નારીસંપદા : ટૂંકી વાર્તા/કીર્તિમંદિર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કીર્તિ મંદિર

વંદના શાંતાઇન્દુ

સુગંધી તમાકુનો ગુટકો મોંમાં ઠાલવી સુધીર રેક પર બનાવેલી સીટ પર બેઠો. રેકમાંથી શૂઝ કાઢ્યા. બબડ્યો, 'કોઈ આવડત ન મળે. કાંઈ કાળજી નહીં. મારી તો કંઈ જિંદગી છે, શટ! આવા કીંમતી બ્રાન્ડેડ શૂઝની આ દશા! બધું મારે જ ધ્યાન રાખવાનું! મહારાણી પોતાના થોથાને તો કેટલી કાળજીથી સાચવે છે!’ ઇસ્ત્રીટાઇટ પેન્ટ-શર્ટમાં જરા પણ સળ ન પડે તેની કાળજી રાખી તેણે બૂટ પહેર્યા. ઊભો થઈ હાથ ઊંચા કરી ટકિંગ બરોબર કર્યું. સહેજ કૂદ્યો. પછી તેની પત્ની સ્મિતાને બોલાવી. ‘પૂછ્યું તમારી ઝંડાધારિણીને કંઈ, કે ધણી પાસે કેમ પાછાં જવા નથી માગતાં? ફરી નવું કયું ગતકડું સૂઝયું છે એ સુશ્રીને? સુધીર મા-દીકરીના એક પણ વિચાર પર કટાક્ષ કરવાનું ચૂકતો નહીં. આટલો હાઈ-ફાઈ માણસ પણ 'પતિ' માટે ધરાર 'ધણી' શબ્દ જ વાપરતો. શરૂશરૂમાં સ્મિતા આ શબ્દ પર ધાણીની જેમ ફૂટતી પણ પછી બંધ કર્યું હતું. લગ્નના થોડાં મહિના બાદ જ પાછી આવી ગયેલી દીકરી મહીએ આવતાવેંત જાહેર કરી દીધું હતું કે તે કદી સાસરે નહીં જાય. સ્મિતા તો શું બોલવું કે પૂછવું તેની મથામણમાં અવાક્ થઈ ગઈ હતી. પણ સુધીરે રાડ પાડી હતી. 'મતલબ?' ‘મતલબ એ કે હું મારા પતિ જલધિ સાથે રહેવા નથી માંગતી, ધૅટ્સ ઑલ' આટલું કહી મહી તેના બેડરૂમમાં ઘૂસી ગઈ હતી અને સુધીર સ્મિતા પર ઊતરી પડ્યો હતો. 'સમજાયું કંઈ? આવા સંસ્કાર! આખો 'દિ થોથામાં ડાચું નાખીને બેઠાં રહો છો એના કરતાં દીકરીને બે શબ્દ શિખામણના આપવાતાને. જોકે તમે શિખામણ તો આપી જ હશે પણ આવી, ઝંડા ઊંચા કરવાની, ધણીને શિંગડાં ભરાવવાની.' સુધીરને સ્મિતાના વાચન સામે સખત વાંધો હતો. તેને તે બિનઉત્પાદક લાગતું. તે જીવનની દરેક બાબતને ઉત્પાદકતા સાથે જોડતો. સ્મિતા ઘણું ઘણું સમજી ગઈ હતી. તેણે સુધીરથી એવું અંતર બનાવી દીધું હતું મનનું કે, પડઘો પડે જ નહીં! પણ પોતાના વિચારોમાં મક્કમ હતી. પ્રથમ પ્રેગનન્સીમાં જ બંને વચ્ચે મતભેદ થઈ ગયાં હતાં. સુધીરનું કહેવું હતું કે હમણાં બાળક ન જોઈએ. પહેલાં જીવનમાં સેટ થઈ જઈએ. એબોર્શન કરાવી નાખ. સ્મિતા એક જ શબ્દ બોલી હતી, 'ના.' અને મહીનો જન્મ થયો હતો. દીકરી જન્મે સુધીર વધારે અકળાયો હતો. તે બોલી પડ્યો હતો. 'બીજી વખતની હેરાનગતિ ઊભી જ રહીને? મારું માની હોત તો...’ સ્મિતા ફરીવાર એક જ શબ્દ બોલી હતી. ‘ના’ પછી સુધીરના કંઈ કેટલા નૂસખા પછી પણ સ્મિતા બીજી વાર મા બની જ નહીં. ‘ક્યાં છે મહી?’ ‘કીર્તિ મંદિર.’ 'અત્યારે ત્યાં શું ડાટ્યું છે?' ‘સવારની ગઈ છે. ફોન નથી લઈ ગઈ. કહી ગઈ છે કે આવી જશે.' ‘તારામાં કે'દિ બુદ્ધિ આવશે? સાસરેથી પાછી આવી ગઈ છે. ક્યાંક આડુંઅવળું પગલું ભરી બેસશે તો...' 'કોઈ આડુંઅવળું પગલું ન ભરે. મારી દીકરી છે.’ 'હુ…હ…' સુધીરે દાંત પીસ્યા, પછી બોલ્યો, ‘તમારી દીકરી છે કાં... એટલે જ લગ્નમાં ઉતાવળ કરવી પડી’તી… આડું પગલું ભર્યા વિના…!’ સુધીર જતો રહ્યો. સ્મિતાને અધૂરા છૂટેલા વાક્યના ન બોલાયેલા શબ્દો ઘેરી વળ્યા. એને કલ્પના પણ ન હતી? જે શબ્દ એના શ્વાસોશ્વાસ છે તે જ શબ્દ એને ગૂંગળાવી પણ શકે છે! ચાકુ જેવા ધારદાર શબ્દો કંઈ-કેટલાં જૂના સંવાદોને ખોતરવા લાગ્યા. ‘મહી, આજે એ લોકો આવવાના છે.’ 'કોણ?' ‘તને જોવા. છોકરાવાળા.’ 'મા, તને કેટલી વાર કહ્યું છે કે આ બધું મને પસંદ નથી. તને કહી તો રાખ્યું છે કે પહેલાં તારે છોકરાને જોઈ લેવાનો, તને ઠીક લાગે તો જ મને કહેવાનું. બાકી મને જોવા-બોવામાં રસ નથી. ના પાડી દે.' ‘મહી, જોઈ તો લે. તારા પપ્પાની ઓળખાણમાં છે.’ ‘ઠીક છે. મને એનો ફોન નંબર આપી દે. હું બધું પતાવી લઈશ.' સ્મિતાએ નામ અને નંબર આપ્યાં હતાં. છોકરાનું જલધિ નામ સાંભળીને મહીએ કોમેન્ટ કરી હતી કે ‘તો…તો… એણે હું બોલાવું ત્યાં આવવું જ રહ્યું. હું મહી છું. એને ખબર હોવી જોઈએ કે મહી દરિયામાં સમાવા નથી જતી, દરિયો મહીની સામે આવે છે. એ ખબર નહીં હોય તો રિજેક્ટ...’ ‘મહી, જીવનમાં એવું ન ચાલે. તું જે જાણે છે એ બધું જ એણે જાણેલું હોવું જ જોઈએ એ જરૂરી નથી બેટા. ધાર કે એને મહિસાગરની લોકકથાની ખબર હોય અને બીજી કશી ખબર ન હોય તો?’ 'ઓ મોમ, હું તો મજાક કરું છું. ચાલ એ મુદ્દો છોડયો બસ? પણ કીર્તિ મંદિર આવવા તૈયાર થશે તો જ.’ સ્મિતા હસી પડતાં બોલી, ‘સારું… સારું… મારી મા. તને ઠીક લાગે તેમ. બાકી મારુ કીર્તિ મંદિર તો તું જ છો.’ કહીને સ્મિતાએ મહીને છાતી સરસી ભીંસી દીધી.

