નવલકથાપરિચયકોશ/હિંદુસ્થાન મધ્યેનું એક ઝુપડું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

‘હિંદુસ્થાન મધ્યેનું એક ઝુંપડું’
ગુજરાતી અનુ. સોરાબશાહ દાદાભાઈ મુનસફના

‘હિંદુસ્થાન મધ્યેનું એક ઝુંપડું’ – ગુજરાતી ભાષાની મહત્ત્વપૂર્ણ અનુદિત દાર્શનિક નવલકથા

– અજય રાવલ
1-hindustan 01.jpg
ગુજરાતીમાં અનુવાદ : સોરાબશાહ દાદાભાઈ મુનસફના(૧૮૬૨)
Indian Cottage. or, A Search after truth translated from French, W. Lane

મૂળ ફ્રેંચ લેખક Jacques Henri Bernardin De Saint Pierre (૧૭૩૭-૧૮૧૪) અને મૂળ ફ્રેંચ કૃતિનું નામઃ ‘La Chaumiere Indinne’ year of publication ૧૭૯૦ ફ્રેન્ચ લેખક ઝાકહેન્રી બર્નાર્ડિનદ સેન્ટપિયર (જન્મ : ૧૯ જાન્યુઆરી, ૧૭૩૭ – અવસાન : ૨૧ જાન્યુઆરી, ૧૮૧૪) અભ્યાસ સિવિલ એન્જિનિયર ૧૭૫૯માં, પછી ૧૭૬૦માં એન્જિનિયર થયા. તેઓ વ્યવસાયે વનસ્પતિશાસ્ત્રી હતા પણ ફિલસૂફીમાં અને ઇજનેરીમાં રસ. ૧૭૬૫માં પેરિસ ખાતે રહ્યા પછી ૧૭૬૮ના ફેબ્રુઆરીમાં કેપ્ટન -એન્જિયર ઑફ કિંગ તરીકે આયલેન્ડ-ઑફ-ફ્રાન્સ (આજનું મોરેશિયસ) પહોંચ્યા. આ મુસાફરી અને ૧૭૭૦ સુધી ત્યાં વસવાટ તેમને લેખક બનાવવામાં નિમિત્ત રૂપ બન્યા. ૧૭૭૧માં તેઓ પેરિસ પાછા આવ્યા, ખ્યાત ચિન્તક રુસોના નિકટના મિત્ર થયા. ૧૮૦૬માં તેમને વિજન ઑફ ઓનરનું સન્માન મળ્યું. મોરેશિયસના સફર અને વસવાટના આધારે લખાયેલ તેમનું પહેલું પુસ્તક ‘ટ્રાવેલ્સ ટુ ધ આઇલેન્ડ ઑફ ફ્રાન્સ’ ૧૭૭૩માં બે ભાગમાં પ્રગટ થયું. ત્યારબાદ ‘સ્ટડીઝ ઑફ નેચર’ ત્રણ ભાગમાં ૧૭૮૪માં પ્રગટ થયું. ૧૭૮૭માં પ્રગટ થયેલી પહેલી નવલકથા ‘પોલ ઍન્ડ વર્જિનિયા’ને ધારી સફળતા ન મળી તેથી નાસીપાસ થયા. ૧૭૯૦માં તેની ‘ઇન્ડિયન થેચ્ડ કોટેજ’ નવલકથા બલકે દીર્ઘકથા પ્રગટ થઈ. મુનસફનાની ‘હિંદુસ્થાન મધ્યેનું એક ઝુંપડું’ તે આ જ નવલકથાનો અનુવાદ. (મહેતા, ૮૯-૯૦)

  • સોરાબશા દાદાભાઈ મુનસફનાએ કરેલો અનુવાદ છેક ઈ. સ.૧૮૬૨માં થયેલો જેની વિગતો ‘પારસીપ્રકાશ’ (દફતર બીજું : ભાગ-૧ પૃ. ૩૭ બહમનજી પટેલ)માં આ મુજબ છે : “ભરૂચવાલા શેઠ સોરાબશાહ દાદાભાઈ મુનસફનાએ “હિંદુસ્થાન મધ્યેનું એક ઝુંપડું’ એવા નામનું ભરૂચ મધે ગુજરાતીમાં શીલાછાપ ઉપર એક પુસ્તક છપાવી પ્રગટ કીધું હતું.” જુઓ પહેલી આવૃત્તિની શીલાછાપ એક પાનું

