નવલકથાપરિચયકોશ/સરસ્વતીચંદ્ર ભાગ-૪
‘સરસ્વતીચંદ્ર’ ભાગ - ૪ : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
ત્રીજા ભાગની તુલનાએ દળદાર હોવા છતાં ચોથા ભાગમાં કથાનો પ્રવાહ વધુ વેગવંતો બને છે. સુભદ્રા નદીમાં તણાયેલી કુમુદને ચંદ્રાવલીમૈયા બચાવે છે, અને મધુરી નામ પાડે છે. ત્યારબાદ વિદ્યાચતુરના કહેવાથી કુસુમને મિસિસ ફ્લૉરા દ્વારા અંગ્રેજી શિક્ષણ મળે છે અને તેને સ્વતંત્ર રાખવામાં આવે છે. કુસુમ અને તેની વિધવા કાકી સુંદર વચ્ચે લગ્નને લઈને ઘણી વાર સંઘર્ષ થાય છે. કુસુમ આજીવન ન પરણવાનું નક્કી કરે છે. પરંતુ ચોથા ભાગની સૌથી મહત્ત્વની ઘટના એટલે સરસ્વતીચંદ્ર અને કુમુદ સુંદરગિરિ પર (સૌમનસ્ય ગુફામાં) એક સાથે ચાર રાત્રિ વિતાવે છે તે. ત્યાં બંને વચ્ચે દિલ ખોલીને વાત થાય છે. બંને પવિત્ર સંબંધથી જોડાય છે, એક થાય છે. તેની સાથે આદર્શ રાજવ્યવસ્થા માટે પાંડવો અને દ્રૌપદીના રૂપક દ્વારા થયેલું વર્ણન, સરસ્વતીચંદ્ર તથા કુમુદને એકસરખાં આવતાં સ્વપ્નો, સ્વપ્નમાં દેશની પરિસ્થિતિનો રજૂ થયેલો ચિતાર, (જે અગાઉ પણ ચંદ્રકાન્તને લખાયેલા તેની પત્ની, ઉદ્ધતલાલ, તરંગશંકર વગેરેનાં પત્રોમાં પણ રજૂ થયો હતો), ચંદ્રકાન્તની પૂરી થતી મિત્રશોધ, કલ્યાણગ્રામ માટેનો સરસ્વતીચંદ્રનો વિચાર, કુમુદના કહેવાથી સરસ્વતીચંદ્ર સાથે લગ્ન કરતી કુસુમ વગેરે ઘટનાઓ ઘટે છે. નવલકથાને અંતે કુમુદ મુંબઈમાં સરસ્વતીચંદ્ર અને કુસુમને મળવા આવે છે. સરસ્વતીચંદ્રને આરતી આપવા આવેલી કુસુમ સરસ્વતીચંદ્ર તરફ આકર્ષાય છે, ત્યારે ‘ઘેલી મારી કુસુમ!’ એમ કહે છે અને નવલકથાની પૂર્ણાહુતિ થાય છે. ચોથો ભાગ અનેક રીતે વિશિષ્ટ બને છે. આગળના ત્રણ ભાગમાં મૂળકથાની સાથે અન્ય કથા પણ એટલી જગ્યા રોકે છે. જ્યારે અહીં સરસ્વતીચંદ્ર અને કુમુદ તથા કુસુમની મૂળકથા આગળ વધે છે, વિકસે છે. વળી, એમાં સુંદરગિરિની મનોહર સજીવસૃષ્ટિ અર્થાત્ સુંદરગિરિ પર રહેતા સાધુઓનાં પવિત્ર જીવન, આચાર અને વિચારનો રંગ એમાં ભળવા માંડે છે. સાધુઓના પ્રયત્નોને કારણે જ સરસ્વતીચંદ્ર અને કુમુદ સાથે રહે છે, વિચારવિમર્શ કરે છે અને કલ્યાણગ્રામની યોજના ઘડે છે. એમાં જ સરસ્વતીચંદ્રે શા માટે ગૃહત્યાગની સાથે કુમુદનો પણ ત્યાગ કર્યો એ પ્રશ્નનો