નારીસંપદાઃ વિવેચન/આનંદશંકર ધ્રુવની વિવેચના

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪૦

આનંદશંકર ધ્રુવની વિવેચના
દર્શના ધોળકિયા

ઈ.સ. ૧૮૬૯થી ૧૯૪૨ એ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો કાલાવધિ. અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિદ્વદજનોએ પાડેલા ખંડો પ્રમાણે સુધારક યુગથી ગાંધીયુગ સુધી એમનું આયુષ્ય વિસ્તર્યું. એમના જીવતરના ત્રણ આશ્રમોની પૂર્ણાહુતિની ક્ષણે એમણે સાહિત્ય અને સમાજને આપેલા હિસાબ પર નજર નાખીએ તો એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા અને રાજકોટમાં; ૧૮૮૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૮૯૨માં એમ.એ.; ૧૮૯૫થી ૧૯૧૯ સુધી અમદાવાદની ગુજરાત કૉલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, પાશ્ચાત્ય તથા ભારતીય ન્યાયશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનનું અધ્યાપન. કુલ ૨૪ વર્ષનું અપ્રમાદ અધ્યયન-અધ્યાપનનું એમનું આ સ્વાધ્યાય તપ. ઈ.સ. ૧૯૧૯માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તેઓ આચાર્યપદે પસંદ થયા એ ઘટના 'ગુજરાતના બૌદ્ધિક જીવનના મહત્વના બનાવ' તરીકે સ્વાભાવિક રીતે નોંધાઈ-પોંખાઈ. ત્યાં એક જ વર્ષમાં પ્રો. વાઈસ ચાન્સેલર થઈને ૧૯૩૬ સુધીનો દોઢ દાયકો વહીવટ અને વિચારવ્યાસંગ-સંસ્થાનાં બે ચક્રોને તેમણે સુધીર ગતિથી ચલાયમાન રાખ્યાં. તેમની અસાધારણ પ્રતિભાથી મહાત્મા ગાંધી, મદનમોહન માલવિયા, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્, કવિ કુલગુરુ રવીન્દ્રનાથ ટાગોર જેવા પ્રબુદ્ધો માત્ર આકર્ષાય જ નહીં, પણ ચકિત થઈને તેમના વિશે 'વેદાંતના ઉત્તમ વિદ્વાન' (રાધાકૃષ્ણન), 'મૂળ સુધી તેમની દૃષ્ટિ પહોંચે છે' (રવીન્દ્રનાથ), ‘તેઓ સુધરેલા અને સનાતનીઓ વચ્ચે એક સુંદર પુલ છે. તેમના પર આવ-જા કરીને આપણે સૌ એકબીજાની ભેટ કરીએ છીએ' (ગાંધીજી) આ પ્રકારની આદરાંજલિ અર્પે; 'વસંત' અને 'સુદર્શન' જેવાં પ્રૌઢિયુક્ત સામયિકોનું સાડત્રીસ વર્ષ સુધી સંપાદન કરે. ઉચ્ચોચ્ચ પ્રકારનું અધ્યાપન કરે-પિસ્તાલીસ વર્ષો સુધી - આ હિસાબે તેમને 'ચાલુ સદીના પૂર્વાધના બ્રહ્મર્ષિ'નું બિરુદ સ્વાભાવિક રીતે જ અપાવ્યું. તેમની સુદીર્ઘ અધ્યયન-અધ્યાપન યાત્રામાં જ લેખનરૂપે નીપજતી રહી તેમની વિરલ જ્ઞાનોપાસના. તેમની સાહિત્ય વિચારણા ભારતીય કાવ્યાચાર્યોની વિચારણાના ઉત્તરાર્ધરૂપે જાણે વિસ્તરતી રહી નિબંધો, વ્યાખ્યાનો, ગ્રંથાવલોકનો, ઊહાપોહ રૂપે. જેમાં તેમનાં પત્રકારત્વનો પણ ઘણો મોટો ફાળો રહ્યો. સાહિત્ય, કેળવણી અને ધર્મનો ત્રિવેણીસંગમ તેમનાં લખાણોમાં સચવાયો. તેમના સાહિત્યિક ગ્રંથોમાં 'કાવ્યતત્ત્વવિચાર', 'સાહિત્યવિચાર', 'દિગ્દર્શન', 'વિચારમાધુરી' ભાગ-૧-૨' છે. તેમનાં સાહિત્યિક લખાણોમાં પૂર્વ-પશ્ચિમનાં વાચનનો વ્યાપ, ઊંડી સૂઝ, તોલન, સૂક્ષ્મ વિવેક, અભિજાત્યપૂર્ણ અભિગમ, ભારોભાર સહૃદયતા અને પ્રકાંડ પાંડિત્ય જોવા મળે છે. કોઈના પણ મત કે અભિપ્રાયથી પોતાને જુદા પડવાપણું જણાય ત્યાં તેઓ નિઃસંકોચ તેમ કરે છે. પરંતુ આમ કરતી વખતી એમનામાં શાલીન સ્વ-આગ્રહ જોવા મળે છે, નહીં કે ઉદંડ ઊહાપોહ. આનંદશંકરનો સાહિત્યવિચાર મુખ્યત્વે ચાર ખંડોમાં વિસ્તર્યો છે : એક, સાહિત્યતત્ત્વમાં સમાવેશ પામતા મુદ્દાઓની વિચારણા; બે, સર્જકો, સાહિત્યિક સંદર્ભોને લગતાં વ્યાખ્યાનો ને વિવેચનો; ત્રણ, ગ્રંથાવલોકનો; ચાર, કેટલાંક પ્રકીર્ણ વિવેચનો. આમાંથી સૌ પ્રથમ એમનાં સાહિત્યતત્ત્વને લગતાં વિવેચનોને વિચારીએ તો એમાં ધ્યાન ખેંચે એવો મુદ્દો છે એમણે કરેલ 'કવિતા' વિષયક વિચારણા. મહાકવિ ભવભૂતિએ વાક્દેવીનું આરાધન કરતાં ગાયું : 'અમૃતસ્વરૂપ અને આત્માની કલા એવી વાગ્દેવીને અમે પામીએ.' કવિતાનાં આ દિવ્ય રૂપને આનંદશંકરે પોતાના મૌલિક અભિગમથી નિહાળીને સહૃદયને તેની વ્યાપક ને તાત્ત્વિક સમજ આપવાનો ગહન પુરુષાર્થ આદર્યો છે. આનંદશંકર ભવભૂતિના સંદર્ભને સ્પષ્ટ કરતાં નોંધે છે : "આ પરિદૃશ્યમાન જગતમાં અમુક અલૌકિક બિંબોનાં માત્ર પ્રતિબિંબો જ આપણને ભાસે છે, અને એ પ્રતિબિંબોમાં પ્રત્યક્ષ થતાં બિંબોને સંગ્રહવાં, આલેખવાં અને વાચકના આત્મામાં ઊતારવાં એ કવિનું કાર્ય છે.” (કાવ્યતત્ત્વવિચાર: પૃ. ૩-૪) કાવ્યનું સત્ય શું છે એવી સ્પષ્ટતા આનંદશંકરે બહુ ઝીણવટથી કરતાં જણાવ્યું છે, “ઉર્વશી, વીનસ, હર્ક્યુલીસ, હનુમાન, રાવણ... આદિ કોઈ પણ કાળે ચર્મચક્ષુથી જોઈ શકાય તેવાં હતાં વા છે એમ માનવું એ ભૂલ છે. પરંતુ તેમનું અસ્તિત્વ સર્વથા નિષેધવું એ એના કરતાં પણ વધારે મોટી ભૂલ છે. સૌંદર્ય શું છે તે જાણવું અને ઉર્વશી કલ્પના માત્ર છે એમ કહેવું, પ્રેમ શું છે તે સમજવું અને રામ સીતાનું અસ્તિત્વ નિષેધવું, હૃદયમાં પાપાત્મક ભાવો અનુભવવા અને દુષ્ટ, અસુરો, નરક ઇત્યાદિ નથી એમ માનવું, અંતરાત્મામાં દિવ્ય પ્રેમ અને શાંતિ સ્વીકારવાં અને વૈકુંઠ-કૈલાસ નથી એમ કહેવું-એ તદ્દન અયુક્ત છે. માટે મર્ત્યલોકથી પર અમર્ત્ય જગત છે, જેની મર્ત્યલોક છાયા છે. અને એની છાયા હોવાથી જ આપણને કંઈક પણ આનંદ આપી શકે છે : આ પર અમૃત જગત એ કવિપ્રતિભાનો વિષય છે અને જે કવિતામાં આ અમૃત જગતનું જ્ઞાન કરાવવાની શક્તિ નથી, તે કવિતા જ નથી.” (કાવ્યતત્ત્વવિચાર : પૃ. ૪-૫) આનંદશંકરને મતે કવિતામાં ચૈતન્ય ઉપરાંત આત્મવત્ વ્યાપનશીલતા હોવી આવશ્યક છે. મનુષ્યનાં બુદ્ધિ, હૃદય અને કૃતિ (moral)માં એ વ્યાપ્ત થવી જોઈએ. કવિતામાં બુદ્ધિ અને હૃદયનો સમન્વય જરૂરી છે. આ સમન્વયના અભાવે કરીને દલપતરામને નર્મદ કરતાં ક્યાંક ઊતરતા ગણવા પડે છે. તો બીજી બાજુ, બુદ્ધિના પ્રભાવની ન્યૂનતાને લઈને નર્મદનાં કાવ્યો નરસિંહરાવથી ઊતરતાં ઠરે છે. કવિતામાં ધાર્મિકતાની આવશ્યકતા પર ભાર મૂકતાં આનંદશંકર, ધાર્મિકતાનું મૌલિક અર્થઘટન કરે છે. તેમણે અપેક્ષેલી ધાર્મિકતા સ્થળ-કાળ ને કહેવાતા-ગણાવાતા ધર્મોની પર ને પાર છે. એ ઉઘાડી પ્રતીત થવાની આવશ્યકતા નથી. છતાં એ જ્યાં પ્રકટરૂપે વ્યક્ત થાય છે, ત્યાં ભક્તિરસની કવિતા જન્મે છે. દા.