નરસિંહથી ન્હાનાલાલ/૯

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કેશવ હર્ષદ ધ્રુવ

કેશવ હર્ષદ ધ્રુવ અને હરિ હર્ષદ ધ્રુવ બે સગા ભાઈઓ. કેશવલાલ હરિલાલથી વયમાં ત્રણ વર્ષ નાના. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જેમ દલપતરામ અને ન્હાનાલાલનું – પિતા-પુત્રનું સવાસો વર્ષનું અર્પણ છે, તેમ હરિલાલ અને કેશવલાલનું – બે બન્ધુઓનું આઠ દાયકાનું અર્પણ છે. કોઈપણ ભાષાના સાહિત્યમાં આવું પિતા-પુત્રનું અને બે બંધુઓનું દીર્ઘકાલીન અર્પણ વિરલ છે. હરિલાલે મુખ્યત્વે કવિતાનું મૌલિક સર્જન કર્યું છે, તો કેશવલાલે પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત કવિઓ અને નાટ્યકારોનાં કાવ્યો અને નાટકોનું અનુસર્જન કર્યું છે અને મધ્યકાલીન ગુજરાતી કવિઓનાં કાવ્યોનું સંશોધન-સંપાદન કર્યું છે. કેશવલાલ હર્ષદરાય ધ્રુવનો જન્મ ૧૮૫૯ના ઑક્ટોબરની ૧૭મીએ સાબરકાંઠા જિલ્લાના દહેગામ તાલુકામાં બહિયલ ગામમાં થયો હતો. નાનપણમાં જ તેઓ અમદાવાદમાં વસ્યા હતા. ૧૮૭૬માં તેઓ મૅટ્રિક અને ૧૮૮૨માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. થયા હતા. ૧૮૮૨માં તેઓ અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક તરીકે અને પછી અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલ હાઈસ્કૂલમાં પ્રથમ શિક્ષક તરીકે અને ૧૯૦૮માં હેડમાસ્તર તરીકે નિયુક્ત થયા હતા. ૧૯૧૫માં તેઓ હેડમાસ્તર-પદેથી નિવૃત્ત થાય હતા અને પછી અમદાવાદમાં ગુજરાત કૉલેજમાં ગુજરાતીના સર્વપ્રથમ અધ્યાપક તરીકે નિયુક્ત થયા હતા. ૧૯૩૪માં તેઓ અધ્યાપકપદેથી નિવૃત્ત થયા હતા. ૧૯૩૧માં એમણે મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ શીર્ષકથી પાંચ વ્યાખ્યાનો કર્યાં હતાં. ૧૯૨૦થી ૧૯૩૮ લગી, આયુષ્યના અંત લગી તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા)ના પ્રમુખપદે રહ્યા હતા. ૧૯૩૮ના માર્ચની ૧૩મીએ ૭૯ વર્ષની વયે અમદાવાદમાં એમનું અવસાન થયું હતું. ૧૮૮૩થી કેશવલાલે અંગ્રેજીમાં ‘Malayas of Mudrarakshas’ અને ‘The Age of Vishakhadatta’ તથા ગુજરાતીમાં ‘મુદ્રારાક્ષસ’ લેખોથી એમના સાહિત્યજીવનનો આરંભ કર્યો હતો અને ૧૯૩૨ લગી, લગભગ આયુષ્યના અંત લગી, સાડાચાર દાયકા લગી તેઓ એમની સંશોધન, સંપાદન અને અનુવાદની પ્રવૃત્તિઓ, ભાષા અને સાહિત્યના સંશોધન અને વિવેચન તથા કાવ્યસર્જનની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા. એમનાં સંશોધનો અને સંપાદનો છે : ભાલણકૃત ‘કાદંબરી’ –પૂર્વભાગ અને ઉત્તરભાગ’, ‘પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય’, રત્નદાસ-કૃત ‘હરિશ્ચન્દ્રાખ્યાન’ અને અખાકૃત ‘અનુભવબિંદુ’. એમનાં સંસ્કૃત કાવ્યોના અનુવાદો છે : અમરુકૃત ‘અમરુશતક’, જયદેવ-કૃત ‘ગીતગોવિંદ’ અને ‘છાયાઘટકર્પર’. એમનાં સંસ્કૃત નાટકોનાં અનુવાદો છે : ભાસકૃત ‘પ્રધાનની પ્રતિજ્ઞા’, ‘સાચું સ્વપ્ન’, ‘મધ્યમવ્યાયોગ’ અને ‘પ્રતિમા’, વિશાખદત્તકૃત ‘મેળની મુદ્રિકા’, હર્ષકૃત ‘વિન્ધ્યવનની કન્યકા’ અને કાલિદાસકૃત ‘પરાક્રમની પ્રસાદી’. એમનાં ભાષા અને સાહિત્ય વિશેનાં સંશોધન અને વિવેચનના સંગ્રહો છે ‘સાહિત્ય અને વિવેચન’ – ભાગ ૧-૨, એમનો પિંગળ વિશેનો ગ્રંથ છે ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના.’ કેશવલાલે એમનાં સંશોધનો, સંપાદનો અને અનુવાદો વિસ્તૃત અને વિગતપૂર્ણ પ્રસ્તાવનાઓ સાથે પ્રગટ કર્યાં છે. એમાં એમણે એમના સમયમાં જે સાધન-સામગ્રી ઉપલબ્ધ હતી એનો સંપૂર્ણ અને વિવેકપૂર્ણ ઉપયોગ કર્યો છે. એમાં એમણે એમના મૌલિક અભિગમથી કાવ્યો અને નાટકોનું વિશદ વિશ્લેષણ કર્યું છે અને કવિઓ અને નાટકકારો વિશે એમનાં સ્વતંત્ર મંતવ્યો, અભિપ્રાયો, અનુમાનો અને અર્થઘટનો પ્રગટ કર્યાં છે. જોકે એને માટે એમણે કોઈ કારણ કે આધારો કે આંતર-બાહ્ય પ્રમાણો રજૂ કર્યાં નથી. એમણે પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત કવિઓ અમરુ અને જયદેવનાં કાવ્યો તથા નાટકકારો ભાસ, વિશાખદત્ત, હર્ષ અને કાલિદાસનાં નાટકો વિશે તથા મધ્યકાલીન ગુજરાતી કવિઓ અખો, પદ્મનાભ, શ્રીધર, પ્રેમાનંદ અને રત્નેશ્વર તથા એમનાં કાવ્યો વિશે એમનાં સમય, સ્થળ, સમકાલીન સામાજિક અને રાજકીય ઇતિહાસ અને જનશ્રુતિના સંદર્ભમાં વિવેચન કર્યું છે. ૧૯૦૭માં એમણે બીજી ગુજરાતી સાહિત્યપરિષદના અધિવેશનમાં ‘વાગ્વ્યાપાર’ વ્યાખ્યાન કર્યું હતું. આ વ્યાખ્યાનથી એમણે એમના ગુજરાતી ભાષા વિશેના સંશોધનનો આરંભ કર્યો હતો. પછીથી એમણે ગુજરાતી ભાષાના સ્વરો, ઉચ્ચારો, શબ્દોની વ્યુત્પત્તિ આદિની લાક્ષણિકતાઓ અંગે સતત સંશોધન કર્યું હતું. આમ, ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં પણ એમનું મહત્ત્વનું પ્રદાન અને માનભર્યું સ્થાન છે. ૧૯૩૧માં એમણે મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ શીર્ષકથી પાંચ વ્યાખ્યાનો કર્યાં હતાં. એમણે ગુજરાતી સાહિત્ય પરિષદમાં ‘પદ્યરચનાના પ્રકારો’ નિબંધ રજૂ કર્યો હતો. એમાં એમણે ઋગ્વેદથી તે આજ લગીના પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત અક્ષરમેળ છંદો, મધ્યકાલીન પ્રાકૃત-અપભ્રંશ છંદો તથા ગુજરાતી માત્રામેળ, સંખ્યામેળ, લયમેળ છંદોની કાળક્રમે ઐતિહાસિક આલોચના કરી છે. એમાં છંદોની ઉત્પત્તિથી તે કયા સમયે કયા કવિઓએ કયા છંદોનો ક્યાં ઉપયોગ કર્યો, કયા કવિઓએ કયા છંદોનું ક્યાં મિશ્રણ, પરિવર્તન કે નવનિર્માણ કર્યું તે વિશે, કયા છંદોનો કયા રસ અને ભાવ સાથે સંબંધ છે તે વિશે, ગુજરાતી ભાષાના છંદોની શી વ્યવસ્થા છે તે વિશે અનેક ચર્ચાઓ છે. દલપત-નર્મદે ગુજરાતી ભાષામાં ‘દલપતપિંગળ’ અને ‘નર્મદપિંગળ’થી પિંગળના અભ્યાસનો આરંભ કર્યો હતો અને રામનારાયણ પાઠકના ‘બૃહદ્ પિંગળ’માં એની પરાકાષ્ઠા છે. આ આરંભ અને આ પરાકાષ્ઠાની વચ્ચે કેશવલાલનાં પિંગળ વિશેનાં આ વ્યાખ્યાનો સેતુરૂપ છે.

