નારીસંપદા : ટૂંકી વાર્તા/સિગારેટ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સિગારેટ

કાલિન્દી પરીખ

માયાએ સિગારેટનો એક ઊંડો કસ લીધો. ન ઉધરસ આવી કે ન આંખમાં પાણી આવ્યાં. હા, પહેલાં તેને ઉધરસ પણ આવતી અને આંખમાં પાણી પણ આવી જતાં. પણ હવે તો તેને આદત થઈ ગઈ હતી. તેણે બેંગલુરુના રસ્તાઓ પર લાઇનબંધ ચાલ્યાં જતાં વાહનોના ધુમાડામાં પોતાના તરફથી થોડી ધૂમ્રસેર ઉડાડી. ફરી કસ લીધો અને ધૂમ્રસેર ઉડાડી. બે—ચારવાર આમ કરી તેણે એશ ટ્રેમાં અડધી સળગેલી સિગારેટને ઠારી નાખી. સિગારેટના અડધા ટુકડાઓને તે જોઈ રહી. હજી તે સાવ ઠરી ગયા નહોતા. એકાદ કસ હજુ લઈ શકાય તેમ છે કેમ કે તેણે આજ સુધી તેના બૉયફ્રેન્ડ કમ પ્રેમી ઈલેશે સિગારેટ પીધા પછી એશ ટ્રેમાં છોડી દીધેલા અડધા ટુકડાઓનો જ કસ લીધો છે. આમ તો તે અને ઈલેશ સાથે જ રહે છે એટલે તેને ઈલેશની ગેરહાજરીમાં કે તેની યાદોમાં સિગારેટના અડધા ટુકડાઓને હોઠે લગાડવાની જરૂર નહોતી. પણ શરૂઆતમાં તે ઈલેશને પોતાનાથી દૂર રાખતી હતી. બંને મિત્રોની જેમ જ રહેતાં હતાં. પણ પછીથી કોઈ એવાં આંદોલનો વમળાવાં લાગ્યાં કે તેના હોઠને તે એ ટુકડાઓ દ્વારા તૃપ્ત કરવા લાગી. બંને સવારે ૮.૦૦ વાગ્યે ઘરેથી સાથે જ જોબ પર નીકળી જતાં હતાં. તે કમ્પ્યૂટર એન્જિનિયર હોવાથી આઈ.ટી. કંપનીમાં જોબ કરતી હતી. તે સાંજે ૭.૦૦ વાગ્યે તેમના ફ્લેટ પર આવી જતી, જયારે ઈલેશ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર હોવાથી તેના વિભાગમાં તેને કામ વધારે રહેતું. તેને આવતા મોડુ થઈ જતુ. ઈન્ફર્મેશન ટેક્નૉલૉજીનું હબ છે બેંગલુરુ, તેને ઈલેશ પર કોઈ સંદેહ નહોતો. પણ તેના માટે સાંજ બોઝિલ બની જતી હતી. તેમના ફ્લેટની બાલ્કનીમાંથી દેખાતા આકાશના ટુકડાને સિલિકોન વેલી ગણવા લાગી હતી. હા, શરૂઆતમાં તે અને ઈલેશ સાંજે બાલ્કનીમાં બેસી તજવાળી કોફી પીતાં હતાં. એનો સ્વાદ અને સુગંધ બન્નેને તરોતાજાં કરી દેતાં. કૉફી ગરમ પાણીમાં ઊકળે એટલે તે તેના કડક સ્વાદની સાથે તેનો રંગ પણ પાણીને આપી દે છે, બિલકુલ પોતાની જેમ જ. આમ છતાંય કેટલાક સમયથી ઈલેશને કૉફી ફિક્કી લાગવા માંડી હતી. તેને હવે વધુ ને વધુ સ્ટ્રોંગ કોફી જોઈતી હતી. ઈલેશે એક વાર કહ્યું, “તને આ ટુકડાઓથી સંતોષ થાય છે ખરો? તારે જે જોઈએ છે તેનો આ વિકલ્પ નથી.” અને તે માયાની નજીક આવ્યો. ચાર હોઠ સાવ નજીક આવવાને સહેજ જ વાર હતી અને અમદાવાદથી તેની મમ્મીનો ફોન આવ્યો. તે તેનો મોબાઈલ લઈને બાલ્કનીમાં આવી. એ જ રાબેતા મુજબની વાતો કરીને તે પાછી ડ્રોઇંગરૂમમાં આવી. “શું વાત કરી તારી મોમે?" “બસ, એ જ કે બેંગ્લોર બહુ મોટું શહેર છે. તારું ધ્યાન રાખજે. સ્ત્રીનું ચારિત્ર્ય કાચા ઘડા જેવું હોય છે અને એવું બધું... “તેં હજી સુધી તારા ઘરે જણાવ્યું નથી કે આપણે લિવ-ઇન રિલેશનશિપમાં રહીએ છીએ?” “કેવી રીતે કહેવું? મારું ફૅમિલી તારા ફૅમિલી જેવું ઍડ્વાન્સ્ડ નથી.”

તે ખૂબ ગભરાયેલી લાગતી હતી. આથી ઈલેશે તેને જાણે હૂંફ આપતો હોય તેમ હગ કર્યું પણ ગભરાટમાં તેને કોઈ ફીલિંગ થઈ નહીં. “કમ ઑન બૅબી, બી રિલેક્સ્ડ." માયાએ રિલેક્સ્ડ થવાનો પ્રયત્ન કર્યો. પછી તો તે ઘણી વાર ઘણી બાબતોમાં રિલેક્સ્ડ થવા પ્રયત્ન કરવા લાગી. અને પછી અડધા ટુકડાઓ નહીં આખી સિગારેટ જ પીવા લાગી. ‘તે ક્યાં અમૃતા પ્રીતમ છે અને ઈલેશ ન તો સાહિર છે કે ન તો ઈમરોઝ છે. અમૃતા અને ઈમરોઝ લગ્ન કર્યા વિના આખી જિંદગી સાથે રહ્યાં હતાં. જ્યારે તે અને ઈલેશ, રહી શકશે આ રીતે સાથે છેક સુધી? હજુ તો પૂરાં પાંચ વર્ષ નથી થયાં ત્યાં બધું હાલકડોલક થવા લાગ્યું છે.' માયા વિચારવા લાગી, તેને થયું, લિવ-ઇન રિલેશનશિપના ફાયદાની તેને ખબર હતી પણ ગેરફાયદાઓની ક્યાં ખબર હતી? ખાસ કરીને તે મિડલ ક્લાસ ફૅમિલીમાંથી આવતી હતી ત્યારે તેણે બંને પાસાંઓનો વિચાર કરી લેવો જોઈતો હતો. પણ તે જે આન્ટીના હાઉસમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી, તેમને કાયમ માટે અમેરિકા જવાનું થયું, આથી તેઓ ફ્લેટ વેચી દેવાનાં હતાં એટલે તેણે બીજે વ્યવસ્થા કરવી પડે તેમ હતી. વળી, તેની અને ઈલેશની જોબ એક જ એરિયામાં પાસે પાસે હતી. બંને વચ્ચે સારી મિત્રતા હતી. ખાસ તો તેની મમ્મીનું પપ્પા સાથેનું લગ્નજીવન જોઈને તેને લગ્ન કરવા કરતાં લિવ-ઇન રિલેશનશિપ વધુ યોગ્ય જણાઈ. તેના પપ્પા બિઝનેસમૅન હોવાથી તેમને ઘરે આવતાં કાયમ મોડું થઈ જતું. ઘણી વાર બહારગામ પણ જવું પડતું. આથી મમ્મી અકળાતી, ગુસ્સો કરતી અને પપ્પા સાથે ઝગડો ન ઇચ્છવા છતાં પણ થઈ જતો. ક્યારેક કહેતી પણ ખરી કે, ‘બબ્બે સંતાનો ન હોત તો છૂટી જ થઈ જાત. શું કરવાનું આવું નામનું લગ્નજીવન? જિંદગીમાં રવિવાર જ જોયો નહીં. રવિવારેય દુકાન. ધંધાની સાથે જ પરણવું હતું ને.' સતત આવા વાતાવરણમાં રહેવાથી માયાએ પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે, તે લગ્ન કરશે જ નહીં. અહીં બેંગ્લુરુ આવ્યા પછી બહુ થોડા દિવસોમાં જ તેનો ઈલેશ સાથે પરિચય થયો હતો. છ ફૂટ ઊંચો, જોયા કરવો ગમે તેવો આકર્ષક દેહ અને ડૂબી જવાનું મન થાય તેવી આંખો. વાતો કરે કંઈ એવી અજબગજબની કે સમય ક્યાં ચાલ્યો