ધીરેન્દ્ર મહેતાની કવિતા/ભૂકમ્પની પળ-વિપળ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૩.
ભૂ-કમ્પની પળ-વિપળ

આમ અચાનક
અરધા વાસે
ત્વરિત તીવ્ર ગતિએ
હાલકડોલક
ઊંચકનીચક
આડીતેડી
ભર્રર્રર્ર ભમ્મ...
ગોટેગોટા ધૂંઆધાર અંધ અવાજો...
કયા પ્રલમ્બ પ્રચણ્ડદ્રુત લયમાં
ઘૂમવા લાગી આ ધરિત્રી, કવિ,
જેના પર કશો અંકુશ નથી તારો,
નથી કાંઈ વશ?
ક્યો છે આ છંદ,
સર્વે યતિ - વિરામો
ઉછાળી - લોપીને
ઉતર-તળે કરી રહ્યો છે આ સૃષ્ટિ સારી!
બોલ, તું તે શી વસ!
ક્યો છે આ ઘોષ,
તુંથીયે અજાણ્યો,
ધરબી દીધી એણે તારી ભાષા,
ઊછળી પડ્યા છે શબ્દો
પથ્થર થઈને ક્યાંય
ચીસ-આક્રંદ-ચિચિયારી વચ્ચે,
કણસાટ સિવાય
હવે કયું છે વાહન તારી પાસે?
૨૩-૩-૦૧