નારીસંપદા : ટૂંકી વાર્તા/માલિનીબેન કોણ છે?

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
માલિનીબહેન કોણ છે?

સોનલદે એમ. દેસાઈ

પરસેવે રેબઝેબ છાયા બસ સ્ટેન્ડે પહોંચી ત્યારે પોણા ચાર થઈ ગયેલા. ઉતાવળ કરવા છતાં કોલેજથી નીકળતાં મોડું જ થઈ ગયું. તેમાં પાછું ઘર કોલેજથી કેટલું દૂર, રીક્ષા કરીને પહોંચી તોય બેગ લઈને સ્ટેન્ડે આવતાં અડધો કલાક નીકળી જ ગયો. પોણા ચારની બસ જો જતી રહી હશે તો ઉપાધિ... હલ્લો છાયા, તેં ક્યાં ઉપાડી, માલિનીબહેનને જોઈ એ પરાણે મલકાઈ. એક તો બસ પકડવાની ઉતાવળ ને તેમાં આ લપ... મારા કાકાસસરાની છોકરીનું સીમંત છે એટલે વડોદરા જાઉં છું. તું…. અરે તારું તો ઘર છે નહિ વડોદરા! હા... મમ્મીપપ્પાને મળવા ઘેર જાઉં છું. મમ્મીનો ફોન હતો એટલે થયું ઊભાં ઊભાં આંટો મારી આવું. ત્યારે તારો તો વીક એન્ડ સુધરી ગયો... ધસમસતી આવતી બસના ઘરઘરાટમાં માલિનીબહેનનો સ્વર ડૂબી ગયો. ધક્કામુક્કીમાં લોકોની કોણી ખાતાં બંને ક્યારે બસમાં ગોઠવાઈ ગયાં એની ખબર ના પડી. બારી પાસે બેસવાનું મળવાથી એને થોડું સારું લાગ્યું. સારું, આપણને છેક સુધી કંપની રહેશે. પણ તેં કોલેજમાં કહ્યું હોત તો સાથે જ નીકળત ને? હં.. કહેતાં થોડીવાર વિરામ મળવાથી તૂટેલો તંતુ સાંધતાં મન ફરી વિચારે ચડ્યું. મમ્મીનો ફોન આવ્યો ત્યારથી એનું મન ‘નવરંગ’માં જ અટવાતું હતું. મમ્મીએ રહેવાય એમ આવવાનું ભારપૂર્વક કહ્યું હતું. અહીં ઘર રાખ્યાને ચાર મહિના થવા આવ્યા. એકેય વાર ઘેર ગઈ નહોતી જાણે એક સુરક્ષિત કોચલામાં ગોઠવાઈ ગઈ હતી. હવે અહીંથી બહાર નીકળવું એટલે ફરીથી લાગણીઓને ઉઝરડાવા દેવી. છતાં જવું તો પડવાનું જ. ટિકિટ... ટિકિટમાં બાકી, એણે યંત્રવત્ પચાસની નોટ ધરી, ‘બે બરોડા' એક ટિકિટ લેવી કે બે તેની અવઢવમાં પાકીટ ખોલબંધ કરતાં માલિનીબહેન ના.. ના.. હું લઉં છું—કહી થોથવાવા લાગ્યા. એમાં શું થઈ ગયું! ટિકિટના પૈસા બચી જવાથી ગેલમાં આવી ગયેલાં માલિનીબહેન એની સાડીથી માંડીને સ્વભાવ સુધીનાં વખાણ કરવા માંડ્યાં. તમે લોકો નસીબદાર તો ખરાં. જોને તું હજુ માંડ ત્રેવીસની થઈ એટલામાં તો તને ડાયરેક્ટ ફૂલટાઈમ લેક્ચરરની પોસ્ટ મળી ગઈ. ને અમે તો કેટલાંય વર્ષ પાર્ટટાઈમમાં કુટાયાં ત્યારે ઠેકાણે પડયાં. ને પછી તો માલિનીબહેને સાસુએ જેઠાણીને સોનાની બંગડી કરાવી આપી ને પોતાને તો પૂછ્યુંય નહિથી શરૂ કરેલો પ્રલાપ પ્રો. શ્રીવાસ્તવ વર્કલોડની વહેંચણીમાં કેટલો અન્યાય કરે છે ને પોતે કેટલું ઓછું કામ કરીને બીજાને કેટલું વધારે કામ કરાવે છે સુધી ક્યારે પહોંચ્યાં તેની ન તો માલિનીબહેનને ખુદને ખબર રહી ન છાયાને. છેવટે નિચોવાઈ ગયેલાં માલિનીબહેન ખોળામાં મૂકેલા પર્સ પર બે હાથ ટેકવી ઝોલે ચડ્યાં. છાયાએ હાશ અનુભવી. સારું થયું. પોતે આમાંથી બચી ગઈ, નહિ તો માલિનીબહેનની જેમ એ પણ તુવેરની દાળ ને વઘારેલી ખીચડી ને નણંદની સુવાવડના ચક્રવ્યૂહમાં જ અટવાઈ જાત. પછી એમાં ગુજરાતી સાહિત્યના નૂતન પ્રવાહો કે નર્મદ કે અખો... કશાનો કોઈ અર્થ ના રહેત. ઇન્ટરવલ ભોગવીને ફ્રેશ થયેલાં માલિનીબહેને ફરી પાછી એને જગાડી. તે છાયા, તને સ્કુટર કે એવું કંઈ ચલાવતાં નથી આવડતું? આવડે છે ને, મોટાભાઈનું સ્કુટર ઘણીવાર ચલાવતી. તું કાઈનેટિક કે એવું લઈ લેતી હોય તો…? કૉલેજ આવવા જવામાં સારું રહે ને! એવો જ વિચાર છે. થોડા પૈસા ભેગા થાય એટલે... બસ આંચકા સાથે ઊભી રહી. એ નવરંગ પહોંચી ત્યારે સાડા છ થવા આવેલા. પપ્પા કદાચ હજુ આવ્યા નહોતા. પ્રીતિ બહાર રમતી હતી. તે એને જોઈને દોડી આવી. પ્રીતિ માટે કશુંક લાવવું જોઈતું હતું. એને થયું. બૅગ ડ્રોઇંગરૂમમાં મૂકી એ સીધી રસોડામાં પહોંચી. મમ્મી સાંજની રસોઈની તૈયારી કરતી હતી એને જોઈને ખુશ થયેલી જણાઈ. આવી ખરી તું. અમને કેટલી ચિંતા હોય તારી. આમ પારકા ગામમાં એકલી રહે તે. ચા પીવી છે ને? હા, તું ચા બનાવ. હું કપડાં બદલીને આવું. ફ્રેશ થઈને એ આવી. ત્યારે ઘરનાં બધાં સભ્યો હાજર હતાં. પપ્પા, પ્રીતિ, ભાઈ, ભાભી, મમ્મી... એટલું ઓછું હોય તેમ લંડન પરણાવેલી માયાનો પત્ર આવીને પડેલો. શું લખે છે માયાબેન, માયાને શું ખોટ છે તે, પ્રવીણે નવી ગાડી લીધી તેના ફોટા મોકલ્યા છે. જોવા દે. પહેલાં ચા પી લે ને, ક્યારની ઠંડી થાય છે. ચા-નાસ્તા વચ્ચે કેટલીય વાતો નીકળી... હસીમજાક... એને થયું સારું થયું પોતે આવી. ઘર એટલે ઘર. કેવું સારું લાગે છે. અમારી કૉલેજમાં વકતૃત્વ સ્પર્ધા ગોઠવવાની છે, પપ્પા. બધું મારે માથે જ છે. તમે કોઈ વિષય સૂચવો ને... આપી દે ને ગમે તે... સ્ત્રી-શોષણ કે દહેજપ્રથા કે એવું તેવું... એમાં ક્યાં મોટી ધાડ મારવાની છે. તારાં જેટલાં તો ત્યાં છોકરાં ભણવા આવતાં હશે નહિ! દિવ્યાભાભીની મજાકથી એને થોડું સારું લાગ્યું. ચાલો પ્રીતિ, તારાં બધાં રમકડાં ઠેકાણે મૂકી દે. કહેતી દિવ્યા રસોડામાં મમ્મી જાસે પહોંચી. જનક ઊભો થઈને જવાની તૈયારીરૂપે બાથરૂમમાં ગયો. રસોડામાં થતી ગુસપુસનો અસ્પષ્ટ સ્વર એના કાને પડ્યો. પપ્પા ઊઠીને એમની ઓફિસમાં ચાલ્યા ગયા. એકલી એ ડાઈનિંગ ટેબલ પર બેસી રહી. એને લાગ્યું પોતે નાટકમાં ઘુસાડેલાં મહેમાન કલાકાર જેવી હતી. આવજે છાયા. જોકે કાલે તો પાછાં મળીશું જ. જમવાનું અહીં જ છે. કહેતી દિવ્યા જનક ને પ્રીતિને લઈને ગઈ. એક જે શહેરમાં બે જુદાં જુદાં ઘર હતાં. એક બાપનું, એક દીકરાનું. રસોડામાં મમ્મીનો બબડાટ ચાલુ થયેલો સંભળાયો. ઊઠવાનું કરતી હતી એટલામાં ધૂંઆપૂંઆં થતી મમ્મી છેક ડ્રોઇંગરૂમ સુધી ધસી આવી. સાંભળો છો, એને પાછા પૈસા જોઈએ છે. હવે ફિયાટ કાઢી નાંખીને મારુતિ લાવવી છે. તેમાં જ કાલે આવવાનો છે. આમ દર વખતે પૈસા ક્યાંથી કાઢીએ. પેલી બરાબર પટાવીને લાવેલી.