જાય એનીય ખબર ન રહે. તેની સામે તેની મમ્મીનો ચહેરો તરવરી રહ્યો હતો. પપ્પા સાથે વાતો કરવા મમ્મી કાયમ વલખ્યા કરતી. પણ એવી નિરાંત જ ક્યાં હતી? આમેય પપ્પાને બોલવાની ટેવ પણ ક્યાં હતી? ભાગ્યે જ કશું બોલે.” તેને થયું: પોતે કેવી ભાગ્યશાળી છે! ઈલેશ મિત્રમાંથી ક્યારે પ્રેમી બની ગયો તેની સરત પણ ન રહી. વીક—એન્ડમાં બંને કંઈ ને કંઈ પ્રોગ્રામ બનાવ્યા કરતાં. કદીક બોટોનિકલ ગાર્ડન લાલબાગ જતાં તો ટ્રેકિંગ માટે નંદી હિલ્સ પૉઇન્ટ પર જતાં. સિટી પેલેસ અને ફૉર્ટ પણ ગયાં હતાં. ૩૦૦ એકરમાં ફેલાયેલા વિશાળ કબ્બન પાર્કમાં તો અનેક વાર જતાં હતાં. આ પાર્કમાં પ્રકૃતિનો નજારો અદ્ભુત છે. એટલે તો માયાએ કહ્યું હતું, 'અહીં તો પ્રકૃતિના પ્રેમમાં પડી જવાય તેવું છે.' ‘આ પાર્કને લવર્સ પોઇન્ટ પણ કહે છે.' એમ કહી ઈલેશે માયાની આંખોમાં તેની માંજરી આંખોનો જાદુ પાથર્યો હતો. પછી તો બંનેને વીક—એન્ડ પણ ટૂંકું પડવા માંડ્યું. બંને સાથે રહેવા ઇચ્છતાં હતાં પણ લગ્નના બંધનમાં બંધાવા માગતાં નહોતાં. તેવામાં તેમને આ તક મળી ગઈ. માયાએ ઈલેશને કહ્યું, “મારાં હાઉસલેડીને કાયમ માટે અમેરિકા જવાનું થયું છે. મારે બીજે વ્યવસ્થા કરવી પડશે.” “બીજે શું કામ વ્યવસ્થા કરવી પડે? મારો ફ્લેટ છે ને.” ઈલેશે જાણે માયાને કાલથી રહેવા આવી જવું હોય તોપણ છૂટ છે એવા અંદાજમાં કહ્યું. ‘પણ...’ “શું પણ. તને એમ હોય તો મારે ત્યાં પી.જી. તરીકે રહેજે.” “પણ તું પોતે જ તો ભાડે રહે છે.” “હા તો તેથી શું થઈ ગયું? રેન્ટ શૅર કરી શકાય ને.” “હા, એ ખરું, છતાંય વિચારીને કહું.” “એઝ યુ વિશ.” માયાને ઈલેશના ફ્લેટમાં તેની સાથે રહેવા જવા—ન જવા અંગે બહુ વિચારવા જેવું લાગ્યું નહીં. આજકાલ લિવ-ઇન રિલેશનશિપ નવી બાબત થોડી જ રહી છે? હવે તો એ બધું કૉમન થતું જાય છે. આમ છતાંય તેણે તેનાં હાઉસલેડી મિસ દેસાઈ સાથે વાત કરવાનું નક્કી કર્યું. મિસ દેસાઈનાં એક વાર લગ્ન થઈ ગયાં હતાં. પછી તેમના છૂટાછેડા થઈ જતાં ઘણાં વર્ષોથી તેઓ અહીં તેમનાં માતાપિતા સાથે રહેતાં હતાં. તેમને એક દીકરો છે, તે અમેરિકા સેટલ થયો છે. હવે તેમનાં માતાપિતાએ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી હતી. વળી, તેઓ ઉંમરલાયક પણ થયાં હોવાથી તેમના દીકરાએ તેમને ત્યાં અમેરિકા બોલાવી લીધાં હતાં. તેઓ લગ્નજીવનથી દાઝ્યાં હોવાથી તેમણે માયાને કહ્યું, “સારું જ છે ને. હું તો કહું છું તું ઈલેશ સાથે રહેવા જાય તેમાં કશું જ ખોટું નથી. ફાવે ત્યાં સુધી રહેવાનું, ન ફાવે ત્યારે કોર્ટની રાહ જોયા વિના છૂટા પડી જવાનું. અમારો કેસ તો બહુ લાંબો ચાલ્યો હતો. તેમાંય મારે એક દીકરો, તેની કસ્ટડી લેવા જતાં નાકે દમ આવી ગયો હતો. મને કહે, ‘છૂટાછેડા જોઈતા હોય તો દીકરો મને આપવો પડશે.' હું મારો દીકરો કોઈ સંજોગોમાં એ માણસના હાથમાં સોંપવા માંગતી નહોતી. તેની ઐયાશીના સંસ્કાર મારા દીકરા પર ન પડે એટલે હું મારા પિયર રહેવા આવી ગઈ હતી. વર્ષો સુધી મારી જિંદગી મૅરિડ હોવા છતાં અનમૅરિડ જેવી જ રહી છે. જ્યારે તમારે તો લગ્ન ન કર્યા હોય એટલે માલિકીભાવ પણ ન આવે. મારે તો મારો બધો જ પગાર તેના હાથમાં મૂકી દેવો પડતો હતો. મારે મારા પોકેટ-મની માટે પણ પૈસા જોઈતા હોય તો તેની પાસે માંગવા પડતા હતાં. અરે, ક્યારેક તો રીતસરનું કરગરવું પડતું હતું. દિવસભર ઢસરડો કરીને થાકી ગઈ હોઉં તોપણ તેમની ઇચ્છાને વશ થવું પડતું હતું. કદીય કોઈ બાબતમાં સામો પ્રશ્ન પૂછી જ ન શકાય. પાર વિનાનાં બંધનો, એટલે હું તો તને કહું છું કે તું ઈલેશના ફ્લેટ પર રહેવા જાય તો તેમાં કશું ખોટું નથી.” આમ, લિવ-ઇન રિલેશનશિપના ફાયદાઓ સાંભળી માયા ઈલેશ સાથે લગ્ન કર્યા વિના તેના ફ્લૅટમાં રહેવા ચાલી ગઈ. ફ્લેટ ભલે વન બી.એચ.કે.નો હતો પણ સ્પેશિયસ હતો. બાલ્કની મોટી હતી. હવાઉજાસ ખૂબ સારાં હતાં. ખુલ્લું આકાશ દેખાતું હતું. માયા ઈલેશ સાથે ખુશ હતી. એક સાંજે તે બાલ્કનીમાં મોડે સુધી બેસી રહી. લાલ—ગુલાબી આકાશ અને સામે ખાલી પ્લૉટમાં ઊભેલા લીમડાની લીલાશનું ગજબનું કોમ્બિનેશન રચાયું હતું. પંખીઓનું એક ટોળું તેના પર કલરવ છોડી, એક ચકરાવો લઈને દૂર જતું રહ્યું હતું. તેણે નીચે જોયું તો બાળકોની ટોળકી હજુ પણ રમતી હતી. તેને તેમનામાં રસ પડી ગયો. બાળકોની જેમ તેને પણ ઘરમાં જવાનું મન નહોતું થતું. તેનું ચાલત તો તે ન જાણે કેટલોય સમય આમ બાલ્કનીમાં જ બેસી રહેત!

