નારીસંપદા : ટૂંકી વાર્તા/સમયયાન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સમયયાન

સંસ્કૃતિરાણી દેસાઈ

કેટલીયે વાર સમજાવ્યા છતાં સમયયાન- I ઉપડ્યું, એની પહેલી સફરે. અનુભવી વૈજ્ઞાનિકો અને મોટેરાઓએ આ સફરની ભયંકર બાજુનું બરાબર વર્ણન કર્યું હોવા છતાં, આ નવા અને યુવાન વૈજ્ઞાનિકો અને સંશોધકો કોઈનીયે દરકાર કર્યા વગર ઉપડ્યા સમયના વહાણમાં બેસીને સાલ ઈ.સ. ૪૫૦માં. આમાં બેઠેલા સંશોધકો એ તપાસ કરવા જતા હતા કે ઇતિહાસમાં જે લખાયેલું છે તે બધું સાચું છે કે નહીં અને જો જાણી શકાય તો તેમને ઇતિહાસની હજી વધારે વિગતો જોઈતી હતી. આ પહેલાં જે સમયયાન બન્યાં હતાં તેમાં ફક્ત એક કે બે માણસ બેસી શકે તેમ હતા અને જે જે સમયયાન ગયાં હતાં તે ક્યારેય પાછાં આવ્યાં ન હતાં. એટલે અનુભવી વૈજ્ઞાનિકો આ બાબતમાં બહુ ગભરાયેલા હતા. પણ આ જુવાનિયાઓને કશાની પડી ન હતી. આવું સમયયાન પહેલીવાર બનાવવામાં આવ્યું હતું જેમાં પાંચ જણ જઈ રહ્યા હતા. બધાનાં મગજમાંનો આનંદનો પારો ક્યાંનો ક્યાં ઊંચે ચડતો જતો હતો. એકેએકનાં હૃદયમાં-ઉત્સુકતા અને ઉશ્કેરાટની ‘સ્પ્રીંગ ટાઈડ’ આવી હતી. કોઈ ત્યાંના ધર્મ, તો કોઈ જ્ઞાતિ વ્યવસ્થા, તો કોઈ રાજ્યશાસન, તો કોઈ રીતરિવાજોની ખાતરી કરવા જઈ રહ્યા હતા. તેમાંનો એક કાલિદાસને મળવા જઈ રહ્યો હતો. તે કાલિદાસ પાસેથી તેની કાવ્યસૃષ્ટિ વિષે જાણકારી મેળવવાનો હતો. જેમ જેમ સમયયાન આગળ ને આગળ એટલે કે સમયમાં પાછળ ને પાછળ જતું ગયું તેમ તેમ તે લોકોનાં કપડાં બદલાતાં જતાં હતાં કારણ કે, તે સમયયાનના એવા રૂમમાં બેઠા હતા જ્યાં જેમ જેમ સમય પાછળ જતો જાય તેમ તેમ ત્યાંની બધી જ ચીજો એ સમય પ્રમાણે બદલાતી જતી હતી. ડૉ. મહેતાનું પેન્ટ તેમના પિતાના જમાનાનું ઢીલું પેન્ટ થઈ ગયું એટલે ડૉ. માંકડ બોલ્યા, “વાહ ડૉ. મહેતા, તમે અતિસુંદર લાગો છો. તમને આઉટડેટેડ કપડાંમાં પહેલીવાર જોયા.” “અને ડૉ. માંકડ, તમને પણ આટલી લાંબી મૂછોમાં પહેલીવાર જોયા. સરસ લાગે છે તમને.”, ડૉ. મહેતાએ ટકોર કરી. “ડૉક્ટર, મેં તમારા પેન્ટ બાબત કહ્યું એટલે તમે મારી મૂછ સારી પકડી. કહેવું પડે ડૉક્ટર, તમે હાજરજવાબી ખરા !” “ના... ના... ડૉ. માંકડ, હું ગમ્મત નથી કરતો. તમારે આવી મૂછ રાખવા જેવી