ત. વડર્ઝવર્થની 'ટિન્ટર્ન એબિ', ટેનિસનું 'ઈન મેમોરિયમ', મિલ્ટનનું ‘પેરેડાઈઝ લોસ્ટ', ભાગવતનો 'દશમસ્કંધ' કે તુકારામના 'અભંગો.' પણ ખરેખર કવિતામાં જે ધાર્મિકતાની અપેક્ષા છે તે વિશ્વની પાર રહેલા તત્ત્વનું સૂચન કલાત્મક રીતે કરાવાતા દર્શનમાં રહેલ છે. આનંદશંકર આ તત્ત્વ પર ભાર મૂકતા દૃષ્ટાંતરૂપે નોંધે છે: “(શેક્સપિયરની) ડેઝડીમોના મૃત્યુ જેવું પરમતત્વનું ભાન કરાવે છે તેવું ભાન કયું જ્ઞાનરસ કે ભક્તિરસનું કાવ્ય કરાવી શકશે ?... એ જ ડેન્ટિની બિએટિસમાં, ભવભૂતિની સીતામાં, કાલિદાસની શકુંતલામાં અને વ્યાસની સાવિત્રીમાં પ્રત્યક્ષ થાય છે." (કાવ્યતત્ત્વવિચાર : પૃ. ૭-૮) આનંદશંકરના કાવ્યવિચારની સમજ, એમણે જે રીતે આ મુદ્દાને વ્યાપક રીતે આવરી લીધો છે તેમાં જોવા મળે છે. કાવ્યતત્ત્વમાં આટલી અપેક્ષા રાખ્યા પછીનું તેમનું નિરીક્ષણ વધારે કામનું બની રહે છે. તેઓ નોંધે છે : “કવિતામાં આ સર્વ હોવાં જોઈએ એમ કહેવાથી એમ સમજવાનું નથી કે જે કાવ્યમાં દરેકનો છાંટો છાંટો આવ્યો હોય એ એક અંશે ખામી ભરેલ કાવ્ય કરતાં હંમેશાં ચઢિયાતું જ : ઘણીવાર કાવ્યમાં એકાદ અંશ એવો સારો હોય કે જેને લીધે અમુક કાવ્ય સર્વ અર્થના સમાન લયવાળાં કાવ્ય કરતાં સરસ થઈ જાય.” (એજન : પૃ. ૮) આનંદશંકરની વિવેચનાનું મૂલ્ય આવાં ઝીણાં નિરીક્ષણોમાં તેમની પાંડિત્યપૂર્ણ સમજનું વિશેષ નિદર્શન કરી આપે છે. કવિતામાં વ્યાપનના તત્ત્વનું માહાત્મ્ય કરતાં આનંદશંકર આ વ્યાપનના ત્રણ પ્રકાર પાડે છે : મંડળથાપન, પ્રજાવ્યાપન અને જગતવ્યાપન. અમુક સંસ્કારવાળાઓને જ અસર કરતાં કાવ્યોને એ મંડળવ્યાપનમાં મૂકે છે. દા.ત. નરસિંહરાવની કવિતા અંગ્રેજી ભણેલાઓ માટે કામની. તો બીજો પ્રકાર અમુક પ્રજા માટે કામનો છે. દા.ત. નરસિંહ, દયારામનાં કૃષ્ણભક્તિનાં કાવ્યો જે અમુક પ્રજાને અસર કરનારાં છે. જ્યારે ત્રીજો પ્રકાર સર્વ જગતના અંતરાત્માને હલાવી મૂકનાર વિશાળ પ્રતિભાવાળા મહકવિઓનો છે જેમાં વાલ્મીકિ, વ્યાસ, હોમર, શેક્સપિયરનાં નામ અલંકારની જેમ શોભે છે.' (એજન : પૃ. ૯) અને ફરીથી સમત્વવાદી આનંદશંકર પોતાનાં આ મંતવ્યમાં સહૃદય ગુલતાન ન થઈ જાય તે માટે તેને જગાડતાં ચેતવે છે : “આ ત્રીજો પ્રકાર બેશક ઉત્તમ છે, પણ પહેલા વર્ગ કરતાં બીજો કે બીજા કરતાં પહેલો ચઢતો હોય તેમ સમજવાનું નથી. તેમ જ વળી આ ભેદ આત્યંતિક ગણવાના નથી... આ સર્વ એક જ પ્રવાહના પરસ્પર ભળેલા અને અવિચ્છિન્ન એકરૂપ એવા તરંગો છે-જે જુદે રૂપે, ઘડી ઉપર, ઘડી નીચે, એમ રમતા ચાલ્યા જાય છે." (એજન : પૃ. ૧૦) આવી કવિતાને છેવટે વાગ્દેવીરૂપ ગણાવતાં ભવભૂતિના મનમાં રહેલી વાત પર અજવાળું પાથરતા આનંદશંકરનું દર્શન જોવા જેવું છે. “કવિતાની દિવ્ય-પ્રકાશમયતા માત્ર બાહ્ય અને આંતર જગતનાં જ રહસ્યસ્થાનો ઉપર અજવાળું નાખવામાં સમાયેલી નથી, પણ પરમાત્માની દિવ્ય જ્યોતિનું ભાન કરાવવાનું કવિતા સામર્થ્ય ધરાવે છે... કવિ જે સત્ય નજરે જુએ છે એ પરમાત્માની મુખછાયારૂપ છે.” આ અર્થમાં આનંદશંકર કવિને ધર્મગુરુ માને છે-શબ્દબુદ્ધના ઉપાસક અને આલેખક-એ અર્થમાં. (‘સુદર્શન, પૃ. ૧૭, અંક-૪, જાન્યુઆરી, સને ૧૯૪૨) કાવ્યતત્ત્વની આ પ્રકારની સમજ આનંદશંકરના આચાર્યપણાની નીપજ હોવાનું સમજાય છે. કલાતત્ત્વ વિશે ભવભૂતિનાં કાવ્યવર્ણનને પોતાના આગવા દૃષ્ટિકોણથી મૌલિક ધાર આપતા આનંદશંકરનો કાવ્યવિચાર કેટલો સાફ, સ્પષ્ટ છે તે તેમનાં 'કવિતા' વિષયક વિવેચનમાં સ્પષ્ટ થાય છે. એની લગોલગ એમનું 'કવિતા અને ભાષણ' લેખ મૂકવા જેવો છે. કવિનાં કાર્યક્ષેત્રને આરપાર જોઈ શકતા આનંદશંકર સ્પષ્ટ ભાષામાં જણાવે છે તેમ, “કવિનું કામ કલ્પના ગાવાનું છે, ભાષણ કરવાનું કે પ્રશ્નોત્તરીના ઉતર આપવાનું નથી." (એજન : પૃ. ૧૨) આમ કહીને પાશ્ચાત્ય વિચારણામાં પાડવામાં આવેલા કવિતા અને વાગ્મિતાના ભેદને અનુમોદન આપતાં તેઓ કહે છે, “બુદ્ધિની દલીલોની આસપાસ હૃદયની દલીલો પણ વીંટળાયેલી હોય અને તે કળાથી-તો તે જ વાગ્મિતા કહેવાય." (એજન : પૃ. ૧૨) અલબત્ત, કવિતામાં વાગ્મિતાનું અમુક અંશે સ્થાન છે એવું સ્વીકારીને આનંદશંકર 'કિરાતાર્જુનીયમ્'માં દ્રૌપદીનો યુધિષ્ઠિર પ્રતિનો સંવાદ જેવાં દૃષ્ટાંતો ટાંકે છે પણ તે એમાં રહેલી બૌદ્ધિકતાને લઈને નહીં, પણ એમાં રહેલા માનવ હૃદયના ભાવોની સંતર્પકતાને કારણે... કવિ અને વક્તા પોતપોતાનાં કાર્યથી કેટલીક વાર એક જ કળ ઉપજાવે છે, તોપણ એકની કાર્યસરણીને એકબીજાથી છૂટી પાડીને બતાવી શકાય છે. કવિમાં કલ્પનાના ઉલ્લાસ સાથે વાણીનો સંયમ અને તજજન્ય એકાગ્રતા જોઈએ... વક્તા થોડી વાત બહુ શબ્દોમાં વિસ્તારીને કહે છે : કવિ બહુ વાત થોડા શબ્દોમાં સમાવીને મૂકે છે. આમ હોવાથી કવિ પાસે વક્તાનું કામ લેવું એ એને ઉચ્ચ ભૂમિકા પરથી ઉતારી પાડવા જેવું છે." (એજન : પૃ. ૧૩) કવિ અને વક્તા વચ્ચે રહેલા આ ભેદને વિવેક ને ઔચિત્યથી મૂકી આપીને આચાર્યશ્રીએ પોતે માનેલા-કરેલા એક અવિનયની પ્રામાણિક કબૂલાત પણ આ લેખમાં જ કરી આપતાં જણાવ્યું છે કે, “આ અત્યાચાર (કવિને વક્તા બનાવવાનો) ઘણા લોક કરે છે તે અમે પણ કર્યો !" (એજન : પૃ. ૧૩) કવીન્દ્ર રવીન્દ્રનાથને બંગાળી સાહિત્ય પરિષદના અધિવેશનમાં તેઓ પ્રમુખ તરીકે બનારસમાં આવેલા ત્યારે બનારસ યુનિવર્સિટીમાં એમની પાસે વક્તવ્ય અપાવવાનો ! જોગાનુજોગ ત્યારે રવીન્દ્રનાથનો અભિપ્રાય પણ એ જ રહ્યો કે, “હું કવિ છું. ભાષણકર્તા નથી. એકાંતમાં બેસી ભાવનાના આદર્શ ખડા કરવા કે ભાવનાને વ્યવહારમાં ઉતારવાની રચનાઓ ધડવી એ મારું કામ નથી." (એજન : પૃ. ૧૩-૧૪) ગુજરાતના બ્રહ્મર્ષિ ગણાયેલા આનંદશંકર ને ભારતના મહર્ષિ ગણાયેલા રવીન્દ્રનાથનું આ વૈચારિક ઐક્ય આનંદશંકરની વિવેચનાને મોટો અર્ધ્ય ગણી શકાય. આનંદશંકરની સાહિત્યિક વિચારણામાં 'સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ'ની ચર્ચા પણ ધ્યાન ખેંચનારી બની છે. શિષ્ટતા અને રંગદર્શિતાને સામાન્ય રીતે પરસ્પરનાં વિરુદ્ધ ઘટકતત્વો તરીકે જોવામાં આવ્યાં છે ને આવે છે. પણ આનંદશંકર ઉત્તમ સાહિત્યકૃતિઓમાં આ બન્નેનો સુખદ સમન્વય જુએ છે. સૌ પ્રથમ આ બન્નેનાં લક્ષણો તારવતાં તેઓ નોંધે છે : “કળાને કે નીતિની બેદરકારી અને જીવનની જીવન તરીકે કદર' એ રંગદર્શી સાહિત્યનું મહત્ત્વનું વલણ. આથી જીવનની ભરપૂરતા, વિવિધતા, વિચિત્રતા, નવીનતા, અદ્ભુતતા, અગમ્યતા, ગૂઢતા-એ રોમૅન્ટિક સાહિત્યના લક્ષણભૂત ધર્મો... આ સર્વને એકત્રિત કરીને એને આપણે 'સંસ્કારી સંયમ'થી ઉલટું ‘જીવનનો ઉલ્લાસ' એવું નામ આપી શકીએ. અને આ સૃષ્ટિ સર્જનહાર પરમ કવિનાં 'તપ' અને 'આનંદ'માંથી ઉત્પન્ન થઈ છે એમ શ્રુતિ કહે છે. તો તદનુસાર એ બે કલાના પ્રકારને 'તપ' અને 'આનંદ' એવાં ટૂંકા નામથી ઓળખીએ તો પણ ખોટું નથી.” (એજન : પૃ. ૩૫) કળાના આ બન્ને પ્રકાર લક્ષણભેદે વિભિન્ન હોવા છતાં પરસ્પર વિરુદ્ધ છે એવું નથી. આની સ્પષ્ટતા કરતાં આનંદશંકરમાંનો સમદર્શી વિવેચક ઉપર તરી આવે છે. તેઓ નોંધે છે, “કળાના આ બે પ્રકાર સ્પષ્ટ રીતે ભિન્ન હોઈને પણ એક જ યુગમાં, બલ્કે એક જ કવિમાં, અને એક જ કવિની એક જ કૃતિમાં, અને તેમાં પણ ભિન્ન ભિન્ન સ્થળે નહીં, પણ એક જ સ્થળમાં માત્ર વસ્તુ અને આકૃતિના ભેદે કરીને ભિન્ન દેખાવ દે છે. એનું સ્વરૂપ સર્વથા ઐતિહાસિક અને શિસ્તબદ્ધ નથી, પણ તાત્ત્વિક છે." (એજન : પૃ. ૩૫) “ક્લાસિકલ અને રોમેન્ટિક કલાના જુદા જુદા ચોકા થઈ શકે તેમ નથી” કહેતા આનંદશંકર 'શાકુંતલ'નું ઉદાહરણ આપીને શકુંતલાના જન્મ અને ઉછેરને રોમેન્ટિક અને શકુંતલાની વિદાયવેળા સમયની કણ્વની મનોદશાને ક્લાસિકલ સંયમની ભવ્યતા તરીકે આલેખે છે. ('વસંત’, વર્ષ-૨૫, અંક-૫, વૈશાખ, સંવત-૧૯૩૨) કાવ્યતત્ત્વ, કાવ્યમાં (સાહિત્યમાં) સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ જેવા મુદ્દાઓને મૌલિક રીતે વિવેચતા આનંદશંકરની રસમીમાંસા પણ એમાં રહેલી વિચારની વ્યાપકતાને લઈને જુદી ભાત પાડે છે. કવિતાને “આત્માની કલા' તરીકે ઓળખાવતા આચાર્ય 'કાવ્યશાસ્ત્રના થોડા સિદ્ધાંતો'ની ચર્ચા કરતાં આગળ વધીને જણાવે છે, “પણ છેવટે રસનો અનુભવ હૃદયમાં જ થાય છે એમ કોઈ કહે તો એનો યથાર્થ અને પૂર્ણ ઉત્તર એ છે કે એ અનુભવ હૃદયમાં નહીં, પણ સંવિત્ (consciousness)માં થાય છે. અને એનું દ્વાર પ્રકૃત સ્થળ બુદ્ધિ જ છે.... રસ (subjective) વાચક હૃદયમાં રહેલો છે, તેમ એ વસ્તુગત (objective) પણ છે. અર્થાત્ એ સર્વથા કાલ્પનિક હોઈ વાચકના હૃદયની અપેક્ષા કરે છે એમ નથી, કિન્તુ વસ્તુગત છે, પણ વસ્તુગત હોઈને પણ એ સર્વને સર્વકાળે અને સર્વસ્થળે પ્રતીત થાય એમ હોતું નથી અને તેટલા માટે હું એને સાપેક્ષ કહું છું. આ સિદ્ધાંત ધ્યાનમાં રાખીએ તો ઉદારતાથી ઘણાં કાવ્યોમાં જુદે જુદે સમયે, સ્થળે અને પ્રસંગે આપણે રસ લઈ શકીએ.... આ સાપેક્ષતાના સિદ્ધાંતનો એ અર્થ નથી કે સઘળી કૃતિઓ સરખી છે-અર્થ એટલો જ નહીં કે નાનીમોટી ઘણી કૃતિઓ ભોક્તાને સમયવિશેષે, પ્રસંગવિશેષે અને મનની અમુક સ્થિતિમાં આનંદ આપી શકે છે. જો કે એ કૃતિઓની સરસાઈમાં તારતમ્ય, રસાનુકૂલ યોજના વગેરે કલાનાં તત્ત્વો ઉપર આધાર રાખે છે. આમ હોઈ, કૃતિઓની વસ્તુગત (objective) સરસાઈ લુપ્ત થતી નથી. અને તે સાથે જ ભોક્તા વિવિધ કૃતિમાં આનંદ લઈ શકે છે.” (એજન : પૃ. ૪૧) સાહિત્યના સિદ્ધાંતોને જોવાની આચાર્યની દ્રષ્ટિની વ્યાપકતા તેમની સાહિત્ય વિશેની સમજમાંથી, તુલનાત્મક અભિગમમાંથી, વિશાળ વાચનમાંથી ને એ બધાની ય ઉપર રહેલા જીવનાભિમુખ દૃષ્ટિકોણમાંથી નીપજી છે. તેઓ પોતે જ જણાવે છે તેમ, આ આનંદ લેવાની શક્તિ ઉત્પન્ન કરવી અને તેની વૃદ્ધિ કરવી એ જ તો રસવૃત્તિની કેળવણી છે. તેમને મતે રસવૃત્તિની ઉદારતા કેળવવાથી-અર્થાત્ સુંદર અને ભવ્ય-બન્ને પ્રકારના ગુણોનો સમાન આનંદ લેવાથી આપણો સાહિત્યનો આનંદ દ્વિગુણિત બને છે. (વસંત- પૃ. ૭૬, અંક-૧, કાર્તિક-સં. ૧૯૯૩). 'સાહિત્ય' શબ્દની આપણા પંડિતોએ વિવિધ વ્યાખ્યાઓ કરી તેમાં ક્યાંક શબ્દનું, ક્યાંક અર્થનું તો ક્યાંક શબ્દાર્થ એમ બન્નેનું માહાત્મ્ય થયું. આ વ્યાખ્યાઓને અતિક્રમીને આનંદશંકરે પોતાનું સાફ દર્શન પ્રગટ કરતાં મમ્મટાદિ આચાર્યોના સાચા વારસને શોભે તેવો અપોહ પ્રગટ કરતાં કહ્યું, "કાવ્યને શબ્દ અને અર્થ બેને કેવળ ગણાવવા ઉપરાંત બેનું સંશ્લિષ્ટ- શિવપાર્વતીવત્ યાને અર્ધનારીનટેશ્વરવત્ - એકાંગિત્વ બતાવવાનું તાત્પર્ય છે એ વાત ટીકાકારોની દૃષ્ટિએ ચઢી જ નથી." (એજન : પૃ. ૫૦-૧૧) આગળના આચાર્યોની આ નજરઅંદાજીને જાણીને આનંદશંકર એને આ રીતે મઠારે છે : “કાવ્યની સુંદરતા શામાં છે એનો વિચાર કરીએ તો ખુલ્લું છે કે કાવ્યના સૌંદર્યની સંપૂર્ણતા તો એ જ માગી લે છે કે શબ્દ અને અર્થનું સાંધણ નજરે પણ ન પડે. બન્ને મળીને એક જ સૌંદર્ય ધારણ કરે પણ તે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે પ્રત્યેકમાં જો સૌંદર્ય ન હોય, તો બેના મેળમાં સૌંદર્ય આવવું શક્ય નથી." (એજન : પૃ. ૫૧) આ એક વાત. બીજી વાત આ સિવાય કાવ્યનું ઉદિષ્ટ શું ? આનંદ કે બોધ ? આનંદશંકરને કાલિદાસ આદિની કવિતા આનંદલક્ષી દેખાઈ છે. ઉપદેશ એ કાલિદાસનું લક્ષ્ય જ નથી. એનો કોઈ પણ ઉપદેશ હોય તો ‘સૌંદર્યનો અનુભવ અને એ અનુભવમાં જ જીવનને ઉચ્ચ કરવાની જે અદ્ભુત શક્તિ રહેલી છે એનું દિગ્દર્શન.' (એજન : પૃ. ૫૪) વિચારના સાતત્યના આરાધક આનંદશંકર અહીં અર્ધવિરામ મૂકીને આગળ વધતાં જણાવે છે : “આમ છતાં એટલું તો કહેવું જોઈએ કે મનુજ-આત્મામાં કેવળ ભક્તિની પિપાસા રહેલી નથી. અને તે જ રીતે કેવળ સૌંદર્યના પૂજનથી સંતોષ પામીને એ રહી શકતો નથી. એ સૌંદર્યની પાર એ કોઈ સત્ય જોવા અને જીવનમાં તેને ઉતારવા ઇચ્છે છે. અને તેથી જગતના પરમ કોટિના મહાકવિઓ સૌંદર્ય સાથે આત્માની બીજી ભાવનાઓ પણ લક્ષમાં રાખે છે. આ રીતે સર્વ ભાવનાઓ સંતૃપ્ત કરતો કવિ તે ઉત્તમ કવિ. વ્યાસ, વાલ્મીકિ આ વર્ગમાં આવે. પણ એકાદ ભાવનાને પણ સારી રીતે પોષતો કવિ-દા.ત. કાલિદાસ, ભવભૂતિ આદિ- એ - વ્યાસ-વાલ્મીકિ-વ્યાસની કોટિમાં ન મુકાય તો પણ એ બહુ ઊંચા અને સરખામણી કર્યા વગર સ્વયંપર્યાપ્ત. પણ સર્વ ભાવનાઓની થોડી થોડી તૃપ્તિ કરતો કવિ તે એક બે ભાવનાને પૂર્ણ રીતે સંતૃપ્ત કરતા કવિ કરતાં ઊંચો ન લેખી શકાય." (એજન : પૃ. ૫૫-૫૬) સાહિત્ય શબ્દની વ્યાખ્યાથી આગળ વધીને આનંદશંકર કાવ્યનાં પ્રયોજન, એ પ્રયોજનને પાર જતો મહાકવિ, તે મહાકવિની નિશ્રામાં પાંગરતા સમર્થ કવિઓની ઓળખ સુધી સહૃદયોને લઈ જાય છે. પોતાનાં આ દિગ્દર્શનને આગળ વધારતાં આનંદશંકરનો આ અંગેનો છેવટનો નિષ્કર્ષ વિચારતાં પછીની પ્રાપ્તિના વિરામ સમો જણાય છે : "કેટલાક કવિઓને આપણે એકકાલીન અને કેટલાકને સર્વકાલીન કેમ કહીએ છીએ એ પણ (ઉપરના) વિવેચનથી સૂચિત થઈ ગયું હશે. જ્યારે એક યુગનો આત્મા અમુક પ્રશ્નોથી ડહોળાઈ રહ્યો હોય અને એ આત્મમંથનના બળથી અમુક ભાવનાનું નવનીત તેમાંથી બંધાય છે ત્યારે એ નવનીતને પિંડકારરૂપે તારવી આપતો કવિ એ યુગનો મહાકવિ થાય છે. એવા મહાકવિની કવિતાનું મૂલ્ય વિશેષતઃ અર્થપ્રધાન કવિતા તરીકે અંકાય છે, અને મૂળ એ કવિ એક યુગનો છતાં સર્વકાલીન ગણાય કે કેમ તેનો આધાર એ યુગની ભાવના ઉપર રહે છે : એ ભાવના એક યુગમાં પ્રગટેલી હોઈને પણ વસ્તુતઃ સર્વ યુગની હોય તો એક યુગનો મહાકવિ પણ સર્વ યુગનો મહાકવિ થઈ શકે. જગતના પ્રથમ પંક્તિના કવિઓ વધારેઓછે ભાગે આ સૌભાગ્ય ભોગવે છે. પરંતુ અમુક યુગ મંથનના નહીં, પણ શાંતિના કે નિદ્રાના હોય છે. તેમાં નિદ્રાકાળની વાત તો અત્રે અપ્રાસંગિક છે, કારણ કે એ કાળમાં કોઈ જાતની પ્રવૃત્તિ, અને વિશેષ કરીને જેમાં સર્જનનો ભાવ રહેલો છે, એવી સાહિત્ય પ્રવૃત્તિ તો સંભવતી જ નથી. પણ શાંતિકાળમાં મંથનકાળ ઉપર ચિંતનાત્મક સાહિત્ય ઉત્પન્ન થાય છે, અથવા જેમાં મંથન નહીં, પણ શાંતિ અપેક્ષિત છે એવી ભાવનાઓ, દા.ત. સૌંદર્ય, કલા, વિલાસ-આદિની, પ્રકટ થાય છે. મંથન યુગનાં કાવ્યો વિશેષ અંશે અર્થપ્રધાન હોય છે, જોકે એમાં પણ સર્વાંશે ઉત્તમ એવા કવિઓ શબ્દ અને અર્થ ઉભયને બહુ ઊંચી કોટિએ લઈ જઈ શકે છે. શાંતિયુગનાં કાવ્યોમાં અર્થના પ્રકાશ કરતાં શબ્દના સંસ્કાર વિશેષ આવે છે, અર્થ પણ ઘણે ભાગે કોમળ, સુંદર અને વિલાસમય હોય છે." (એજન : ૧૫૭-૫૭) કાવ્ય અને કાવ્યનું પ્રયોજન વિશેની થયેલી પૌરસ્ત્ય મીમાંસાનો આ ઉત્તરાર્ધ અર્વાચીન સમયની વિવેચનાનાં ભવિષ્યનું ઐતિહાસિક ધ્યાનાર્હ પ્રકરણ બની રહે તેવું છે.

ગ્રંથાવલોકનો

આનંદશંકરે એમનાં સામયિકો નિમિત્તે અનેક સાહિત્યિક કૃતિઓ - જાણીતી, અજાણી, અતિ જાણીતીનાં મૂલ્યવાન અને રસપ્રદ વિવેચનો કરેલાં છે. એમાંનાં કેટલાંક સમગ્રલક્ષી છે, કેટલાંક ખંડલક્ષી છે, તો કેટલાંક સામાન્ય પરિચયલક્ષી છે. આમાંથી ‘મહાભારતનો પ્રધાન રસ', 'રામાયણનો પ્રધાન રસ' અને 'ઓથેલોનું રહસ્ય' આ એમનાં સાહિત્યિક વિવેચનોમાં મુકાય તેવાં છે. તેથી એને ગ્રંથાવલોકનોથી જુદાં પાડીને જોયાં છે. મહાભારતના પ્રધાન રસની ચર્ચા કરતાં આનંદશંકર નોંધે છે : “અહીં મૂળ યુદ્ધનો રસ વીરરસ છે. ...પણ એ વીરરસ સાથે ભવ્ય કરુણરસ ભળેલો છે.” આનંદશંકરને મતે અહીં થયેલો પાપનો ક્ષય કરુણરસથી ભરપૂર ન હોત, અને માત્ર વીરરસનાં પરાક્રમોને જ પરિણામે થયો હોત, તો મહાભારત જેવું અસાધારણ કાવ્ય છે તેવું ન ગણાત." (આનંદશંકર ધ્રુવ-લેખ સંચય : પૃ. ૧૨૮) રામાયણના મર્મને આનંદશંકરે એક ચાંગળુંક ચર્ચા કરીને ય કેવો ઝળહળ કરી દીધો છે ! તેઓ મનુષ્યત્વ અને અસુરત્વનો ભેદ ચીંધતાં નોંધે છે : “રામ જેવું સુંદર મનુષ્યત્વ અને રાક્ષસત્વ રાવણ જેવું વિરૂપ-ચીતરવામાં ન આવે તો કેવું ચીતરવામાં આવે ? ... આસુરી વૃત્તિનું દેખીતું બળ-એનું ઉગ્ર વિકરાળ અને વિકટ સ્વરૂપ-એ ખરું બળ નથી. એક સાદા, સુંદર અને પવિત્ર મનુષ્યત્વ આગળ, બીજી રીતે બોલીએ તો પરમાત્માના અવતારી લીલામનુષ્યત્વ આગળ, એ દેખીતું પ્રચંડ સ્વરૂપ હારી જાય છે. સ્થૂળ બળ એ બળ નથી, અધ્યાત્મબળ એ જ છે. વીર ધીર મનુષ્યને વરેલી વૃત્તિ રૌદ્ર અને પ્રચંડ આસુર બળના સંકટમાં કોઈ વાર ઘેરાઈ પડે, પણ એ સ્થિતિમાં પણ એનું પાતિવ્રત્ય, એની અનન્ય નિષ્ઠા ડગતી નથી... રામનું બળ રાવણથી અધિક-પછી ભલે આ બીજું બહારના દેખાવમાં વધારે લાંબું, પહોળું અને બિહામણું હોય-એ આ વિશ્વનું પરમ સત્ય જે બ્રહ્માની કૃપાથી વાલ્મીકિ મુનિએ આર્ષચક્ષુથી, યાને પ્રતિભા દૃષ્ટિથી, જોયું એ આપણે પણ જોઈએ.” (એજન : પૃ. ૧૩૩-૩૪) આ આનંદશંકરનું દર્શન છે કે આ મહાન કાવ્યનું તેમનામાં થયેલું અવતરણ એવું વિચારવાનું આપણને મન થઈ જાય. 'ઓથેલોનું રહસ્ય' આનંદશંકરના એ વિશેના દીર્ઘ લેખમાંથી એના અર્કરૂપે આટલું અવતરણક્ષમ છે : “આ નાટકમાં-એક જૂની વાર્તાનું ખોખું લઈ એમાં એક છેડાથી બીજા છેડા સુધી કવિએ બહુ અપૂર્વ અને સજીવન રસ ભરી દીધો છે. એનાં પાત્રો, અનુપમ સ્પષ્ટતા અને જનસ્વભાવના પરિચયપૂર્વક આલેખ્યાં છે, એમાં મનુષ્યહૃદયના ભાવો-વૃત્તિઓના ઊંડા શાંત ધરા તેમ જ ઊછળતા તોફાની સમુદ્રો બન્ને એવી સારી રીતે આપણી દૃષ્ટિ આગળ ખડા કર્યા છે, અને એ સર્વમાંથી એવો ગંભીર તત્ત્વજ્ઞાનનો સૂર ધ્વનિત કર્યો છે કે એની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે." (વસંત-વર્ષ-૧, અંક-૬-૭, અષાઢ-શ્રાવણ, સં. ૧૯૫૮ : આનંદશંકર લેખસંચય, પૃ. ૧૩૬) 'રામાયણ', 'મહાભારત' અને 'ઓથેલો' જેવા જગત સાહિત્યના શ્રેષ્ઠ ગ્રંથોની આલોચના-વિવેચના પાંડિત્યપૂર્ણ ને મૌલિક અભિગમથી કરતા આનંદશંકરે ગુજરાતીની મહત્વની કૃતિઓ વિશે કરેલી મૌલિક વિચારણા તપાસતાં 'સરસ્વતીચન્દ્ર', 'ભદ્રંભદ્ર', 'સ્મરણસંહિતા' જેવી કૃતિઓનું તેમનું વિવેચન ધ્યાન ખેંચે છે. આનંદશંકરનો ‘સરસ્વતીચન્દ્ર' અંગેનો પ્રશસ્ય પ્રયત્ન તો એ છે કે ગોવર્ધનરામના મૃત્યુ પછી તેમણે ગુજરાતના સારા સારા લેખકો પાસે 'વસંત'નો ખાસ અંક તૈયાર કરાવ્યો, જેમાં ગોવર્ધનરામ વિશેની લેખમાળા ગુજરાતને મળી. 'સરસ્વતીચન્દ્ર'ની વાત માંડતાં આચાર્ય પહેલાં ગોવર્ધનરામ વિશેનું પોતાનું જે મંતવ્ય વ્યક્ત કરે છે તેમાં તેમના વ્યક્તિવિશેષને, પાછો જે સર્જક વિશેષ તો છે જ, તેને આરપાર તાગવાની કલા પામી શકાય છે. આનંદશંકરને મતે ગોવર્ધનરામની પહેલી શોધ ઈશ્વરની છે, પણ 'સરસ્વતીચન્દ્ર'ના પહેલા ભાગની પ્રસ્તાવનામાં 'ઈશ્વરની લીલાનું સદર્થે ચિત્ર જોવા' ઇચ્છતા ગોવર્ધનરામ માટે એ પ્રશ્ન પતી ગયો છે. તે પછીથી ‘શાસ્ત્રીય દેશોદ્ધારકોને કાંઈ સૂચના’ આપવા ગોવર્ધનરામ મથ્યા છે. આનંદશંકરને મતે ગોવર્ધનરામના સુધારા સંબંધી વિચારમાં ‘શાસ્ત્રીયતા'નો ખ્યાલ બહુ અગત્યનો છે. પહેલાંના સુધારકોમાં રહેલાં જુસ્સા, લાગણી ને એ કારણે વૈચારિક સ્થૂળતાને સ્થાને ગોવર્ધનરામે એમાં શાસ્ત્રીયતાને સ્થાન આપ્યું. આનંદશંકરે ગોવર્ધનરામનાં આ દૃષ્ટિબિંદુને આદર આપતાં 'સરસ્વતીચન્દ્ર'ને 'પુરાણ'નું બિરુદ આપ્યું છે. (વસંત-વર્ષ-૬, અંક-૩, ચૈત્ર-૧૯૬૩) આ કૃતિના ઉપસંહાર વિશે જાગેલા અનેક પ્રશ્નોનું નિરાકરણ આનંદશંકરને મતે જુદું છે. તેઓ માને છે તેમ “સરસ્વતીચન્દ્ર કુસુમને પરણી ગયો ન હોત, તો ભગવી ચૂંદડીએ શોભતી 'મધુરી મૈયા'માં મૂર્તિમંત થતું સ્ત્રીનું માહાત્મ્ય-પુરુષને શરમાવનાર અને નારી પ્રતિષ્ઠાને ઉચ્ચતર કરનાર સ્ત્રીનું દૈવી લક્ષણ શી રીતે પ્રત્યક્ષ કરાત ? અને શું નારી પ્રતિષ્ઠા એ જ વર્તમાન સમયના હિન્દુસ્તાનનો એક મોટામાં મોટો પ્રશ્ન નથી ?" (સાહિત્યવિચાર : પૂ. ૪૮૭) આનંદશંકરની આ પ્રશ્નશૈલીમાં ગોવર્ધનરામને પડકારનારા વિદ્વાનો પ્રતિ વેધક મુદ્રામાં અપાયેલા ઉત્તરની સાથોસાથ સરસ્વતીચન્દ્ર પ્રત્યેની અણસમજનો વિષાદ પણ વ્યક્ત થયો છે. આનંદશંકરે પોતાના સમકાલીનોની શક્તિ મર્યાદાઓને કેવાં તો આત્યંતિક ઉદ્રેકથી ચકાસ્યાં-તપાસ્યાં-પ્રશંસ્યાં છે તેનું એક સુંદર ઉદાહરણ મણિલાલ નભુભાઈ કૃત 'સુદર્શન ગદ્યાવલિ'ની પ્રસ્તાવના નિમિત્તે આનંદશંકરે કરેલાં એમના સમયના સાહિત્ય પ્રવાહોના નિદર્શનમાં સાંપડે છે. તેઓ નોંધે છે, “આપણે આપણી વાટમાં નર્મદ અને નવલરામરૂપી જે જળાશયો પાછળ મૂક્યાં તે કરતાં ગોવર્ધનરામ અને મણિલાલનાં જળ કંઈ ઓછાં મનોહર નથી. જો આ ચારમાં નર્મદનો જળધોધ સૌથી વધારે અને જુસ્સાવાળો હતો અને નવલરામનું શાંત તળાવ વધારે નિર્મળ હતું-તો મનુષ્ય બુદ્ધિ અને હૃદયના અસંખ્ય તરંગોથી છવાયેલો ગોવર્ધનરામનો 'મીઠો મહેરામણ' સૌથી વધારે વિશાળ અને ગંભીર અને મણિલાલની મહાનદી આડાંઅવળાં વહેતાં અનેક ન્હાનાં ઝરણાંને પોતામાં ખેંચી લઈ આસપાસનાં ખેતરોને વારે ફળદ્રુપ કરતી જોવામાં આવે છે.” (એજન : પૃ. ૪૯૩) મણિલાલને મૂલવતાં આનંદશંકર એમનામાં ચાર લક્ષણો નિહાળે છે : પ્રાચીનતા, શાસ્ત્રીયતા, વિશાળતા અને ઉદ્દેશનું ઐક્ય. એમના અવસાન નિમિત્તે એમને વ્યથિત હૃદયે અંજલિ આપતાં આનંદશંકર એમને મિત્ર કરતાં ય દૃષ્ટાભાવે નિહાળી રહ્યા છે તેની પ્રતીતિ આ શબ્દોમાં વ્યક્ત થાય છે : "એક ગ્રંથકાર તરીકે રા.રા. મણિલાલનું મનન કર્યા પછી એમની જાત માટે બહુ લખવું બાકી રહેતું નથી, કેમ કે મણિલાલનાં પુસ્તકો મણિલાલના અંતરઆત્માના આદર્શ જેવાં છે. એ પ્રેમભર્યું હૃદય, એ અશાંત ઉગ્ર પ્રભાવવાળી બુદ્ધિ, એ સ્વદેશાભિમાન, એ સામર્થ્ય એ ક્ષણવાર પણ વિસરી શકાતાં નથી, એ મણિલાલનાં પુસ્તકોમાં પગલે પગલે પ્રત્યક્ષ થાય છે. 'કરવામાં ન કરવું' અને 'ન કરવામાં કરવું' એ સમતાના સૂત્રનો દંભ અનેક વેદાંતીઓ કરે છે, છતાં એનો મર્મ સમજી એને યથાર્થ રીતે આચરનારો આપણામાં એક જ પુરુષ હતો...” (“સુદર્શન ગ્રંથાવલિ'ના આરંભે રહેલો લેખ.) આનંદશંકરે કરેલી કેટલીક પ્રશિષ્ટ કૃતિઓની વિવેચનામાં 'સરસ્વતીચન્દ્ર' ઉપરાંત નરસિંહરાવ કૃત 'સ્મરણસંહિતા'નું વિવેચન બે રીતે નોંધપાત્ર બન્યું છે. એ લેખમાં આરંભે કરુણ પ્રશસ્તિની સ્પષ્ટ ચર્ચા વિગતે મુકાઈ છે, જેમાં પાશ્ચાત્ય કૃતિઓનીય ઐતિહાસિક સંદર્ભે આલોચના થઈ છે. આનંદશંકરને મતે પાશ્ચાત્ય સાહિત્યમાં elegyની જાતનાં સુપ્રસિદ્ધ, લોકપ્રિય અને 'કાવ્યશાસ્ત્રની ઊંચી કસોટીએ સારી રીતે રાખી શકે એવાં કાવ્યો છે મિલ્ટનનું Lycidas અને ટેનિસનનું 'ઈન મેમોરિયમ' વગેરે. આ કાવ્યના અવલોકનને આધારે elegyમાં સ્વજનના મરણનિમિત્તક શોકોદ્ગાર હોવાની સાથે ચિંતન હોવું આવશ્યક છે. 'એલીજી' એટલે મરણનિમિત્તક, ચિંતનાત્મક કરુણપ્રશસ્તિ. આ અર્થમાં આનંદશંકર ટેનિસનના 'ઈન મેમોરિયમ'ને શ્રેષ્ઠ દૃષ્ટાંત ગણે છે. ને એની લગોલગ નરસિંહરાવની આ કૃતિનું દીર્ઘ વિવેચન કરતા આચાર્યને નિષ્કર્ષરૂપે જે વરતાયું છે તે આટલું : "...આ કાવ્યમાં કરુણરસ, શાન્ત અને ભક્તિરસની બેવડમાં રહી એ બે રસની અંદરથી વચ્ચે લપેટેલાં સંગમનીય મણિની માફક-બહુ સુંદર રીતે પોતાની છાપ પ્રગટાવ્યા કરે છે." (એજન : પૃ. ૪૬૪) અહીં સાહિત્યનાં સ્વરૂપની સમજ ને એ સ્વરૂપનું દૃષ્ટાંત માત્ર વિવેચકની નહીં, પણ સહૃદયની આંખે ઝિલાયાનું અનુભવાય છે. નવલકથાકાર મુનશીને મૂલવતા આચાર્યશ્રીના વક્તવ્યમાં નરસિંહરાવના મુનશી વિશેના, ગોવર્ધનરામ વિશેના મંતવ્યથી પ્રગટ થતો મતભેદ કંઈક તારસ્વરે તેમણે વ્યક્ત કર્યો છે. 'કરણઘેલો' અને 'સરસ્વતીચન્દ્ર'ને આનંદશંકર દેશસેવા ખાતર લખાયેલી કૃતિઓ ગણાવે છે ને એ સંદર્ભમાં મુનશીને સાંકળીને બહુ મોટી અંજલિ આપતાં 'હવે ત્રીજા મહાન નવલકથાકાર શ્રીયુત કહૈયાલાલ માણેકલાલ મુનશી : દેશસેવા ખાતર નહીં પણ સાહિત્યસેવા ખાતર જ સાહિત્યસેવા કરનાર પ્રથમ પંક્તિના નવલકથાકાર' કહીને મુનશીને નવાજે છે. આમ કહેતાં તેમના મનમાં કોઈ તુલના નથી એવુંય તેમણે સ્પષ્ટવક્તા થઈને જણાવી દીધું છે : “નિશાળોમાંથી નિશાળિયાઓને ક્લાસમાં નંબર આપવાની પદ્ધતિ જતી રહી તેમ સાહિત્યકારોને નંબર આપવાની પદ્ધતિ પણ હવે જતી જાય છે. હવે એ જૂની રીત છોડીને એમની કૃતિના અંતરમાં રહેલા કર્તાના ઉદ્દેશો, સિદ્ધાંતો, દૃષ્ટિબિંદુઓ જોવાં અને તારવી કાઢવાં એ વધારે ઈષ્ટ ગણાય છે.' આનંદશંકરની વૈચારિક આધુનિકતાનું ય આ મત પ્રમાણ ગણી શકાય.” મુનશી પર થયેલા કેટલાક આક્ષેપોમાંનો એક તેમણે એમની નવલકથાઓમાં કરેલા પશ્ચિમના અનુકરણનો છે. આનંદશંકરને મતે, મુનશીની કૃતિઓ વાંચતાં પશ્ચિમની નવલકથાઓનું સ્મરણ થતું જ નથી. તો પછી દોષ ક્યાં રહ્યો ? પશ્ચિમ ને પૂર્વ-બન્નેમાં માણસો જ વસે છે. એમાં અનાયાસે ક્યાંક સામ્ય જણાય તેથી કર્તાની કૃતિનું મૂલ્ય ઘટી ન શકે એવું આચાર્યનું માનવું છે. બીજો આક્ષેપ મુનશીએ ઐતિહાસિક સત્યને અવગણ્યાનો છે. તો એ બાબતમાં આનંદશંકરનો ઉત્તર એ છે કે સાહિત્યકલા ખાતર ઇતિહાસમાં ફેરફાર કરવાની સત્તા સાહિત્યકારને છે. તેથી કરીને સાહિત્યકાર તરીકે એનું મૂલ્ય ઘટતું નથી. શેક્સપિયર જેવાં દૃષ્ટાંતો આ વાતની સાખ પૂરે છે. ત્રીજો વિચારવા જેવો આક્ષેપ છે સ્ત્રીત્વના આદર્શ સમી મીનળદેવીને મુંજાલ સાથે પ્રેમમાં નાખી મુનશીએ એનો યશ કલંકિત કર્યાનો. આનો ઉત્તર પ્રતાપી કાકુમાં આપતા આનંદશંકરનું વીર્ય સહૃદયને આનંદચકિત કરે તેવું છે. તેઓ નોંધે છે, “ધ્યાનમાં રાખો કે મહાન સ્ત્રી પુરુષો પણ મનુષ્ય છે. અને તેઓ મનુષ્ય રહીને જ મહાન થાય છે... અવતારવાદનું આ જ રહસ્ય છે. મનુષ્યતાનું બીજું નામ રસ છે. નિર્ગુણ બ્રહ્મ એ કાવ્યનો વિષય ન થઈ શકે. એને કાલ્યનો વિષય કરવા માટે સગુણ જ કરવું પડે. બ્રહ્મ તે આ રીતે જ કૃષ્ણ થાય છે.” આ છે આનંદશંકરને ગમી-કહો કે જચી-ગયેલા મુનશી ! ને હા, એ ઉપરાંત આનંદશંકરને રૂચિ છે મુનશીની હિમ્મત અને દૃઢતા. અને બીજું, idealism એટલે કે પ્રતિભાથી સર્જેલું આ જગત જે સ્થૂળ જગત કરતાં વિશેષ સાચું છે. પણ મુનશીથી મોટેરા સમકાલીન હોવાના નાતે ને એમનાં આચાર્યત્વના અધિકારે કરીને મુનશીને અભિનંદવા છતાં છેવટે “આ નવલકથા (ગુજરાતનો નાથ) ઘણું કરીને ૧૯૧૬માં લખાઈ હતી. પણ તે પછી ગંગાનાં નીર બહુ વહી ગયાં છે. આ જ મુનશી મુંજાલની માફક એમની ગુજરાતરૂપી પ્રિય 'મઢુલી' જ સાચવીને બેસશે કે ભારતીય વિદ્યાનો મહેલ બાંધવાનો અભિલાષ ધરાવશે” કહીને મુનશીને ઢંઢોળી પણ લે છે ને એ રીતે એમની શક્તિઓને આધારે મુનશીની શક્યતાઓને તાગીને અપેક્ષા પણ સેવે છે-ઉચ્ચતર સર્જનની. મુનશીએ પછીથી સ્થાપેલા ભારતીય વિદ્યાભવનનાં મૂળિયાં કદાચ આનંદશંકરની આ ટકોરમાં પડેલાં અનુમાની શકાય. 'ભદ્રંભદ્ર' જેવી અતિપ્રસિદ્ધ કૃતિની આનંદશંકરે રીતસરની ઝાટકણી જ કાઢી છે. 'ભદ્રંભદ્ર'નું ખાસ્સું લંબાણપૂર્વક વિવેચન કર્યા પછી આનંદશંકરનું માનવું છે તેમ આ કૃતિની નિષ્ફળતાનાં બે કારણ છે : એક તો, રાગદ્વેષથી રહિત થઈને લેખકે પોતાની પ્રતિભા વડે તે તે ઉપહાસપાંડ્ય વર્ગનું પ્રતિબિંબ રચતાં પાત્રો રચવાં જોઈએ જે અહીં થઈ શક્યું નથી, અને બીજું કારણ, સેટાયરમાં મનુષ્યત્વનો જે સ્વીકાર હોવો જોઈએ તે પણ અહીં નથી. આનંદશંકરને મતે સેટાયર અસરકારક ત્યારે જ નીવડે જ્યારે એ દુશ્મન તરફથી નહીં પણ મિત્ર, પિતા કે ગુરુ તરફથી આવે છે એવો સામી વ્યક્તિમાં ભાવ ઉત્પન્ન થાય. મનુષ્ય ઉપદેશથી સુધરે પણ અપમાનથી નહીં. 