અને એની નોંધ ______________________

હિંદુસ્થાન મધ્યેનું એક ઝુંપડું અંગ્રેજી ઉપરથી ગુજરાતીમાં સોરાબશા દાદાભાઈએ બનાવી સરકારી ટરેશલેટર ગલાશગો સાહેબને પ્રથમ આ ચોપડી મોકળાવી હતી તે તેમને પસંદ કરી તેથી આ પ્રાંતના લોકોને વાસ્તે ભરૂચ મધ્યે અધ્યારૂ પએસતંનજઈ રૂસતમજીના ભરૂચ વર્તમાન નામનાં પ્રેસમાં છાપી. આવૃતી ત્રિજી છે. સને ૧૮૬૭ ________________________

આ પહેલાં એની પહેલી આવૃત્તિ ઈ. સ. ૧૮૬૨માં અને બીજી આવૃત્તિ ઈ. સ. ૧૮૬૬માં પ્રસિદ્ધ થયેલી. આ નવલકથા છેક ઈ. સ. ૧૯૬૮માં ડૉ. મધુસૂદન હી. પારેખે સંપાદન કરીને, અનડા બુક ડીપો, અમદાવાદમાંથી પુનઃ પ્રકાશિત કરી. આ નવલકથાનું અર્પણ સદ્ગત પિતાશ્રી હીરાલાલ ત્રિ. પારેખને થયું છે. આમુખ ફિરોઝ કા. દાવરે તેમજ ‘અર્વાચીન ગુજરાતીની પહેલી ગદ્યવાર્તા’ યશવંત શુક્લે લખ્યું છે. આ નવલકથા ગુજરાતી નવલકથાના ઇતિહાસમાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એક, તો એ પ્રથમ મૌલિક ગુજરાતી નવલકથા પહેલાં એટલે કે ૧૮૬૨માં પ્રકાશિત થાય છે અને બે, એ દાર્શનિક નવલકથા તરીકે પ્રથમ ગણી શકાય એમ છે કે જે જીવ, જગત, જગન્નાથ અને સત્યની વાત કરે છે. આરંભે આ નવલકથાનું કથાવસ્તુ જોઈએ. આ નવલકથામાં એક અંગ્રેજ પંડિત હિંદુસ્થાનને જાણવા – વિદ્યા અને જ્ઞાન – મેળવવા અને માણસજાતને સુખી કરવાના આશયથી હિંદુસ્થાન આવે અને એના દર્શનને જાણે એવી યાત્રાનું સરસ વૃત્તાંત અહીં છે. લંડન યુરોપથી કાશીનગરી આવે છે. અને કાશીથી અનેક ગ્રંથો મેળવીને પાછો લંડન જવા નીકળે છે, ત્યારે એને થાય છે કે પંડિતો સાથે વાદવિવાદ કર્યો પણ, સંશય તો રહ્યો જ, બલ્કે, વધારે સંશય થયો, સમાધાન નહીં. એ સાથે લાવેલો એ પાંત્રીસો પ્રશ્નોમાંથી એકેયનો યોગ્ય જવાબ મળ્યો નહિ! ત્યાં એને જાણ થઈ એના પ્રશ્નોના જવાબ જગન્નાથજીના આચાર્ય પાસેથી મળશે. આથી અંગ્રેજ પંડિત ભેટસોગાદ લઈને પહોંચ્યો. એણે વિચાર કર્યો કે કયો પ્રશ્ન આચાર્યને પહેલો પૂછવો? અંતે તેણે નક્કી કર્યું કે ત્રણ પ્રશ્ન પૂછશે. એક, સત્ય કેવી રીતે શોધી કાઢી શકાય? બીજો, સત્ય વાત કયા પુસ્તકમાંથી મળી શકે? અને ત્રીજો, સત્ય વાત બીજા લોકોને કહેવી કે નહિ? આના જવાબ મળી જાય તો લોકોને સુખી કરવાનો માર્ગ પણ મળી રહેશે. પછી અંગ્રેજ પંડિત અને મુખ્ય ઉપાધ્યાય મળે એ પહેલાં મંદિરના બ્રાહ્મણોના આચારથી એ ડઘાઈ ગયો. મંદિર પરિસર અને બ્રાહ્મણો નિમિત્તે હિંદુઓની માન્યતા, સંકુચિતતા, ગર્વ જેવી