કેશવલાલના સાહિત્યજીવનની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ તો તે એમના પ્રાચીન પ્રશિષ્ટ કાવ્યો અને નાટકોના અનુવાદો છે. એમણે ‘મેઘદૂત’ના અનુવાદના આરંભે કહ્યું છે:

‘ગુર્જરી ને ગીર્વાણ ગિરાની પાંખે પાર પમાયા’

ગુજરાતી અને સંસ્કૃત બંને ભાષાઓ પર એમનું પ્રભુત્વ હતું. એમણે એ બંને ભાષાની પાંખે ઉડ્ડયન કર્યું છે. એ સવ્યસાચી અનુવાદક છે. મણિલાલ દ્વિવેદીએ એમના ‘ગીતગોવિંદ’ના અનુવાદ વિશે કહ્યું હતું, ‘આવું રસિક અને યથાર્થ ભાષાંતર અન્ય કોઈ વિદ્વાનથી ન થઈ શકત.’ એમના સૌ અનુવાદ વિશે પણ આવું વિધાન કરી શકાય. એમનો અનુવાદનો આદર્શ કવિ ભાલણ છે. એ વિશે એમણે કહ્યું છે, ‘એક રીતે અનુવાદમાર્ગમાં ભાલણ કવિ મારો ગુરુ છે.’ એમણે મૂળના પાઠને ‘તાછ, ઓપ અને સોનાગેરુના સંસ્કાર’ અર્પ્યા છે અને ‘અનુવાદને પ્રકાશને સંમાર્જિત કરતા રહી તેને શુદ્ધતર રમ્યતર બનાવવાનો પુષ્કળ પરિશ્રમ’ કર્યો છે. એમણે એમના અનુવાદોને ‘અનુસર્જન’ અથવા ‘સર્જનાત્મક પ્રતિનિર્માણ’ કહ્યા છે. આ અનુવાદો એક કલ્પનાશીલ, સંવેદનશીલ કાવ્યમર્મજ્ઞના અનુવાદો છે. એથી તેઓ એમની કલ્પનાના બળે મૂળ પ્રચલિત પાઠને સ્થાને મૌલિક પાઠ યોજી શક્યા છે, એમની સંવેદનાના બળે અસલ કાવ્ય કે નાટકના હાર્દમાં પ્રવેશી શક્યા છે, એમની કાવ્યમર્મજ્ઞતાના બળે સમશ્લોકી અનુવાદ અને અનુસર્જન કરી શક્યા છે, મૂળ કૃતિને ‘પુનર્નવા’ સ્વરૂપે પ્રગટ કરી શક્યા છે અને સૌથી વિશેષ તો આ અનુવાદો એમની વિદ્વત્તાની સાથેસાથે તેમની રસિકતાથી સમૃદ્ધ થયા છે. બલવન્તરાયે કહ્યું છે કે તેઓ ઘણુંબધું થઈ શક્યા હોત, પણ તેઓ અન્ય કંઈ ન થયા અને સ્વેચ્છાએ શિક્ષક થયા એ એમનો મોટો ત્યાગ હતો. મેઘાણીમાં મૌલિક સ્વતંત્ર સર્જકતા હતી, પણ એ એમણે લોકકથાઓ અને લોકગીતોના સંગ્રહ અર્થે સમર્પણ કરી હતી એ એમનો મોટો ત્યાગ હતો. કેશવલાલ પણ કવિ થઈ શક્યા હોત. એમનામાં મૌલિક સ્વતંત્ર સર્જકતા હતી, પણ એ એમણે સંશોધન, સંપાદન અને સવિશેષ તો અનુવાદને, અનુસર્જનને સમર્પણ કરી હતી એ એમનો મોટો ત્યાગ હતો. (ગુજરાત! તું સાંભળે છે કે ?)

કેશવલાલે મૌલિક સ્વતંત્ર કાવ્યસર્જન પણ કર્યું છે. એમની સમગ્ર સર્જકતા એમણે એમના અનુવાદોને અર્પણ કરી હતી એથી એમણે અલ્પસંખ્ય કાવ્યો જ રચ્યાં છે. નવરસનાં કાવ્યો અને નાટકોના આ અનુવાદકે એમના એક કાવ્યમાં જ્યારે ભરતભૂમિનું સ્તવન રચ્યું ત્યારે રસો વૈ સ: એવા બ્રહ્મરસે ભીના ઋષિવરોનું સ્મરણ કર્યું છે :

‘શું તે જ ભરતભૂમિ આ એ,
બ્રહ્મરસે ભીના ઋષિવરની
તે બ્રહ્મવેદી તે આ એ ?
શું તે જ ભરતભૂમિ આ એ ?
હા તે જ પુણ્યભૂમિ આ એ,
તે તપોવન જ તે આ એ.
વેદવ્યાસ પતંજલિ પાણિનિ,
કણાદ ગૌતમ ગર્ગ જૈમિનિ
કપિલ વાલ્મીકિ પરાશરાદિની
પ્રૌઢ વાણી જ્યાં હજીયે ઉત્સુક
કર્ણે નિત્ય પિવાયે
તે તે જ ભરતભૂમિ આ એ.’