'ભદ્રંભદ્ર'માં મણિલાલને નિમિત્તે થયેલી સનાતનીઓની મજાકથી નારાજગીની હદે ખેદ પામેલા આનંદશંકરે છેવટે તો લગભગ માથું ધુણાવતાં લાલ આંખ કરીને કહી નાખ્યું છે: "અમે અત્યંત દિલગીર છીએ કે યથેચ્છ અતિશયોક્તિ અને વ્યક્તિગત આક્ષેપોમાં આનંદ માની તથા આવે સમયે સુધારાના પ્રશ્નની સર્વ ગંભીરતા લોકદષ્ટિ આગળથી હરી લઈ, તથા ઉપહાસની એક ફૂંકથી સર્વ કચરો ઊડી જશે એમ મિથ્યા માની લઈ, સુધારને સબળ કરવાને બદલે એના માર્ગમાં એક વિક્ષેપ નાખ્યો છે.” (સુદર્શન-પૃ. ૧૬, અંક-૯, જૂન-૧૯૦૧) સાહિત્યમાં જીવનનું મહિમાગાન કરતા આનંદશંકર માટે ‘ભદ્રંભદ્ર'માં તેમને વરતાયેલો વ્યક્તિદ્વેષ અસહ્ય થઈ પડયાનું અહીં જોઈ શકાય છે. વિવિધ કૃતિઓનાં સમદર્શી વિવેચનો કરતા આનંદશંકરને કાન્તનાં 'વસંતવિજય' ખંડકાવ્ય વિશે વાત કરતી વેળા એક માર્મિક પ્રશ્ન થયો છે : “ગુજરાત વિવેચનનું ભૂખ્યું છે, પણ તે કરતાં એ રસપાનનું તરસ્યું હોય તો વધારે સારું નહીં ?... અમુક કાવ્ય કેમ ગમે છે એનો ઉત્તર જાતે વિચાર ન કરીએ અને સામાને એ પ્રશ્નનો ઉત્તર ન આપવો પડે તો કેવું સારું... જે ગમી જાય તેનું વિવેચન ન કરવું પડે તો ઠીક.” (સાહિત્યવિચાર-પૃ. ૫૧૪) આનંદશંકરના આ વિધાનમાં બે વસ્તુ નજરે ચડે છે : વિવેચન અને આસ્વાદનો ભેદ અને આનંદમાં લીન કરતી કૃતિનું મૌનમાં થતું પર્યવસાન એ જ એને ઉચિત અર્ધ્ય. કાન્તનાં 'વસંતવિજય' વિશે આચાર્યને આ પ્રકારની લાગણી છતાં એક ભાવકના આ કાવ્ય વિશેની અણસમજથી પ્રેરાઈને કદાચ આનંદશંકર પાસેથી આપણને એનો ઉત્તમ રસાસ્વાદ સાંપડયો. 'વસંતવિજય' નિમિત્તે કરુણરસની ચર્ચા કરતા આનંદશંકર કરુણને બે પ્રકારે જુએ છે : પહેલો મૃદુતાભર્યો - અર્ધખીલેલી કળી મર્દાઈ જાય તેવો, બીજો ભવ્યતાભર્યો. મનુષ્ય આત્મા વિપરીત પરિસ્થિતિ અને ક્રૂર નિયતિના વિરોધ અને પ્રહાર સહન કરે, પણ સ્વસ્વરૂપમાં અડગ રહે. દા.ત. હરિશ્ચન્દ્ર, યુધિષ્ઠિર. એમાં પોતા તરફથી ત્રીજો પ્રકાર ઉમેરતાં આનંદશંકર કરુણ અને શૃંગારના મિશ્રણને જણાવે છે. 'વસંતવિજય'નો ગુણ શામાં છે ? આનંદશંકર જાણે સ્વગત જ આ મુદ્દો ચર્ચતા હોય તેવી શૈલીમાં-આ રીતે કે આ રીતે ? એમ વિચારતાં ને આગળ વધતાં કહે છે, “પાંડુનો વાનપ્રસ્થ ધર્મ થકી ભ્રંશ થઈને એનું મરણ થયું એમાં છે આ કરુણ?” ને ઉમેરે છે, “મને લાગે છે કે ઉગ્ર વાનપ્રસ્થધર્મમાં રાજ્યધર્મનું કુમાર પ્રેમની આહુતિ એ જેમ રામચન્દ્રના કરુણનું મુખ્ય તત્ત્વ છે, તેમ અહીં ઉગ્ર વાનપ્રસ્થધર્મમાં ગૃહસ્થાશ્રમની આહુતિ પાંડુના જીવનનું કારુણ્ય છે. અને અંતે સૌંદર્યભોગના યજ્ઞમાં વાનપ્રસ્થધર્મની આહુતિ થઈ એ એના મરણનું કારુણ્ય છે. આમ દ્વિવિધ કારુણ્યરસ, અને તે પણ જીવનની એકબીજાથી વિરુદ્ધ ભાવનામાંથી નીકળતો આ કાવ્યમાં ઝરે છે." (એજન : પૃ. ૫૧૮-૧૯) આનંદશંકરની જીવન પ્રત્યેની સમજ, કહો કે એનાથીય આગળ વધીને નિષ્ઠામાંથી નીપજેલું આ દર્શન છે જે પાંડુને મર્યાદાશીલ મનુષ્ય ઠેરવવાને બદલે એ નિમિત્તે જીવનના એક જુદા આયામને ચીંધીને સહૃદય જીવતરનાં પડો ઉકેલવામાં મદદરૂપ થાય છે. કવિની સહૃદયતા ને દર્શનને પ્રમાણી શકતા જીવનનિષ્ઠ આચાર્ય આથી જ ઉમેરે છે તેમ, “સૌંદર્યને ઉપાસતો પાંડુ આ ક્ષણે યોગભ્રષ્ટ થયો એ તાપસની દૃષ્ટિએ ભલે વિનિપાત ગણાય, પણ કવિની દૃષ્ટિએ એ દેવને બદલે મનુષ્ય થયો એ જ વધુ સુંદર. મનુજ પાંડુ તાપસ રહીને હજારો વર્ષ જીવ્યો હોત એ સારું થાત કે મૃત્યુથી ન બ્હીતાં સૌંદર્યવશ થયો એ સારું થયું ? ખરો કરુણ ક્યાં ? આદિમાં કે અંતમાં ? ને પોતાના આ પ્રશ્નનો ઉત્તર વ્યાસની દૃષ્ટિએ પણ આચાર્ય અંતમાં જુએ છે. ઉદાત્ત ભાવનાવાળા પાંડુએ વાનપ્રસ્થ ગાળવાનો નિશ્ચય કર્યો એ તેનું 'યોગાન્ધત્વ' ન હતું, પણ ઉચ્ચ જીવનનો મનોહર પ્રકાશ હતો. આવો ઉચ્ચ અભિલાષ હોવા છતાં રાજા પોતાને જાણતો ન હતો. જગતમાં ઊંચી ભાવનાવાળા ભાવના ઊંચી હોવા છતાં, આધ્યાત્મિક બળ ઓછું હોવાથી, ભાવના પૂરેપૂરી સિદ્ધ કરી શકતા નથી અને પડે છે. તેમ પાંડુ રાજા પણ પડયો. મરણ એ એનું પ્રાયશ્ચિત્ત થયું. આ આખ્યાનનો કરુણ રસ.” (વસંત-વર્ષ-૨૬, અંક-૫, જયેષ્ઠ, સં. ૧૯૮૩) ‘વસંતવિજય'ના કરુણની આ સમજ આચાર્યની રાજશેખરકથિત ભાવયિત્રી પ્રતિભામાંથી પ્રગટી હોવાનું સહેજે પ્રતીત થાય છે. કાન્ત અને પાંડુને અહીં અપાયેલી આ અંજલિ આનંદશંકરે ઉપાસેલી વાક્દેવીનાં વરદાનમાંથી પ્રગટી હોવાનું કહેવામાં અત્યુક્તિ નથી. ગુજરાતની પ્રશિષ્ટ કૃતિઓ ને સર્જકોની ભારે ઊંડાણ ને રસપૂર્વક મીમાંસા કરતા આનંદશંકરે 'વસંત'ને નિમિત્તે અનેક નાનાં-મોટાં ગ્રંથાવલોકનો પણ કર્યા છે જેમાંનાં કેટલાંક નિરીક્ષણો તેમના વિવેચનના વ્યાપને તેમ જ દરેક સર્જકનાં કર્તૃત્વની તેમણે કરેલ કદરને એ રીતે ગુજરાતીને થયેલા લાભનાં દ્યોતક છે. આવાં કેટલાંક વિવેચનો ટૂંકમાં જોઈએ તો : નરસિંહરાવ કૃત ‘સ્મરણમુકુર' વિશેનું આ મંતવ્ય : "રા. નરસિંહરાવનું 'સ્મરણમુકુર' મુકુર એટલા પૂરતું જ છે કે એનાં દૃશ્યો જે દૃષ્ટિબિંદુથી એમણે ઝીલ્યાં છે તે દૃષ્ટિબિંદુથી યથાર્થ હોવાનો દાવો કરે છે. એ caricature નથી. અર્થાત્ એમાં વસ્તુનું તત્ત્વ અત્યુક્તિ કરીને સૂચવવાનો પ્રયત્ન નથી. પણ તે સાથે એમાં, ઇતિહાસકારની રીતે માત્ર બાહ્ય પ્રમાણનું જ દર્પણ ધરીને, સ્વહૃદયથી સ્વતંત્ર એવું વસ્તુનું શુદ્ધ અને પરિપૂર્ણ સ્વરૂપ ગ્રહણ કરવાનો અને કરાવવાનો ઉદ્દેશ પણ નથી. મુકુરમાં મુકુર જ્યારે ધર્યું હોય તે વખતનું જ એટલે અમુક પ્રસંગનું જ પ્રતિબિંબ પડે, એમાં વસ્તુનું પૂરેપૂરું સનાતન સ્વરૂપ ન આવે. તેમ જ વળી આ સ્મરણનું મુકુર છે એટલે યાંત્રિક ફલકની માફક એ પ્રતિબિંબો ઝીલતું નથી, પણ સ્મરનારની સ્મૃતિના રંગોથી એ પ્રતિબિંબો રંગાય છે.” (એજન : પૃ. ૩૬૪-૬૫) પંડિત નહેરુની આત્મકથા વિશે વ્યક્ત થતો તેમનો આદર : “અમારા મન ઉપર આ પુસ્તકે એક યથાર્થ ઐતિહાસિક કાવ્યરૂપે વિશેષ અસર કરી છે. કાવ્ય એટલે અસત્ય નહીં, ઐતિહાસિક સત્ય કરતાં પણ કાવ્યનું સત્ય અધિક હોય છે. કાવ્ય એટલે એક રસમય પ્રતિભાશાળી રચના. જેણે આ સમયનો ઊંડો અનુભવ કર્યો છે એનામાં ઊંચા સંસ્કાર હોય તો પ્રતિભાની શી ખોટ ? અને રસ તો એવો ભર્યો છે કે આ પુસ્તક વાંચવાનું શરૂ કર્યા પછી અન્ય સર્વ વ્યવહાર વિઘ્નરૂપ લાગે છે. અમે આને 'રસમય' કૃતિ કહી તે એ વાંચવી ગમે છે એવા સાધારણ અર્થમાં નહીં, પણ કાવ્યશાસ્ત્રના પારિભાષિક અર્થમાં એ 'રસમય' છે. (એજન : પૃષ્ઠ-૪૨૫) આ સિવાય પણ આનંદશંકરે એ સમયનાં નાનાં મોટાં અનેક સંપાદનો, અભિવાદન ગ્રંથો, મધ્યકાલીન સંત કવિઓ, મધ્યકાલીન કૃતિઓ વિશે નાની મોટી નોંધરૂપે પોતાનો અભિપ્રાય મૂકી આપીને એ સમયનાં ગુજરાત ને ગુજરાતી સાહિત્યનું એક પ્રકારે રેખાદર્શન કરી-કરાવી આપવાનો યુગધર્મ પણ બજાવ્યો છે.