‘હજુ રસોઈ નથી બનાવી? મને સખત ભૂખ લાગી છે. આઈ’મ સો હન્ગ્રી.' ઈલેશ બાલ્કનીમાં ધસી આવ્યો હતો. તે હન્ગ્રી વધુ હતો કે એન્ગ્રી વધુ હતો તે જ નક્કી ન કરી શકાયું. જોકે તેણે ગ્રિલ સૅન્ડવિચ બનાવવા માટેની પૂર્વતૈયારી તો કરી જ રાખી હતી. કૅપ્સિકમ, કાકડી, ટામેટાં કટ કરી રાખ્યાં હતાં, મેયોનીઝ અને ચીઝ પણ રેડી જ રાખ્યાં હતાં. તેણે ફટાફટ સેન્ડવિચ બનાવી દીધી, પછી સર્વિંગ પ્લેટમાં ગોઠવી તેણે ટ્રાયેંગલ શેપમાં કટ કરી અને પછી ટોમેટોસોસ વડે સ્માઇલી કરવા જતી હતી ત્યાં જ ઈલેશ 'આટલી બધી વાર હોય' એમ બૂમો પાડતો આવ્યો અને ‘આ શું? નથી તું બાળક કે નથી હું બાળક' હાંસી ઉડાવતાં તેણે ડિશ ઝૂંટવતો હોય તેમ લઈ લીધી. તે સ્માઇલી પૂરી ન કરી શકી, ના, પછી પણ ક્યારેય નહીં. લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ અહીં પણ શરૂ થઈ ગઈ. માયાને ફુલાવરનું શાક ભાવતું, તો ઈલેશને ટીંડોરાનું શાક ભાવતું. માયાને તીખુંતમતમતું જોઈએ પણ ઈલેશને એસિડીટીનો પ્રૉબ્લેમ હતો. વળી, બંનેના ટેસ્ટ અલગ છે તે તો અગાઉથી ખબર જ હતી તોપણ આવી નાની નાની બાબતો પણ તેનો રંગ દેખાડવા લાગી હતી. કેમ કે વીક-એન્ડ સાથે ગાળવા અને એક જ છત નીચે ૩૬૫ દિવસ સાથે ગાળવા તેમાં ખાસ્સો ફરક હોય છે, તે હવે માયાને સમજાવા લાગ્યું હતું. તેને ફેન સ્લો સ્પીડ પર ફાવતો, જ્યારે ઈલેશને ફુલ સ્પીડ પર ફેન જોઈતો હતો. તે રાત્રે વહેલી સૂઈ જવામાં માનતી હતી પણ ઈલેશને મોડી રાત સુધી જાગવાની આદત હતી. માયાને તેની મમ્મી યાદ આવી ગઈ. તેને પણ લગ્ન પહેલાં વહેલા સૂઈ જવાની ટેવ હતી પરંતુ તેના પપ્પા દુકાન વધાવી રાત્રે સાડા દસે તો ક્યારેક અગિયાર વાગ્યે આવતા. પછી નાહીધોઈ જમતા અને થોડું ટી.વી. જોવે પછી જ તેમને ઊંઘ આવતી. આમ, બાર વાગ્યે જ તેની મમ્મી સૂવા પામતી. ઈલેશ ડ્રૉઇંગરૂમમાં લૅપટૉપ પર મોડે સુધી કોણ જાણે શુંયે કામ કર્યા કરતો. તે રાહ જોઈને થાકતી એટલે આવીને કહેતી, ‘ચલને ઈલેશ, હવે સૂઈ જઈએ.’ ‘ના, તું સૂઈ જા, મને હજુ વાર લાગશે. બાય ધ વે તારે મારા માટે આમ જાગવાની જરૂર નથી.” તે લૅપટૉપમાં આંખો ખોડેલી જ રાખતો. તોપણ થોડી ક્ષણો તે ઊભી રહેતી. કદાચ આંખ ઊંચી કરી નજરથી તે હગ કરે. એકાદ સ્માઈલ આપે તો તે પણ સ્લીપિંગ પીલ્સ જેવું કામ કરે. કશાય વાંક વિના તે છોભીલી પડી ગઈ હોય તેમ બેડરૂમમાં ચાલી જતી. રાત લંબાતી જતી. એવી એક ટનલ કે તેનો ક્યારે અંત આવશે તેના ફફડાટમાં તે આંખો મીંચી દેતી. તો કાળી રાત વધુ ઊંડે ઊતરવા લાગતી. હા, કદીક આગિયા ચમકી જતા. તેને લાગ્યું કે, તેણે લગ્ન ન કર્યાં હોવા છતાં પણ તે તેની મમ્મીની જગ્યાએ ગોઠવાતી જતી હતી. હવે તેમને પણ વીક-એન્ડ જેવું