નારીસંપદા : ટૂંકી વાર્તા/રીસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રીસ

સોનલ પરીખ

૨૨ જૂન

મૈત્રેયીદેવીનું ‘ન હન્યતે' કોણ જાણે કેટલામી વાર વાંચીને કાલે પૂરું કર્યું. આત્માની જેમ પ્રેમ પણ હણાતો નથી—કેવી ભવ્ય વાત! પુસ્તકમાં લગ્નની અંગ્રેજી પ્રતિજ્ઞાનો ઉલ્લેખ હતો: ઇન સિકનેસ ઍન્ડ ઇન હેલ્થ, અન્ટિલ ડેથ ડુ અસ પાર્ટ' : સાથે રહેવાના સોગંદની કેટલી સાદી અને સુંદર અભિવ્યક્તિ! – મન અનિર્વચનીય લાગણીથી ભરાઈ ગયું હતું. ત્યારે જ એ આખી પ્રતિજ્ઞા મેં શોધી કાઢી હતી અને તને વંચાવી હતી. પૂરું વાંચ્યા વગર જ તું આખું વાક્ય બોલી ગયો હતો—‘આઈ ટેક યુ ટુ હૅવ ઍન્ડ ટુ હોલ્ડ, ફ્રોમ ધિસ ડે ફૉરવર્ડ, ફૉર બેટર, ફૉર વર્સ, ફોર રિચર, ફૉર પુઅરર, ઇન સિકનેસ ઍન્ડ ઇન હેલ્થ, અન્ટિલ ડેથ ડુ અસ પાર્ટ' અને હૃદયમાં ઊતરી જાય, આત્માને સ્પર્શી જાય તેવું સરસ હસ્યો હતો. 'ઓહ, તને આ આખું યાદ છે?’ મેં પૂછ્યું હતું. ‘હા. પણ સાચું કહું, પ્રેમને કોઈ પ્રતિજ્ઞાની જરૂર હોતી નથી. તું જ કહે, પ્રેમ દરેક પ્રતિજ્ઞાથી ઊંચો નથી હોતો?’ તેં મારી આંખોમાં આંખ અને આંગળીઓમાં આંગળીઓ પરોવી હતી. હું બીજું બધું ભૂલી ગઈ હતી. હા, પ્રેમ તમામ પ્રતિજ્ઞાઓથી ઊંચો હોય છે, અલગ હોય છે. આશાને કૅન્સરનું નિદાન થયું તે પછી તે બે વર્ષ જીવી. તેના નખશિખ વેપારી પતિએ બધું જ છોડીને આશાનાં છેલ્લાં વર્ષો સાચવી લીધાં ત્યારે એ પ્રતિજ્ઞા પાછી નજર સામે ઘૂમી ગઈ. માંદગીમાં કે તંદુરસ્તીમાં, મૃત્યુ જુદાં ન પાડે ત્યાં સુધી સાથે જ રહેવાની પ્રતિજ્ઞા. પણ ઈશ, પતિપત્ની ન હોય તે આવું કહી શકે? કરી શકે? હું તારા માટે અને તું મારાં માટે આ કરી શકીએ? તું કહે છે, 'હા.' પણ એટલું સહેલું નથી. મોટી વાત છે આ. ફક્ત ઇચ્છા નહીં; જીદ જોઈએ તેને માટે. અધિકાર પણ જોઈએ, ઈશ. તેથી જ આશા મૃત્યુ પામી તે રાતે મેં તારી પાસે એક અધિકાર માગ્યો હતો બીમારી અને મૃત્યુમાં એકબીજાની સાથે હોવાનો અધિકાર. તેં સચ્ચાઈથી કહ્યું હતું, 'એ અધિકાર તને છે જ.' ક્યાં છે? તો પછી આજે તું હોસ્પિટલમાં હતો ત્યારે મારે તારાથી દૂર કેમ રહેવું પડ્યું? આનો જવાબ હું જાણતી નથી, સમજતી નથી તેવું નથી. પણ એ જવાબ મને લોહીલુહાણ કરે છે. ક્યાં જાઉં આ જીવતો ઘા લઈને? ખેર, એ કહે, તારી તકલીફમાં હું તારી પાસે હોઉં કે બીજું કોઈ હોય, તેમાં તને ફરક પડે કે નહીં ? મને તો પડે. તું જેમાં પાસે હોય તે પીડા મારે માટે મૂલ્યવાન બની જાય. તું મારી પાસે હોય તેની શરત જો પીડા હોય, તો હું તો હોંશે-હોંશે પીડાને નિમંત્રણ પણ આપું. તારું પુરુષનું મન કઈ રીતે વિચારતું હશે તે તો તને ખબર.

