નરસિંહથી ન્હાનાલાલ/૪

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રેમાનંદ

નરસિંહ, મીરાં અને અખો – આ ત્રણેને ત્રાસ આપવામાં આવ્યો હતો – નરસિંહ અને અખાને ધાર્મિક અને સામાજિક ત્રાસ અને મીરાંને રાજકીય ત્રાસ. આ ત્રણે સંત-કવિઓ હતાં. આ ત્રણે ઊર્મિકવિઓ હતાં. એમની કવિતામાં આત્મલક્ષી સ્વાનુભવ હતો અને સમાજ સાથે સંઘર્ષ થાય એવું એમનું જીવન અને કવન હતું. એથી એમને ત્રાસ આપવામાં આવ્યો હતો. પ્રેમાનંદ સંત-કવિ ન હતા. એ ભટ્ટ પ્રેમાનંદ, વિપ્ર પ્રેમાનંદ હતા. એ આખ્યાનકાર-કવિ હતા. એમની કવિતામાં પરલક્ષી સર્વાનુભવ હતો અને સમાજ સાથે સંઘર્ષ થાય એવું એમનું જીવન અને કવન ન હતું. એથી એમને ધાર્મિક, સામાજિક કે રાજકીય એવો કોઈપણ ત્રાસ આપવામાં આવ્યો ન હતો. તો શું એમને કોઈ ત્રાસ ન જ હતો  એમને ત્રાસ હતો જ. એ ત્રાસ એમને ધર્મે, સમાજે કે રાજ્યે આપ્યો ન હતો. એ ત્રાસ સુલતાની ન હતો. એ ત્રાસ આસમાની હતો. એમને ભૂખ અને ગરીબીએ ત્રાસ આપ્યો હતો. એ આસમાની ત્રાસ અન્ય ત્રણે સુલતાની ત્રાસથી વધુ અસહ્ય હોય છે. ‘ઉદર અર્થે સેવ્યું નંદરબાર’ – એમનાં એકાધિક આખ્યાનોમાં એમણે ‘ઉદર અર્થે’, ‘ઉદર અર્થે’ એવો ઉલ્લેખ કર્યો છે અને એની પરાકાષ્ઠા છે ‘ઉદર અર્થે સેવ્યું નંદરબાર’. એમણે ઉદર અર્થે નંદરબાર સેવ્યું એનું શું કારણ હશે  એમણે આ પ્રશ્નનો ઉત્તર આપ્યો નથી. કોઈ કારણ તો હશેને  એમણે નંદરબાર સેવ્યું એ પૂર્વેના એમના જીવનમાં એનું કારણ હશે  એમનાં આખ્યાનોમાં એમના જીવન વિશેના કેટલાક ઉલ્લેખો છે. એથી એ અંગેની કેટલીક પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત થાય છે. પ્રેમાનંદનો જન્મ ૧૬૪૫માં વડોદરામાં વાડીમાં પિતા કૃષ્ણરામ ભટ્ટને ઘેર મેવાડા ચોવીસા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બ્રાહ્મણનું કુટુંબ એટલે અન્ય કોઈ વ્યવસાય હતો નહીં. એથી એમનો આખ્યાનકારનો – માણભટ્ટનો વ્યવસાય હતો. ૧૬૬૭માં એમણે એમની પ્રથમ કૃતિ ‘સ્વર્ગની નિસરણી’માં જ ઉદર નિમિત્તે નિસરણી એવો ઉલ્લેખ કર્યો છે. આમ, ૨૨ વર્ષની વયે એમણે આખ્યાન રચવાનો અને કથા કરવાનો આરંભ કર્યો હતો અને ૧૬૭૨ પૂર્વેનાં પાંચેક વર્ષોમાં એમણે ‘ઓખાહરણ’, ‘અભિમન્યુ-આખ્યાન’, ‘ચંદ્રહાસ-આખ્યાન’, ‘મદાલસા-આખ્યાન’ આદિ આખ્યાનો રચ્યાં હતાં અને એ આખ્યાનો વડોદરાના ચોક-ચોરામાં