નિવેડો આવે છે. અલબત્ત એ નિરાકરણ કૃત્રિમ લાગે છે. કારણ કે પહેલા ભાગમાં સરસ્વતીચંદ્ર કુમુદને અન્યનો હાથ ગ્રહણ કરવાનું સ્પષ્ટપણે જણાવે છે, જ્યારે અહીં તે કુમુદને કહે છે, કે “તમારી પ્રીતિ પ્રજ્વલિત હોય તો તમારી પાસે છતા થઈ તમારા પિતાને મળવું ધાર્યું હતું. એ તમારા વિવાહને અનુકૂળ થાત તો સીતાને લઈ રામ ગયા ને દમયંતીને લઈ નળ ગયો તેમ હું તમને સાથે લઈ જાત. તમારા પિતા તમને અનુકૂળ ન થયા હોત તો તમારું પ્રારબ્ધ નક્કી કરવા તમે સમર્થ થાત ત્યાં સુધી હું મારી ઈષ્ટ યાત્રામાં મગ્ન રહેત અને સમયપરિપાક થતાં તમને મારી સાથે લેવા આવત.” તેમ છતાં ચારેય ભાગના બધા કથાતંતુઓ માળાના મણકાની જેમ ગોઠવાઈ મુખ્ય પરિણામ સુધી પહોંચે છે. ગોવર્ધનરામના મનોરાજ્યમાં રહેલાં અપ્રતિમ વિચારો, કલ્પનાઓ, રસ, કલા અને ચિંતન મુખ્ય કથામાં, દૂધમાં સાકર ઓગળી એક થઈ જાય એમ એકરૂપ બની જાય છે.
‘સરસ્વતીચંદ્ર’ : અલાદ્દીનનો ચિરાગ (ભાગ ૧થી ૪) ૦ અનુવાદ ‘સરસ્વતીચંદ્ર’ - ભાગ : ૧ આલોક ગુપ્ત (હિન્દી), પદ્મસિંહ શર્મા ‘કમલેશ’ (હિન્દી), ત્રિદિપ સુહૃદ (અંગ્રેજી) ‘સરસ્વતીચંદ્ર’ - ભાગ : ૨ વીરેંદ્રનારાયણ સિંહ (હિન્દી), પદ્મસિંહ શર્મા ‘કમલેશ’ (હિન્દી), ત્રિદિપ સુહૃદ (અંગ્રેજી) ‘સરસ્વતીચંદ્ર’ - ભાગ : ૩ વીરેંદ્રનારાયણ સિંહ (હિન્દી), પદ્મસિંહ શર્મા ‘કમલેશ’ (હિન્દી), ત્રિદિપ સુહૃદ (અંગ્રેજી) ‘સરસ્વતીચંદ્ર’ - ભાગ : ૪ આલોક ગુપ્ત (હિન્દી), પદ્મસિંહ શર્મા ‘કમલેશ’ (હિન્દી), ત્રિદિપ સુહૃદ (અંગ્રેજી) ૦ ફિલ્મ સરસ્વતીચંદ્ર (હિન્દી) - દિગ્દર્શક : ગોવિંદ સરૈયા ગુણસુંદરીનો ઘરસંસાર (ગુજરાતી) - દિગ્દર્શક : ગોવિંદ સરૈયા ૦ ટેલિવિઝન શ્રેણી ‘સરસ્વતીચંદ્ર’ - સલીલ મહેતા ‘સરસ્વતીચંદ્ર’ - સંજય લીલા ભણસાલી બળવંતરાય ઠાકોરે ‘સરસ્વતીચંદ્ર’માં વસ્તુની ફૂલગૂંથણી’ વ્યાખ્યાન ‘સરસ્વતીચંદ્ર’ની વસ્તુસંકલના ખૂબ જ સુંદર રીતે સ્પષ્ટ કરી છે. તેઓ તો નવલકથામાં આડકથા કે ઉપકથા જેવું કંઈ છે જ નહીં એવું કહી દરેક કથાને મુખ્ય કથા જ માને છે, અને ‘પંચજૂટ જટાકલાપ’ કહી ઓળખાવે છે. એટલું જ નહીં, દરેક કથાના આદિ, મધ્ય, અંત અને નાયક, નાયિકા, ઉપનાયક, પ્રતિનાયક પણ છે, એ સ્પષ્ટપણે તારવી આપે છે. બીજી રીતે જોઈએ તો ગોવર્ધનરામ નવલકથાના દરેક ભાગમાં વર્તમાનમાંથી ભૂતકાળ અને ભૂતકાળમાંથી વર્તમાનમાં આવન-જાવન કરે છે. ટૂંકમાં કહીએ તો ‘સરસ્વતીચંદ્ર’માં લગભગ ત્રણ મહિનાનો કથાસમય નિરૂપાયો છે, એટલે પ્રસંગોનો ખડકલો એમાં વર્તાય છે. પરંતુ લેખક પ્રત્યક્ષ સમયગાળાને ઓછો કરવા માટે આગળ-પાછળ ગતિ કરીને કથાને વિસ્તૃત ફલક સુધી લઈ ગયા છે. બુદ્ધિધનની માતા-બુદ્ધિધન અને પ્રમાદધન, માનચતુર-વિદ્યાચતુર અને કુમુદ, નાગરાજ-મલ્લરાજ અને મણિરાજ, ઈશ્વરકોર- લક્ષ્મીનંદન અને સરસ્વતીચંદ્ર એમ ત્રણ-ત્રણ પેઢીનો સમય આ આગળ-પાછળની ગતિમાં ગોવર્ધનરામે કુશળતાપૂર્વક આવરી લીધો છે. નવલકથામાં સદેહે પ્રવેશ કરનાર લગભગ સો જેટલાં પાત્રો છે, જ્યારે ભૂતકાળની કથામાં, વર્ણનમાં નામોલ્લેખ થાય છે એવાં સાઠથી પણ વધુ પાત્રો છે. ઉપરાંત ટોળાંઓ, સૈનિકો, ગામલોકો વગેરેને પણ સરવાળામાં લઈએ તો ‘સરસ્વતીચંદ્ર’ની પાત્રસંખ્યા લગભગ બસોને આંબી જાય એટલી વિપુલ છે. વળી, ગોવર્ધનરામે દરેક પાત્રના ગુણ પ્રમાણે નામ રાખ્યાં છે. હરગોવિંદદાસ કાંટાવાળાની ‘અંધેરી નગરીનો ગધર્વસેન, એક ઉટાંગવાર્તા’ નવલકથા, ‘લલિતાદુઃખદર્શક’ નાટક, ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ ઉપરાંત ‘ભભકપૂર’ નામની નવલકથામાં પણ યથાગુણ તથાનામ જોવા મળે છે. જેમ કે, કર્કશા, કજિયાબાઈ, ગંડુપુરી, દુર્બળસિંહ, રૂઢિદેવી, ગુર્જરદાસ, અજ્ઞાન ભટ્ટ, જુમલેશ્વર, કપટચંદ્ર, અવિદ્યાદેવી, અબળસિંહ, નિષ્કપટીદાસ, ઘાલમેલભાઈ, ત્રોડફોડભાઈ, ધનદાસ, પ્રપંચભાઈ, ઉડાઉભાઈ... ‘સરસ્વતીચંદ્ર’ની પાત્રસૃષ્ટિ વૈવિધ્યવંતી અને અનેકરંગી છે. એટલે જ અનંતરાય રાવળ કહે છે, “આમાં સમાજના બધા થરના અને બધી સંસ્કારકક્ષાઓના માનવીઓ આવી જાય છે - એમાં રાજાઓ છે, તેમના અમલદારો, ભાયાતો, ગોરા સાહેબો અને તેમના શિરસ્તેદારો છે : શ્રીમંત કેળવાયેલાં ભાવનાશીલ યુવકયુવતીઓ છે. પત્રકારો, વિદ્વાનો, કવિઓ, સાધુઓ, અને બહારવટિયાઓ છે : મધ્યમ વર્ગની ગુજરાતણો પણ છે : મહેતાજી, જમાલ, ગાડાવાળો, ડોશી, મુર્ખદત્ત પૂજારી, રઘી, મેરુલો, વગેરે જેવાં નીચલા થરનાં પાત્રોય છે. ટૂંકમાં વિધિનિર્મિતિમાં જે કંઈ છે તેનું આ નવલકથાની દુનિયા પૂરતું પ્રતિબિંબ કે પ્રતિનિધિત્વ અહીં છે.” ગોવર્ધનરામે ભૂત, વર્તમાન અને ભાવિ એ ત્રણ પેઢીનાં પાત્રો, એમાં પણ વાસ્તવદર્શી અને ભાવનાદર્શી એમ બે પ્રકારનાં પાત્રો દ્વારા કથાને જીવંત કરી છે. એનું એક ઉદાહરણ જોઈએ. લક્ષ્મીનંદન, બુદ્ધિધન અને વિદ્યાચતુર એ ત્રણેયની માતા ભૂતકાળનાં પાત્રો છે. ગુમાન તથા સૌભાગ્યદેવી વર્તમાનકાળનાં વાસ્તવદર્શી પાત્રો છે. જ્યારે ગુણસુંદરી વર્તમાનકાળનું ભાવનાદર્શી પાત્ર છે. તો કુમુદ અને કુસુમ વર્તમાનમાંથી ભવિષ્યમાં સંક્રમણ દર્શાવનારાં ભાવનાદર્શી પાત્રો છે. આમાંનાં ઘણાં પાત્રોને ગોવર્ધનરામે કોઈ ને કોઈ વાસ્તવિક પાત્રોને આધારે ઉપજાવ્યાં છે એવા અનેક આક્ષેપો તેમના પર થયા છે. વળી, ગૌણ પાત્રોના આલેખનમાં પણ ગોવર્ધનરામે એટલી જ કાળજી રાખી છે. આટલી વિપુલ પાત્રસૃષ્ટિમાં કોઈ પણ પાત્રો સંપૂર્ણપણે અન્ય પાત્ર જેવાં નથી આલેખાયાં, જુદાં જ વ્યવહાર-વર્તનવાળાં રજૂ થયાં છે. એટલું જ નહીં, મહદંશે મોટાભાગનાં પાત્રોનો વિકાસ પણ થયો છે. એ અર્થમાં આ પાત્રોને વ્યક્તિવિશિષ્ટ જાતિચિત્રો કહી શકાય. બ. ક. ઠાકોર, જેવા તો આ પાત્રસૃષ્ટિથી અભિભૂત થઈ ગોવર્ધનરામની પાત્રાલેખનકળાની સમર્થતાનાં વખાણ કરતા થાકતા નથી. સરસ્વતીચંદ્રે ગૃહત્યાગ શા માટે કર્યો? એ પ્રશ્ન ગુજરાતી વિવેચનમાં અનેક વિદ્વાનોએ કર્યો છે. એનો જવાબ પણ આપ્યો છે. સરસ્વતીચંદ્રએ પ્રજાનું કલ્યાણ કરવું હતું, વિદ્યાર્થી મટી અનુભવાર્થી બનવું હતું અને બાળપણથી જ એનું મન વૈરાગ્ય તરફ ઝૂકેલું જ હતું એટલે તે ગૃહ તથા ગૃહિણીનો ત્યાગ કરે છે. નવલકથાના ચોથા ભાગમાં કુમુદ એને પૂછે પણ છે, કે શા માટે, કયા વાંકે તેણે આવું પગલું ભર્યું? ત્યારે સરસ્વતીચંદ્ર કુમુદના ત્યાગ પાછળ બે કારણો રજૂ કરે છે. એક તો તેને એમ લાગ્યું કે કુમુદ પોતાના ઘરમાં આવી સુખી નહીં થઈ શકે. અને બીજું, કુમુદનાં માતા-પિતાએ પોતાને લક્ષ્મીવાન પિતાનો ગૃહસ્થ પુત્ર ગણી સગાઈ કરી હશે, પોતે એ ગૃહ તથા લક્ષ્મીનો ત્યાગ કરે છે એ તેમને કદાચ નહિ ગમે અને તેમને તેમના વાગ્દાનના ઋણમાંથી મુક્ત કરવાના વિચારથી પણ કુમુદનો ત્યાગ કરે છે. વળી જો સરસ્વતીચંદ્રે ગૃહત્યાગ ન કર્યો હોત તો નવલકથા પણ આગળ વધી ન હોત. એના ગૃહત્યાગને કારણે જ નવલકથા વિસ્તરે છે, વિકસે છે. તે જ્યાં જ્યાં જાય છે તે-તે સ્થળનો, ત્યાંની વ્યક્તિઓનો ઇતિહાસ પણ જાણવા મળે છે. ગોવર્ધનરામની શૈલીમાં પંડિતયુગની સ્પષ્ટ છાયા ઝિલાઈ છે. એટલે પંડિતયુગની સાહિત્યભાવના સમજવી પણ જરૂરી છે. રસની સાથે જ્ઞાન આપવું, આનંદની સાથે શ્રેષ્ઠ જીવનનાં આંદોલનો જગાડવાં, ક્યારેક રસ કે આનંદનો ઓછોવત્તો ભોગ આપવો, પણ જ્ઞાન તો અવશ્ય આપવું જ જોઈએ એ પંડિતયુગની સાહિત્યભાવના હતી. ગોવર્ધનરામે નવલકથાની પ્રસ્તાવનાનામાં આ સાહિત્યભાવના રજૂ કરી જ છે, ‘સુંદર થવું સ્ત્રીનું તેમ જ નવલકથાનું લક્ષ્ય છે, પરન્તુ એ લક્ષ્યની સંપત્તિ તે માત્ર કોઈ બીજા ગુરુતર લક્ષ્ય પામવાનું પગથિયું છે - એ પગથિયે ચડીને પછી ત્યાં અટકવાથી તે ચડવું નકામું થાય છે - હાનિકારક પણ થાય છે’ અને એ પ્રમાણે ‘મનભર’ નવલકથાનું સર્જન ગોવર્ધનરામ કરે છે. એમાં એમની શૈલીમાં પંડિતો જેવું અઘરાપણું પણ છે અને સરળતા પણ છે. અલબત્ત સાદી, સંકુલ વાક્યરચનાઓ તેમની શૈલીનું આકર્ષક અંગ છે. ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’માં માત્ર ચિંતન જ રજૂ કર્યું નથી. પરંતુ આદર્શ ગ્રામ, આદર્શ પ્રેમ, આદર્શ રાજા, આદર્શ રાજવ્યવસ્થા, આદર્શ મંત્રીઓ, આદર્શ ગૃહિણી અને આદર્શ મિત્રનો પણ પરિચય કરાવ્યો છે. સૌમનસ્ય ગુફામાં સરસ્વતીચંદ્ર અને કુમુદ ચાર રાત્રિ સાથે ગાળે છે. એમાં થયેલી ચર્ચા-વિચારણા, સંગત સ્વપ્ન દ્વારા જોયેલી દેશની પરિસ્થિતિ અને મંથનને પરિણામે સરસ્વતીચંદ્ર કલ્યાણગ્રામ સ્થાપવાની ઇચ્છા વ્યક્ત કરે છે. તેની ઇચ્છા પ્રમાણે દેશમાં પ્રાપ્ય હોય તેટલાં શિક્ષણ, અનુભવ અને શક્તિ, કારીગરો અને કલાવાનોને કલ્યાણગ્રામમાં વસાવવા તથા પોત-પોતાના વિષય અને કાર્યમાં આંતરસૂઝ અને સ્વાશ્રયથી વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરે તે માટે તેમને પ્રોત્સાહન આપવું. અર્થાત્ તે લેખકો, વિદ્વાનો, ચિંતકો, કલાકારો વગેરેને આજીવિકાની ચિંતામાંથી મુક્ત કરી, તેમને કલ્યાણનાં કાર્યોમાં પ્રેરિત કરી દેશને ઉન્નત, સુખી અને સમૃદ્ધશાળી બનાવવા માંગે છે. સરસ્વતીચંદ્ર આ ચિંતકો અને કલાકારો દ્વારા એક નવી જ સંસ્કૃતિ જન્માવવાનું એક સુંદર સ્વપ્ન સેવે છે અને એ રીતે તે ‘સ્વ’માંથી ‘સર્વ’ તરફ ગતિ કરે છે તથા લોકકલ્યાણમાં જ પોતાનું કલ્યાણ માને છે. સરસ્વતીચંદ્ર અને કુમુદનો પવિત્ર પ્રેમ આ નવલકથાની મુખ્ય કથાવસ્તુ છે. તેમના શુદ્ધ પ્રેમને કારણે જ તે બંનેને સાધુજનો પણ પોતાના મઠમાં સ્થાન આપે છે. સરસ્વતીચંદ્ર વિષ્ણુદાસ બાવાનો અને કુમુદ ચંદ્રાવલી મૈયાની પ્રીતિપાત્ર બને છે. કુમુદને માટે જ સરસ્વતીચંદ્ર પિતાનું ઘર છોડે છે, અને જ્યારે એને ખુદ કુમુદ મુંબઈ પાછા જવા કહે છે, ત્યારે પોતાના કારણે કુમુદને દુઃખ વેઠવું પડે છે એમ વિચારી તે મુંબઈ પાછો જતો નથી. કુમુદ પણ સરસ્વતીચંદ્રના પત્રો સાચવીને રાખે છે અને જ્યારે એ પત્રો બાળે છે ત્યારે પણ પોતાનાથી જુદા કરી શકતી નથી. એની રાખ એક શીશીમાં ભરીને રાખે છે. રામાયણમાં રામ પ્રજાજનોના કહેવાથી સીતા પર શંકા કરે છે એટલે પોતાની પવિત્રતા માટે સીતાએ અગ્નિપરીક્ષા આપવી પડે છે. પરંતુ અહીં સરસ્વતીચંદ્રને મન કુમુદ પરગૃહવાસી થયા પછી પણ પવિત્ર અને નિર્દોષતાની મૂર્તિ સમાન છે. તો આ બાજુ નવલકથાને અંતે રાષ્ટ્રના કલ્યાણમાં પોતે સરસ્વતીચંદ્રને મદદરૂપ થવાને બદલે મુશ્કેલી સર્જશે એમ વિચારી કુમુદ પોતાની નાની બહેન કુસુમને સરસ્વતીચંદ્ર સાથે લગ્ન કરવા તૈયાર કરે છે. તે પોતાને અપવિત્ર માને છે, એટલે કુસુમને કહે છે, “તારી કુમુદ સંસારની દૃષ્ટિએ કલંકિતા થઈ છે, એ ફૂલ હવે નિર્માલ્ય થયું છે, એનો સુગંધ એમાંથી લેવાઈ ગયો છે ને બીજા દેવને એકવાર ધરાવેલું નૈવેધ આ મહાત્મા ધરશે તો લોકની દૃષ્ટિમાંથી એ મહાત્માનું માહાત્મ્ય ઊતરી જશે.” જૉસેફ મેકવાને એમની નવલકથા ‘આંગળિયાત’માં મેઠીના મુખે લગભગ આવા જ શબ્દો મૂક્યાં છે. નવલકથાને અંતે પણ કુસુમ સરસ્વતીચંદ્રનું મુખ નિહાળી તેને ચુંબન કરવા જાય છે ત્યારે કુમુદના પવિત્ર પ્રેમની વધુ એક સાબિતી મળે છે. કુમુદને તેની કોઈ ઈર્ષ્યા થતી નથી, ઊલ્ટાનું તે ‘ઘેલી મારી કુસુમ’ કહી ખુશ થાય છે. ગોવર્ધનરામે આદર્શ રાજા કેવો હોય તે મલ્લરાજ-મણિરાજ અને ભૂપસિંહ દ્વારા બતાવ્યું છે, અને બુદ્ધિધન અને વિદ્યાચતુર દ્વારા આદર્શ મંત્રીઓનો પરિચય કરાવ્યો છે. પાંડવો અને દ્રૌપદીના રૂપક દ્વારા આદર્શ રાજવ્યવસ્થાની વાત કરી છે. આદર્શ ગૃહિણી કેવી હોય એ જાણવું હોય તો નવલકથાનો બીજો ભાગ વાંચવો પડે. ગુણસુંદરી જે રીતે લાંબા-પહોળા સંયુક્ત કુટુંબને સાચવે છે તે અકલ્પનીય છે. એ પોતાની ઇચ્છાઓ મારીને પણ ભિન્ન