નારીસંપદા : ટૂંકી વાર્તા/ચંડિકા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘ચંડિકા’

સરલા શેઠ

હા, ચંદુભાઈ, હું જ આ પરિવર્તન પામેલી તમારી ચંચી. મારે નસીબે આ જ જીવન લખાયું હશે એટલે જ આ જીવન જીવી રહી છું. ક્લબમાં બેઠાંબેઠાં તમારા મિત્રો તમને આ જ વાત કહી રહ્યા હતા ને? મારી તરફ આંગળી ચીંધી તમને મારાં ચારિત્ર્ય વિશે વાતો કરી કંઈ કંઈ આક્ષેપો કરતા હતા ને? મને ખબર છે. છુપાવશો નહીં. એ બધાને હું ઓળખું છું. એ બધાં મારાં રૂપ પાછળ ભમતાં પતંગિયાં જ છે. હશે, મને એ લોકોની પરવા નથી. મને તો એક તમારું જ લાગે છે. તમને થતું હશે. કે અરેરે! મારી ચંચી આવી? હા ભાઈ, એ જ હું તમારી માનેલી બહેન ચંચી. રવજી પટેલની દીકરી. દેશમાં સાવકી માનાં મહેણાં ખાતી, માર ખાતી મૂરખ ચંચી. એ પ્રસંગ યાદ આવે છે ત્યારે હજીય તમારો અને તમારાં બા સમજુબાનો પ્રેમ યાદ આવે છે. એમનાં આશ્વાસનો, ભૂખી હોઉં ત્યારે આપેલું ખાવાનું : બધું આજે યાદ આવે છે. જવા દો એ વાત. સાવકી મા થપ્પડો મારતી ત્યારે ખ્યાલ નહોતો કે દુનિયાની કેટકેટલી થપ્પડો મારે ખાવાની છે. એની એ થપ્પડો તો કાંઈ વિસાતમાં નહોતી. મારાં લગ્ન થયાં ત્યારે તમે મને કેટલી ચીડવતા'તા? કહેતા હતા કે ચંચી, તું તો હવે 'મઢમ” થઈ જવાની. હા, વિલાયત જઈ ભણેલા સાહેબ જોડે લગ્ન નક્કી કરવામાં આવે તો 'મઢમ' બનવાનું જ રહ્યું ને! પણ એ 'મઢમ' કેમ બની, એની પાછળ ચંચીએ શું સહન કર્યું એની વાત કહું? મને પરણાવતી વખતે મારાં સુખમાં માબાપે જોયું વરનું શિક્ષણ અને પૈસો અને પેલાએ જોયું મારું રૂપ અને કદાચ ધાર્યા પ્રમાણે પહેલ પાડી શકાય એવી રાંક અને નિરાધાર છોકરી. આવા લગ્નમાં સંસ્કારની સામ્યતા કે રહેણીકરણીની સમાનતાનો ખ્યાલ કોઈને આવતો નથી. કહેવત છે ને કે દીકરી ને ગાય, દોરે ત્યાં જાય' હા, પછી તે કસાઈવાડે પણ જાય! અને ઝડપથી ફેક્ટરીમાં માલ બહાર પાડવા માટે જાણીતા ઉદ્યોગપતિએ મને પણ એક ફેક્ટરીરૂપે દેખી. અને એક અંગ્રેજ સ્ત્રીને સોંપી તાકીદ કરી કે ટૂંક સમયમાં આ માલ પર પહેલ પાડી એમને શોભે એવી ફેશનેબલ વાઈફ પેદા કરવી. મોટા પગારથી રોકેલી એ મઢમ પછી મને ગમે તે ઉપાયે અને ગમે તે રીતે તૈયાર કરે એમાં એનો શો વાંક! સીધી રીતે અને આડકતરી રીતે પેલીએ મારાં પર નવા સંસ્કારના પાસા પાડવા માંડયા. પાણીમાંથી ઊછળી પડેલી માછલીનો તલસાટ તમે જોયો છે? હરણીના ટોળામાંથી વિખૂટા પડેલા બચ્ચાની બીકનો