રાતના સમયે શ્રોતાવૃંદ સમક્ષ માણ સાથે મધુર કંઠે ગાઈને રજૂ કર્યાં હતાં અને શ્રોતાવૃંદનું મનોરંજન કર્યું હતું. છતાં વડોદરાનો ત્યાગ કર્યો અને નંદરબાર સેવ્યું એનું કોઈ કારણ તો હશેને  વડોદરામાં ઉદરનો અર્થ ન સર્યો હોય તો જ વડોદરાનો ત્યાગ કર્યો હોયને  અને નંદરબાર સેવ્યું તે પણ ઉદર અર્થે જ ને  વડોદરામાં આખ્યાનકાર તરીકે, માણભટ્ટ તરીકે સફળ હતા, શ્રોતાવૃંદમાં લોકપ્રિય હતા. એથી શ્રોતાવૃંદ દ્વારા અન્ન અને દ્રવ્ય તો પ્રાપ્ત થતું જ હશે. શ્રોતાવૃંદની ઉપેક્ષા કે ઉદાસીનતા, અવજ્ઞા કે અવગણના તો કારણ ન જ હોય. પછીથી નંદરબારમાં એમણે એક પછી એક વધુ ને વધુ સરસ અને સમૃદ્ધ આખ્યાનો રચ્યાં હતાં, એમની સર્જકપ્રતિભા વધુ ને વધુ પ્રગલ્ભ અને પરિણત થતી રહી હતી. એનું કારણ એમની વિત્તૈષણા, જયૈષણા કે લોકૈષણા પણ ન હોય એટલા એ આશુતોષ, અલ્પસંતોષી હતા. ઉદર અર્થે નંદરબાર સેવ્યું હતું એટલે અન્ય કોઈ એષણા ન હોય, માત્ર જિજીવિષા જ હોય. એમનાં આખ્યાનોમાં એમનાં સંસાર-પરિવાર, પત્ની સંતાનો વિશે કોઈ ઉલ્લેખ નથી. એથી ગૃહકલેશ પણ એનું કારણ ન હોય. શક્ય છે કે એ કાળમાં ગુજરાતમાં વારંવાર દુષ્કાળ થતો હોય. એથી ૧૬૭૨ અને ૧૬૮૦ની વચ્ચેના સમયમાં વડોદરાના વિસ્તારમાં લાગલગાટ બે-ત્રણ વર્ષ દુષ્કાળ થયો હોય અને, જેમ લંડનમાં પ્લેગ થયો એ સમયમાં શેક્સ્પિયરની નાટ્યપ્રવૃત્તિ સ્થગિત હતી તેમ, એ સમયમાં પ્રેમાનંદની આખ્યાનપ્રવૃત્તિ સ્થગિત હોય. દુષ્કાળમાં પોતે અને શ્રોતાવૃંદ સંકટગ્રસ્ત હોય એથી એમને શ્રોતાવૃંદ દ્વારા અન્ન અને દ્રવ્ય પ્રાપ્ત થયું ન હોય. વળી જેમ નરસિંહ, મીરાં અને અખો કોઈ સંપ્રદાયમાં ન હતાં તેમ પ્રેમાનંદ પણ કોઈ સંપ્રદાયમાં ન હતા. એથી એમને સંપ્રદાયની પણ સહાય ન હોય. અને અંતે એમણે વડોદરાનો ત્યાગ કર્યો હોય અને નંદરબાર સેવ્યું હોય. કોઈપણ મનુષ્ય કોઈ ગંભીર અને અનિવાર્ય કારણ વિના કુટુંબ, ગામ કે દેશનો ત્યાગ ન જ કરે. નિર્મૂળ થવું, નિર્વાસન કરવું, સ્થળાંતર કરવું એ જીવનનો એક કરુણમાં કરુણ અનુભવ છે. વડોદરામાં જીવન શક્ય હોત તો પ્રેમાનંદે વડોદરાનો ત્યાગ કર્યો જ ન હોત. નરસિંહે ભાઈ-ભાભીને કારણે તળાજાનો ત્યાગ કર્યો અને જૂનાગઢ ગયા, નાગરોને કારણે જૂનાગઢનો પણ ત્યાગ કર્યો અને માંગરોળ ગયા. મીરાંએ બે રાણાઓને કારણે મેવાડનો ત્યાગ કર્યો અને દ્વારિકા