એમાં આટલો કકળાટ શેનો માંડ્યો છે? મને વાત કરી એણે. આપવા પડે. આપજો ત્યારે. બધું જ લખી આપો ને એટલે એ ધક્કા મારીને કાઢી મૂકે તમને ને મને. એ તો પેલી વાણિયણને પરણી આવ્યો ત્યારે જ એનાં લખ્ખણ હું તો પામી ગયેલી... ઘડી પહેલાંની શાન્તિ ડહોળાઈ ગઈ. નવરંગમાં જાણે એ ભૂતકાળ જ જીવતી હતી. દરેક નાની વાત વર્તમાનમાંથી સંકોચાઈને ભૂતકાળનો ફણગો બની જતી હતી. એ નવમા ધોરણમાં હતી ત્યારે નવરંગમાં દર વર્ષે ફોડાતા ફટાકડા જનકની ગેરહાજરીને લીધે એ વર્ષે બંધ હતા. પડોશમાં બહેનપણીને ત્યાં બેસવા ગયેલી. ત્યારે સાંભળેલું બહેનપણીના મોઢે... દસ રૂપિયામાં દસ ફૂલઝડી. રંગીન તેજના લીસોટા.. મનમાં ખબર નહિ શુંય આવ્યું તે દોડીને પહોંચી ગઈ પપ્પા પાસે... અધિકારપૂર્વક... પપ્પા દસ રૂપિયા આપો... ફૂલઝડી માટે. નથિંગ ડુઈંગ કાન પર પડેલા વાક્યનો અર્થ મગજ સુધી પહોંચતાં જાણે કેટલોય સમય નીકળી ગયો. અર્થ ઓગળીને આંસુ બને તે પહેલાં એણે પીઠ ફેરવી લીધી હતી. આ એ જે પપ્પા હતા? ના કદાચ બીજા... આમ કેમ થતું હતું, ઊઠીને એ બાલ્કનીમાં ગઈ. હવે પછીની ક્રિયાઓ સાવ યંત્રવત્ જ ચાલવાની હતી. એને ખબર હતી. થોડી જ વારમાં નવરંગ પર અંધારાનું સામ્રાજ્ય ઊતરી આવવાનું હતું. પછી મમ્મીની કર્કશ બૂમ ધસી આવવાની હતી. એ અને મમ્મી-પપ્પા ડાઈનિંગ ટેબલ પર ગોઠવાવાનાં હતાં. રસોડું આટોપવાનું હતું. અને પછી ફરીથી એ જ પુરાણ શરૂ થવાનું હતું. જનકપુરાણ... ક્યારેક એને થતું આ લોકોએ ઘરનું નામ જનક કેમ ના આપ્યું? બચપણથી જનક અહીં એકહથ્થુ શાસન ભોગવતો હતો. દરેક વસ્તુ જનકથી જ શરૂ થતી ને જનક પર જ અટકતી... મમ્મી તુવેરની શીંગો લઈને આવી. એની બાજુમાં જમીન પર પસારો કરીને બેઠી. જમીન પર પડેલી તુવેરની શીંગો મમ્મી વતી એને આમંત્રણ આપી રહી. એણે બાજુમાં લંબાવ્યું. હાથ કામમાં પરોવાયા. આ વાણિયણને પરણીને આવ્યો ત્યારના આ લોહીઉકાળા ચાલુ થયા છે. દિવ્યા તો સાવ નાકકટ્ટી છે. વચ્ચે તારા પપ્પા બહારગામ રહેવા ગયેલા તે મને જનક કહે મમ્મી તું એકલી છે તો મારે ત્યાં બે દિવસ રહેવા આવ. પણ પેલી બોલે ખરી, આપણા મનથી કે છોકરો બિચારો લાગણીથી કહે છે તો ના ન પાડીએ. પણ પેલીએ તો જાડા જાડા ભાખરા જ બનાવ્યા. એને