છે. જુઓને, ઊગાડવાની રામાયણ વગર તમને ખબર પડી ગઈ કે આવી મૂછ તમને કેવી લાગશે.” “એમ ! ખરેખર કહો છો !” એમ કહીને જેવા ડૉ. માંકડ અરીસામાં જોવા ઊભા થતા હતા ત્યાં તો સમયયાનના આગળ વધવાથી વળી પાછી તે સમયને અનુકૂળ બધી વસ્તુઓ બદલાઈ ગઈ. ડૉ. મહેતાની પેન્ટનો વળી એક નવો કટ આવી ગયો અને ડૉ. માંકડની મૂછે એવો આકાર લીધો કે ન પૂછો વાત ! ડૉ. માંકડ એકદમ તાડૂક્યા, “આવી મૂછને સારી સમજો છો, કેમ ! ડૉ. મહેતા, ટીખળે ચઢ્યા છો કે?” એટલે ડૉ. મહેતા સમજાવવા પ્રયત્ન કરવા લાગ્યા, “ના ભાઈ. ડૉક્ટર, તમે ઉઠ્યા ને અરીસામાં જોયું તે પહેલા તમારી મૂછ પાછી બદલાઈ ગઈ !” ત્યાં જ બંનેની નજર ખૂણામાં બેઠેલાં સુજાતા જોશી ઉપર પડી ને બંનેએ ભેગા થઈને તેમની ટીખળ કાઢવાનું આંખ મારીને નક્કી કર્યું. “આહા... સુજાતાદેવી, તમે તો એકદમ સાડીને બદલે આજે ગામઠી કપડાં પહેરીને આવ્યાં છો ને કાંઈ? મને લાગે છે કે આપણે પાછા ફરીએ ત્યારે પણ તમારે રોજ ગામઠી જ કપડાં પહેરવાં માંડવાં જોઈએ, ખરું ને ડૉ. મહેતા !” ડૉ. માંકડે રમૂજ કરી. “અરે, ડૉ. માંકડ ! સુજાતાદેવીએ તો હવે તેમનો આભ્યાસલેખ છોડીને હીરોઈન બનવું જોઈએ”, ડૉ. મહેતાએ સૂર પૂરાવ્યો, “હવે આવી વ્યક્તિઓ જો રીસર્ચ કરવા જવાની હોય તો શું રીસર્ચ થશે એનો કોઈને પણ અંદાજ આવી જાય.” સુજાતા મજાકથી ચીઢાઈ. “સુજાતાદેવી, ચીઢાઈ ગયા કે ! અરે ! તમારી જાતને અરીસામાં જોશો તો ખ્યાલ આવશે કે અમે બિલકુલ ખોટું નથી બોલતા !”, ડૉ. મહેતાએ પૂરાવો આપવા કહ્યું. એટલીવારમાં ડૉ. મહેતાનો વેશ એવો થઈ ગયો કે સુજાતા ખડખડાટ હસી પડી. “આ જુઓ, ડૉ. મહેતા ! તમે તો !... તમે તો...” સુજાતાને એટલું બધું હસવું આવતું હતું કે તે વાક્ય જ પૂરું ન કરી શકી. “ડૉ. માંકડ, તમે તો હવે એકદમ જોકર જેવા લાગો છો”, ડૉ. મહેતાએ હવે હસવામાં માઝા મૂકી. ત્રણે જણ અરીસાની સામે ગોઠવાઈ ગયાં ને જેમ જેમ પોતાનાં કપડાં, વાળની સ્ટાઈલ, મૂછ, ચંપલ વગેરે બદલાતું જતું હતું તેમ તેમ તેમનાં હાસ્યના સાગરમાં તોફાન બેકાબૂ બનતું જતું હતું, આટલું તોફાન થતું હતું તોય બીજા બે જણ ખૂણામાં ધ્યાનથી વાંચતા બેઠા હતા. હવે તેમને ખ્યાલ આવી ગયો કે તેઓ ઈ.સ. ૪૫૦ ની નજીક જ પહોંચી ગયા હતા. કદાચ કાલિદાસના જમાનામાં જેવાં કપડાં પહેરાતાં હતાં તેના જેવાં જ કપડાં તેઓના શરીર ઉપર આવી ગયાં. તેમની પાઘડીથી માંડીને ઝભ્ભો, ધોતિયું, ખેસ, મોજડી બધું જ આવી ગયું. અરે ! વાળની સ્ટાઈલ, મૂછો અને દાઢી પણ તે જમાના જેવી થઈ ગઈ. હવે એ લોકો આશરે ઈ.સ. ૪૮૦ સુધી પહોંચ્યા હશે ત્યાં તો પાયલેટે એનાઉન્સમેન્ટ કરી કે અનેક સમયની દીવાલો ઓળંગવાને લીધે અને અમુક ‘મેગ્નેટીક ફીલ્ડ’નું આકર્ષણ એવું વધી ગયું હતું કે અમુક મશીનો ચાલતાં જ અટકી ગયાં હતાં અને એટલે તેમણે ‘ક્રેશ લેન્ડીંગ’ કરવું પડશે. એટલે જેટલી બને તેટલી કોશિશ કરીને સમુદ્રવાળા ભાગ ઉપર લઈ જવા પ્રયત્ન કરશે. અને બધાએ પોતાના સમયને પ્રાર્થના કરવા માંડવી. સમય જો પ્રસન્ન થશે તો તેમને સમયપંખી થઈ સમયમાં ફરવા માટે સમયનું દાન કરશે. એટલે એમણે આ સમય સાચવી લેવો. એટલે કેટલાંકે સમયના જાપ જપવા શરૂ કર્યા. પણ કેટલાક તો વૈજ્ઞાનિકની અદાથી બેસી રહ્યા. પાયલેટ મહામહેનતે સમયયાનને સમુદ્ર સુધી લાવી શક્યો અને સમયયાને સમુદ્રમાં ઝંપલાવ્યું. એક મોટા ખડક ઉપર બેઠેલો વુકુચ વ્હેલ પોતાની સમાધિમાંથી ચલિત થયો હોય તેમ ઋષિની અદાથી પાણીને ખળભળતું જોઈ રહ્યો અને થોડો ચિંતિત થયો. પ્રૌઢ વુકુચ વ્હેલ શૂન્યમાં તાકી રહ્યો અને પાછો પોતાનામાં ખોવાઈ ગયો. એ ઘણીવાર જ્યારે પોતાના વિચારોમાં ખોવાઈ જતો ત્યારે બધા અવાજો અને મિત્રોના શબ્દો એના અસ્તિત્વના બારણે ટકોરા મારતા, બારણું હચમચાવતા પણ કોઈ અંદર ઘૂસી શકતા નહીં. એની જ સામે આવેલી એક ખરબચડી જગ્યા પર એક લૉબ્સ્ટરે કરચલીને જોઈ અને પોતાના દાંત કચકચાવ્યા. કરચલીએ પોતાના દસે દસ પગમાં જોર આણ્યું અને બંને એકબીજાની સામે તિરસ્કારના પાણીનાં વર્તુળો મોકલવા લાગ્યા. એકબીજાનાં વર્તુળો અથડાતાં અને તેમાંથી તણખા ઝરતા અને જેમ જેમ તણખા ઝરતા જતા તેમ તેમ બંનેનું જોર અને શુરાતન વધતું જતું. એટલી વારમાં લૉબ્સ્ટરે કરચલી ઉપર કૂદકો માર્યો અને ચાલૂ થઈ ગઈ બંને વચ્ચે એક ખતરનાક લડાઈ. પાસેના નાના ઝાડની બખોલમાંથી દેડકાએ મોઢું કાઢ્યું અને બહુ જ શોખથી એ લડાઈ જોતો રહ્યો. જેમ જેમ લડાઈ જામતી ગઈ તેમ તેમ તેની બંને લખોટા જેવી આંખો સ્પ્રીંગની માફક અંદર બહાર અંદર કૂદતી ગઈ. એક નાનકડા પથરાની પાછળથી બે નાનકડી માછલીઓ પણ આ કુસ્તી જોવા સંતાઈને ઊભી રહી. બંનેને આ લડાઈમાં એવો તે રસ પડ્યો કે બંને પોતાની પૂંછડીઓને આમથી તેમ જમીન ઉપર પછાડવા માંડી. આ બધાની સામે જ બેઠેલા વુકુચની આંખો પાછી ખૂલી અને આ દૃશ્ય જોઈને એની સમાધિનો બધો આનંદ જતો રહ્યો. આ લોકોને સાલાઓને બીજું કશું સૂઝતું નથી. બસ ! આખ્ખો દિવસ મારામારી. કોને આજે મારું ને કોને આજે રીબાવું? હજી લૉબ્સ્ટર અને કરચલીનું દંગલ ચાલતું જ હતું. જેમ કૃષ્ણના આશીર્વાદથી દ્રૌપદી સ્હેજ પણ અન્ન ન હોવા છતાં ઋષિઓને પેટ ભરીને જમાડી શકી હતી અને તોય અન્ન ખાલી થતું ન હતું, તેમ તેમને કુસ્તી કરવા માટે જાણે કોઈ શક્તિ આપ્યા જ કરતું હતું. બંને વધતી તાકાતથી કુસ્તી જમાવી રહ્યા હતા. બંનેના મોઢાં વિકરાળ થતાં જતાં હતાં. એટલી વારમાં સામેથી એક ઓક્ટોપસ આવ્યો અને વુકુચને થયું કે આ ગધેડાના શબ્દકોશમાં ત્રણ શબ્દો સિવાય બીજા કોઈ શબ્દો જ નથી. બસ કોઈ પણ પાસે આવે એટલે પોતાનામાંથી રંગ છોડ્યા કરશે. એ કહેવા કે, ‘દૂર હટો મારાથી.’ ત્યાં જ વુકુચનું ધ્યાન સામેથી તરતી આવતી એક વ્યક્તિ તરફ ગયું. વુકુચ ખુશ થયો. કેટલાં બધાં વર્ષો પછી આ બાજુ એક માણસ તરતો આવ્યો હતો... વુકુચ એની પાસે ગયો. પેલો માણસ બહુ તરવાથી હાંફી ગયો હતો. વુકુચ વ્હેલને જોઈ એ થોડો ગભરાયો, પણ વુકુચે એને હાવભાવથી સમજાવ્યું કે ગભરાવાની કોઈ જરૂર ન હતી. અને પછી એને પત્થર ઉપર બેસાડ્યો અને વુકુચે એને સવાલો પૂછ્યા કે – એ ક્યાંથી, કેવી રીતે અને શા માટે આવ્યો છે. પણ એ માણસ વ્હેલની ભાષા સમજે તો ને ! વુકુચને થયું કે એને પોતાની ભાષાના થોડા પાયાનાં સિદ્ધાંતો તો શિખવવા જ પડશે. કારણ કે, વુકુચને પણ પેલા માણસની ભાષા સમજ પડતી ન હતી ! એટલે એણે સમજાવવા માંડ્યું કે સમુદ્રના મોજાઓના તરંગો ઉપર પડતાં સૂર્યના કિરણોથી ચળકતાં નાનકડાં બિન્દુઓના પ્રકાશથી એમની વર્ણમાળા બની હતી. આ લિપિ તો એ યાત્રિકને અઘરી લાગી. પણ અમુક એવી કળો વુકુચે બતાવી કે તેનાથી એ યાત્રિક ત્યાંની લિપિ આંખના પલકારામાં શીખી ગયો. એટલામાં જ પેલા લૉબ્સ્ટરને કરચલીમાં એકદમ રસ જાગ્યો અને લડવાનું બાજુએ રહી ગયું અને બંને એકબીજામાં મસ્ત થઈ ગયા. સામે ઊભેલા ઓક્ટોપસને પણ આનો રંગ લાગ્યો અને એના શરીરમાં વાસના ફરી વળી અને પોતાની પ્રિયતમાની શોધમાં ચાલ્યો ગયો. દેડકાની આંખો