*

મહી કીર્તિ મંદિરમાં આવેલ શિવજીના મંદિરના પગથિયે બેઠી હતી. આખાયે વડોદરામાં કીર્તિ મંદિર તેનું પ્રિય સ્થળ હતું. ક્યારેક મિત્રો સાથે, ક્યારેક સ્મિતા સાથે તો ક્યારેક સાવ એકલી આવીને બેસતી. તે તો સુધીરને પણ કહેતી પણ સુધીરને કીર્તિ મંદિરના નામમાત્રથી ગુસ્સો આવતો. તે કહેતો કે, ‘ત્યાં તે જવાતા હશે! મસાણ છે મસાણ...’ મહી હસીને કહેતી કે ‘પપ્પા મસાણમાં જે શાણપણ પ્રગટે છે એવું ક્યાંય નથી પ્રગટતું. હું તો એટલે જ જાઉં છું.’ મહી ક્યારેક મંદિરનાં પગથિયે, ક્યારેક બોરસલીના થડના ટેકે તો ક્યારેક ચોગાનમાં ઊગી નીકળેલા ઘાસ પર આસન જમાવતી અત્યારે તે મંદિરનાં પગથિયે બેઠી હતી. તે આવી ત્યારે તડકો આકાશેથી નીચે નતો ઊતર્યો તે અત્યારે શિખર પર થઈને ચોગાનમાં પથરાઈ ગયો હતો, 'બસ, આટલી જ વાર લાગી એક વરસને વહી જવાને!’ તેને તે સાંજ યાદ આવી. મહીના બોલાવવા પર જલધિ કીર્તિ મંદિરે આવ્યો હતો. જિન્સ ઉપર ઝભ્ભો પહેરેલા જલધિને તે સામે લેવા ગઈ હતી. 'હાય.. આયમ મહી.' ‘આઈ નો. એટલે તો આવ્યો….’ 'વ્હોટ?' 'કાંઈ નહીં. અહીં બેસશું કે પછી...’ 'અફકોર્સ અહીં જ.' મહી કીર્તિ મંદિરનાં કાફેટેરિયાની ખુરશી પર બેસતાં બોલી. સાંભળનારને માન્યામાં ન આવે કે આ બંને એકબીજાંને જોવા, પસંદ કરવા અહીં મળ્યાં છે. અનેક વિષયોને ડખોળી નાખ્યાં. વૃક્ષો પર પંખીઓનો કલબલાટ શાંત થયો ત્યારે બંને ઊભાં થયાં. મહીથી પૂછ્યા વિના ન રહેવાયું. 'નેક્સટ ?’ ‘વેરાઈ ખાડી’ 'વ્હોટ?' ‘યસ’ ‘ક્યારે?' ‘તમે બોલાવ્યો ત્યારે હું કીર્તિ મંદિર આવ્યો ને ?' 'ઓ.કે, ઓ.કે... હું રાહ જોઈશ.' મહી તેની કારને હવામાં ઉડાડતી સીધી ઘરે આવી. એઝ યુઝવલ તેના પપ્પા રાતાપીળા થતા બેઠા હતા. છોકરાવાળા ઘરે આવવાના હતા તે કૅન્સલ કરીને મહીએ છોકરાને સીધો કીર્તિ મંદિર બોલાવી લીધો તે જાણીને તેનો પારો સાતમા આસમાને ચડી ગયો હતો. મહી ઘરે પહોંચી તે દરમિયાન મહાનિબંધ લખાય તેટલું ભાષણ તેણે સ્મિતાને આપી દીધું હતું. મહી આવીને સ્મિતાને વળગી પડી. 'યસ મોમ, ઓ.કે.' સુધીરથી રહેવાય કે? તે બોલી જ પડયો, ‘હું બાપ મયરો છું મને કંઈ કહેશો કે પછી... મા-દીકરીએ મારી તો કંઈ કીમત રહેવા નથી દીધી.’ મહી મમ્મીને છોડીને પપ્પાને વળગી પડી, ‘પપ્પા, પ્લીઝ- ગુસ્સો સારો નથી તબિયત માટે, તમને કેટલી વાર કહેવું? બી રિલેક્સ. ખુશ થાવ. હું જલધિને મળી, મને કોઈ વાંધો નથી.’ સુધીરનો ગુસ્સો હવાઈ ગયો. ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. મહીના વિચારોને લઈને તે ચિંતિત થઈ જતો. તેને માટે તે સ્મિતાને જ જવાબદાર ગણતો ને કટાક્ષો છોડ્યા કરતો. એમાંયે મહી તેને કહેતી કે, ‘પપ્પા, કાયદાની દૃષ્ટિથી સ્ત્રીને ન જુઓ. માણસની દૃષ્ટિથી જુઓ. કહેવાય છે તો એવું કે કાયદો સ્ત્રીની ફેવર કરે છે. પણ શું એ સાચું છે? કાયદાની નજરમાં તો સ્ત્રી માણસ જ ક્યાં છે! પ્રોપર્ટી છે પુરુષની...' સુધીર ત્રાડ પાડી ઊઠતો, 'એક બાહોશ વકીલના ઘરમાં, તું એક વકીલ થઈને કાયદાની ઠેકડી ઉડાડે છે?!' 'ના પપ્પા, અર્થ સમજાવું છું. એમાંયે એડલ્ટરીની મૅટરમાં...’ ‘મહી...હી...’ મહી ત્યાંથી ચાલી જતી. બેએક મહિના પછી જલધિનો ફોન આવ્યો હતો. ‘વેરાઈ ખાડી... જઈશું ને?' 'તમને યાદ છે?' 'જઈશું ?' 'યસ... ક્યારે?' 'આવતી કાલે સાંજે ચાર વાગે. મારા બાઈક પર.' ‘જઈશું સ્યોર, પણ મારી કારમાં. હું ડ્રાઈવ કરીશ. તો જ.’ ‘નો ઓબ્જેક્શન યોર ઓનર.' મહી ખડખડાટ હસી પડી હતી. મહી તેની ફેવરિટ લોકવાયકા જલધિને કહી રહી હતી. તે જાણતી હતી કે જલધિ તે જાણે છે છતાંયે, ‘કહેવાય છે કે મહી તેની સાથે મોટી મોટી શિલાઓને તાણી લાવતી હતી. નથી મળવું દરિયાને, દરિયા આડે દીવાલ ચણી દેવા માંગતી હતી. પરંતુ એ જોઈને દરિયો સામો આવ્યો મહીને મળવા. તેથી કહેવાણી મહિસાગર...’ 'મારી જેમ જ.' અદબ વાળીને ઊભેલ જલધિ બોલ્યો. એકપણ શબ્દ બોલ્યા વગર મહી જલધિની નજીક સરકી. જલધિની બગલમાંથી હાથ સરકાવી અદબ સાથે અદબ ભીડી મહી મહિસાગરને જોતી ઊભી રહી. જલધિને મજાક સૂઝી, ‘મહી સાગરના કાંઠે...’ મહી ક્યાં ગીજી જાય તેવી હતી. તેણે સામે એવો જ જવાબ વાળ્યો. ‘ઓઢું તો ઓહુ તારી ચૂંદડી.’ બંને ખડખડાટ હસી પડયાં. આજુબાજુવાળાની નજર તેમના પર ચોટી ગઈ. 'આવો જ જવાબ આપતી રહેજે જિંદગીભર.' ‘પાકું. પણ તું પ્રશ્ન ઊભા નહીં કરે તો.’