ગયાં. અખાએ મુખ્યત્વે વૈષ્ણવોને કારણે અમદાવાદનો ત્યાગ કર્યો અને ગોકુલ ગયા. એમના ત્યાગ માટે ગંભીર અને અનિવાર્ય કારણ હતું. પ્રેમાનંદે વડોદરાનો ત્યાગ કર્યો અને નંદરબાર ગયા એમાં શું ગંભીર અને અનિવાર્ય કારણ હતું  એ જે કારણ હોય તે, પણ એમણે જ ઉલ્લેખ કર્યો છે તેમ ‘ઉદર અર્થે સેવ્યું નંદરબાર’, એ તો નિશ્ચિત જ છે. ૧૬૮૦ની પૂર્વે, પાંત્રીસેક વર્ષની વયે પ્રેમાનંદે વડોદરાનો ત્યાગ કર્યો અને નંદરબાર ગયા. ૧૬૯૦માં એમણે ‘રણયજ્ઞ’માં ‘દેસાઈ મહેતા શંકરદાસે મુજને આગના દીધીજી.’ એવો ઉલ્લેખ કર્યો છે. નંદરબારમાં એમને શંકરદાસ દેસાઈનો આશ્રય પ્રાપ્ત થયો હતો. શંકરદાસ સુરતના અગ્રણી શ્રીમંત વ્યાપારી હતા. વધુ વ્યાપાર અર્થે તેઓ નંદરબારમાં વસ્યા હતા. એમણે પ્રેમાનંદને આશ્રય આપ્યો હતો. પ્રેમાનંદ અવારનવાર અન્ય સ્થળો  સુરત અને બુરહાનપુર–માં કેટલોક સમય વસ્યા હતા. પ્રેમાનંદ એટલા વ્યવહારુ કે એ અન્યત્ર ક્યાંય ન ગયા, એ સમયના સમૃદ્ધમાં સમૃદ્ધ પ્રદેશમાં ગયા. પછી એ ક્યારેય વડોદરા પરત થયા કે નહીં એ અંગે એમણે કોઈ ઉલ્લેખ કર્યો નથી. એથી એમ માનવું રહ્યું કે ૧૭૦૦માં ૫૫ વર્ષની વયે એમનું નંદરબારમાં અવસાન થયું હતું. આમ, ૧૬૮૦થી ૧૭૦૦ વીસેક વર્ષ એ આ સમૃદ્ધ પ્રદેશમાં વસ્યા હતા. ‘ઉદર અર્થે સેવ્યું નંદરબાર’ – આ પંક્તિના પૂર્વાર્ધમાં જે કારણ છે તે દુ:ખદ છે, પણ એના ઉત્તરાર્ધમાં જે સ્થળ છે તે સુખદ છે. અહીં એક અતિ સમૃદ્ધ સ્થળે આશ્રયદાતાની નિશ્રામાં એ સુખ અને શાંતિનું જીવન જીવ્યા હતા. એથીસ્તો એમણે એમનાં ઉત્તમમાં ઉત્તમ આખ્યાનો – ‘સુદામાચરિત્ર’, ‘મામેરું’ અને ‘નળાખ્યાન’ અહીં રચ્યાં હતાં. સમુદ્રતટ પાસેનો આ પ્રદેશ સમૃદ્ધ હતો, એટલું જ નહીં, પણ દેશવિદેશની અનેક પ્રજાઓ સાથેના પ્રત્યક્ષ પરિચયને કારણે અતિ સંસ્કારી હતો. એથી એમને અહીં રસરુચિમાં સમૃદ્ધ એવું શ્રોતાવૃંદ પ્રાપ્ત થયું હતું. એથી જ એમણે એ શ્રોતાવૃંદને યોગ્ય એવું પ્રશિષ્ટ આખ્યાન – ‘નળાખ્યાન’ – અહીં રચ્યું હતું. નંદરબારમાં પ્રેમાનંદ સુખ અને શાંતિનું જીવન જીવ્યા હતા. છતાં એમનાં ત્રણે ઉત્તમમાં ઉત્તમ આખ્યાનો – ‘સુદામાચરિત્ર’, ‘મામેરું’ અને ‘નળાખ્યાન’ – માં વસ્તુવિષય તરીકે ભૂખ અને / અથવા ગરીબીનું મહત્ત્વનું સ્થાન રહ્યું છે. એમણે એમનાં એકાધિક આખ્યાનોમાં ‘ઉદર અર્થે’, ‘ઉદર અર્થે’ એવો ઉલ્લેખ કર્યો છે. આ ત્રણે આખ્યાનોમાં જાણે કે ભૂખ અને ગરીબીએ એમનો પીછો પકડ્યો ન હોય! ભૂખ અને ગરીબી એમને છોડતી નથી, સતત છેડ્યા-છંછેડ્યા કરે છે. નરસિંહ, મીરાં અને અખાની જેમ પ્રેમાનંદ પણ કોઈ સંપ્રદાયમાં ન હતા, એથી એમને સંપ્રદાયની સહાય ન હતી. એવી સહાયની એમને અપેક્ષા કે અનિવાર્યતા પણ ન હતી. નરસિંહ અને મીરાંએ સ્વેચ્છાએ ગરીબીનો સ્વીકાર કર્યો હતો. અખાને સોનીનો સ્વનિર્ભર અને સ્થાયી વ્યવસાય હતો. પ્રેમાનંદને પણ આખ્યાનકારનો – માણભટ્ટનો વ્યવસાય હતો પણ એ શ્રોતાવૃંદ પર નિર્ભર હતો અને અસ્થાયી હતો. એથી એમને જીવનમાં ભૂખ અને ગરીબીનો અંગત અનુભવ થયો હોય તો આશ્ચર્ય નહિ! ભૂખ અને ગરીબીને કારણે તો મનુષ્ય આત્મઘાત કરે છે, માનવસમૂહો હિંસક ક્રાંતિઓ કરે છે. ભૂખ અને ગરીબી મનુષ્યજીવનમાં અને મનુષ્યજાતિના જીવનમાં એવો કરુણમાં કરુણ અનુભવ છે. ‘સુદામાચરિત્ર’માં સુદામા જ્ઞાની છે, ‘ઋષિ’ છે, પણ ગરીબ છે. એને ઘરમાં પત્ની અને દસ બાળકો છે એનું એને જ્ઞાન નથી, ઘરમાં ધાન-તાંદુલ-પણ નથી એનું એને ભાન નથી અને અજાચક્રવ્રત ધારણ કર્યું છે. ‘આ નીચાં ઘર, ભીંતડીઓ પડી, શ્વાન, માંજાર આવે ચડી!’ – એવું તો એનું ઘર છે. વળી ‘ત્રુટી સરખી ઝૂંપડી ને લૂંટી સરખી સુંદરી, સડ્યાં સરખાં છોકરાં તે ન મળ્યાં મુજને ફરી.’ – એવાં તો એ ઘરમાં પત્ની અને સંતાનો છે. ‘પછી દસ બાળક સુદામાને થયાં, રજે ધૂળે ભરિયાં, શીતળાએ અમીછાંટ નાંખ્યો, ઓછે અન્ને ઉછરિયાં’ – એમાં પ્રેમાનંદે એકસાથે એક આંખે હસાવે અને એક આંખે રડાવે એવું હાસ્ય-કરુણ-મિશ્રિત વર્ણન કર્યું છે. પત્નીના આગ્રહથી સુદામા મિત્ર કૃષ્ણની સહાય માટે દ્વારિકા જાય છે. દ્વારિકા જવાના માર્ગ પર, દ્વારિકામાં, કૃષ્ણના મહેલમાં અને અંતે દ્વારિકાથી પાછા સુદામાપુરી જવાના માર્ગ પર એ જે વિચાર અને વર્તન કરે છે એમાં એનો વિસ્મય અને રહસ્યનો અનુભવ પ્રગટ થાય છે. ‘મૂળગાના મારા તાંદુલ ગયા’ – એમાં ભૂખ અને ગરીબી મનુષ્યને કેવો દયનીય અને દીનહીન કરે છે એની પ્રતીતિ થાય છે. ‘ઋષિ જ્ઞાનઘોડે ચડ્યો, ધામ દેખી ભૂલો પડ્યો’ – સુદામા એવા જ્ઞાનઘોડે ચડ્યા કે ‘પર્ણકુટી મારી મૂળગી... ક્યાં ગઈ ’ એવો પ્રશ્ન કર્યો અને પછી કૃષ્ણના અનુગ્રહથી હવે એને સુવર્ણનું ધામ અને સ્વરૂપવતી પત્ની પ્રાપ્ત થયાં હતાં એને પામી શક્યો નહિ અને અણસમજ અને ગેરસમજને કારણે પત્નીને અને અન્ય સ્ત્રીઓને માટે ‘પાપિણીઓ, તમને પરમેશ્વર પૂછશે!’ એવું વિવેકહીન શાપવચન ઉચ્ચાર્યું એમાં ભૂખ અને ગરીબી મનુષ્યને કેવો શંકાગ્રસ્ત અને ભયગ્રસ્ત કરે છે એની પ્રતીતિ થાય છે. ‘મામેરું’માં ‘નીચાં મંદિર, નીપટ જૂનાં, માંહે ચરકલીના માળા’ – એવું નરસિંહનું ઘર છે. વળી ‘હૂંડી’માં પ્રેમાનંદે ઉલ્લેખ કર્યો છે તેમ ‘લૂલાં, ભૂલાં, અટુલિયાં, અપંગ, અંધ, બધિર, તે પડ્યાં ખાડે રામદાસિયા મહેતા તણે મંદિર’ – એવું નરસિંહના ઘરનું આંગણું છે. ‘સાલે સાલ જૂજવાં દીસે રથ તણાં’ અને એને ‘જોવા મળ્યું સરવ ગામ’ – એવી એમની વહેલ છે. પણ નરસિંહે તો, એમણે જ ગાયું છે તેમ, ‘હરિરસ ગાવા જે મળે ખાવા’  ગરીબીનો સ્વેચ્છાએ સ્વીકાર કર્યો હતો એથી સીમંતપ્રસંગે એ તો નિશ્ચિંત છે, પણ વડસાસુની પહેરામણીની યાદી પછી ‘ડોશીએ દાટ વાળ્યો રે’ તથા ‘પિતાજી, તમો ગામ પધારો, આંહી રહ્યે ઇજ્જત જાશે રે.’ મહેતોજી કહે  ‘પુત્રી મારી રહેજો તમે વિશ્વાસે રે, ડોશીએ સારું કીધું રે’ એમાં નરસિંહ તો વિશ્વાસને કારણે નિશ્ચિંત છે, પણ કુંવરબાઈને ગરીબીને કારણે પિતાની ઇજ્જતની ચિંતા છે. પ્રેમાનંદે કુંવરબાઈની આ ચિંતામાં ભારતના સમાજમાં આજે પણ કન્યાવિક્રયના કુધારાને કારણે ગરીબ માતા-પિતાની અસંખ્ય કન્યાઓની જે ચિંતા છે એને વાચા આપી છે. એમાં ગરીબી મનુષ્યના જીવનમાં કેવી કરુણતા સર્જે છે એની પ્રતીતિ થાય છે. ‘નળાખ્યાન’માં ભૂખ અને ગરીબીના અનુભવની કરુણતાની પરાકાષ્ઠા છે. નળ દ્યૂતમાં પરાજિત થાય છે પછી દમયંતી સાથે ત્રણ વરસ વનવાસમાં જાય છે. એક સમયનાં રાજારાણી હવે એક વસ્ત્રભેર સાત દિવસ સુધી ભૂખ્યાં ને તરસ્યાં વનમાં ભમે છે. જ્યારે મત્સ્ય અને બગનો પ્રસંગ થાય છે ત્યારે એમને ભૂખ અને ગરીબીનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. નળ એક સરોવરમાંથી ત્રણ મત્સ્ય લાવીને દમયંતીને સાચવવા સોંપે છે, પણ દમયંતીને દેવોનું સંજીવનીનું વરદાન છે એથી એના ‘અમૃતસ્રવિયા’ હાથનો સ્પર્શ થતાં જ મૃત મત્સ્યો સજીવન થાય છે અને સરોવરમાં અદૃશ્ય થાય છે. નળ દમયંતીના ‘અમૃતસ્રવિયા’ હાથ અંગેના સત્યનો અસ્વીકાર કરે છે. ભૂખી એવી આ સ્વાર્થી સ્ત્રી મત્સ્ય એકલી એકલી ખાઈ ગઈ એમ માને છે એથી શંકાગ્રસ્ત નળ દમયંતીને ચાર વાર ‘પાપણી’ એવું સંબોધન કરે છે. પછી નળ બગનો શિકાર