વધારે ચકળવકળ થવા માંડી અને મનમાં હરખાવા લાગ્યો. પણ પથરાની પાછળ સંતાયેલી બે નાનકડી માછલીઓમાં કરચલી અને લૉબ્સ્ટરનું જોર ફેરવાયું અને બંને મરણતોલ થઈને લડવા માંડી. વુકુચે ઉદાસ થઈને યાત્રિક સામે જોયું અને પોતાના હૈયાનો ઉકળાટ બહાર કાઢ્યો. આ લોકોને ઝઘડા અને પ્રેમ સિવાય બીજું કાંઈ સૂઝતું જ નથી. અને આ લોકોથી થોડાક ઊચલી કક્ષાના હોય તે મોસમની જ ચર્ચા કર્યા કરતા હોય છે. પણ અહીં ચાર-પાંચ જણનું એક એવું જૂથ છે જે રીસર્ચ કરે છે અને નવું નવું શોધનારા પણ અહીંયા છે પણ નામ લેવાય તેટલા જ. બીજા બધા પોતાની જિંદગી વેડફે છે. પછી તો વુકુચ અને પેલા યાત્રિક વચ્ચે ઘણી વાતો ચાલી અને યાત્રિકે વુકુચને સમજાવ્યું કે તેઓનું એક જૂથ કાલિદાસના સમયમાંની બધી વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા આવ્યું હતું. પણ તેમનું સમયયાન એકદમ બગડી ગયું હતું અને તે બધા પાણીમાં પડતાંની સાથે જ વિખુટા પડી ગયા હતા. વુકુચે યાત્રિકને વાત કરી કે કાલિદાસનું ગામ તેમની પાસે જ હતું પણ ત્યાં જવું ખતરનાક હતું. યાત્રિકે વુકુચને બહુ સમજાવ્યો પણ વુકુચે કહ્યું કે ત્યાં જવામાં જાનનો ખતરો હતો. યાત્રિકે વુકુચને પાછું કહ્યું કે આ બધું જાણવા છતાં જાનનું જોખમ ખેડી તેઓનું આખું જૂથ અહીં સુધી આવ્યું હતું અને એટલે જ વુકુચે તેને મદદ કરવી. વુકુચને પણ થયું કે એકસરખું જીવ્યા કરતાં કાંઈ નવું તો આ વુકુચડાએ શોધવું જોઈએ. અને જો પોતે શોધી ન શકે તો શોધવામાં મદદ તો કરવી જ જોઈએ એટલે એણે યાત્રિકની યોજનામાં મદદ કરવા માથું ધૂણાવ્યું અને તે એવું ધૂણાવ્યું કે યાત્રિક તો આભો જ થઈ ગયો. માથું ધૂણાવતી વખતે વુકુચનું શરીર અને માથું બંને અલગ હોય તેમ જ યાત્રિકને લાગ્યું અને એને એવું થયું કે ભગવાન તો કદાચ એને મદદ કરવા નહીં આવી પહોંચ્યા હોય ને ! પછી તો યાત્રિકને મૂંઝવણ થઈ કે સમયયાન વગર ઈ.સ. ૪૮૦ થી ઈ.સ. ૪૫૦ સુધી કેવી રીતે પહોંચી શકાશે? પણ વુકુચે સમજાવ્યું કે તેણે કોઈ ચિંતા કરવાની ન હતી. અને બધું એને માથે સોંપી દેવું. પછી તો તે બંને નીકળ્યા અને આવ્યા એક ‘ટનલ’ની સામે. યાત્રિકે પૂછ્યું કે અહીં કેમ? ત્યારે વુકુચે કહ્યું કે – અહીંથી સીધા કાલિદાસને ગામ પહોંચાશે. ‘ટનલ’માં આવ્યા પછી