બાબતોને અહીં દર્શાવવામાં આવી છે. જેમ કે, અંગ્રેજને દરવાન રોકે છે કેમ કે એ ભ્રષ્ટ ફિરંગી છે. એને અંદર જવું હોય તો ત્રણ વાર સ્નાન કરવું પડે. ગાય કે ડુક્કરના ચામડાની બનાવટને સાથે ન લઈ શકે. તો એ કહે છે, બકરાના વાળમાંથી બનેલો ઈરાની ગાલીચો મુખ્ય ઉપાધ્યાયને ભેટ દેવા લાવ્યો છે, તો બ્રાહ્મણોને વાંધો નથી કેમ કે ભગવાન કે ઉપાધ્યાયને આપેલી વસ્તુ પવિત્ર બની જાય છે! આ વિરોધાભાસ કેવો છે? એ પછી આ બંનેની મુલાકાતની મહત્ત્વપૂર્ણ ઘટનાનું નિરૂપણ છે. અંગ્રેજ સીધા પ્રશ્નો નથી કરી શકતો, એ બ્રાહ્મણોને કહે અને એ ઉપાધ્યાયને. અંગ્રેજ પહેલો પ્રશ્ન કરે છે સત્ય વાત કયા ઇલાજથી શોધી શકાય? આચાર્યે જવાબ દીધો કે સત્ય વાત ફક્ત બ્રાહ્મણો પાસે જવાથી જ મળી શકે. અંગ્રેજે બીજો પ્રશ્ન પૂછ્યો, સત્ય વાત કયા પુસ્તકમાંથી મળી શકે? આચાર્યે જવાબ આપ્યો -સઘળી વાતો ચાર વેદમાં સમાઈ રહી છે, કે જે વેદ એક લાખ ને વીસ હજાર વર્ષો ઉપર સંસ્કૃત કે જે ફક્ત બ્રાહ્મણોને જ માલૂમ છે તે ભાષામાં લખ્યા હતા. મંડળી આખી પ્રસન્ન થઈ પણ અંગ્રેજ પંડિતને આથી સંતોષ ન થયો. તેણે કહ્યું, જો ભગવાને સત્ય વાત ચોપડીમાં જ રાખી હોય અને એ ચોપડીઓ ફક્ત બ્રાહ્મણો જ સમજી શકતા હોય તો એનો અર્થ એવો થાય કે ભગવાનની ઇચ્છા મોટા ભાગના લોકોને સત્યથી જાણી જોઈને અજ્ઞાન રાખવાની છે. આચાર્યે કહ્યું એ તો જેવી બ્રહ્માની મરજી. અંગ્રેજ પંડિતે ત્રીજો પ્રશ્ન પૂછ્યો, સત્ય વાત કોઈને કહેવી કે નહીં? આચાર્યે જવાબ આપ્યો ઘણી વેળાએ ડહાપણભર્યું તો એ જ છે કે સત્ય વાત દુનિયાથી છુપાવવી પણ બ્રાહ્મણોને કહેવી. અંગ્રેજ આવા ગર્વથી ક્રોધિત થઈ આચાર્ય સાથે વાદવિવાદમાં પડ્યો. આથી બીજા બ્રાહ્મણો અંગ્રેજ પર ચિડાયા. અંગ્રેજ અપમાનિત થઈને નિરાશા સાથે પરત ફરે છે એને થાય છે કે ફેરો નિષ્ફળ ગયો. ગંગા નદીમાં મુસાફરી કરતી વખતે તોફાન આવતાં અંગ્રેજ અને તેના માણસો જેમતેમ કરીને કિનારે આવીને દૂરના એક ઝૂંપડામાં આવે છે. આ ઝૂંપડામાં પારિયા રહે છે. જે તે સમયની નિમ્ન અછૂત જાતિ છે. એના પડછાયાને અડતાં પણ મહાપાપ લાગે! પારિયા પ્રવેશથી કથામાં વળાંક આવે છે. અંગ્રેજ સાથેના સેવકોએ ત્યાં જવાની ના પાડી પણ, અંગ્રેજને કોઈ માટે ભેદભાવ નહોતો. એ તો ઝૂંપડામાં ગયો. પારિયાએ આવકાર આપી સંકોચ સાથે પોતાની જાતિ જણાવી. તોપણ અંગ્રેજ એને ત્યાં જ રહ્યો, પારિયાએ એની આગતા-સ્વાગતા કરી. એટલું જ નહિ, સાથેના સેવકોને પણ ફળફળાદિ-કેળાં-નાળિયેર