નારીસંપદા : ટૂંકી વાર્તા/માસ્ક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
માસ્ક

નીલા સંઘવી

‘‘ધારા મારી બેગ પેક કરી દેને. મારે સિંગાપોર જવાનું છે.’’ ‘‘અરે, હજુ ઘેર આવ્યાને બે દિવસ થયા નથી અને પાછા બેગબિસ્તરા બાંધવાના?’’ ‘‘હા, પણ અમે બેગબિસ્તરા બાંધીને દોડાદોડ કરીએ છે એટલે જ તો તમે આટલી સાહ્યબી ભોગવો છો.’’ ‘‘ધૂળ ને રાખ સાહ્યબી. એકલી સાહ્યબીને શું કરે? સાથ-સંગાથ, સંવાદને પણ જીવનમાં સ્થાન હોવું જોઈએને?’’ ‘‘શું ધારા અનએજ્યુકેટેડ મહિલાઓ જેવી વાત કરે છે? તું તો ભણેલી ગણેલી છે, સ્માર્ટ છે. કાંઈક પ્રવૃત્તિ કરને. આપણે પૈસાની ક્યાં કમી છે? કિટી પાર્ટી જોઈન કર, આજકાલ તો કેટલાં મહિલા ગ્રુપ્સ ચાલે છે તે જોઈન કર’’ ‘‘તારી સાથે તો વાત કરવાનો કોઈ અર્થ જ નથી.’ ‘તો શા માટે આર્ગ્યુમેન્ટ કર્યા કરે છે?’’ કહીને પરેશ ઘરમાંથી બહાર નીકળી ગયો. ધારાને બહુ ગુસ્સો આવતો. આ કંઈ માણસ છે? ક્યારેય કોઈ સાથસંગાથ નહીં, સાથે બહાર જવાનું નહીં અને ઘરમાં તો એનો પગ ટકતો જ નથી. પૈસાના ઢગલા ઉપર બેસીને નાચું? આવા વિચારોમાં અટવાતી ધારા કૉફીનો કપ લઈને બાલ્કનીમાં બેઠી. કૉફીની ચુસ્કી લેતાં લેતાં જાણે પોતાની એકલતાને પી રહી. લતા મંગેશકરનાં ગીતો વાગી રહ્યાં હતાં. લતા મંગેશકરનાં ગીતો સાંભળવાની આ એક જ પ્રવૃત્તિ એવી હતી જે તેની એકલતાને પ્રસન્નતામાં ફેરવી દેતી. એટલે તેનો એકાદ કલાક સવારમાં લતાજીનાં ગીતો સાંભળીને સરસ રીતે પસાર થઈ જતો. પણ પછીના સમયનું શું? બાળક તેને થયું નહીં અને બિઝનેસમેન પતિ સદાયે કામમાં વ્યસ્ત રહેતો. રાતના પણ પાર્ટી કરીને પરેશ મોડેથી જ આવતો. ડ્રીન્ક કરીને આવેલ પરેશ આવતાવેંત જ ઊંઘી જતો અને તેની રાહ જોઈને જાગતી રહેલી ધારા સારીયે રાત પડખાં ફેરવ્યાં કરતી. ધારાને ઘણી વાર પરેશ સાથે વાતો કરવાનું મન થતું પણ તેની પાસે સમયનો હંમેશા અભાવ જ રહેતો. એક પાસે સમય જ સમય અને બીજા પાસે સમયનો સતત અભાવ. કેવી વિચિત્રતા ! આમ પતિપત્ની વચ્ચે સંવાદનો સેતુ કદી રચાયો જ નહીં. વિચારોમાં અટવાયેલી, પોતાની એકલતાને મમળાવતી ધારા બેઠી હતી. ત્યાં જ તેના મોબાઈલની રીંગ વાગી. સ્ક્રીન ઉપર નિશાનું નામ જોઈને એ ખુશ થઈ ગઈ. નિશા તેની બહેનપણી. કૉલેજકાળમાં બંને ખાસ સહેલી. બંનેએ કૉલેજ બંક કરીને ઘણી ફિલ્મો સાથે જોઈ હતી. નિશા એટલી ચુલબુલી કે એની સાથે બધાંને મજા આવે. ધારા આમ તો પહેલેથી જ થોડી ધીરગંભીર પણ એને નિશા સાથે બહુ ફાવે. નિશાના તોફાન મસ્તી તે જોતી રહે અને ખુશ થતી રહે. તે ભલે નિશા સાથે તોફાન મસ્તીમાં જોડાય નહીં પણ તે જે કરે તેમાં એની જાણે મૂક સંમતિ હોય. આજે લગભગ છએક મહિના પછી નિશાનો ફોન હતો. તે થોડો સમય કામ માટે કેનેડા ગઈ હતી. ઓહ વેરી નાઈસ ! આજે જ જ્યારે તે લો ફીલ કરી રહી હતી ત્યારે જ આ મસ્તીખોર જિંદગીને જિંદાદિલીથી જીવતી સખીનો ફોન આવ્યો અને ધારાના બત્રીસેય કોઠે દીવા થઈ ગયા. ‘હાય, હલ્લો’ થોડી વાર પહેલાંનો વિષાદ ખંખેરીને ચહેકતા સ્વરે ધારા બોલી. ‘‘યેસ માય ડિયર ધારા, વ્હોટ આર યુ ડુઈંગ?’’ ‘‘અરે, યાર નિશુ, તું તો જાણે છે મારું જીવન. હું અને લતાજીનાં ગીતો. એ સિવાય મારા જીવનમાં કશું નવું નથી.’’ ઉદાસ સ્વરે ધારાએ કહ્યું. ‘‘ચલ, દિવેલ પીધેલ જેવા ચહેરાને જ્યુસ પીધેલ જેવા ચહેરામાં ફેરવી નાખ. હું પાછી આવી ગઈ છું કેનેડાથી અને હવે તારા શહેર મુંબઈમાં જ રહેવાની છું.’’ ‘‘ઓહ, ધેટ્સ ગ્રેટ ન્યૂઝ. તું અહીં હશે તો મને સારું લાગશે.’’ ‘‘તો કાલે આવું છું મળવા ધારા.’’ ‘‘મોસ્ટ વેલકમ. તારી રાહ જોઈશ.’’ ધારાને સારું લાગ્યું. હવે જીવનમાં કાંઈક જીવંતતા આવશે. નિશા મુંબઈમાં જ છે તો કંપની મળશે. અને બીજા દિવસે નિશા આવી. નિશા ધારાની એકેએક વાત જાણતી હતી. પતિ સાથેની વિસંવાદિતા, પૈસાના ઢગલા બધી... બધી જ વાત તેને ખબર હતી. તેણે ધારાને કહ્યું, ‘‘ધારા, જો, હવે તારી એકલતા, ખાલીપો એવાં બધાં રોદણાં રડવાનું બંધ કર. અમારું એક ગ્રુપ છે જેમાં અમે બધી સખીઓ ભેગી મળીને એન્જોય કરીએ છીએ. તું અમારી સાથે જોઈન થઈ જા.’’ ‘‘ખબર નહીં નિશા, પણ મને નહીં ફાવે. વર્ષોથી આ એક દંડિયા મહેલમાં રહેતાં રહેતાં કોન્ફીડન્સ ગુમાવી બેઠી છું.’’ ‘‘અરે, હું છું ને તારી બેસ્ટ ફ્રેન્ડ તારી સાથે. ચિંતા નહીં કર, મજા આવશે.’’ અને ખરેખર એવું જ થયું. ધારાને નિશાના ગ્રુપ સાથે મજા આવવા લાગી. પિક્ચર, પાર્ટી, પિકનિક ઘણું બધું ચાલતું આ હાઈ સોસાયટીની મહિલાઓ સાથે. ધારા હવે બધાં સાથે ભળી ગઈ હતી. તે હવે પરેશ સાથે કોઈ વાદવિવાદમાં ઊતરતી નહીં. અને પરેશ તો હતો જ મસ્ત પોતાના વ્યવસાયમાં અને પાર્ટીઓમાં. જીવન સારી રીતે ચાલે છે, એવું લાગવા માંડ્યું ધારા-પરેશ બંનેને. ધારાના ગ્રુપનો હવે જે કાર્યક્રમ છે તે એક અનોખો કાર્યક્રમ છે એવું નિશાએ ધારાને કહેલું. ધારા આ અનોખો કાર્યક્રમ શું છે તે જાણવા અને માણવા ઉત્સુક હતી. એ દિવસે સાંજના સાત વાગ્યા પછી એક જાણીતા ફાઈવસ્ટાર રીસોર્ટમાં મુંબઈની બહાર કાર્યક્રમનું આયોજન હતું, નિશાએ કહ્યું હતું. ખાણીપીણી અને મોજમજા; ધારા તો એકદમ એક્સાઈટેડ. રીસોર્ટમાં બધાં ભેગાં મળ્યાં. નિશાએ ધારાને કહ્યું, ‘‘આપણું વિમેન્સ ગ્રુપ છે તેવું એક મેન્સ ગ્રુપ પણ આપણી સાથે આજે જોડાયું છે. કાર્યક્રમની શરૂઆત થઈ. હૉલમાં અંધારું હતું. ફક્ત આછો ઉજાસ હતો. કોઈના ચહેરા સ્પષ્ટ જોઈ શકાતા ન હતા. અને અનાઉન્સમેન્ટ થઈ. હૉલમાં વચ્ચે રાખેલા ટેબલ ઉપર ઘણાં બધાં માસ્ક