*

મહી કીર્તિ મંદિરેથી આવી ત્યારે સ્મિતા વરંડાના હીંચકા પર જ બેઠી હતી. મહીએ રૂમાલમાં ભરી લાવેલ બોરસલીનાં ફૂલ સ્મિતાને આપ્યાં. 'કેટલાં છે?' મહીને વાતોએ વળગાડવા જ સ્મિતાએ પૂછ્યું. આમ પણ મહીને એવી ટેવ હતી કે અમુક ફૂલ ભેગાં થાય પછી ઘરે જવું, અથવા કીર્તિ મંદિર છોડવું. દરેક વખતે આંકડો બદલાતો રહેતો. થોડું રોકાવું હોય તો પાંચેક ફૂલ વીણાય એટલો સમય. વધારે રોકાવું હોય તો પચીસ-ત્રીસ ફૂલ ભેગાં થાય એટલો સમય. મહીની ફરિયાદ હતી કે ‘કીર્તિ મંદિરનાં બોરસલીમાં ફૂલ પણ ક્યાં જોઈએ એવાં આવે છે.’ ‘ગણ્યા નથી.’ કહીને મહી અંદર ચાલી ગઈ. સ્મિતા પણ અંદર આવી. ફૂલને ક્રિસ્ટલ બાઉલમાં મૂક્યાં. હાથ સૂંઘતાં—સૂંઘતાં ફૂલને જોઈ રહી. ડાઇનિંગ ટેબલ પર સામાન્ય વાતચીત થતી રહી. મહીના બોલવા—ચાલવામાં કે વર્તનમાં ક્યાંય લાગે નહીં કે સાસરેથી પાછી આવી છે. સ્મિતાથી ન રહેવાયું. જમીને હીંચકે બેઠાં પછી એ બોલી પડી. ‘મહી, કાંઈક વાત કરે તો ખબર પડે. શું વાંધો પડ્યો જલધિ સાથે? કોઈપણ સમસ્યા એવી નથી હોતી કે જેનો ઉકેલ ન હોય. જરૂર હોય છે દિલપૂર્વકના પ્રયત્નની. અને સાસરે જવા તો તું ઉતાવળી થઈ હતી!’ સ્મિતા અને મહીને એ પ્રસંગ પોતપોતાની રીતે યાદ આવી ગયો. મહી-જલધિનાં લગ્ન ડિસેમ્બરમાં નક્કી થયાં હતાં. ડૉક્ટર ફૅમિલી અને વકીલ ફૅમિલી લગ્નગાંઠે બંધાવાનાં હતાં. સમાજનાં પ્રતિષ્ઠિત પરિવારો વચ્ચે લગ્ન ધામધૂમથી થવાનાં હતાં ને તેઓએ સિવિલ મૅરેજ કરી લીધા! સુધીરે બેફામ લવારો કર્યો હતો. ન બોલવાના શબ્દો સ્મિતાને કહ્યા હતા. સ્મિતાએ એકદમ શાંત અને પ્રેમપૂર્વક સુધીરને કહ્યું હતું. ‘તમે દુષ્યંત-શકુન્તલાની વાત તો જાણતા જ હશો.’ 'એનું શું છે અત્યારે? પૂજા-પાઠ કરવા નથી ને પુરાણો વાંચીવાંચીને એનાં ઉદાહરણ મને આપ્યાં કરવાં છે. વાહ! સમાજમાં મારું નાક કપાઈ ગયું છે ને તમને દુષ્યંત-શકુન્તલા યાદ આવે છે?!’ 'હા, કેમ કે આપણાં દીકરી-જમાઈથી પણ એવી જ. શાકુંતલિક ભૂલ થઈ ગઈ છે. તો કણ્વ બનીને આશીર્વાદ આપી દો.' 'તું શું કહે છે સ્મિતા, તને કંઈ ભાન ખરું? મતલબ, લગ્ન પહેલાં જ.' સુધીર આગળ ન બોલી શક્યો. 