કેશવલાલે કાવ્યો અને નાટકોના એમના કેટલાક અનુવાદોમાં અર્પણકાવ્યો રૂપે કેટલુંક મૌલિક સ્વતંત્ર કાવ્યસર્જન કર્યું છે, ‘ગીતગોવિંદ’માં ‘રસમુગ્ધચકોર’ અર્પણકાવ્ય છે :

‘કવણ રસિકતા જાણશે
રસિક હૃદયની
પરવશ દશા પ્રમાણશે
તન તન્મયની ?
કહીં ઇન્દુ સુધાસિન્ધુ ગગનમંડળે ?
કહીં રંક પંખી જ્યોતિઝંખી ભૂતળે ?
એ મધુર જ્યોતિના ધ્યાને
એ અમ્રતરસના તાને
એ અમીટ મીટના પાને
અવિચળ યોગ અમોઘ કવણ ઉર આણશે
સુભગ ભોગીનો ?
લય લવ કવણ પિછાણશે
નવલ યોગીનો ?

આ કાવ્યમાં ‘નવલ યોગી’ કેશવલાલ એમના અનુવાદના ‘અવિચળ યોગ’માં અમૃતરસના પાને નહિ પણ અમૃતરસના તાને તન્મય છે એમ કહીને એમણે એમની અમોઘ યોગસિદ્ધિનો નહિ પણ એમની યોગસાધનાનો મહિમા કર્યો છે એમાં એમની નમ્રતા પ્રગટ થાય છે. ‘પરાક્રમની પ્રસાદી’માં ‘કલમ કરનાર વનમાળીના ઉદ્ગાર’ અર્પણ કાવ્ય છે :

‘ને વૃન્દાવનના પ્રસિદ્ધ વનમાળીએ
મંથનના નવનીતરૂપ તરુ ભાળીને
પારિજાત સુરવનથી આણી પમરાવી કાંચનપુરી,
ત્યમ આ વિદ્યારણ્યતણા વનમાળીએ
રુચિર રસશાલિની
કલમ ગીર્વાણની
મોટીમોટી મંજરી નૂતન
બહલાવી બહલાવી મધુકણ
ફોરી ફોરી રજઘન વનવન,
મચવો અવનવી મોહિની.’

કેશવલાલનું કવિનામ હતું ‘વનમાળી’. જેમ વૃંદાવનના વનમાળી એવા એક કેશવે (કૃષ્ણે) સમુદ્રમંથનમાંથી જે રત્નરૂપી પારિજાત વૃક્ષ પ્રાપ્ત થયું તેને દ્વારિકામાં રોપ્યું હતું તેમ વિદ્યારૂપી વનના આ અન્ય વનમાળીએ (કેશવલાલે) ગીર્વાણ કાવ્યવૃક્ષની કલમ એ જ ગુર્જરભૂમિમાં રોપી છે એવી આત્મશ્રદ્ધાના આ કાવ્યમાં એમની નિષ્ઠા પ્રગટ થાય છે. કેશવલાલનાં મૌલિક સ્વતંત્ર કાવ્યસર્જનોમાં અને અનુવાદોનાં અનુસર્જનોમાં સંસ્કૃત કાવ્યપરંપરાની પ્રૌઢ બાનીનું ઓજસ છે, છંદ અને લયનું માધુર્ય છે, પ્રાસાનુપ્રાસનું લાલિત્ય છે, સંસ્કૃત તત્સમ શબ્દો તથા ગુજરાતી તદ્ભવ શબ્દો અને અલ્પપરિચિત-અપરિચિત એવા શબ્દોનું સાહચર્ય છે. એથી એમનાં કાવ્યો આસ્વાદ્ય અને આહ્લાદક થયાં છે.

ગુજરાત કૉલેજના સત્કાર-સમારંભ-પ્રસંગે એમણે પોતાને વિશે એક શ્લોક રચ્યો હતો :

‘શુદ્ધ શુદ્ધતર શુદ્ધતમે
બુદ્ધિ લુબ્ધ મમ મુગ્ધ ભમે!
રમ્ય રમ્યતર રમ્યતમે
કલ્પના રમતિયાળ રમે!’

કેશવલાલના જીવનમાં અને સર્જન-અનુસર્જનમાં એમની લુબ્ધ અને મુગ્ધ બુદ્ધિ શુદ્ધતમમાં જ ભમતી હતી અને એમની રમતીલી કલ્પના સદા રમ્યતમમાં જ રમતી હતી. કેશવ હર્ષદ ધ્રુવ એટલે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં નિષ્ઠા અને નમ્રતાની એક અનન્ય મૂર્તિ.