રાખેલાં છે. દરેક વ્યક્તિએ એક એક માસ્ક પહેરી લેવો. બધાંએ તેમ કર્યું. ધારાએ પણ. ત્યારબાદ જમણ અને પછી ડાન્સનો કાર્યક્રમ હતો. જમ્યા પછી ધારા અને નિશાએ બધાં સાથે ડાન્સ પણ કર્યો. તેમાં પેલા પુરુષ ગ્રુપના સભ્યો પણ હતા. લાઉડ મ્યુઝીક સાથે ડાન્સ અને ડ્રીન્ક. નશો છવાતો ગયો. રાત મદહોશ બની. વારા ફરતી પુરુષો અલગ અલગ સ્ત્રીઓ સાથે ડાન્સ કરતા હતા. ધારા એક પુરુષ પાસેથી બીજા પુરુષ પાસે ફંગોળાઈ રહી હતી. ધારાને આ બધું ન ગમ્યું. મોકો મળતા તે જરા સાઈડમાં થઈ ગઈ. તેને બધું કાંઈક અણગમતું લાગતું હતું. તેને થયું ઘેર ચાલી જાઉં. પણ પછી વિચાર આવ્યો કે ઘેર જતા પહેલા મારે નિશાને જણાવી દેવું જોઈએ. નહીં તો એ મને શોધશે. તેણે નિશાને ફોન કરીને કહ્યું, ‘‘હું જાવ છું, નિશા બાય.’’ ‘‘ક્યાં છે તું? ઊભી રહે હું આવું છું’’ નિશાએ કહ્યું. ‘‘અહીં રિસેપ્શન પાસે છું.’’ ધારાએ કહ્યું. ‘‘ત્યાં જ ઊભી રહે. આવું છું. ઓ...કે...’’ નિશા ધારા પાસે આવીને બોલી, ‘‘શું તકલીફ છે તને? આટલી સરસ પાર્ટી ચાલી રહી છે.’’ ‘‘ના, ના, નિશા મને આવું નહીં ફાવે. આ પુરુષો ડાન્સ કરતા કરતા ગમે ત્યાં હાથ લગાડે છે.’’ ‘‘તો શું થઈ ગયું? એની મજા લેવાની’’ ‘‘નિશા... શું બોલે છે તું? મને આવું ન ગમે.’’ ‘‘ધારા, ડોન્ટ બી સો ઓર્થોડોક્સ. બી પ્રેક્ટીકલ. તને ક્યારેય વ્યવસ્થિતપણે પરેશનો સાથ મળ્યો છે? નહીં ને? તો પછી મજા કરને યાર’’ કહીને નિશા ધારાને ફરીથી ડાન્સ ફ્લોર પર ખેંચી ગઈ. મ્યુઝિક અને નશાના તોરમાં બધાં બેફામ નાચતાં હતાં. ડાન્સ ફ્લોર પરથી લોકો ઓછા થવા લાગ્યા. પુરુષો સ્ત્રીનો હાથ પકડીને હોટેલના રૂમ તરફ જઈ રહ્યા હતા. ધારાની સાથે પાંચ મિનિટ પહેલા જ એક પુરુષે ડાન્સ કરવાનું શરૂ કર્યું. ધારાને ડાન્સની મજા આવતી હતી પણ પેલા પુરુષના હાથ તેના ખભા પરથી ખસીને નીચે તરફ ગતિ કરી રહ્યા હતા. એ પુરુષે એક હાથ ધારાની કમ્મર ફરતે વીંટાળ્યો. અને બીજો હાથ ખભા પરથી ગરદન પર અને પછી ગરદનથી નીચે તરફ જવા લાગ્યો. તેનો હાથ ધારાના ડ્રેસની અંદર સરક્યો, અને જેવો એ હાથ ધારાની છાતી પર દબાયો કે ધારાએ ચીસ પાડી, ‘‘વ્હોટ આર યુ ડુઈંગ?’’ અને પેલા પુરુષનો હાથ ખેંચીને ઝાટકી કાઢ્યો. પેલા પુરુષે કહ્યું, ‘‘સ્વીટી, વ્હાય આર યુ ગેટિંગ એન્ગ્રી? તું એટલી સુંદર છે કે તને કોઈ એક વાર જોઈ લે અને સ્પર્શ કરી લે તો એ શું કહે ખબર છે? કહે ‘ઉઉલાલા !’ તને મજા કરાવીશ’’ ‘‘મજા માય ફૂટ, ગેટ લોસ્ટ’’ કહીને ધારાએ ચહેરા પરથી માસ્ક ખેંચી કાઢ્યો. સાથે સાથે પેલા પુરુષનો માસ્ક ખેંચીને તમાચો મારવા હાથ ઉગામ્યો. બંનેએ એકબીજાને જોયાં અને પરેશ અવાચક થઈને જોઈ રહ્યો. તે માંડ માંડ બોલી શક્યો, ‘‘ધારા? ધારા...તું?’’