યાત્રિકના કપડાં પોતાની મેળે જ બદલાઈ ગયાં. અને બરાબર કાસિદાસના ગામમાં પહેરાતાં કપડાં આવી ગયાં. પછી વુકુચે યાત્રિકને જમણી બાજુના લીલા ખાબોચિયામાં પોતાનું મોઢું ઝબકોળીને આવવાનું કહ્યું, જેથી યાંત્રિક કાલિદાસના ગામમાં બોલાતી ભાષા બોલતો થઈ જાય. વુકુચ એક બાજુના પીળા તળાવમાં ભીનો થઈ આવ્યો અને યાત્રિક તો એને જોતો જ રહ્યો. આટલો સરસ રૂપકડો નવયુવાન ! આને તો કોઈ પણ રાજકુંવરી પસંદ કરી લે અને પોતાને તો એના નોકર તરીકે જ પસંદ કરે. પોતાની જાતને પોતે કદરૂપો લાગવા માંડ્યો. પછી બંને આગળ ચાલ્યા અને તરત જ આવી પહોંચ્યા સીધ્ધા કાલીદાસના ગામમાં. ગામમાં પ્રવેશતાં જ યાત્રિકના રુવાડાં ઊભાં થઈ ગયાં. એ લોકો પહોંચ્યા ત્યારે રાત હતી અને રાતના દીવા આખાય ગામમાં ચિતા જેમ ભડ ભડ બળતા હતા. આખુંય ગામ જાણે સ્મશાનનો વેશ પહેરીને ઊભું હોય તેમ લાગતું હતું. જેમ તેઓ આગળ ચાલ્યા તેમ તેમ સામે સુક્કા ઝાડ આવતાં ગયાં. સુક્કી ડાળીઓ ધોળી ગોકળગાયોથી છવાયેલી હતી અને આખાય વૃક્ષોનાં સમૂહને જાણે કોઢ થઈ ગયો હોય તેમ લાગતું હતું. યાત્રિકનો જુસ્સો ધ્રૂજવા માંડ્યો. પણ તોય હિંમત રાખી આગળ ચાલતો ગયો. એને વિચાર આવ્યો કે આવા વાતાવરણમાં બિચારા કાલિદાસને કેવું લાગતું હશે. એને તો બિચારાને આખી જિંદગી આવામાં જ કાઢવાની. ગરમ પાણી ઉપરની વરાળની માફક આખાય ગામ ઉપર જાણે લુચ્ચાઈ લાગ જોતી ભટકી રહી હતી. ડાકણોના મોટા મોટા માટલાઓમાં ઉકળતા ઝેરી પીણાની જેવી વાસ આવે તેવી વાસથી આખું વાતાવરણ ગંધાતું હતું. યાત્રિકને વુકુચ એક ખંડિયેર તરફ લઈ ગયો. ખંડિયેર પરના જાળા અને ધૂળ પર યાત્રિકને કોઈની તગતગતી આંખો દેખાવા માંડી. ખંડિયેરમાં ચારેકોરે બધું વેરવિખેર અને તૂટેલી હાલતમાં પડ્યું હતું. તેમાં એક ખૂણામાં કોઈ માણસનું અડધું કોહવાયેલું મડદું હતું અને કોઈ વિચિત્ર પ્રાણી જોવો માણસ તેને પોતાના નહોર અને ચાંચથી પીંખી રહ્યો હતો. માણસમાં આવું પરિવર્તન કેમ આવ્યું હશે તે યાત્રિક વિચારવા લાગ્યો. એના મનમાં ડાર્વિનની થિયરી રીવર્સમાં ગોઠવાઈ ગઈ. જે અંગની જરૂર પડવા માંડી તે પાછાં આવતાં ગયાં અને માણસમાંથી માણસ પ્રાણી બનવા લાગ્યો હશે તેમ એના મનમાં લાગ્યું. હવે યાત્રિક અને વુકુચને એક રૂમમાંથી આવતો પ્રકાશ દેખાયો