કરવા જાય છે. ત્યારે નળ એનું વસ્ત્ર જાળ તરીકે બગ પર નાંખે છે. બગ એ વસ્ત્ર સાથે ઊડી જાય છે. નળ ખાલી હાથે નિર્વસ્ત્ર દશામાં પાછો આવે છે. પછી રાતે બંને એક વસ્ત્રમાં નિદ્રાધીન થાય છે. નળને ‘દુષ્ટ દમયંતી એ પાપણી... કો સમે માહરો કરે આહાર’  એમ ભયગ્રસ્ત અને શંકાગ્રસ્ત નળ વસ્ત્ર છેદીને મધરાતે અર્ધવસ્ત્રમાં દમયંતીનો ત્યાગ કરે છે. પુણ્યશ્લોક નળ જેવો નળ પણ ભૂખ અને ગરીબીને કારણે આવું અમાનુષી વચન ઉચ્ચારે છે અને આવું અનુચિત વર્તન કરે છે. પ્રેમાનંદ અહીં શ્રોતાવંૃદના મનોરંજન માટે આવો અતિશયોક્તિનો પ્રયોગ કર્યો છે એનાથી સજાગ અને સભાન છે. ‘રાયને ઉપજાવે એ કળિ’ – એમ નળના આ વચન અને વર્તન માટે કળિનું કર્તૃત્વ છે એવો નળનો પક્ષ કરે છે. છતાં આ વચન અને વર્તનના મૂળમાં ભૂખ અને ગરીબી જ કારણ છે. દમયંતીનો ત્યાગ કર્યા પછી ‘નળ જળ નયણે ભરે ને કરે વિવિધ વિલાપ’ – એમાં એનો પશ્ચાત્તાપ પ્રગટ થાય છે. અંતે એક સમયનો નૈષધનો રાજવી ઋતુપર્ણના અશ્વપાલ તરીકે બાહુકના વેશમાં દાસત્વનો સ્વીકાર કરે છે. નળે એનો ત્યાગ કર્યો પછી દમયંતી ‘વૈદર્ભી વનમાં વલવલે’, ‘ભૂલી ભમે છે ભામની’ – એમ વનમાં ભમતી-ભમતી, અનેક યાતનાઓ સહતી-સહતી માસી ભાનુમતીને ઘેર દાસી થાય છે. એના પર ઇન્દુમતીના હારની ચોરીનો આક્ષેપ થાય છે ત્યારે ‘હોે હરિ સત્ય તણા સંઘાતી, હરિ હું કહીંયે નથી સમાતી’ – નિર્દોષ એવી દમયંતીના એવા ઉદ્ગારમાં એની કરુણતાની પરાકાષ્ઠા પ્રગટ થાય છે. ચોરીનો અપવાદ એ મૃત્યુથીયે વધુ ક્રૂર અને કઠોર અનુભવ છે, વધુ અસહ્ય એવો અનુભવ છે. પ્રેમાનંદે આ ઉદ્ગારમાં માત્ર દમયંતીની વેદનાને જ નહિ, નારીમાત્રની – જગતની સૌ નારીની વેદનાને વાચા આપી છે. ‘સુદામાચરિત્ર’ને અંતે પ્રેમાનંદે આખ્યાનમાં અભિપ્રેત કે અનિવાર્ય નહિ એવી પરિશિષ્ટ જેવી એક પંક્તિ રચી છે, ‘પછી સુદામાના પુર વિશે ન રહ્યો દરિદ્રી કોય’ – એમાં માત્ર સુદામા જ નહિ, પણ સુદામાની પુરીમાં એક પણ દરિદ્રી ન રહેવો જોઈએ – સૌની ભૂખ અને ગરીબી જવી જોઈએ એવો આદર્શ પ્રગટ કર્યો છે. આજે ભારતમાં પચાસ કરોડ પ્રજાજનો નિરક્ષરતા, નિર્ધનતા અને નાદુરસ્તીનું જીવન જીવી રહ્યાં છે ત્યારે પ્રેમાનંદની આ પંક્તિ એ સમયે હતી એથીયે વધુ આજે પ્રસ્તુત છે. સુદામાપુરીના જ ગાંધીજીનો સર્વોદયનો આદર્શ પ્રેમાનંદે આ પંક્તિમાં પ્રગટ કર્યો છે.