નારીસંપદા : ટૂંકી વાર્તા/શંપા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શંપા

જ્યોત્સના મિલન

આમેય હું દેખાવડી નથી, સાધારણતાનો પર્યાય હોઈ શકું. પરાણે પોતા ભણી આકર્ષી લે એવું કશું મારામાં નથી. વળી આ મારો એ ગાળો છે જ્યારે હું નથી ઇચ્છતી કોઈનુંય ધ્યાન મારી ભણી દોરાય. હું ઇચ્છું છું કે એવું એક રોજિંદાપણું બની જાઉં જે ટેવ-વશ નભ્યા કરે, જેની ભણી કોઈ નજર સુદ્ધાં ન નાખે, જેમાં કોઈ જાતનું નાવિન્ય બચવા ન પામ્યું હોય, તે એટલે સુધી કે અતીક પણ મને ન જુએ, ન અડકે. આ મારો એવો ગાળો છે, જેમાં હું લઘરવઘર રહું છું. એટલે કે કપડાં હું પહેરતી નથી, પહેરેલાં કપડાં કાઢીને વળગણી પર નાખ્યાં હોય તેમ પોતા પર નાખી અથવા ટીંગાડી રાખું છું. શરીરને કપડાંમાં રહેવાની ફરજ પડી હોય તેમ એ કપડામાં હોય છે. વાળ હું ઓળતી નથી, પર્વતના ઢાળ પર વેરાયેલાં તણખલાંની જેમ વેરવિખેર રાખું છું. મનમાં એવો ખ્યાલ બંધાઈ બેઠો છે કે સારી રીતે કપડાં પહેરવાથી, કે શણગાર કરવાથી એક જાતની ચુસ્તી આપોઆપ આવી જતી હોય છે. વળી કોઈ વ્યક્તિ સુંદર હોય કે ન હોય આ ચુસ્તી કંઈક ને કંઈક નાવિન્ય તો પેદા કરી જ દેતી હોય છે અને એ પોતા પ્રત્યે આકર્ષતી હોય છે. બની શકે મારી આ માન્યતા પર શ્રૃંગાર પાછળ રહેલી સામાન્ય ધારણાની અસર થઈ હોય. જો એવું હોય તો એથીય શું ફેર પડવાનો છે ! ઘણી વાર મેં અનુભવ્યું છે કે આ ગાળામાં મારું બોલવું સૂકા પાંદડાની ખડ ખડ જેવું સૂક્કું, ઉદાસ કરનારું ને કેટલીક હદ સુધી બિહામણું થઈ જતું હોય છે. અતીક કહે છે કે હું વધુ કુમાશથી કેમ નથી બોલતી? પણ મને તો આ કુમાશની જ બીક લાગતી હોય છે. મારા મનમાં વિશ્વાસ બેસી ગયો છે કે ખડ ખડના અવાજવાળી આ રુક્ષતા જ જોખમ ટાળી શકે તેમ છે. એટલે જ હું આ ગાળામાંથી પસાર થાઉં છું ત્યારે પોતાની જાતને સંકેલીને શરીરમાં ઊંડે ઊતરી જઈ ભીના અંધારામાં લપાઈ જાઉં છું. મને લાગે છે કે શરીરથી ઉતરડીને કોઈએ મને અળગી કરી દીધી છે. જ્યારે અબઘડી સુધી મને લાગતું હતું કે હું છું. હું છું એટલે કે હું જ શરીર છું અને આ જ એ ગાળો છે જ્યારે લાગે છે હું શરીરમાં છું છતાં શરીરથી અળગી થઈ ગઈ છું. મારા શરીરે મને અળગી કરીને પોતાની અંદર જ એક કોરે મૂકી દીધી છે. શરીરને મારામાં કોઈ રસ નથી રહ્યો. શરીરની નજીક હોવા છતાં હું સાવ એકલી હોઉં છું. હું શરીરને ફરિયાદ કરવા નથી ઇચ્છતી કે એણે મને શા માટે ઉતરડીને ફેંકી દીધી. મને ખબર છે અત્યારે શરીરને મારી જરૂર નથી. આ કેટલી વિચિત્ર વાત ! આ જાણવા છતાં મને એ વિચારે દુઃખ થાય છે કે શરીર કેટલું સ્વાર્થી છે ! પોતાની જરૂરિયાત પૂરી થતાંવેંત એણે ઉદાસીન ભાવે મને અળગી કરીને બાજુ પર મૂકી દીધી ! હું બહુ વાર સુધી શરીરને અઢેલી