અને યાત્રિક આગળ વધ્યો. દરવાજા સુધી આવીને એણે જોયું તો મીણબત્તીના અજવાળામાં એક ઘરડા જેવો પાતળો માણસ, જેને કપડાંની પડી ન હતી તે કાગળોની થપ્પીઓ વચ્ચે કાંઈક લખવામાં મશગૂલ હતો. યાત્રિકને થયું કે આ ભયંકર વાતાવરણમાં પણ કાલિદાસને ખરી સ્હેજે અસર થતી નથી. સાચો લેખક ગમે તેવી જગ્યાએ ગમે તેવી પરિસ્થિતિમાં હોય તો પણ એ પોતાનું કામ કર્યે જ જતો હોય છે. એ બારણું ખખડાવી અંદર ગયો અને પ્રણામ કર્યા. પછી પૂછ્યું, “આપ જ મહાકવિ કાલિદાસ કે? હું આપને મળી ઘણો જ ખુશી થયો છું. એ કહેવા મારી પાસે શબ્દો નથી ! કેટલી બધી મુશ્કેલી વેઠી હું આપની પાસે આવ્યો છું. હું આપના મેઘદૂત વિષે આપને થોડા પ્રશ્નો પૂછવા માગું છું. આપને મેઘદૂતની પ્રેરણા કેવી રીતે મળી?” એમ કરી યાત્રિકે મેઘદૂતની કૉપી કાલિદાસ તરફ ધરી, “આપ અત્યારે શું લખો છો?” કાલિદાસ જ્યારે યાત્રિક સામે જોઈ એની તરફ આવ્યો ત્યારે યાત્રિક સ્હેજ ધ્રૂજ્યો. એને થયું કે કદાચ એ ઊંધી જગ્યાએ આવી પહોંચ્યો છે. એટલી જ વારમાં કાલિદાસે એના નોકરને બૂમ પાડી અને એક પહેલવાન ત્યાં તે જ ઘડીએ આવી પહોંચ્યો. “શું સાહેબ એને પતાવી દઉં?” કહી પહેલવાન યાત્રિક સામું જોતો રહ્યો અને મૂછને સ્હેજ મરડી. “ના. આપણે માથે પાપ શું કરવા લઈએ? જા ફેંકી આવ એને એ લોકો જોડે”, કહી કાલિદાસ ખડખડાટ હસ્યો અને યાત્રિકના હાથમાંથી મેઘદૂત ખેંચી લીધું. યાત્રિકને કાલિદાસની આંખોમાં હિરોશિમા અને નાગાસાકી દેખાયાં. પહેલવાન યાત્રિકને એક કાળા ઊંડા ભોંયરામાં હાડપિંજરો, અર્ધ કોહવાયેલાં મડદાં અને જીવતાં શબો વચ્ચે ફેંકી આવ્યો. કાલિદાસે ‘મેઘદૂત’ સામે લોલુપ નજરે જોયું અને પછી અડધા ઉતારેલા ‘રઘુવંશ’ સામે. “આપણને આવા મૂર્ખા ખરા મળી જાય છે ! આ ‘રઘુવંશ’ પૂરું થવા આવ્યું હતું અને મને પ્રશ્ન હતો કે હવે શું કરવું, ત્યાં તો આ ‘મેઘદૂત’ આવી ગયું. હવે ઉતારી નાખીશું. આ મૂર્ખો પાછો પૂછવા આવ્યો હતો કે મને મેઘદૂતની પ્રેરણા ક્યાંથી મળી?” અને કાલિદાસ ખડખડાટ હસ્યો. “અને જો બીજો કોઈ આવું લખાણ લઈને આવે તો છેક મારા સુધી આવવા દેજે. મને આવા મૂર્ખાઓને જોઈ બહુ આનંદ થાય છે”, કહી કાલિદાસે ‘વિક્રમોર્વશીય’, ‘માલવીકાગ્નિમિત્ર’ અને ‘કુમારસંભવ’ની જોડે ‘મેઘદૂત’ને મૂકી દીધું.