નવલકથાપરિચયકોશ/અસૂર્યલોક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૦૭

‘અસૂર્યલોક’ : ભગવતીકુમાર શર્મા
‘સૂર્યલોક’ : અસૂર્યલોકથી સૂર્યલોક ભણી ગતિ

– બિપિન આશર
Asurya lok.jpg

‘અસૂર્યલોક’, લેખક : ભગવતીકુમાર શર્મા, પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭, પાંચમી આવૃત્તિ : ૨૦૦૩, પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃષ્ઠ સંખ્યા : ૨૦ + ૫૦૦ = ૫૨૦, કિં. રૂા. ૨૨૫. શ્રી ભગવતીકુમાર શર્માએ ‘ઊર્ધ્વમૂલ’ પછી વાચકો અને વિવેચકોનું વિશેષપણે ધ્યાન ખેંચતી, સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત કરતી માત્ર બે જ માસમાં લખાયેલી અને ત્રણેક વાર પુનર્લેખન પામીને ‘જન્મભૂમિ પ્રવાસી’માં ધારાવાહી રૂપે પ્રગટ થયેલી, એકસો બે પૃષ્ઠોના દીર્ઘપટ પર વિસ્તરેલી ચાર પેઢીના અંધત્વને નિરૂપતી બૃહદ્ નવલકથા ‘અસૂર્યલોક’ આપી છે. ‘અસૂર્યલોક’માં આંખનું તેજ ગુમાવી દીધા પછી પણ આત્મબળ અને પ્રબળ પુરુષાર્ષથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમીને પોતાના જીવનને ઊર્ધ્વગામી બનાવતાં એક જ પરિવારની ચાર પેઢીનાં પાત્રો પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી અને હેલનકેલર જેવી મહાન વ્યક્તિઓનું સ્મરણ કરાવે છે. નેત્રવિહીન સ્થિતિમાંથી સર્જાતી વેદના અને અસૂર્યલોકથી સૂર્યલોક ભણી ગતિનું થયેલું કલાત્મક નિરૂપણ કરીને સર્જકે વૈયક્તિક વેદનાની પડછે વૈશ્વિક વેદનાને ઉપસાવવાનો સર્જકપ્રયાસ કર્યો છે. નવલકથામાં સાદ્યન્ત અંધત્વ તરફ ધકેલાતાં જતાં એક જ પરિવારની ચાર પેઢીનાં પાત્રો નિર્દેશાયેલાં હોવા છતાં મુખ્યત્વે તો બે પેઢી – નિગમશંકર અને તિલકનાં પાત્રો જ કેન્દ્રમાં રહ્યાં છે. નવલકથાના પૂર્વાર્ધમાં વિધિની વક્રતાએ આવી પડેલા અંધત્વને અતિક્રમી જનાર નિગમશંકરની વિદ્વત્તા, પુત્રપ્રેમ, જ્ઞાનદૃષ્ટિ અને પુસ્તકપ્રીતિને સરસ રીતે ઉપસાવી આપ્યાં છે. ઉત્તરાર્ધમાં – નિગમશંકરના મૃત્યુ પછી – માં ત્રીજી પેઢીનું પાત્ર – તિલક-કૃતિના કેન્દ્રમાં રહ્યું છે. અંધત્વ, પુસ્તકપ્રેમ, ગ્રંથાલયને સમૃદ્ધ કરવાનું સ્વપ્ન, જીવનસંગ્રામ, નેત્રવિહીન દશાને કારણે અનુભવાતી વેદના, પ્રબળ પુરુષાર્થ, દૃઢ આત્મવિશ્વાસ, જ્ઞાનપ્રાપ્તિની તીવ્ર ઝંખના, અભ્યાસપરાયણતા, વૈચારિક સંઘર્ષ અને ઉચ્ચ ભાવનાની દૃષ્ટિએ તિલકનું પાત્ર નિગમશંકરના પાત્રની થોડીઘણી સુધારેલી પુનરાવૃત્તિ જેવું લાગે છે. સર્જકે કૃતિમાં તિલકની બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધીનો દીર્ઘ જીવનકાળ નિર્દેશ્યો છે. આ બૃહદ્ કૃતિને ઘટનાવણાટ અને નિરૂપણરીતિના વૈવિધ્યની દૃષ્ટિએ તપાસીએ તો તેમાં ઘટનાઓના મુખ્યત્વે ચાર તબક્કાઓ જોવા મળે છે : એક, ભદ્રશંકરના વિલાસી જીવનથી તિલકના જન્મ સુધીનો પ્રથમ તબક્કો. આ તબક્કામાં ભદ્રશંકરનું વિલાસી જીવન, શીતળાના રોગથી નિગમશંકરને આવેલ અંધાપો, કાશી જઈને નિગમશંકરે બાર વર્ષના તપ પછી મેળવેલું જ્ઞાન, મોતિયાને કારણે ભદ્રશંકરને આવેલો અંધાપો અને અંતિમ શ્વાસ લેતાં તેઓએ કરેલું પ્રાયશ્ચિત્ત. ‘નવી મા’નું નિગમશંકર તરફ ઉદ્ભવેલું દૈહિક આકર્ષણ, નિગમશંકરે પોતાના આંતર્પ્રકાશથી ‘નવી મા’ને કરાયેલું ભાન, ‘નવી મા’ દ્વારા જ તેની ભાણી ભાગીરથી સાથે નિગમનાં થતાં લગ્ન અને બે વર્ષ પછી થતી પુત્રપ્રાપ્તિ – વગેરે ઘટનાઓને સર્જકે નિગમશંકરની સ્મૃતિમાં સળવળતી હોય એ રીતે નિરૂપી છે. બે, તિલકના જન્મથી નિમગશંકરના મૃત્યુ સુધીનો બીજો તબક્કો. આ તબક્કામાં તિલકના ઊર્ધ્વજીવનની કથા નિરૂપાઈ છે. ત્રણ, શહેરની લાયબ્રેરીમાં ગ્રંથપાલ તરીકે તિલકની થતી નિમણૂકથી આદિવાસી પ્રદેશમાં પીએચ.ડી.નું કાર્ય પૂરું કરતા તિલકને આવેલા સંપૂર્ણ ‘અંધાપો’ સુધીના પ્રસંગો નિરૂપાયા છે. જેમાં વર્ણનાત્મક અને સંવાદાત્મક રીતિનો ઉપયોગ થયો છે. ચાર, આંખની સારવાર માટે તિલકને મુંબઈની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યારથી માંડીને સત્યા દ્વારા મૂર્તિને પાટા બાંધવાની ધાર્મિક ક્રિયા કરાવવામાં આવે છે ત્યાં સુધીની – અર્થાત્ અંત સુધીની – ઘટના ચોથા તબક્કામાં મૂકી શકાય. નવલકથામાં અંધત્વ સાથે પ્રત્યક્ષપણે સંકળાયેલાં પાત્રો – ભદ્રશંકર, નિગમશંકર, તિલક અને પર્જન્ય – ઉપરાંત અન્ય કેટલાંક પાત્રો પણ વાચકનું ધ્યાન ખેંચે છે. જેમાં ‘નવી મા’, ભાગીરથીબા, સત્યા અને ઈક્ષા જેવા સ્ત્રીપાત્રોના જીવનમાં રહેલા કરુણાંશો સ્પર્શી જાય તેવા છે. આ સાથે ધાર્મિક વૃત્તિના ગોરધન શેઠ, તિલકને જીવનપ્રેરણા આપે તેવી ચર્ચા કરતા કવિ ચિંતક કૃષ્ણનું દ્વૈપાયન; અંધની લાકડી બનીને રહેતો નિગમશંકરનો શિષ્ય દુર્ગાશંકર, સંગીતપ્રિય રમાનાથ પંડિત અને તેના સિતારવાદક પુત્ર અભિજિત, આદિવાસીની નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા ડૉ. સજલ, તિલકના જીવનમાં પ્રત્યક્ષ રીતે આવીને કડવા-મીઠા અનુભવ કરાવી જનાર ડૉ. શ્રીધર તાંજોરકર, ડૉ. આલોક અને તેની પત્ની ડૉ. ગોરે; ડૉ. પિતાના ખૂન પછી ‘હું ડૉક્ટર બનીશ’ કહેતો ડૉ. સજલનો પુત્ર કૃતાર્થ, રાજકીય કાવાદાવા કરતા ખંધા બચુબાઈ, ‘શ’ પ્રધાન ઉચ્ચારણવાળા (‘શકાર’ના પાત્રનું સ્મરણ કરાવતાં) જડાવગૌરી, મામલતદાર ધીરજલાલ દેસાઈ, વૃદ્ધવયે પોતાની પુત્રી જેવડી છોકરીને પરણતા પ્રેમશંકર પૂજારી, ગ્રંથાલયમાં પેધી ગયેલો ગ્રંથપાલ જીવણલાલ અને પટાવાળા રઈજી મફત, ઈક્ષાનો ભૌતિકવાદી પતિ અજય વગેરે પાત્રોનું આલેખન વાસ્તવિક અને પ્રતીતિકર બન્યું છે. ‘અસૂર્યલોક’ એટલે અંધકારમય લોક. આ અંધકાર-અસૂર્યલોક માત્ર ચર્મચક્ષુ ગુમાવ્યાની સ્થિતિને કારણે જ સર્જાયો નથી. પરંતુ ભદ્રશંકરની વિષયાંધતા પણ અસૂર્યલોક સર્જે છે. હૃદયમાં વસેલા સ્વામીને ન પરણી શકતી સત્યાનું હળાહળથી ભરેલું જીવન પણ અસૂર્યલોકની પ્રતીતિ કરાવે છે. સેવાભાવી ડૉ. સજલની ખૂનની ઘટનામાં તત્કાલીન રાજકીય ક્ષેત્રમાં દૃષ્ટિગોચર થતા અસૂર્યલોકને અનુભવી શકાય. ગોરધન શેઠની તેજસ્વી આંખો જોઈને અંધ પતિની પત્ની ભાગીરથી ક્ષણભર વિચલિત થઈ જાય છે એ સ્થિતિ પણ અસૂર્યલોક પ્રતિ નિર્દેશ કરે છે. પ્રેમશંકર અને તેની સાથે તાલ મિલાવતા લોકોની રૂઢિચુસ્તતા અને અજ્ઞાન દશાને કારણે પણ અસૂર્યલોકનો અહેસાસ થાય છે. આમ, નવલકથાનાં પાત્રો અને પાત્રજીવન સંદર્ભે અસૂર્યલોકનું થતું અર્થવિસ્તરણ આસ્વાદ્ય બની રહે છે. આ નવલકથામાં સર્જકની મથામણ તો રહી છે અસૂર્યલોકથી સૂર્યલોક ભણી ગતિને નવલકથાસ્થ કરવાની. અંધકારથી પ્રકાશ તરફ, અજ્ઞાનથી જ્ઞાન તરફ, પાપથી પ્રાયશ્ચિત્ત તરફ, સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ, વિષયાંધતાથી હૃદયના શુદ્ધ પ્રેમ તરફ ગતિ કરતાં પાત્રો અને પાત્રજીવન જોતાં આ વિધાનની સાર્થકતા સમજાય છે. પાત્ર, પ્રસંગ, સ્થળ, સમય વગેરેની સંકલના તપાસતાં સર્જકે નિરૂપેલી અસૂર્યલોકથી સૂર્યલોક ભણી ગતિની સહેજેય પ્રતીતિ થાય છે. નવલકથામાં સર્જનાત્મક અને ચિંતનાત્મક ગદ્યનો સરસ રીતે વિનિયોગ થયેલો જોઈ શકાય છે. કાવ્યાત્મકતાનો પાશ લગાડતાં કેટલાંક આસ્વાદ્ય અને તાજગીભર્યા