મૂઈને ખબર છે કે મારે ચોકઠું છે તે ચાવવાની તકલીફ. પણ એમ નહિ કે બે રોટલી બનાવી આપીએ. હું તો બીજી ટંક જમવા જ ના રહી. આપણે ઘેર કંઈ કાચું ખાઈએ છીએ તે એની ગુલામગીરી કરવાની, મમ્મીનો પ્રલાપ ચાલુ જ હતો ને એનું મન તો પહોંચી ગયું હતું ફરીથી એ જ અવગણનાના જંગલમાં... તે વખતે એ હોસ્ટેલમાં રહીને એમ.એ. કરતી હતી. આમ જ બે દિવસની રજામાં નવરંગ આવેલી... નાનીમાએ તે વખતે ચીભડાંનું અથાણું બનાવીને મોકલ્યું હશે... મમ્મીએ હોંશભેર એને ચખાડેલું. ને એને ખૂબ જ ભાવી ગયેલું... પછી તો કેમ જાણે દાઢમાં સ્વાદ રહી ગયો હોય તેમ જ્યારે જમવા બેસે ત્યારે એક બે વાર અથાણું લેવું અનિવાર્ય થઈ પડતું. બે દિવસ તો બધું સમુંસૂતરું ચાલ્યું. પછી ત્રીજે દિવસે જમવા બેઠી ને અથાણાની બોટલ શોધી તો દેખાય જ નહિ. આટલી મોટી બોટલ એવી તો ક્યાં મૂકી હોય કે જડે જ નહિ. જમવાનું શરૂ કર્યું પણ જાણે પેલો રસ ખૂટતો હતો. આખરે થાકીને મમ્મીને પૂછ્યું તો...

એ તો જનકને બહુ ભાવે છે એટલે મેં ઉપર મૂકી દીધું છે... સાવ સરળતાથી ઉચ્ચારાયેલું વાક્ય... મોંમાં મૂકેલો કોળિયો ક્યારે પાછો આવ્યો... પાણીનો ગ્લાસ ક્યારે મોંએ મંડાયો... કંઈ ખબર પડી નહિ... જમીને ઊઠી ત્યારે તાવ આવ્યો હોય એમ મોં કડવાશથી ભરાઈ ગયું હતું. જવાને દિવસે મમ્મીએ એક પેન આપેલી “પપ્પાને કોઈ આપી ગયેલું. તને લખવા કામ આવશે..." ભિક્ષામાં આપતા, વધેલા રોટલાના ટુકડા જેવો પ્રેમ હતો મમ્મીનો... દાણાવાળો વાડકો સાચવીને ઊંચકીને મમ્મી રસોડામાં જવા ઊભી થઈ. એને થયું પેલા દાણા જનક છે ને ભોંય પર પડેલાં છોતરાં એ અને માયા... પણ માયા તો સુખી થઈ ગઈ હતી. કદાચ માયાની જરૂરતો ઓછી હતી. કદાચ એનામાં સુખી થઈ જવાની આવડત હતી.. બધી છોકરીઓ અહીં સુખી થઈ જતી હતી. ગોઠવાઈ જતી હતી... ટુકડાઓમાં જીવી લેતી હતી. અભાવના જંગલમાં આપમેળે પાંગરીને પછી સબંધાઈ જતી હતી... એંઠવાડ સાફ કરતી હતી... ઊઠવેઠ કરતી હતી... ચાલો, સૂઈ જવું નથી? પપ્પાનો સ્વર કાને પડ્યો. એને અચાનક હસવું આવ્યું. અત્યારે રાત પડી. શેનું હસવું આવે છે? મને માલિનીબહેન યાદ આવી ગયાં... પાછળ જ મમ્મીનો પૃચ્છા કરતો સ્વર પડઘાયો : એ માલિનીબહેન વળી કોણ છે?...