ખ્યાલ કર્યો છે? ચંદુભાઈ, એવી હું હતી. જૂની રૂઢિ અને સંસ્કારોમાં ઊછરેલી અભણ મૂર્ખ છોકરી અચાનક આ અજાણ્યા સંસ્કારોમાં આવી પડી હતી. આચાર, વિચાર, સંસ્કાર બધામાં મારે ઝડપથી પરિવર્તન કરવાનું હતું. અને પેલી અંગ્રેજ 'ડોકરી' (એનું મેં તે વખતે મનમાં જે નામ પાડેલું) મને તે બધું કરાવતી હતી. પ્રેમથી કે સમજાવીને નહિ, બળાત્કારથી. હુંય સમજતી હતી કે અહીં મારે 'સાહેબ'ને લાયક થવાનું હતું. મારા આચારવિચાર છોડવાના હતા. પણ એ બધું આટલી ઝડપથી થોડું જ છૂટે? પેલીને અને એમને તો મને મારીને બળાત્કારથી એવી મઢમ' બનાવવી હતી. ખાસ કરીને વાંધો આવતો ખાવાનો. કાંદા-લસણ પણ નહિ ખાનારી ચંચી માંસમચ્છી એકદમ કેમ ખાઈ શકે! એ ન ખાય તો મિસિસ પટેલ સુધરેલા સમાજમાં ક્યાંથી જઈ શકે? તે ખિજાતા. મિસિસ પ્રેટ બળાત્કાર કરતી ને હું રડતીરડતી ખાતી જતી હતી. હું જિદ્દમાં ઉપવાસો ખેંચતી પણ કયાં સુધી તે ખેંચી શકાય! તમે ને સમજુબા યાદ આવતાં. પણ ક્યાં તમે ને કયાં હું? આ કહેવાતા ફેશનેબલ સમાજની જાળમાં પુરાયેલી માછલી. બળજબરીથી મોંમાં મૂકેલો ખોરાક ગળે ઉતાર્થે જ છૂટકો હતો. પણ જવા દો એ ભયંકર ભૂતકાળ! એ આજનો જમાનો નહોતો કે સ્ત્રી પુરુષસમોવડી બની શકે, પતિનું ઘર છોડનાર માટે 'બાપનાં ઘરો' ને આશ્રમો હોય. તે વખતે તો પતિનું ઘર છોડેલી સ્ત્રીને માબાપ પણ ન રાખે તો બીજે તો તે ક્યાં જાય! છેવટે હું હારી. ધીમેધીમે એ લોકોના સંસ્કારે કેળવાતી ગઈ. સૂગ અને અણગમો ઓછાં થયાં અને 'સાહેબ'ને લાયક તૈયાર થઈ ગઈ. હું એ પરિવર્તન હવે આનંદથી પચાવવા લાગી. ચંચીમાંથી હું મિસિસ ચંદ્રિકા પટેલ બની. પેલી ‘ડોકરી'ના બંધનમાંથી અને ઘરના કેદખાનામાંથી છૂટી. એ મને પોતાની સાથે બહાર લઈ જવા લાગ્યા. મુંબઈના કહેવાતા સુધરેલા સમાજમાં હું આગળ પડતો ભાગ ભજવવા લાગી. હું ચપચપ અંગ્રેજી બોલતી અને સ્ત્રીઓ કહેતી: "મિસિસ પટેલ, તમારું શિક્ષણ વિલાયતમાં થયેલું કે?' ત્યારે તો મારા આનંદનો પાર ન રહેતો. મને લાગતું કે શરૂશરૂમાં પડેલો ત્રાસ જરૂરી હતો. ક્લબોમાં જવું, પાનાં રમવાં, ડિનરો ખાવાં, નૃત્ય કરવાં : આ હતો અમારો રોજનો કાર્યક્રમ. મને પણ આ નવસમાજની રીતમાં મેજા પડવા લાગી. ધીમેધીમે પુરુષોત્તમનો ધંધો પણ જામતો ગયો અને અમે બંને પ્રતિષ્ઠિત સમાજની અગ્રગણ્ય વ્યક્તિ તરીકે ઓળખાવા લાગ્યાં. ઓ ભગવાન, મારું આ જીવન જિંદગી લગી ચાલ્યું હોત તો કેવું સારું થાત! પણ ના! ભગવાને મારે માટે