અને લાકડાંની ભારી આપી આવ્યો! પારિયાએ સંકોચ સાથે કહ્યું કે, સાહેબ, હું માત્ર એક કમનસીબ પારિયા છું. એના આવા વ્યવહારથી અંગ્રેજે કહ્યું, સદ્ગુણી માણસ તું મારા કરતાં ઘણો વધારે ડાહ્યો છે. કારણ કે, જેઓ તારો તિરસ્કાર કરે છે તેમનું તું સારું કરે છે. ‘જો આ એક જ સાદડી ઉપર મારી સાથે બેસીને તું મને દોસ્તીની આબરૂ નહીં આપશે તો હું એમ માનીશ કે તું મને ઘાતકી આદમી સમજે છે’ (પૃ. ૩૪) આ પછી પારિયા મે’માન સાથે એક જ સાદડી ઉપર બેઠો અને બે જણા ખાવા લાગ્યા. ત્યારબાદ અંગ્રેજે એને પૂછ્યું, આવા ભયંકર તોફાન વચ્ચે તમે આવા શાંત કેવી રીતે છો? તમારી પાસે તો બચવા માટે એક ઝાડ સિવાય બીજું કશું નથી. અને ઝાડ તો વીજળી ખેંચે છે. પારિયાએ કહ્યું વડ પર વીજળી પડી હોય એવું આજ સુધી નથી થયું. વળી, ભગવાને ઘણાં પાંદડાં અને ડાળીઓ તોફાનમાં બચવા માટે આપી છે એથી ભગવાન એના પર વીજળી પડવા દેતો નથી. અંગ્રેજે કહ્યું, ભગવાન ઉપર આવો વિશ્વાસ જ તારા મનને સ્થિર રાખે છે. આમ વાતમાં વર્ણનો થાય છે. અંગ્રેજ પૂછે છે, તમારાં ડેરાં હિંદુસ્થાનના કયા ભાગમાં છે? એનો જવાબ છે જ્યાં કુદરત ત્યાં. સૂર્યોદય થતાં એની પૂજા આથમતાં આશીર્વાદ આપું છું. મારાથી નબળાને મદદ કરું છું. મારા સગાંઓ, મારા પાળેલાં પ્રાણીઓને પણ સુખી કરવાની કોશિશ કરું છું. જેમ દિવસ પૂરો થાય અને રાતની ઊંઘ મધુર લાગે એમ જ જિંદગી પૂરી થતી વેળા મૃત્યુની વાટ જોઉં છું. અંગ્રેજે પૂછ્યું, આ વાતો તમે કયા પુસ્તકમાંથી શીખ્યા. એણે જવાબ આપ્યો, કુદરતના પુસ્તકમાંથી. અંગ્રેજ કહે, એ કોણે શીખવ્યું? પારિયાઃ મારી જાતને નથી ગણી એથી હું હિંદુ તો ન થઈ શક્યો એટલે મેં કુદરતની વાટ પકડી. આવી વાતોથી અંગ્રેજ ખુશ થઈને તેને એ જ ત્રણ પ્રશ્ન પૂછે છે જે આચાર્યને પૂછ્યા હતા. સત્ય વાત ક્યાં શોધવી? પારીયા કહે, નિખાલસ અંતઃકરણથી. એને નિર્મળ રાખવા સ્વચ્છ વાસણમાં તેને લેવી જોઈએ. સત્ય વાત ક્યાંથી મળે? પારિયા : સત્ય વાત આદમી પાસેથી નહીં પણ કુદરત પાસેથી મળી શકે. ત્રીજો પ્રશ્ન સત્ય વાત કોઈને કહેવી કે નહિ? પારિયાનો જવાબ, સત્ય વાત ફક્ત તે લોકોને કહેવી કે જેમનાં હૃદય સ્વચ્છ હોય – જેને સત્યની શોધમાં રસ હોય એને જરૂર કહેવી. આ જવાબોથી અંગ્રેજને સંતોષ થયો. પારિયાએ આખી એની કથા એને કહી. એમ કથા આગળ ચાલે છે જેમાં પારિયા દિલ્હી જોવા આવે છે. લોકોથી હડધૂત થાય છે અને ઉચ્ચ વર્ણના લોકોના સ્મશાનમાં રહેવા લાગે છે. એને થાય છે આ સલામત જગ્યા છે. જિંદગીની ફિકર અહીં આવી શકતી નથી. અંત તરફ જતા વૃદ્ધ બ્રાહ્મણ પતિના અવસાન પછી તેની યુવાન પત્ની સતી થવા જાય. પારિયાએ એને બચાવી લીધી અને પતિ-પત્ની તરીકે સુખેથી રહ્યા. એવી એક પ્રેમકથા નિમિત્તે સમાજનાં અનિષ્ટો વિધવા, સતીપ્રથા, વિધવાના પુનર્લગ્ન વગેરેને પણ આલેખ્યાં છે. પારિયાની કરુણ કથા અંગ્રેજને સ્પર્શી જાય છે. એનાથી વિદાય લેતા અંગ્રેજને પારિયા અને એની પત્ની ફૂલોની છાબ આપે છે. અંગ્રેજ પંડિત પણ સોનાનું ઘડિયાળ આપવા આગ્રહ કરે છે, તો પારિયા કહે છે, મારી પાસે કદી ન બગડતું એવું સૂર્યનું ઘડિયાળ છે. એ જ રીતે પિસ્તોલ લેવાની ના કહે છે પણ એના અતિઆગ્રહને કારણે ભેટ તરીકે ચૂંગી લે છે. બે સંસ્કૃતિ કે જીવનદર્શનની ભિન્નતા તત્કાલીન સમાજ, એનાં દૂષણોને દાર્શનિક ભૂમિકાએ જોતાં ફ્રેંચ લેખક બર્નાર્ડિને અંગ્રેજીમાં આપેલું પેટાશીર્ષક A Search After truth નવલકથાના ધ્વનિને આલેખે છે. તો, ગુજરાતી સાહિત્યના સુધારક યુગમા તત્કાલીન ભારતીય સમાજમાં પ્રવર્તમાન જાતિપ્રથા, અસ્પૃશ્યતા, વિધવાવિવાહ, સતીપ્રથા જેવી સમસ્યાઓને પણ આલેખે છે. સ્વરૂપની ચુસ્તી નવલકથા આરંભે ના જ હોય એ સમજી શકાય એવું છે. એવું જ પારસી છાંટવાળી ગુજરાતી ભાષા આપણને લાગે. એના ઉકેલ તરીકે નવલકથાના અંતે સંપાદકે એક શબ્દકોશ આપ્યો છે, એ અર્થ સમજવા ખૂબ ઉપયોગી છે. આ નવલકથા પહેલાં છેક ઈ. સ. ૧૮૪૪ની સાલમાં પ્રગટ થયેલી ‘યાત્રાકરી’ નામની અનુદિત નવલકથાની ભાળ મળી. જેમ્સ બનિયનની ‘ધ પિલગ્રિમ્સપ્રોગ્રેસ’નો એ અનુવાદ રેવરન્ડ ફાધર વિલિયમ ફ્લાવરે કરેલો. (દીપક મેહતા, ‘બુદ્ધિપ્રકાશ’, ડિસેમ્બર, ૨૦૨૨) ત્યાં સુધી ‘હિંદુસ્થાન મધ્યેનું ઝુંપડું’ પ્રથમ અનુદિત ગુજરાતી તરીકે ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવતી રહી. એ રીતે એ નવલકથા ગુજરાતી નવલકથાના ઇતિહાસમાં અંકિત રહેશે. નોંધ : આ લેખમાં નવલકથાની ભાષા અને જોડણી મૂળ કૃતિ મુજબના છે. એને એમ જ રાખવા.

સંદર્ભ :
મહેતા, દીપક. ‘ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથ સમૃદ્ધિ’, ૨૦૧૦, વિતરક : રંગદ્વાર, અમદાવાદ
પારેખ, મધુસૂદન.(સંપાદક), ‘હિંદુસ્થાન મધ્યેનું એક ઝુંપડું’, ૧૯૬૮, પ્રકાશક : અનડા, અમદાવાદ


અજય રાવલ
એસોસિએટ પ્રોફેસર,
ગુજરાતી વિભાગ,
ઉમિયા આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ,
સોલા, અમદાવાદ
વિવેચક, સંપાદક
Email: ajayraval૨૨@gmail.com
Mob. ૯૮૨૫૫૦૬૯૪૨