વ્યાખ્યાનો

સાહિત્ય પદાર્થ વિશે આચાર્યશ્રીએ કરેલી ગંભીર ગવેષણાની લગોલગ એમણે જુદા જુદા સંદર્ભે આપેલ વ્યાખ્યાનોમાં ક્યાંક પ્રાસંગિક સંદર્ભો છે, ક્યાંક વિદ્યોતેજક પ્રવૃત્તિને અપાયેલું પીઠબળ છે, ક્યાંક અધ્યાપકની હેસિયતે થયેલી ચર્ચાઓ છે તો ક્યાંક અભિનંદન, અભિવાદન, અંજલિ જેવા પ્રસંગે થયેલી બે વાતો છે; પણ આ તમામ સંદર્ભોમાં આનંદશંકરનું આચાર્યત્વ જ ઊભર્યું છે. આનંદશંકરે આપેલાં વ્યાખ્યાનોમાં સાહિત્ય પરિષદને લગતાં વ્યાખ્યાનોની સંખ્યા ધ્યાન ખેંચે છે. પરિષદનાં આરંભકાલીન વર્ષોમાં કુલ દસ જેટલાં પરિષદ અધિવેશનોને આનંદશંકરે વિભિન્ન ભૂમિકાએ સંબોધ્યાં છે ! પરિષદની પાયાવિધિનાં આ વર્ષો દરમ્યાનનું પરિષદનું પણ આ કેવું સદ્ભાગ્ય ! છઠ્ઠી સાહિત્ય પરિષદના સ્વાગતમંત્રી તરીકે - જેના મહેમાન તરીકે સ્વયં રવીન્દ્રનાથ ઉપસ્થિત હતા-એ ધન્ય ક્ષણે આનંદશંકરે પરિષદની પ્રાસંગિકતા, સાહિત્યકારનો ધર્મ જેવા મહત્ત્વના મુદ્દાઓની વિશદ છણાવટ કરી છે. પરિષદને સંબોધતાં આનંદશંકર જણાવે છે, “સાહિત્ય, કળા, તત્ત્વજ્ઞાન એ જનસમાજની સેવા અર્થે રચાયેલી કૃતિઓ નથી. અને તેથી એની કિંમત જનસમાજને થતા લાભ પૂરતી ન થવી જોઈએ. એ લાભ તો જગતમાતા સરસ્વતીના ઊભરાતા પ્રેમનો પ્રસાદ છે.” તેમને મતે સર્જકે કરવાની છે નિષ્કામ સેવા. આગામી રાષ્ટ્રીય પુનર્ગઠનના આ યુગમાં કવિની ઘણી જરૂર પડવાની છે... કેવો છે આ કવિ ? આચાર્યને મતે, 'કવિ એ જનતાનું મુખ છે... આ નવા યુગને “આ હું" એમ આત્મદર્શન કરાવનાર કવિ જોઈશે.' બીજું, આ નવો યુગ બેસતાંની સાથે જનસમાજની વૃત્તિઓમાં ભારે ઉછાળો આવશે. એમાં વિશુદ્ધિ, સુંદરતા અને ઉચ્ચતાનાં તત્ત્વો પ્રવેશવાનું કર્તવ્ય સાહિત્યને શિરે રહેશે. નહીં તો જીવન નર્યું કદરૂપું અને પ્રાકૃત બની જશે. આ તબક્કે સાહિત્ય પરિષદનું કર્તવ્ય પણ આચાર્ય સ્પષ્ટ કરી આપે છે: "સાહિત્ય પરિષદ કવિઓ કે વિદ્વાનો ઉપજાવી શકશે ? સાક્ષાત કવિઓ કે વિદ્વાનો ઉપજાવવાનો દાવો આ સંસ્થાએ કદી કર્યો નથી અને કરતી નથી. પણ અષાઢનાં વાદળો જોઈ કૃષિકાર-એમાંથી જળનું એક બિંદુ પણ ટપકાવી શકવાનું એનું સામર્થ્ય ન હોય તો પણ-ઊંચી ડોકે એના સામું જોઈ રહે છે તેમ યુગધુરંધર કવિ અને તત્ત્વવેત્તા માટે આપણી પરિષદ તલસે તો એ સ્વાભાવિક નથી ?” તો એ પછી પરિષદે કરવાનાં વ્યવહારુ કાર્યો કયાં એની આચાર્યે લાંબી યાદી કરી આપી છે. જેવી કે, નર્મદ અને ટેલર પછી ગુજરાતીનો એકેય સારો કોશ તૈયાર થયો નથી કે સારું વ્યાકરણ પણ નથી થયું. એ જ રીતે ગુજરાતના ઇતિહાસની ખામી છે. ઇતિહાસે પાછો વિશાળ, જેમાં પશ્ચિમ રાજસ્થાન, માળવા, સૌરાષ્ટ્ર આદિની વિગતો-ભાષા સમેતની ચર્ચાય. સાહિત્યની એક પ્રકાશક મંડળી રચાય, જે આ કાર્યો પ્રકાશિત કરે. હસ્તલિખિત પ્રતોનો સંગ્રહ કરે અને એનું સૂચિપત્ર તૈયાર કરે. (એજન : સત્કારમંડળ તરીકેના પ્રમુખ તરીકેનું ભાષણ) બીજી, એક સંશોધક મંડળ રચાય જે લોકસાહિત્ય આદિનો અભ્યાસ કરે. ત્રીજી માગણી વિજ્ઞાન પ્રસારક મંડળીનીય અનિવાર્યતા છે. દરેક પ્રાંતમાં વિદેશી ભાષાની કોલેજ સ્થપાય. ભાષા-સાહિત્યના વિભાગમાં અન્ય પ્રાન્તની ભાષામાંથી પણ એકાદ ભાષાનું સાહિત્ય મુકાય-આ બધું એક વ્યક્તિ નહીં, સંસ્થા જ કરી શકે એવું આચાર્યનું અહીં માનવું છે. (તા. ૩-૪-૧૯૨૦) નવમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેનાં વક્તવ્યમાં પણ આનંદશંકરે પરિષદે કરવા યોગ્ય કાર્યોની વિગતે ચર્ચા કરી છે જેમાં આગળ નોંધેલા મુદ્દાઓની પુનર્વિચારણા તો છે જ, પણ એ વક્તવ્ય તો સ્વાગત મંત્રી તરીકે હતું. અહીં તો પ્રમુખની ગંભીર જવાબદારીના સંદર્ભમાં તેમણે પરિષદનું ને સાથોસાથ સર્જકોનું, સમાજનું કર્તવ્ય પણ ચીંધ્યું છે. આચાર્યને મતે પરિષદ એટલે આપણે પોતે જ. આપણે સૌ સાહિત્યની સેવા નથી કરી શક્યા તો એનું કારણ શું ? તેનો ઉત્તર શોધતા આચાર્યે કેટલાક મુદ્દાઓ ઉપસાવ્યા છે. તેમાંનો પહેલો છે “જનસમાજના હૃદયમાંથી કાવ્ય ઉદ્ભવવા માટે જનસમાજ પોતે કાવ્યરૂપ હોવો જોઈએ. આચાર્યને ખેદ છે તેમ ‘આત્મજુગુપ્સાના દોષ વિના અને વિષાદને વશ થયા વિના, આપણે કહી શકીએ કે જગતને ચકિત કરે કે મોહ પમાડે એવી ભાવના કે સુંદરતા હજી આપણા જીવનમાં આવી નથી... આપણી વૃત્તિઓ પણ નચિકેતાના બાપે યજ્ઞના દાનમાં આપી હતી તેવી દુબળી, ઘરડી અને વસૂકેલી ગાયો જેવી છે... ક્ષોભ, મંથન, વિગ્રહ વિના ખરી શાંતિ નથી અને શાંતિ વિના સાહિત્ય નથી... ભાઈ મુનશીના કહેવા પ્રમાણે આ મૂલ્ય પરિવર્તનના યુગમાં આપણા ભવિષ્યનાં સાહિત્યની આશા રહેલી છે..." (એજન : પૃ. ૨૧ થી ૮૫) સાહિત્યના સર્જન માટે અતિ આવશ્યક સમાજ જીવનની ચર્ચા કરી આનંદશંકરે અર્વાચીનકાળની આગલી સાઠીનું અવલોકન કર્યું છે. તેનાં કેટલાંક વિધાનો ધ્યાનપાત્ર છે. –“નર્મદનાં સૃષ્ટિસૌંદર્યનાં અને ઋતુવર્ણનનાં કાવ્યો વિગતભર્યાં પણ મર્મગ્રાહી નહીં. તેનાં શૃંગાર, વીર અને દેશભક્તિરસના ઉછાળા તેમાં કૃત્રિમતા નહીં તેમ કલા પણ નહીં. માત્ર સીધો આવેશ.” -“...નવલરામ ગુજરાતી ભાષાના વિદ્વાન, પણ એમની વિશિષ્ટતા સાહિત્ય વિવેચનમાં. એમનામાં સાહિત્યના ગુણદોષ સમતોલબુદ્ધિથી પારખવાની અદ્ભુત શક્તિ, પણ બહુ વિશાળ સાહિત્યના જ્ઞાનથી એ સંસ્કાર પામેલી નહીં. તેમ વિશાળ બનેલી પણ નહીં. જેવું તે સમયનું સાહિત્ય, તેને અનુરૂપ વિવેચનના કામમાં આજ પણ દુર્લભ." પછીથી વિવેચનક્ષેત્રમાં નવલરામનું સ્થાન રમણભાઈએ લીધું એમ જણાવીને રમણભાઈની ઉચિત કદર કરતાં આ વિધાનો આનંદશંકર પાસેથી સાંપડયાં : “નવલરામ કરતાં રમણભાઈની વિદ્વતા ઘણી વધારે તેથી એમનાં વિવેચન વધારે ઊંડાં, વિશાળ અને ઉદાહરણથી સંપન્ન. ભાષાની સંસ્કૃતિ પણ વધારે ઊંચી.” રમણભાઈની 'ભદ્રંભદ્ર'ની આચાર્યને વરતાયેલી ઊણપોને તાર સ્વરે વ્યક્ત કરનાર આનંદશંકરે જ્યાં તેમનું ગૌરવ કરવાનું છે ત્યાં જે રીતે કર્યું તેમાં એમનાં વિવેચનની સમતા, પારદર્શિતા અને ઔચિત્યનાં દર્શન થાય. ભદ્રંભદ્રની કદર થઈ એના મૂળમાં આનંદશંકરે 'શિષ્ટતાની કદર ન કરનારો વર્ગ 'ભદ્રંભદ્ર'ને જ ઊંચું પદ આપશે' કહીને પ્રજામાનસની રૂચિનોય પરિચય આપી દીધો છે. પોતાના સમકાલીન સર્જકોને એક પીંછીથી ચિરંજીવ મૂલ્ય આપી શકતા આનંદશંકરની ક્ષમતા કેવી તો વ્યક્ત થાય છે તે નીચેનાં દૃષ્ટાંતોથી સ્પષ્ટ થશે :

  • "‘વસંતવિજય’, 'સાગર ને શશી' વગેરે કાન્તનાં કાવ્યો સુરેખ સૌંદર્યના કટકા છે."
  • "બળવંતરાય જેવી અનેક પ્રદેશસંચારી બુદ્ધિ નરસિંહરાવ અને રમણભાઈને બાદ કરતાં કોઈની જ નથી."
  • "કલાપીની ભાષામાં વિદ્યાનો સંસ્કાર નથી, પણ સાચી, સીધી અને સાદી વાણીનો સાદ મન કરે છે."
  • “રણજીતરામ એટલે તે સમયના ગુજરાતની ભાવના.”
  • “ન્હાનાલાલની કવિતા 'તેજ ઘડ્યાં મુજ અંગ' એમ જગતને કહી શકે છે, પણ એમાં પાર્થિવ અંશની જેટલી ખોટ છે તેટલી એમની મનુષ્યજીવનની વિદુરતા છે. એમના કવિ હૃદયમાં દૈવી તેજ પુષ્કળ છે, મનુષ્ય હૃદયનો જુસ્સો થોડો છે, જો કે ભાવનાલક્ષી અમાપ છે, એ જ એમની કવિતાનાં ગુણ અને ખામી.”