પણ ઈશ, એક વાત છે—એકબીજાને મનથી અધિકાર આપવા તે એક વાત છે અને વાસ્તવમાં તેનો અમલ કરવો એ બીજી વાત છે—આ બંને જોઈએ. રડવા-હિજરાવાનું મને ખાસ પસંદ નથી. હું શક્તિ અને હિંમત ઇચ્છું છું. તારામાં પણ, મારાંમાં પણ. તું સર્જરી કરાવે, થોડા દિવસ ઘેર રહે, સાજો થાય, બહાર નીકળતો થાય, ત્યાર પછી હું તને મળું અને અજાણ્યાની જેમ પૂછું, ‘કેમ છે?’ એવું તે કંઈ ચાલે? આજે કૉર્ટમાં મુદત છે. જે કદી જોડાયો નથી એ સંબંધને કાયદેસર તોડવાની મથામણ ક્યાં સુધી ચાલવાની છે, કોને ખબર.

૨૩ જૂન

ઓફિસે જવા નીકળી છું. આજનું આકાશ અદ્દભૂત છે. કાળાં જળભર્યાં વાદળ એકદમ નીચે ઝૂકી આવ્યાં છે. આકાશ એટલું નજીક આવી ગયું છે, જાણે હમણાં ધરતીને આશ્લેષમાં લઈ લેશે. ઘેરાં વાદળોનું એ પડ વચ્ચેવચ્ચે ખૂલે છે ત્યારે તેની ઉપર તરતાં આછાં સફેદ વાદળાં દેખાય છે. આ બધા ઘટાટોપમાં જે જરા જેટલું આકાશ દેખાઈ જાય છે, તેની ભૂરાશ અવર્ણનીય છે. હવામાં દૂર ક્યાંક થયેલા વરસાદની મહેક છે. મહિનાઓના ઉકળાટ પછી વર્તાતી વર્ષોની એંધાણી મનને મસ્ત કરી દે છે. જાણે આ નૈઋત્યનો પવન નથી, તરબતર ચોમાસું લઈને તું આવીને મને ઘેરી વળ્યો છે. હજી વરસ્યો નથી, તોય મારી માટી મહેકી ઊઠી છે. એક ચોમાસું મારામાંય ગોરંભાઈ રહ્યું છે. મોર હજી ટહુક્યા નથી, પણ અણુઅણુમાં મોરની કેકા જેવો તલસાટ છે. આ બધા પર પેપરવેઇટ મૂકીને હું શાંતિથી ઓફિસનું કામ પતાવી રહી છું.

૨૪ જૂન

આ વર્ષનું પહેલું ઝાપટું પડી ચૂક્યું છે. ઊડતી રજની મલિન લાગતી હવા હવે સાફ છે. તાજાં, તૃપ્ત ઝાડપાન, ભીનીભીની લહેર, ઠંડીઠંડી સુગંધ, જરા આકુળવ્યાકુળ તનમન. થોડું સેલિબ્રેટ ન કરવું જોઈએ? કોની સાથે કરું? તું હોસ્પિટલમાં છે. સમાચાર મળે છે કે રિકવરી સરસ છે. બીજા જાય તેમ તારી ખબર કાઢવા એક વાર ગઈ છું. બીજા પૂછે તેમ ગંભીર મોઢું કરી પૂછ્યું છે, ‘કેમ છે? ક્યારે રજા આપશે? ડોક્ટર શું કહે છે?’ બીજાને આપતો હોય તેવા ઔપચારિક જવાબ તેં મને આપ્યા છે, ‘સારું છે. આમ પણ નાની સર્જરી હતી. જલદી જ રજા આપશે. ન મેં તારો હાથ પકડ્યો, ન તેં આંખોથી પણ હું આવી ને તને ગમ્યું તેવું દેખાડ્યું—બીજા લોકો હતા. આવી રીતે બીજી વાર જવાનું ગમ્યું નથી. ઉદાસ થઈ ગયેલા, પાછા પડી ગયેલા મન પર પહેલા વરસાદે મલમપટ્ટી કરી આપી છે. દરિયાકિનારે આવીને ઊભી છું. સામે ચોમાસાનો માટીમેલો, આદિમ, ઉચ્છૃંખલ સમુદ્ર ઘૂઘવી રહ્યો છે. તેનું બેપરવા નિમંત્રણ મને સ્હેજ પણ સ્પર્શતું નથી. મારે તારી સાથે વાત કરવી છે. શી વાત તે તો મને પણ ખબર નથી. કદાચ ગમેતેમ કરીને તારી નિકટ રહેવું છે.

