નયન હ. દેસાઈની કાવ્યસંપદા/એક ખગોલીય ગઝલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એક ખગોલીય ગઝલ

છજા પર નથી કૈં આંખમાં ઊડે કબૂતર,
કબૂતરને પાંખો પાંખમાં સૂરજ મૂઠીભર.

બળે કાષ્ઠ થઈને પાંચ ક્ષણની એક કાષ્ઠા,
છતાં ના ધુમાડો આ સમય શું ગેસ-ચેમ્બર?

છજા પર હવે હું હાથમાં હું છું મૂઠીભર,
અને શબ્દ ઊડ્યા કલબલે છે કાવ્યનું ઘર.

સમયનું આ રણ છે, ત્રણ નિમિષની એક ક્ષણ છે,
અનાવૃત છાયા ચહુ દિશા ફેંકે છે પથ્થર,

કમાનો, બારીઓ, બારણે છાયાનો મેળો,
છજાં પરનો તડકો સાંજનો અપરાધ નક્કર?

સતત હું ઊડું છું, એક લવના વેધ ત્રણ છે,
મને પૂર્વ પશ્ચિમ છેદતા દક્ષિણ ને ઉત્તર.

ઝરૂખામાં એક સ્ત્રી, સ્તન ઉપર સુંવાળો તડકો,
ઝરૂખો ઝૂકે છે ઝૂકતાં પડછાયો ક્ષણભર.

ક્ષણોનું શયન છે, ત્રણ ઋતુનો એક અયન છે,
અણુ સળવળે છે બ્રહ્મ બ્રહ્માંડોની અંદર...