  • "પણ આ યુગના સાહિત્યના નભોમંડળમાં ચમકતા તેજ:પટ પેઠે વિસ્તરી રહેનાર, અને પોતાના પ્રભાવથી અન્ય સર્વ જયોતિર્ગણને દાબી દેનાર વર્તમાન સાહિત્યજયોતિ તે કનૈયાલાલ મુનશી.”

“ગાંધીજી કવિ નથી, વિદ્વાન નથી, ગ્રંથકાર નથી, એક સાદા પત્રકાર છે. પણ પત્રકાર તરીકે એમણે ગુજરાતી ભાષામાં સાદી, સીધી અને સચોટ છતાં તળપદી નહીં, કિન્તુ આત્મસંસ્કારની સાદી શોભા ધરાવતી એવી, કોઈક અવર્ણનીય શૈલી દાખલ કરી છે, જે વિદ્વાન-અવિદ્વાન સર્વને સારી રીતે મુગ્ધ કરી શકે છે." આ સમગ્ર દિગ્દર્શનમાં આનંદશંકરે મોટામાં મોટી અને નાનામાં નાની ગણાયેલી પ્રતિભાઓને ઉચિત સ્થાન આપ્યું છે. એના પરિણામે શ્રોતાઓ માટે શું પરિણામ હોઈ શકે તેય કહી નાખ્યું છે : “આ અવલોકન-જે આપને કંટાળો આપે એટલું લાંબું છે અને વ્યક્તિઓને અન્યાય કરે એટલું ટૂંકું છે.” વિવેચનશાસ્ત્રમાં આપણે ઘણું કરવાનું છે એવી ટકોર કરતાં આનંદશંકરે વિવેચનની વ્યાખ્યા બાંધી આપી છે, “વિવેચનશાસ્ત્રમાં આપણે ઘણું કરવું બાકી છે. સાપ્તાહિક કે માસિક પત્રમાં જે ગ્રંથાવલોકન થાય છે તેમાં આ વિશાળ ક્ષેત્રની સીમા ભાગ્યે જ ખેડાય છે. વિવેચનશાસ્ત્રની રચના અંગે, કલા અને તે ઉપરથી સાહિત્યના તત્ત્વનું અન્વેષણ કરવું એ એનો એક પ્રકાર છે : સાહિત્યના વિવિધ પ્રકાર લઈ એનાં સ્વરૂપલક્ષણ બાંધવાં એ બીજો પ્રકાર છે : અમુક કૃતિના ગુણ દોષ કે ગુણની મર્યાદા અવલોકવી એ ત્રીજો પ્રકાર છે : તેમ ગુણદોષનો વિચાર પડતો મૂકી માત્ર એનું સૂક્ષ્મ સ્વરૂપ ઊંડા ઊતરીને સમજવા યત્ન કરવો એ ચોથો પ્રકાર છે : સર્વાનુભવરસિકથી ભિન્ન સ્વાનુભવરસિક વિવેચન-જેમાં વાચકના બોધ માટે નહીં પણ પોતાના જ ઉપભોગ માટે અમુક સાહિત્યકૃતિનું નિરીક્ષણ થાય છે અને એ રીતે વિવેચનરૂપ એક વિશિષ્ટ સાહિત્યનો પ્રકાર ઉત્પન્ન કરવામાં આવે છે, એ એનો પાંચમો પ્રકાર." આચાર્યનું વિવેચન સાહિત્યતત્ત્વ, કલા, ગ્રંથાવલોકનો, સર્જકો, સાહિત્યના સિદ્ધાંતો, પૂર્વ-પશ્ચિમના મહાન સર્જકો જેવા અનેકવિધ વિષયોમાં વિસ્તર્યું છે. તો વ્યાખ્યાનોમાં તત્કાલીન સર્જકો, સંસ્થાઓ અને ગુજરાતી સાહિત્યનો સુરેખ આલેખ જેવા વિષયો ચર્ચીને આનંદશંકરે તેમની સમગ્રલક્ષી વિદ્યોપાસનાનો અર્ધ્ય ગુજરાતના ચરણે ધર્યો છે. તેમનું વિવેચન ‘વસંત'ને નિમિત્તે વિશેષ થયું છે. તેથી ક્યાંક એકવિધતા, પુનરાવર્તન જેવાં વિઘ્નો નડ્યાં છે, પણ તેમની વિચારરાશિ ને એ રાશિની અંતિમ અભિવ્યક્તિમાં રહેલી પારદર્શી દૃષ્ટિ, તપઃપૂત વિચારધારા, પૂર્વ-પશ્ચિમની વિચારધારાનો સમન્વય, સત્યની ઉપાસનાનો હેતુ એ વિઘ્નોને ઝાંખાં પાડી દે છે. આનંદશંકરનાં સાહિત્યિક લખાણોને 'સાહિત્ય વિચાર'માં સંપાદિત કરતાં આનંદશંકરના ઉત્તરાધિકારી તરીકે શોભી રહેલા રામનારાયણ પાઠક આચાર્ય પ્રત્યે અંજલિબદ્ધ બનતાં નોંધે છે : "તેઓ હરકોઈ વિષયને ચર્ચતાં તેને અનેક દૃષ્ટિબિંદુઓથી જુએ છે. તે વિશે જે જે મતો પ્રચલિત હોય તેને મહત્ત્વ પ્રમાણે રજૂ કરે છે. પોતાનાથી વિરોધી મતને પણ તેઓ પૂરેપૂરા વિશદ સ્વરૂપમાં મૂકે છે. તત્ત્વાભિનિવેશી દૃષ્ટિએ ગમે તેવા મોટા ગ્રંથકારનું દૃષ્ટિબિંદુ પણ તેઓ બે ચાર જ પંક્તિઓમાં રજૂ કરે છે. પૂર્વ અને પશ્ચિમ બન્નેના મતોનો તેઓ યથાયોગ્ય ઉપયોગ કરે છે, જુદા જુદા મતોનો વિરોધ બતાવે છે, તેને ઐતિહાસિક દૃષ્ટિએ જુએ છે, ભવિષ્યપદ્ધતિએ નવો અર્થ કરે છે-અર્થ-વિસ્તાર કરે છે, વિરોધી મતોનો સંગ્રહ કે સમન્વય કરે છે. એમ કરતાં ગમે તેવા મહાન લેખકની, તે પૂર્વનો હોય કે પશ્ચિમનો, તે જગન્નાથ હોય કે એરિસ્ટોટલ હોય કે ક્રોચે હોય; તેની પણ સત્ય ખાતર ટીકા કરતાં તેઓ સંકોચ ધરતા નથી. ગમે તેટલાં વિચારજાળાં કે વિચારધૂમ કે વિચારવમળની પાર જઈ તેઓ સત્યને જુએ છે અને પોતે જુએ છે તેવું તેને સંપૂર્ણ વિશદરૂપે મૂકે છે. તેમની બુદ્ધિની સૂક્ષ્મતા આગળ કશું દુર્ભેઘ નથી, તેમની બુદ્ધિની શિથિલતા - ઉદારતા આગળ કશું દુર્ગાહ્ય નથી.” આનંદશંકરના સમગ્ર વિવેચનના સંદર્ભમાં રા.વિ. પાઠકનું આ વિધાન યથાર્થ ઠરે તેવું છે : “આ લેખો આ વિષયના અભ્યાસીને માટે અમૂલ્ય ધન છે. ધરતીને વધારે ખેડીએ ને તે વધારે ફળદાયી થાય તેમ આ લેખોને અભ્યાસી જેમ વધારે ખેડશે તેમ તેને વધારે ફળદાયી નીવડશે. આના જેવો ક્ષોદનક્ષમ ગ્રંથ આ વિષયમાં હજી ગુજરાતીમાં પ્રસિદ્ધ થયો નથી અને ઘણાં વર્ષો તે એવો જ રહેશે." (રા.વિ. પાઠક ગ્રંથાવલિ-૭, પૃ. ૨૧૯) ‘વસંત'નો હેતુ ગુજરાતમાં પોતાની યુનિવર્સિટી નથી તેની ખોટ પૂરી પાડવાનો હતો એવું આનંદશંકરે અવારનવાર જણાવેલું. સહૃદય ઉમેરી શકે કે આચાર્યશ્રીનું સાહિત્ય પદારથ તેમ જ જીવન વિશેનું 'વસંત' દ્વારા સાંપડેલું દર્શન ને તેમાં ભળેલું એમનું શીલ સ્વયં એક વિશ્વવિદ્યાલય બની રહ્યું. શ્રી રા.વિ. પાઠકનું મંતવ્ય પણ આ સમજને દૃઢ કરે તેવું છે : '('વસંત' પાછળનો) તેમનો સ્વાર્થ હેતુ, તે બીજું કંઈ નહીં પણ સત્યભક્તિ, સત્યસેવન, સત્યોપાસના કે નામફેરે વિદ્યોપાસના છે. તેમને મન દેશસેવા અને સત્યસેવા બે ભિન્ન નથી. અને આ બાબતમાં તેમની એકસરખી નિષ્ઠા અત્યારે પૂજય મહાત્માજી વિના બીજી કોની સાથે સરખાવી શકાય તે હું જાણતો નથી.” ('સાહિત્યવિચાર' - પ્રસ્તાવના, પૃ. ૧૧) આનંદશંકરની ગદ્યશૈલી વિશે અનંતરાય રાવળની સમજ એમને ઉચિત ગૌરવ અર્પે તેવી છે : “એમાં સાત્ત્વિક અનાકુળતા અને પ્રસન્નતા અનુભવાય છે. એમાં નિરુપ્ય વિષય કે વિચાર માગે ત્યારે પાંડિત્ય પણ પ્રવેશે છે. છતાં એકંદરે તેમનો ઝોક સરળ ભાષા પ્રયોજવા તરફ હોય છે. અતિશયોક્તિ, આવેશ, નિરર્થક વાક્યાપલ્ય, કટુતા કે પ્રદર્શનિયા શબ્દાળુતાથી એમની ભાષા ઘણી દૂર હોય છે... મિતાક્ષરિતા, મિત્રતા, શિષ્ટતા, સરળતા, વિશદતા અને પ્રસાદ આનંદશંકરના ગદ્યના એવા ગુણો છે જે સીધા એમના વ્યક્તિત્વમાંથી ઊતરી આવ્યા છે. ‘શીલ તેવી શૈલી' એ કથન તેમના પૂરતું પૂરું સાચું ઠરે છે.” (ઉન્મીલન-પૃ. ૧૦૯) આનંદશંકરમાં રહેલી આ અનાકુલ પ્રસન્નતા, ધર્મ, કેળવણી ને સાહિત્ય પ્રતિની અનન્ય પ્રતિબદ્ધતા ને એ પ્રતિબદ્ધતામાંથી નીપજેલું એમનું વૈચારિક દર્શન આખરે તો એમની જીવનનિષ્ઠાની નીપજ છે એટલું તો સહેજે સમજાય છે. ધર્મ, કેળવણી અને સાહિત્યની ત્રિમૂર્તિનો આનંદશંકરે પોતાની આગવી આસ્તિકતાના બળે એમના જ શબ્દોમાં કહીએ તો પોતાના 'સંવિત્’માં સાક્ષાત્કાર કર્યો છે જેના અજવાળામાં તેઓ આ ત્રણે તત્ત્વોનું વિરલ દર્શન પામી શક્યા છે ને એને પચાવી શક્યા છે. એમનાં અધ્યાપકત્વની પ્રતિભાથી અધ્યયન ને અધ્યાપનના ભાગ્યે જ સાંપડતા આવા સુમેળનું આનંદશંકર એક ઐતિહાસિક દૃષ્ટાંત બને છે.

વિવેચનની વીથિઓમાં, ર૦૦૯, પૃ.૭થી ૨૯