બીજું જ જીવન વિચાર્યું હતું. તેમાં ફેર કેમ થાય? અમારાં દામ્પત્યજીવનનાં બીજ રોપાયાં. સહજીવનનાં બીજ રોપાયાં. મારા હૈયામાં અવનવો આનંદ થયો. બાળક એ તો સુખી જીવનની નિશાની, તેની આશા ને ઉત્સાહ આ ખુશખબર મને ડોક્ટરે કરી કે હું દોડી 'સાહેબ' પાસે. હવે તો હુંય એને 'સાહેબ' કહેતી. મને થયું કે એનો વારસદાર આવશે એવી જાણ થતાં એ પણ ખૂબ ખુશ થશે. તેણે મારી વાત ગંભીરતાથી સાંભળી. પછી કહ્યું : 'અરેરે, આ મોંકાણ ક્યાંથી થઈ? ‘મોંકાણ!' મેં ચીસ પાડી. તાપમાં બરફ ઓગળે તેમ મારો ઉમંગ અને ઉત્સાહ ઓગળવા માંડયાં. મારી આંખમાં આંસુ આવી ગયાં. ‘એવું કેમ બોલો છો? 'હજી એવા કુટુંબજીવન માટે આપણી તૈયારી નથી, તે બોલ્યો. ‘આપણે ઑપરેશન કરાવવું પડશે.' હું ઠરી ગઈ. ઓપરેશન કરી પોતાનું બાળક કાઢી નાખવાનું! શું એ અમારાં લગ્નજીવનનું બીજ નહોતું? શું મેં પાપ કર્યું હતું! મારાં મગજમાં કંઈક વિચારો આવી ગયા. આ તે કેવો માનવી હતો. એનામાં લાગણી હતી કે નહીં? મને જડ બની ઊભેલી જોઈ તે બોલ્યો : 'નહિ, ચંદ્રી, ખોટું ન સમજતી. હજી આ સાલ તો આપણે યુરોપ જવાનું છે. ત્યાં બહુ જ સારો ચાન્સ છે. એ બધું પતી જાય પછી...' મેં વચમાં કહ્યું : 'નહીં, મારે યુરોપ નથી આવવું. મારે મા બનવું છે. તમે તમારો બિઝનેસ વધારો. હું અહીં રહીશ.' ના, ડાર્લિંગ, ના... હજી વાર છે.' 'શેની ! શા માટે?' ને મારી આંખે અંધારાં આવ્યાં. મેં દલીલ પર દલીલ કરી, એમણે જવાબો આપ્યા. મને થયું કે આ તે માણસ છે કે પિશાચ? પૈસો અને ધંધા સિવાય બીજું કાંઈ તે જોઈ શકતો જ નથી! ખેર! તે દિવસ પછી અમારી વચ્ચે આ બાબતની જરા પણ ચર્ચા થઈ નહીં. બહુ વરસેલા વરસાદ પછીની શાન્તિ જેવી શાન્તિ અમારી વચ્ચે રહી. મને એમ કે વાત વિસારે પડી છે તો ચૂપચાપ દિવસો ભરાવા દેવા. એક વખત બાળક આવશે પછી બધું ઠેકાણે પડશે. મનમાં ને મનમાં ખુશ થતી હું દિવસો વિતાવવા લાગી. વારંવાર ડોક્ટર પાસે જઈ યોગ્ય વિટામિન અને દવા લેવા લાગી. પણ હાય કમનસીબ! હું અચાનક માંદી પડી. મને શું થયું! કેમ થયું. તે સમજાયું નહીં. પણ તેમાંથી કસુવાવડ થઈ ગઈ અને મારી ભાવિની આશાઓ છિન્નભિન્ન થઈ ગઈ. મારાં આ દિવસોમાં પુરુષોત્તમ ખૂબ પ્રેમથી વર્તતો. મને આશ્વાસન આપતો અને ભવિષ્યની મીઠી વાતો કરી સોનેરી સ્વપ્નાં બતાવતો. હું સારી થઈ. નિરાશ થઈ ગઈ હતી, છતાં મને એટલો સંતોષ થયો હતો કે પુરુષોત્તમને માન્યો હતો તેટલો તે નિષ્ઠુર કે બાળક પ્રત્યે બેપરવા નહોતો. આ પ્રસંગ પછી કેટલેક મહિને હું એમના ઓરડામાં ટેબલ સાફ કરી રહી હતી ત્યારે મારી નજર ડૉક્ટરના બિલ પર પડી. સહેજ નજર કરતાં હું ચોંકી પડી. એમાં હતી ગર્ભપાત કરાવવા માટેના ડોક્ટરના બિલની રસીદ! ઓહ! મારી આંખે અંધારાં આવ્યાં. આ તો જાણી જોઈને આણેલું મોત હતું! કડવાશ, ગુસ્સો અને તિરસ્કારથી હું ધ્રૂજી ઊઠી. આવા પિશાચ માનવીને પનારે હું પડી હતી. હું ખાટલે પડી. આની સાથે હવે એક પળ પણ ન રહેવું એવો વિચાર કર્યો... બધું પોલીસને સોંપવાનો વિચાર કર્યો. આત્મહત્યા કરી જિંદગીનો અંત લાવવાનો વિચાર કર્યો! પણ એ વિચારો અમલમાં મૂકવાની હિંમત મારાંમાં નહોતી. હું નિર્માલ્ય હતી, કાયર હતી. સોનાના પીંજરામાં પુરાયેલા પક્ષી જેવી મારી દશા હતી. ફડફડાટ કરી રિબાઈ રિબાઈ મરવા સિવાય મારી પાસે કોઈ ઉપાય નહોતો. આંસુ સુકાયાં ત્યાં સુધી રડી. એમની સાથે ઝઘડી. એ કહે : ‘શું કરું, ડાર્લિંગ, તારે ખાતર મેં આ કર્યું છે. આવી સુવાવડમાં તું બેડોળ બની જાય, બાળકની ઉપાધિમાં તું સુંદરતા ગુમાવે એ બધું મને કેમ ગમે?' ઓહ! શો તે વખતનો મારો પછડાટ હતો! હૈયાનો આઘાત હતો. એ આઘાતમાં મોત ઇચ્છતી પણ તે આવતું નહોતું. શું કરું? ચંદુભાઈ, મારી તે વખતની પરિસ્થિતિનો વિચાર કરતાં આજે પણ મારું મન વિષાદથી બળીને ખાખ થઈ જાય છે. મેં હંમેશ માટે માતૃત્વ ગુમાવ્યું હતું. માણસ દુઃખી પણ કેટલા દિવસ રહી શકે? જીવન જીવવા માટે પણ કેટલીક શારીરિક અને સામાજિક જરૂરિયાતો હોય છે. ધીમેધીમે મને થયેલા આઘાતની અસર માત્ર ઉપર ઉપરથી ઓછી થઈ. જેમ ભૂખ, તૃષા, ઊંઘ વગેરે શારીરિક જરૂરિયાતો હોય છે તેવી જ રીતે સામાજિક જરૂરિયાતો વગર પણ માણસ બહુ વાર રહી શકતો નથી. ધીમેધીમે હું પણ બધું ભૂલી જઈ મારું રોજિંદુ જીવન જીવવા લાગી. ફરી મારાં કાર્યક્રમોમાં ભાગ લેવા લાગી. પણ તે જુદી જ રીતે હૈયામાં થયેલો આઘાત રુઝાયો તો નહીં જ, પણ હૈયામાં રહેલી કૂણી લાગણીઓ કચરાયાથી એક પ્રકારની જડતા અને તિરસ્કાર વ્યાપી રહ્યાં. ખાસ કરીને એમની તરફ મેં ઠંડો તિરસ્કાર સેવવા માંડયો. હું કહેતી કે એ મારાં સૌન્દર્યનો પૂજારી છે ને! એને બાહ્ય જીવનનો સંબંધ રાખવો છે ને! ઠીક, ભલે રાખે. હૈયું કઠણ કરી મેં એ માર્ગ કઠપૂતળીની માફક વધારે જોરથી અપનાવવા માંડયો. મેં જાતજાતનાં પ્રસાધનોનો ઉપયોગ કરી મારું સૌન્દર્ય ખીલવ્યું. મારી વર્તણૂક બદલી. ક્લબોમાં વધારે જવા લાગી. ત્યાં પાનાં રમવાં, દારૂ પીવો, નૃત્ય કરવું એ માટે જીવતી હોઉં એમ રહેવા લાગી. બીજા પુરુષોની સાથે હું સંકોચ વગર ભળતી. એમની સાથે છૂટથી વાતો કરતી. વારંવાર મોટાં ડિનરો આપી બધાંને મારા પ્રત્યે આકર્ષવા અને મારી છટાથી આંજવા પ્રયત્ન કરતી. મારી આ વર્તણૂકને લીધે અમારું સર્કલ વધતું ગયું. એમને એ જ જોઈતું હતું. જ્યારે જ્યારે બહારના પુરુષો મારાં વખાણ કરતા તે દિવસે કહેતા : 'ઓ માઈ વન્ડરફુલ, બ્યુટીફુલ વાઈફ' ને હું મનમાં કહેતી : 'ઓ માઈ, સેલ્ફિશ, હાર્ટલેસ હસબંડ!' આ હતો અમારો પતિપત્નીનો સંબંધ. હું એકલી રહેતાં મનના વિષાદથી ડરતી, એટલે આવા કાર્યક્રમો ઘડીને મારાં દિવસો પસાર કરતી. એમને પણ એ જ ગમતું. આવાં ડિનરોથી જુદાંજુદાં માણસોનો પરિચય થતો. મોટામોટા લક્ષાધિપતિ, સરકારી અમલદારો, રાજા મહારાજાઓની મૈત્રી થઈ. આવા મોટા લોકનાં સમાજમાં અમે એક ઉપયોગી વ્યક્તિ તરીકે સ્વીકારાઈએ અને એ રીતે અમારું સ્થાન જળવાઈ રહે એ માટે હજારો રૂપિયાનો ધુમાડો કરતાં. ધીમેધીમે મુંબઈ છોડી અમે દિલ્હી ગયાં. તે વખતે અંગ્રેજી રાજ્ય હતું. વાઈસરોયની પાર્ટીઓમાં અમે અમારો એકડો નોંધાવવા કંઈકને લાંચ આપી, કંઈકને આકર્ષવા પ્રયત્નો કર્યા. દિલ્હી અને સીમલામાં એ સમાજમાં ભળવા લાગ્યાં. મને લાગતું કે મારા આકર્ષણને કારણે આ બધું સરળ બની જતું. એણે ધંધો વિસારી દીધો. પાણીની માફક પૈસા રેલાવા લાગ્યો. અમે મૂર્ખ હતાં, આ સોનેરી જાળમાં ફસાયેલાં હતાં એનો એક દિવસ ખ્યાલ આવ્યો. એ રીતે અમારી કહેવાતી પ્રતિષ્ઠાએ અમને વધુ ને વધુ ભીંસમાં લીધાં. આ પ્રલોભનયુક્ત વાતાવરણમાં વધારે ને વધારે ઊંડા ઉતારી એમના ભાગીદારે એમને આર્થિક અવદશામાં આણી મૂક્યા. અમારી બેદરકારીનો લાભ લઈ ઉંદરની માફક અમને ખ્યાલ ન આવે એ રીતે ફોલી ખાધાં. અમને આ બધાની જાણ થઈ ત્યારે તો કાયદાની જાળ અમારી ચારે તરફ વીંટળાઈ ગઈ હતી. ધંધો પડી ભાંગ્યો હતો અને ફેક્ટરીઓએ દેવાળું કાઢ્યું હતું. એ વાતની ખબર પડતાં આ અમારી માનેલી સોસાયટીની ઇન્દ્રજાળ વિખેરાઈ ગઈ. માનેલા મિત્રો અમારી અવદશા જોઈ અદૃશ્ય થઈ ગયાં અને જોતજોતાંમાં અમે તિરસ્કારપાત્ર બની ગયાં. મિત્રો ખસી ગયાં. ખુશામત કરનારા લેણદારો બન્યા. આબરૂ ગઈ, દેવાં થયાં. મકાન-મિલ વેચાઈ ગયાં. દરદાગીનો પણ ગીરો મુકાયાં. સૌને રસ હતો અમારી ફજેતી જોવામાં. કોઈની સહાય મળી નહીં. આ બધાનો સામનો કરવા માટે એણે ખૂબ દારૂની સહાય લીધી પણ તેથી શું? જેને ખાતર મેં ભોગ આપ્યો, જેને