ધીરેન્દ્ર મહેતાની કવિતા/શાહમૃગ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૮.
શાહમૃગ

હળવુંક હળવું
લગરીક ઊડવું
લઈને દેહ તણો આ ભાર...

હફડક કરતો
હેઠે પડતો દેહ
સાચવી એને મૂકવો પટ પર,
(ને) તોય
પંખીની ઓળખ લઈને જીવવું...

પાંખ?
પાંખ નામની
શા કામની?

અમે પહોંચીએ આકાશે?
-ના;
ભલે અમારી જાત પંખીની!
લોક ભૂમિનાં જો દેખે
તો અમે ઉચાળા ભરીએ
કોઈ અજાણ્યો ભય
અમારા પગે કરે સંચાર
ચક્કર તેજગતિનો
ચક્કરચક્કર ફરીએ...
હયાતી, તારો હોય આટલો ભાર!

એ ભાર ઉપાડી
આયખું આખું
દોડવું રે...
પણ કેટલું!

ઊડે છે ધૂળના ગોટેગોટા
વચાળે
રેતના ઢગલા
એમાં હફડક હફડક હફ્
ઢળકતી ડોક ઉપરથી ઢળતો
અમારા હોવાપણાનો ભાર
-એ જ અમારા સાચ તણો સ્વીકાર...
૩૦-૫-૨૦૧૨