બેસી રહું છું, એવી ઉમેદમાં કે એ ફરીથી ક્યારેક મને શાહીચૂસથી જેમ ચૂસી લેશે. ઘણી વાર સુધી આમ બેસી રહેવા છતાં, મને લાગે છે, એને અઢેલીને બેઠેલી હું એનાથી ખૂબ દૂર ને સાવ એકલી- અટૂલી છું. હું છાનીમાની ઊઠીને ધીમે ધીમે પોતાના જ શરીરમાં ક્યાંક ઊંડે અંધારામાં લપાઈ જાઉં છું. આ દરમિયાન અતીક જ્યારે મારા શરીરને સ્પર્શે છે ત્યારે હું વિચિત્ર લાગણી અનુભવું છું. એવું લાગે જાણે હું એક ગંદી, ગંધાતી ગટર છું, મારામાં જાણે કીડા સળવળે ને સબડે છે. એને હું મારી આ લાગણી સમજાવી નથી શકતી. વાત જ્યારે કહેવાની અવસ્થામાં પહોંચી જાય છે ત્યારે અનુભવથી એ અળગી થઈ જાય છે. એટલે જ મને ખબર છે કે અતીક મારી વાતથી નચિંત નહીં થાય, એ સમજવા માગે છે, મારી વાત સાંભળી કહે છે – સાચી વાત છે શંપા, હું તારી વાત સમજું છું. મારી જાતને વધુ કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરીશ. હું ભરોસો રાખવા માગું છું. અતીક જરૂર પ્રયત્ન કરશે. છતાં મને એ ય ખબર છે શંપાનો હોય છે એવો અતીકનો કોઈ ગાળો નથી હોતો. તેથી જ લઘરા જેવી વેર-વિખેર શંપા એને એટલી જ બાંધે છે. એટલી જ તીવ્રતાથી આકર્ષે છે જેટલી સજધજ ચુસ્ત. શંપાને પોતાનો બીજો ગાળોય સાંભરતો જ હોય છે. અત્યારે એ પેલા ગાળાથી દૂર છે એટલે જુદેથી એને જોઈ શકે છે, અથવા એના વિશે જુદેથી વિચારી શકે છે, જાણે કોઈ બીજા વિશે વિચારી રહી હોય. બીજા ગાળામાંથી પસાર થતાં એને લાગે છે કે શરીરની સપાટી પરથી કુંપળની જેમ ફૂટીને એ બહાર, આકાશ ભણી ધપી રહી છે. એ શરીરમાં વણાયેલી છે. એના ને શરીરના તંતુ ઓગળીને એકમેકમાં ભળી ગયા છે. આ ગાળામાં શંપા સુંદર સાડી ખરેખર પહેરે છે, પહેરવાનો ભાવ એના મનમાં હોય છે. વાળ સરસ રીતે ઓળે છે, વાળ ખભા પર, પીઠ પર છવાઈ જાય છે. આંખો એટલી તરલતાથી દરેક વસ્તુને સ્પર્શે છે કે કોઈનું ય ધ્યાન એની તરફ ખેંચાયા વગર ન રહે. એ સમયે એ જ્યાંથી પસાર થાય છે – ઓરડામાંથી, વરંડામાંથી કે રસ્તા પરથી – એને લાગે છે પાછળથી જોનારી દરેક વ્યક્તિએ એની ચાલને જોઈ છે, જોતી જ રહી ગઈ છે. આ લાગણી સાથે જ એ અંદરથી ભર્યા ખેતરની જેમ લહેરાઈ જતી. જાત પર ન્યોછાવર થઈ જતી. છેલ્લાં પાંચ-છ વર્ષોથી દિવસ-રાત સાથે રહેનાર અતીક એને ઓરડામાં કે ઓસરીમાં આંટા મારતો નજરે પડતો ત્યારે એ પોતાના બીજા ગાળામાં વિચારી બેસતી કે આ માણસ કોણ હશે? કેટલો તાજગીભર્યો છે, જાણે હજી સુધી એને કંઈ અડ્યું જ નથી. એથી ઊજળી, ભીની આંખોથી અતીકના અજાણતા એને અડકી લે છે અને પોતાના શરીરમાં ઊંડે સુધી ગલગલિયાં અનુભવે છે. અતીક પામવા લલચાય છે, જાણે એ એનો ન હોય, જાણે એ અતીક ન હોય. જ્યારે અતીકને પામવો અશક્ય હોય ત્યારે અતીક એને કેટલો ગમે છે ! એ જ્યાં પગ મૂકીને ઊભો હોય એ જમીનનો ટુકડો, જેને એ અડકે છે તે વસ્તુઓ, એ જેમાં હોય એ આખું દૃશ્ય – એને કેટલું ગમે છે ! એને ખાતરી થઈ જાય છે કે આ જીવનની અનેરી ધજ છે. ઊંડે ઊંડે લાગ્યું કે જીવન માત્ર સહેવા લાયક જ નથી, એનું એક સંમોહન પણ છે. આમ તો શંપાને યાદ છે એણે અને અતીકે સાથે રહેવાનું નક્કી કર્યું અને હંમેશ સાથે રહીશું એમ માનીને સાથે રહેવા લાગ્યાં ત્યારે તો કોઈ એવો ગાળો નહોતો જ્યાં સ્વેચ્છાએ કે સામે ચાલી અતીકની જરૂરિયાતને પૂરી કરી હોય. એની પોતાની તો એવી કોઈ જરૂરિયાત હતી જ નહીં. એને લાગતું કે અતીક જાણે એનું શરીર છે અને એ એનાથી અળગી, એની અંદર ક્યાંક કોકડું વળીને પડી છે. સાવ એકલી. એને લાગતું કે અતીકનું અને એનું શરીર નજીક નજીક છે, એકમેકની અડોઅડ. શરીરમાંથી ભાગી નીકળી દૂર ઊભી રહી ગઈ છે અને ત્યાં ઊભી ઊભી બીકની મારી પોતાના અને અતીકનાં શરીરને ક્યારેક અડોઅડ તો ક્યારેક જુદાં પડેલાં જૂએ છે. અતીકને જ્યારે એવું ભાન થતું કે શંપા એના શરીરમાં નથી કે એ એક મડદાની અંદર છે તો એ બીકમાં ને બીકમાં બહાર નીકળી આવતો, અકળાઈને પડખું ફેરવી લેતો. દૂર ઊભેલી શંપા અતીકની નજીક પડેલા એના દેહને જોતી. એની નજીક જ તરફડતો અતીક દેખાતો. એને થતું કે એને પસવારી દે, એને બાથ ભીડી લે. દેહ વિના તો એ અશક્ય હતું એ તો દેહમાં હોતી જ નહીં. દેહ જ એને અળગી કરી દેતો. એ ઊંડે ઊંડે ભીના અંધારામાં લપાઈ જવા લાચાર હતી. અથવા શરીરમાંથી નીકળી દૂર ભાગી જવા. વગર દેહે અતીકને સાંત્વન પણ કેવી રીતે આપી શકવાની હતી? રાતની રાતો એણે અતીકનો આ અસહ્ય તડફડાટ જોયો હતો. એને હંમેશ લાગતું કે એને કેટલી ચાહે છે અને એ તો દેહવિહોણી છે. દેશથી નિર્વાસિત અને એટલા માટે જ અતીકથી પણ નિર્વાસિત. બેવડા નિર્વાસનની આ પીડા ! અતીક યંત્રણાનો ત્રાસ એને આખો વખત એની આસપાસ ઘેરો ઘાલી રાખતો. શંપાએ અતીકની મદદ લેવાનો નિર્ધાર કર્યો. દેહથી અલગ હોવા છતાં એણે પરાણે પોતાને દેહમાં રચાવવાનો, એમાં મૂળિયાં નાખવાનો નિશ્ચય કર્યો. અતીક શા માટે આ ત્રાસ વેઠે? દરેકની પોતાની જરૂરિયાત હોય છે, એનીએ છે અને એ કંઈ એનો અપરાધ નથી. એ શિક્ષા શું કામ ભોગવે? મડદાની અંદર હોવાનો હોરર શા માટે ભોગવે? શંપાએ શીખવું શરૂ કર્યું. પહેલાં તો સહેતાં શીખી. પરાણે સહ્યું. પછી તો એનો અભ્યાસ કદાચ આનંદ આપવા માંડે. એના મનમાં આશા બંધાવા લાગી. બે દેહોનાં સામિપ્યને સહેતાં શીખી. હવે દેહમાંથી નાસી નહોતી જતી, દેહમાં રહેતી થઈ ગઈ હતી. એક દિવસ બંને દેહોનાં સામીપ્યના ભાનથી એણે થથરાટ અનુભવ્યો. એ કલ્પવા મથી કે અતીક એના દેહને સ્પર્શી રહ્યો છે, એના સ્પર્શમાં કેવો જાદુ છે, કેટલું સુખ છે ! આ કલ્પનાનો અનુભવ થતાં વાર લાગી છતાં નક્કી કરી લીધું હતું. અગર અતીકની જરૂરિયાત છે