ભિન્ન પ્રકૃતિનાં સાસુ-સસરા, જેઠ-જેઠાણી, નણંદ-નણદોઈ, તેમનાં સંતાનો વગેરેનાં મન રાખે છે. એટલું જ નહીં પણ પોતાને વેઠવી પડતી મુશ્કેલીઓ વિશે વિદ્યાચતુરને સહેજ પણ જાણ થવા દેતી નથી. આદર્શ મિત્ર એટલે ચંદ્રકાન્ત. સરસ્વતીચંદ્ર ગૃહત્યાગ કરે છે, ત્યારનો ચંદ્રકાન્ત પણ પત્ની અને દીકરીને મૂકી તેને શોધવા નીકળી પડે છે. તે ગરીબ છે, ઘરેથી પત્રો આવે છે કે પત્ની બીમાર છે, બચવાની ઓછી શક્યતાઓ છે. છતાં મિત્રપ્રેમી ચંદ્રકાન્ત ઘરે જતો નથી. તે અનેક મુશ્કેલીઓ વેઠે છે, બહારવટિયાઓને હાથે લૂંટાય છે, છતાં હાર માનતો નથી. છેવટે તે પોતાના મિત્રરત્નને શોધવામાં સફળ થાય છે અને મુંબઈ પાછો લઈને જ આવે છે. એ રીતે ચંદ્રકાન્ત એક આદર્શ મિત્રનું ઉદાહરણ પૂરું પાડે છે. નવલકથામાં આ બધી આદર્શોની ગૂંથણી થઈ હોવા છતાં તેમાં ઘણું એવું છે, જે કંટાળાજનક લાગે છે. પહેલા બે ભાગ વાંચવામાં જે આનંદ આવે છે એ ત્રીજા ભાગમાં ઓસરી જાય છે. નવલકથા એકદમ સ્થિર થઈ જાય છે. ત્રીજા ભાગમાં રત્નનગરીના રાજકારણની અને મણિરાજની આગલી બે પેઢીની કથા મૂળ કથામાં વિક્ષેપ કરે છે. અલબત્ત એના આલેખન પાછળ ગોવર્ધનરામનો ઉદ્દેશ્ય જુદો જ છે એ નોંધવું જોઈએ. ઉપરાંત ગોવર્ધનરામ અન્ય કથાઓ કહેવામાં એવા તો મશગૂલ થઈ જાય છે, કે સરસ્વતીચંદ્ર અને કુમુદની મુખ્ય કથા બાજુ પર રહી જાય છે. જોકે એની પાછળનો ગોવર્ધનરામનો ઉદ્દેશ્ય પણ જાણવો જરૂરી છે. તેઓ માત્ર મનોરંજક કથા કહેવા માંગતા નથી, પણ ભારતીય સંસ્કૃતિના સંક્રાંતિકાળ અર્થાત્ અર્વાચીન પશ્ચિમ, પ્રાચીન ભારતીય અને અર્વાચીન ભારતીય સંસ્કૃતિનું દર્શન રજૂ કરવા માંગે છે. અને એ દર્શન વિશિષ્ટ વા વિલક્ષણ છે. ને એટલે જ નવલકથાનાં વખાણ કરતા શિરીષ પંચાલ નોંધે છે : “પંડિતયુગના કથાસાહિત્યમાં જ નહીં, સમગ્ર ગુજરાતી નવલકથાસાહિત્યમાં એટલું જ નહીં; સમગ્ર અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં અને હજી ઉમેરું? કોઈ પ્રાંતીય અભિમાનથી પ્રેરાઈને નહીં, તટસ્થતાથી - એ સમયે પ્રગટ થયેલા સમગ્ર ભારતીય કથાસાહિત્યમાં પણ આ કૃતિ અણમોલ રત્ન સમી હતી.”
ડૉ. રાઘવ એચ. ભરવાડ
ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
મો. ૮૮૬૬૩૮૩૪૩૩
Emailઃ raghavbharvad૯૩@gmail.com