૨૫ જૂન

રાત્રે બાર થયા છે. થોડી ક્ષણોમાં તારીખ બદલાશે. એકમાંથી બીજી તારીખમાં પ્રવેશતાં સમયને કશું છોડવાની પીડાનો, નવા કશાકમાં પ્રવેશવાના આનંદનો અનુભવ થતો હશે ખરો? ક્યારની હેડકી આવે છે. પાણી પી પીને પેટ તણાઈ ગયું તોય મટતી નથી. તું તો યાદ નહીં કરતો હોય? જરૂર કરતો હશે, ભરઊંઘમાં. એક વાર, 'સપનામાં તારી સાથે કેટલી વાર—એટલું કહીને તું અટકી ગયો હતો. આગળ સાંભળવા માટે મારું લોહી ઉછાળા મારવા લાગ્યું હતું, પણ હું કશું બોલી શકી ન હતી, આંખ ખોલી શકી ન હતી. અત્યારે જામતી રાતના એકાંતમાં ધીરેથી તને પૂછી લેવાનું મન થાય છે—સપનાની એ શી વાત હતી, ઈશ, કહે. ફરીફરી કહે. આ આટલી હેડકી સતાવે છે એટલે પૂછું છું. આ આકર્ષણ, આ તલસાટ, આ બેચેની—આ કશું નશા જેવું તો નથી ને, કે ક્યારેક ઊતરી જશે? તો—હું તો નહીં બચું તો પછી. ઉજાગરાની રાતોમાં હૃદય એક અજાણી ભીતિથી જોરજોરથી ધડકવા લાગે છે. પછી તને જોઉં છું ત્યારે આવા વિચાર માટે હસવું આવે છે. પણ તને કહું, આ અડધી રાતની પળો જીવલેણ હોય છે. દિવસભર કામકાજમાં પાછળ ધકેલાઈ ગયેલા હજારો સવાલો ફેણ માંડે છે. થાકેલું મન મરણિયું થઈ આડેધડ લડવા માંડે છે. પાસે દીકરી ઘેરી ઊંઘમાં સરી ગઈ છે. બાજુના ઓરડામાં રામાનુજ કદાચ જાગે છે. વેમ્પાયર જેવા આ માણસનું, બંધ કબર જેવા આ સંબંધનું શું કરવું મારે? શ્વાસ રૂંધાતા હોય તોપણ તરુણ થયેલી દીકરીના જીવનને સાચી દિશા આપવાની છે. વાસ્તવનું યુદ્ધ જીત્યા પછી તારી સાથે, જેનું સપનું સદાકાળથી જોયું હતું તે જિંદગી જીવવાની છે. ક્યાંથી આવશે આટલી શક્તિ? તું કહે છે, 'એ જિંદગી આપણે જીવી તો રહ્યા છીએ.' એક તૂટેલા સંબંધને તું પણ જીવી રહ્યો છે. પણ તું હંમેશાં સંતુષ્ટ લાગતો હોય છે. તો હું મને આટલી અધૂરી કેમ લાગું છું?