તો એનીય જરૂર હોવી જોઈએ અને તો જ એ અતીકને હોરરમાંથી છોડાવી શકે. જાતે રસ લેવાની વાતને તો બહુ વાર હતી. શંપાએ જાત સાથે લડત ચાલુ રાખી. એણે જાતને અનેક વાર નાસી જતાં પકડી હતી, એને દેહમાં પૂરી દીધેલી. અતીકે જોયું, જાણ્યું કે શંપા હવે મોટે ભાગે એના દેહમાં રહેતી થઈ ગયેલી, પહેલાંની જેમ ભાગી નહોતી નીકળતી. શંપાને નજીક રાખીને, એના મનમાં આપમેળે ઇચ્છા જગાડવાના અતીક પ્રયત્નો કરતો. ધીમે ધીમે શંપા બે દેહોનાં સામિપ્યનો આનંદ માણતાં શીખી રહી હતી. અતીકના સુખમાં શામેલ હોતી. સુખથી વિહ્વળ અતીકના ચહેરાને જોઈ જ રહેતી. એને લાગતું કે ખરેખર અતીકની સાથે છે. અતીક મડદાની અંદર હોવાના ત્રાસમાંથી બહાર નીકળી આવ્યો છે. એની દેહની જરૂરિયાત પૂરી કરીને શંપાને લાગતું એના મનની જરૂરિયાત પૂરી થઈ છે. હજીય શંપા માટે બે ગાળા હોય છે : એક જરૂરિયાતનો જે એણે જાતે પેદા કર્યો છે, અતીકની સહાયથી. બીજો જ્યારે દેહથી અળગી પડી જઈને દેહના ઊંડા અંધારામાં લપાઈ જતી હોય છે એ. જ્યારે ઇચ્છા અને બધા જ પ્રયત્નો છતાં અતીકને ત્રાસથી બચાવી નથી શકતી. એની જરૂરિયાતના ગાળામાં શંપા અતીકની હાજરી માત્રથી આખી ભરાઈને છલકાઈ જાય છે અને ઇચ્છે છે કે એ છેલ્લાં ટીપાં સુધી ખાલી થઈ જાય, આખી ને આખી ઉલેચાઈ જાય. દેહની સપાટી ફોડીને એ બધી જ નાજુકાઈ સાથે ખીલી ઊઠે છે ને પોતા માટે આકાશ શોધે છે. અતીક એના દેહને પસવારતો ને ખીલવતો રહે. શંપા નદીની જેમ સ્રોતમાંથી ફૂટી નીકળી આગળ, હજી આગળ ધપ્યે જ જાય ! અતીકનેય પોતાના વહેણ ભેગો તાણી જાય. આ ગાળાના ઘણા દિવસો સુધી તો એ ઓગળતી જ જતી. ભૂરો તાપ એને ઘેરી વળતો. એના ઓગળવાનો અવાજ એનેય સંભળાતો. વહેવાને, ગતિને એ સતત અનુભવતી. છતાં હજી એ ગાળો તો હોય જ છે જ્યારે એ ઇચ્છે છે કે અતીક એની પાસે આવે જ નહીં, એને જુએ જ નહીં. એને ખબર જ નથી હોતી કે શંપાનો આ કયો ગાળો છે? એના હાથ શંપાના સ્તનના ગોળાકારને આવરી લેતા હોય છે, એનો હાથ હડસેલતી શંપા કહેવા ઇચ્છે. આ ગોળાકાર કાપી નાખે; દેહને કીડાથી સબડતી ગટરની જેમ હંમેશ માટે છોડીને જતો રહે દૂર, એકદમ દૂર. પણ એ તો જતો જ નથી. મનોમન શંપા ચિડાય છે, ખિજાય છે, એને વઢી નાખે છે, અતીક સમજતો જ નથી. ખૂબ વહાલથી પૂછે છે, શું થયું શંપા? તને નથી ગમતું? શંપા મૂંગી થઈ જાય છે. અકળાઈને અતીકની છાતીમાં માથું નાખી ધ્રુસકા ભરે છે. દેહ ન હોવાનો અનુભવ એટલો તીવ્ર થઈ જાય છે કે એને શંપા સહી શકતી નથી. નાની બાળકીની જેમ અતીક એને પંપાળે છે. બાથ ભીડે છે, લાડ કરે છે અને કહ્યે રાખે છે: રડ નહીં, શંપા, અહીં, મારી પાસે જ સૂઈ જા. પછી પડખામાં લઈને થાબડતો રહે છે ત્યારે શંપા કેટલુંય ઇચ્છે છે કે પથ્થરોના બનેલા એના દેહને ગલગલિયા થાય, એમાંથી સરવાણી વહી નીકળે.