગહન નભથી છૂટતો તેજપુંજ
પૃથ્વીને એ સહજ અડકે તેની પ્હેલાં જુઓને,
ઝીલી લીધો તરત તરુએ મસ્તકે આમ કેવો
પાનેપાને સરક સરતો જો ત્વરાપૂર્ણ ચાલે!...

વર્ષ ૨૦૧૧નો રણજિતરાય સુવર્ણચંદ્રક સ્વીકારતી વેળાએ પ્રતિભાવમાં કવિએ કહેલું કેઃ “મારે મન શબ્દ કેવળ અભિવ્યક્તિગત નથી, અનુભૂતિગત પણ છે... મારો અનુભવ શબ્દના માધ્યમથી વ્યક્ત થાય છે એવું નહિ, શબ્દ મને અનુભૂત ક્ષણમાં લઈ જાય છે અને અંતે જતાં એક પ્રકારની શાંત કે આનંદરૂપ અવસ્થામાં મૂકે છે.” (‘શબ્દસૃષ્ટિ’: ફેબ્રુઆરી-૨૦૧૩)
ધીરેન્દ્ર મહેતાના કાવ્યોમાં પ્રસરેલી આવી અનુભૂત ક્ષણોમાંથી પ્રકટ થતું એમની કવિતાનું એક નિરાળું રૂપ અહીં સંક્ષેપમાં અંકિત કરવાનો પ્રયાસ કર્યો છે. ‘એકત્ર ફાઉન્ડેશન’નું આવા સંચયો/સંપાદનોનું સમુચિત આયોજન આનંદ પ્રેરે છે.

- રમણીક સોમેશ્વર
(ભુજ-કચ્છ)