૨૬ જૂન

આજે પણ રાત વધતી જાય છે તેમ અજંપો વધતો ગયો છે. પણ આજે મને શ્રી યાદ આવે છે. તે રેકી જાણે છે. કહેતી હતી, ‘સારું વિચારવું, આશા રાખવી એ પૂરતું નથી, એ મુજબ વિઝ્યુઅલાઇઝ કરવાનું જરૂરી છે.' 'એટલે શું?' 'કહો, તમને શાની ચિંતા છે?' ‘ધાર કે હું જેને પ્રેમ કરું છું તેની સાથે રહી શકીશ કે નહીં તેની.’ ‘તો ક્યારેય એમ ન વિચારવું કે હું તેની સાથે રહી શકીશ કે નહીં. એમ પણ ન વિચારવું કે સાથે રહી ન શકાયું તો શું થશે. એમ જ વિચારવું કે અમે સાથે રહીએ છીએ. પછી એ વ્યક્તિ સાથેના જીવનની જે પણ કલ્પનાઓ હોય તેનાં દૃશ્યો મનોમન રચવાનાં.' ‘તેનાથી શું થશે?’ ‘મનને એક પૉઝિટિવ ઇનપુટ આપો અને તે તેને લઈને અનેક પૉઝિટિવ શક્યતાઓ ખોલી બતાવશે. તેનાથી તમારામાં એક શાંતિનો, એક શક્તિનો સંચાર થશે, જે તમારી પ્રબળ ઇચ્છાને સાચી પાડવા કામે લાગશે. ત્યાર પછીના સ્ટેજમાં તમે આ શાંતિ અને શક્તિ બીજામાં આરોપિત કરી શકો અને એ હિલિંગ પાવર તરીકે કામ કરે.' સાંભળવું ગમ્યું. પણ સાચે જ આવું થાય, ઈશ? શી ખબર, થતું પણ હોય.

૨૯ જૂન

ફરી રાત, ફરી થાક, ફરી તારી યાદ. આખો દિવસ આ—તે કામના જાળામાં ઝઝૂમ્યા પછી પથારીમાં લંબાવું છું ત્યારે એક ઊંડી રાહત મળે છે. રાહતની આ ક્ષણે તું મારી પાસે ન હોવો જોઈએ, ઈશ? આ શું કોઈ બહુ મોટી ગેરવાજબી ઇચ્છા છે? આજે તારી સર્જરીને અઠવાડિયું પૂરું થયું. આજે તું પહેલી વાર ઘરની બહાર નીકળ્યો. તારા મિત્રોએ તને સાચવી લીધો. મેં કંઈ જ કર્યું નહીં. તારી ઑફિસે પંદર મિનિટ આવી શકત. ન આવી. કારણ? તેં રોકી. રોકવાનું કારણ? કારણનું કોઈ નામ નથી. બસ, પરિણામ છે. ફરી ઘા થયો છે. ફરી લોહી નીકળ્યું છે. વ્યસ્ત હોવાનું એક સુખ છે. દુ:ખ પર અટકવાની ઝાઝી ફુરસદ ન મળે. કોઈની સામે લાગણીવશ થવું મને ગમતું પણ નથી. ઘા ગણવા ને પંપાળવાથી વધારે અગત્યનાં ઘણાં કામ છે મારે. પણ મને ખૂબ ગુસ્સો આવ્યો છે. તારા પર, મારા પર, પરિસ્થિતિ પર. જો આપણે આ જ રીતે વર્તવાનાં હોઈએ તો પછી ક્યાંય પહોંચવાનાં નથી, કોઈ ભવિષ્ય બનાવી શકવાનાં નથી.