'કોઈથી એવી ભૂલ થઈ જાવ. એમાં પાપ શું?’ “સ્મિતા મને તારા વિચાર કદી સમજાયા નથી. સંસ્કૃતિ ઉપર તું ગર્વ લે છે પણ મને તારું વર્તન હંમેશાં સંસ્કૃતિ વિરુદ્ધનું લાગ્યું છે. છોકરા-છોકરીની મિત્રતા તું સ્વીકારે એના માટે પુરાણોમાંથી દાખલા શોધી લાવે અને પતિને ‘ધણી’ કહેવા સામે તને વિરોધ! અને આ તારી દીકરીની આવી ચાલ ચલગત! આવા તારાં સંસ્કાર! તે પણ લગ્ન પહેલાં...” સ્મિતાનું સંવેદન એવું ઠીંગરાઈ ગયું હતું કે તેને સુધીરની કોઈ વાત, મ્હેણાં કે આક્ષેપ તપાવી ન'તું શકતું. તે રોજિંદી સહજતાથી બોલી. 'આ વિષય પર ઘણી ચર્ચાઓ કરી છે. ફરી ક્યારેક કરીશું. અત્યારે મહીના રિસેપ્શનની તૈયારી કરીએ તો? મનમાં જ વિચારી રહી કે, સુધીર, તમને નહીં સમજાય મારી વાત, મારા વિચાર. ક્યારેક સાંભળો તો સમજાયને? હું જિંદગીના દરેક પ્રશ્નોને, સ્વતંત્રતાને—મુક્તિને હું મારી સંસ્કૃતિમાંથી જ શોધવા માગું છું અને મને જવાબ મળી રહે છે. 'એ મીંઢી… મારે જવાબ શો આપવો સમાજને?' જવાબ નહીં, આમંત્રણ આપવાનાં છે. ચાલો.'

*

‘મહી, પ્લીઝ... બેટા, તારો નિર્ણય સાચો છે કે ખોટો છે એ હું નહીં કહું પણ.... શું કારણ છે એ પણ નહીં કહે મને ?' ધીમે ચાલતાં હીંચકાને મહીએ જોરથી ઠેસ મારી. 'મા, એક ભૂલની સજા હું રોજ-રોજ તો ન ભોગવું ને? મર્યાદા ઓળંગી ગયાં હતાં... સમય પહેલાં... નાનકડી શરૂઆત મેં કરી હતી પછી… પછી સહિયારું ભાન ભૂલી ગયાં. માન્યું કે શરૂઆત મેં કરી હતી. પણ… પણ... એનો અર્થ એવો તો નથી કે મારે કાયમ...’ 'સમજાવટથી કામ લે મહી. આમ ઉતાવળા... ખૂબ નાજુક વાતને આમ ઠોકર ન હોય મહી.' મહીએ હીંચકો ઊભો રાખી દીધો. ‘સમજાવટથી કામ નહીં લીધું હોય? પણ ના હું મારા પર બળજબરી ન થવા દઈ શકું. એ વિચારે મને ઊબકાં આવવા લાગે છે. હું મરી જાઉં પણ...’ સ્મિતાને જોરથી ઊબકો આવ્યો. તે વૉશબસિન તરફ ભાગી. મહી પાછળ દોડી, સ્મિતાને ઊલટી થઈ ગઈ. મહી ચિંતાતુર થઈ ગઈ. ‘શું થયું મા? જમીને તરત હીંચકે બેઠા એટલે? મેં હીંચકો જોસથી ચલાવ્યો એટલે ને?' તેણે સ્મિતાને શેટી પર સુવડાવી. સ્મિતા આછું હસી, આંખ મીંચી; આંખ સામે એ જાણે કીર્તિ મંદિરની ધજાને ફરફરતી જોઈ રહી.

***