કલ્પનો તથા શબ્દપ્રયોગો ગદ્યને રમણીય બનાવે છે. જેમ કે : ‘મોગરાના ફૂલ જેવું વ્યક્તિત્વ’, ‘કપૂરની જેમ સ્મૃતિઓનું ઊડી જવું’, ‘વૈશાખી લૂ જેવો નિઃશ્વાસ’, ‘તડકાના નવા નવા ટાપુઓ, અંધકારના દરિયામાંથી ઉપર આવતા હતા’, ‘શબ્દ માત્ર ફીણના પરપોટા’ વગેરે કલ્પનો અને અલંકારો; ‘પાણીની કૂચ’, ‘લોહીઝાણ ચીસ’, ‘સૂરોનો અષાઢ’ ‘વિષાદનો પહાડ’ જેવા શબ્દગુચ્છો ગદ્યને તાજપ બક્ષે છે. કેટલાંક ચિંતનાત્મક વાક્યો ગદ્યને અર્થસમૃદ્ધ બનાવતાં નજરે ચડે છે. જેમ કે – ‘બીજાની વેદનાને આપણે અડી શકીએ તેમાં જ માણસ તરીકેની આપણી સાર્થકતા.’ (પૃ. ૫૬૮) ‘પ્રેમથી ચડિયાતો બીજો કોઈ પ્રકાશ નથી અને સ્નેહથી વધારે કોઈ સભરતા નથી આ દુનિયામાં.’ (પૃ. ૫૭૪) સર્જકે પ્રસંગોપાત્ત સાર્ત્રે, નિત્શે, કૃષ્ણમૂર્તિ જેવા દાર્શનિકોનાં વિચારબિન્દુઓને તથા વેદોપનિષદના વિભિન્ન મંત્રોને પણ નિરૂપ્યાં છે. તિલકના અંધાપાની વેદનાને વાચા આપવા માટે જે પ્રશ્નાર્થોથી ઊભરાતાં વાક્યો મૂક્યાં છે તે ગદ્યની વિશિષ્ટતાનાં દ્યોતક છે. જેમ કે – ‘કોણે ઓલવી નાખી આરતીને એકસો સાઠેય સગો? રાધાકૃષ્ણની મૂર્તિઓ પરનો ઝળાંઝળાં ઉજાસ કોણે સમેટી લીધો? સૂર્ય તો ક્યારનોયે ડૂબી ગયો હતો, પૂનમનો ચંદ્ર આકાશમાંથી પૃથ્વી પર તૂટીને ચૂરેચૂરા થઈ ગયો? અગ્નિનું ઝાખું અજવાળું પણ લુપ્ત?’ (પૃ. ૫૮૪) આ જ રીતે નિગમશંકર ક્ષરદેહે તો મૃત્યુ પામ્યા હતા પરંતુ એક વ્યક્તિ તરીકે એ ક્યારેય મૃત્યુ પામ્યા નથી તે વિચારને સર્જકે આ રીતે ગદ્યસ્થ કર્યો છે : ‘શું છે આ મૃત્યુ? એ શું લઈ ગયું? શું લેવા આવ્યું હતું? બાપુજીનું ખોળિયું? હા, એ હવે નથી, પણ તે સિવાયના સકળ બાપુજી અશેષપણે અનુભવી શકાય છે તેનું શું? મારામાં, બામાં, ઘરની હવામાં, શેષ રહેલાં પુસ્તકોમાં–પોથીઓમાં, તકિયાને થયેલા સ્પર્શમાં, લાકડીની મૂઠમાં, દેવમૂર્તિઓમાં, ઓટલા પરના થાંભલામાં, વાડાની માટીમાં, સંધ્યામાં વપરાતી આચમનની પ્યાલીમાં, દુર્ગાશંકરની અમરાભવાથી ઢળેલી આદોમાં, મારા ખભા પરના અસંખ્ય સ્પર્શોમાં, ભણકાતાં શબ્દોમાં...’ (પૃ. ૨૧૨) આ મનહર અને મનભર ગદ્યાંશ સર્જકની સર્જકપ્રતિભાનો એક અંશ છે. આ બૃહદ્ નવલકથા અનેક દૃષ્ટિએ સમૃદ્ધ અને આસ્વાદ્ય હોવા છતાં કલાત્મકતાની દૃષ્ટિએ તેમાં રહેલી નાનકડી ક્ષતિઓ અભ્યાસીઓની નજરે ચડ્યા વિના રહેતી નથી, સત્યાનાં પત્રો અને ઈક્ષાની ડાયરી નિરૂપણરીતિની દૃષ્ટિએ વૈવિધ્ય સૂચવે છે. પરંતુ નવલકથામાં પ્રતીતિકર લાગતાં નથી. ગ્રંથાલયના વિસ્તરણની અને આદિવાસીઓ વિશેના શોધનિબંધની વિગતો બીજી દૃષ્ટિએ આવકાર્ય અને આવશ્યક હોવા છતાં અહીં વધારે પડતી લાગે છે. આંખનું સંપૂર્ણ તેજ ગુમાવી દીધેલા તિલક સમક્ષ ઈક્ષા સાર્ત્રેનો ‘આંખોનું તેજ ગુમાવ્યાની વેદના’ને વ્યક્ત કરતો જ પેરેગ્રાફ વાંચે તે કંઈક ગોઠવેલું લાગે છે. મહાન કવિ કૃષ્ણ દ્વૈપાયનનું પ્રસંગોપાત્ત થતું આગમન પણ પ્રતીતિકર લાગતું નથી. અંતે તો તેઓનું આગમન સાવ નાટ્યાત્મકતાનો અહેસાસ કરાવે છે. પૃ. ૯૬ ઉપર તિલકને સત્યાની જે ચિઠ્ઠી મળે છે તેમાં ‘જોડણીની ખાસ્સી ભૂલો હતી’ તેવું નોંધીને ચિઠ્ઠીનાં વાક્યો દર્શાવાયાં છે, પરંતુ આ દર્શાવાયેલાં વાક્યોમાં પ્રયોજાયેલ શબ્દેશબ્દમાં ક્યાંય ભાષાકીય દોષ જોવા મળતો નથી! એ જ રીતે ‘જોડણીની ખાસ્સી ભૂલો’ કરનાર સત્યા તિલકને લાંબા સાહિત્યિક ભાષામાં પત્રો લખે છે તેમાં પણ ક્યાંય ભાષાકીય દોષ નજરે ચડતો નથી. આ અ-દોષ એ જ સર્જકની મર્યાદા છે!!! સમગ્ર દૃષ્ટિએ વિચારીએ તો સર્જકે વણખેડાયેલા અંધત્વના વિષયને બૃહદ્ વ્યાપમાં કલાત્મક રીતે વિકસાવીને જ સર્જકતાનો પરિચય કરાવ્યો છે તે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ચિરસ્મરણીય રહેશે એવી મારી દૃઢ શ્રદ્ધા છે.

બિપિન આશર
M-૧/૧૩, રુરલ હાઉસિંગ બોર્ડ, કાલાવાડ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫
વતન : કાલાવાડ, (જિ. જામનગર)
જન્મતારીખ : ૧૫ જૂન ૧૯૫૮
અભ્યાસ : એમ.એ., પીએચ.ડી. (૧૯૮૯)
વ્યવસાય : નિવૃત્ત અધ્યાપક, ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
શૈક્ષણિક અનુભવ : ૧૯૮૨થી ૨૦૨૦ : ૩૮ વર્ષ
સંશોધન પ્રોજેક્ટ : ૦૯
પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ : ૨૮
એમ.ફિલ.ના વિદ્યાર્થીઓ : ૯૧
રકાશિત પુસ્તક : ૫૭ (સંશોધન-વિવેચન-અનુવાદ-સંપાદન)
સેમિનાર/અધિવેશન : ૧૭૫
રિફ્રેશર/ઓરિએન્ટેશન કોર્ષમાં વ્યાખ્યાનો : ૭૦
વિવિધ કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વક્તવ્ય : ૧૦૦
આકાશવાણી/દૂરદર્શનના કાર્યક્રમો : ૩૦
ઍવૉર્ડ : ‘લોકસાહિત્ય ભણી’ પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક
નેટ/સ્લેટ/યુ.પી.એસ.સી.ની કામગીરી ૧૫ વર્ષથી.