૨ જુલાઈ

તારું ઑપરેશન પછીનું પહેલું ચેકઅપ. તું મોહિતેજીને તારી સાથે હોસ્પિટલ લઈ ગયો છે, કેમ કે કોઈક તો તારી સાથે જોઈએ. એ કોઈકમાં બીજા હજારો કામના—નકામા માણસો આવી જાય, હું ન આવું, હું ન આવું. તું કહે છે, કંઈ થાય તો મોહિતેજી હોય તો સારું પડે. અને થતું હોય તેમ થાય. મોહિતેજી સારા માણસ છે. તેમના માટે મને સદ્દભાવ છે. પણ તું મને એ કહે કે મોહિતેજીએ એવું શું કર્યું છે જે મેં નથી કર્યું? કોઈ આધાર વગર મુંબઈ જેવા શહેરમાં પગ મૂકવાની જગ્યા બનાવી છે મેં. જરૂર પડે તો તને મોતના મોંમાંથી પણ પાછો લઈ આવી શકું હું. તારા મોહિતેજી એ ન કરી શકે. તને એવું કેમ લાગે છે કે હું શું કરી શકું? પણ સવાલ કદાચ આ નથી. સવાલ બીજો છે : 'કેવું લાગે છે?’ કોને કેવું લાગે ઈશ? તારા ડૉક્ટર ગર્દેને? એમને તારી સાથે કોણ હતું તે જોવાની ફુરસદ કે પરવા હોય? દર્દી સાથે કોઈ આવ્યું હોય તો તેમાં કોઈને શું લાગે, તું જ વિચાર, કે પછી તારા મિત્રોને કેવું લાગે તેની તને ચિંતા છે? હું પણ તારી મિત્ર છું, ફ્રી હતી ને તારી સાથે આવી એટલું પણ કોઈને કહેવાની તારામાં હિંમત નથી? કે પછી ઇચ્છા નથી? અને થતું હોય તેમ થાય' એટલે શું? તો પછી ‘થતું હોય'ની જાળ તોડીને તું મારી પાસે શા માટે આવ્યો હતો? મને શા માટે પોતાની પાસે ખેંચી લીધી હતી? ‘થતું હોય’ની જાળ તોડીને શા માટે શોધ્યું આપણે આપણા હોવાનું સત્ય? કે પછી — આવું ન હતું? આવું ન હતું તો પછી શું હતું, ઈશ?

૪ જુલાઈ

આજે તો તેં હદ કરી. આજે કોઈ, કશું વચમાં ન હતું. તારે ટેક્સીમાં ઘેર જવું હતું, કંપની રહે તે માટે તું વિવેકભાઈને સાથે લઈ ગયો. મને લઈ જવાનું ‘ભૂલી ગયો!’ ભૂલી ગયો? ક્યાં ગયો એ ઈશ, જે હું પ્રેમ કરવાની શક્તિ અને ઇચ્છા ગુમાવીને જીવવા ટેવાઈ ગઈ હતી ત્યારે પોતાના સંકલ્પ અને અખૂટ પ્રેમના જોરે મને મારામાંથી ખેંચી કાઢી શક્યો હતો? મારા ચહેરા પર એક નાની ખુશી જોવા ગમે તેટલી મહેનત કરવા તત્પર હતો? મારી આંખનો ખૂણો પણ ભીનો થાય તો હચમચી જતો? મારા અવાજ પરથી મારું મન સમજી જતો? ફક્ત મને જોવા અને મારી આજુબાજુ હોવાના સુખ માટે પણ કેટલું બધું ગોઠવતો? અને આજે, આટલા દિવસ પછી શાંતિથી વાત કરવાનો મોકો હતો તે ચૂકી ગયો? પાછો કહે છે ‘ભૂલી ગયો.” તે દિવસે ટ્રાફિક હતો. તને ઘરે પહોંચતાં પોણાત્રણ કલાક લાગ્યા હતા. જો હું તારી સાથે હોત ને, ઈશ, તો તને એટલો સમય ઓછો લાગત. તારી દરેક ક્ષણને હું આનંદ, રસ અને તાજગીથી ભરી દેત. ખેર, આ તો મારો દૃષ્ટિકોણ થયો. તને એવું ન પણ લાગતું હોય. તું આટલાં વર્ષ મિત્રો વચ્ચે જીવ્યો છે. તમારી મેન્સ ટૉક જેવો આનંદ તને મારી કંપનીમાં ન પણ આવતો હોય. હું માનતી હોઉં એટલાં આનંદ, રસ કે તાજગી તને મારાંમાંથી ન પણ મળતાં હોય અને આમ પણ હું તારા પર કોઈ જોર થોડું કરી શકું? જે સાથ મેળવવા જોર કરવું પડે તે સાથનો કોઈ અર્થ નહીં. આંખ ખોલીને જોવું જોઈએ મારે. પણ એક વાત નક્કી... હવે હું તારી સાથે કદી આવવાની નથી, કદી નહીં.

***