સાથ આપ્યો એ મારાં સાથીએ દગો દીધો. તે કાયર નીકળ્યો. આ બધાનો સામનો કરવાને બદલે તેણે આપઘાત કર્યો. હું એકલી અટૂલી આ બધાનો તિરસ્કાર પામતી, સૌનાં અપમાનો ખમતી રહી. મને કોણ મદદ કરે! કોણ મારી સામે જુએ? સહુ મારી હાંસી ઉડાવતાં, મજાક કરતાં, ખોટી સહાનુભૂતિ બતાવવાનાં બહાનાં હેઠળ મારી પાસે આવી ગમે તેવી માગણી કરતાં. મારી પાસે શું હતું? મારું રૂપ, મારું સૌન્દર્ય! હા, એના પૂજારી ગીધડાંની જેમ મારી અસહાય પરિસ્થિતિનો લાભ લઈ આડકતરી રીતે મને સતાવતા. હું તરફડી ઊઠતી. આ કહેવાતા મોટા સમાજમાંની પડેલી કેટલીક કુટેવો હું છોડી શકતી નહોતી. સાદાઈભરી જિંદગીની ટેવ ન હોવાથી જીવી શકતી નહોતી એટલે હુંય બધાને વળગી રહી. છેવટે મારી આ અવદશામાંથી માર્ગ નીકળ્યો પણ તે મારા રૂપને-શિયળને ભોગે. હા, એ જ માર્ગ હતો. હું આ બધા તકાદામાંથી છૂટી, લેણદારોમાંથી છૂટી. થોડુંઘણું મેળવી મેં બધાં લફરાં પતાવ્યાં. ભાઈ, આ માટે મને દોષ ન દેશો. હું અભણ, અસંસ્કારી, નિરાધાર અબળા. એવા સમાજમાં જીવતી હોવાથી મારે માટે આ જ માર્ગ હતો. મારી મૂડી હતી મારું રૂપ. આટઆટલા પ્રહારો પડ્યા છતાં તે તેવું જ હતું. એ મૂડીમાંથી મારા ભવિષ્યના જીવન માટે પાકું ચણતર મારે એકલે હાથે જ કરવાનું હતું. એ મૂડી ચાલી જાય એ પહેલાં મારે તેનો ઉપયોગ કરવાનો હતો. હવે હું નાદાન સ્ત્રી નહોતી. જગતની આંટઘૂંટીઓથી જાણીતી હતી. હું ખેલાડી હતી. આ મારો દાવ હતો તેમાં મારે ખૂબ જ સિફતથી રમવાનું હતું. જેમ હું ચંચીમાંથી ચંદ્રિકા બની, તેમ ચંદ્રિકામાંથી હું ચંડિકા બની. હું સ્વતંત્ર બની છું, વેપારી બની છું. મારા રૂપની ‘મૂડી’ને બરાબર જાળવી એના પર મારા ભવિષ્યની સલામતીનો પાયો નાખી રહી છું. પછી શું? તમે એમ પૂછશો? હા, જવાબ આપું. પછી મારા ધંધામાંથી નિવૃત્ત થઈશ, આ બધાને ઠોકરે મારીશ. મારાં કહેવાતાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરીશ. એક નાનકડા ગામમાં શાન્ત જીવન જીવીશ. પણ જ્યાં લગી પાછલું જીવન શાન્તિથી વિતાવાય એટલી મૂડી મારી પાસે ન થાય ત્યાં સુધી તો મારે માટે આ જ જીવન છે, આ જ માર્ગ છે. ચંદુભાઈ, તમે ચાહો તો મને ધિક્કારો, ચાહો તો દયા ખાઓ. મારો બચાવ કરો, આજે મારે માટે તો આ જ જીવન નિર્માયું છે. મારે તેનો બચાવ કરી કે જગતને દોષ દઈ નિર્દોષ સાબિત થવું નથી; છતાં તમારે માટે તો હું એ જ ચંચી છું. જગત માટે તો... તો હું છું ચંડિકા... ચંડિકા!