રહ્યું નહોતું. માયા અને ઈલેશ સાથે રહેતાં હોવાથી દૂર સુધી ડ્રાઇવ પર જવું કે એન્જોય કરવાનું ઘટવા લાગ્યું હતું. આમ તો ઓનલાઇન શોપિંગ થઈ જતું હતું તોપણ અમુક શોપિંગમાં કે અન્ય ડૉમેસ્ટિક કામકાજમાં વીક-એન્ડ ખર્ચાઈ જવા લાગ્યા. અહીં સુધી પણ ઠીક હતું પણ ઈલેશે પછી આ બધો બોજ માયા પર જ નાખી દીધો. કંપનીના કામના બહાને તે વીક- એન્ડમાં બહાર જવા લાગ્યો. શરૂઆતમાં તો માયાએ ચલાવી લીધું પણ પછી તે અકળાવા લાગી. આવી જ અકળામણમાં એક દિવસ તેણે ઈલેશને પૂછ્યું તો તે ચિડાઈ ગયો, ‘તું શું ટિપિકલ હાઉસ વાઇફની જેમ આવા વાહિયાત સવાલો કરે છે? 'કેમ હું તને એટલું પણ ન પૂછી શકું કે તું વીક—એન્ડમાં ક્યાં જાય છે?” માયા છંછેડાઈ. ‘નો ક્વેશ્ચન ઍન્ડ નો આરગ્યુ, ઇઝ ધેટ ક્લીઅર?' વાત ભલે આગળ ન વધી પણ માયાને કોઈએ સિગારેટનો ડામ દીધો હોય તેમ તે દાઝી ઊઠી. હા, બહાર કોઈ ફરફોલા થયા નહોતા અને જો થયા હોત તોપણ કોઈને બતાવી શકે એમ ક્યાં હતું? અને કદાચ એટલે જ પછી તો ઈલેશ અઠવાડિયા સુધી બહાર રહેવા લાગ્યો હતો. તેનું ફ્લેટ પર આવવું અનિશ્ચિત થવા લાગ્યું હતું. આથી માયા ગુસ્સે થવા લાગી. ‘ઓહ, ફરી તું ઝઘડાળુ સ્ત્રી જેવું બિહેવ કરવા લાગી?” માયા જો રડે તો તે કહેતો, 'આઈ હેટ ટિયર્સ.' માયાને લાગ્યું કે, તેને ન તો ગુસ્સે થવાનો હક્ક છે કે ન તો રડવાનો. મમ્મી તો પપ્પા સાથે ઝઘડી શકતી. રડી શકતી. તેને પપ્પાને કંઈ પણ પૂછવાનો હક્ક હતો. મમ્મીને ઝઘડવાની, રડવાની, પૂછવાની આઝાદી હતી. ગમે તેટલો ઝઘડો થયો હોય તોપણ, પપ્પા રાત્રે મોડા તો મોડા ઘરે આવી જ જતા અને આવીને પહેલો પ્રશ્ન એ પૂછતા કે, ‘તેં જમી લીધું?’ પ્રશ્ન નાનો જ છે પણ બંને વચ્ચેની ગાઢ રિલેશનશિપનો અહેસાસ કરાવતો છે. ઈલેશ ઘણી વાર બહારથી જમીને આવતો. માયા તેની રાહ જોઈને બેસી રહેતી તો ત્યારે પણ ઈલેશ તો એમ જ કહેતો, ‘હાઉ રબીશ, પતિવ્રતા સ્ત્રીની જેમ મારી રાહ જોઈને શું બેઠી રહી છે? અને પછી એવું હસતો કે માયાને એમ લાગતું કે તેણે પી લીધેલી સિગારેટનો અડધો ટુકડો તેણે એશ ટ્રેની બદલે તેના પર ફેંક્યો છે. પછી તો તે બિન્દાસ તેની કોઈ ગર્લફ્રેન્ડ સાથે મોડી રાત સુધી માયાની પરવા કર્યા વિના વાતો કરવા લાગ્યો. શરમની પણ કંઈ હદ હોય. ‘જો બૅબી, આપણે લગ્ન નથી કર્યાં, ડોન્ટ ફરગેટ ધીસ.' “લગ્ન નથી કર્યા એટલે શું?" 'વૉટ? મને સ્પેસ જોઈએ.' “સ્પેસનો તું શું અર્થ કરે છે?” 'એ જ કે મારી પર્સનલ બાબતમાં કોઈ ઇન્ટરફીઅર થાય તે મને નથી ગમતું.' “એટલે હવે તને હું ઇન્ટરફીઅર કરતી હોઉં તેમ લાગે છે?” ‘નહીં તો બીજું શું?' માયાને ચક્કર આવી ગયાં. તે ત્યાં જ ફસડાઈ પડી. ઈલેશ તેને ઊંચકીને બેડરૂમમાં લઈ ગયો. તેને થપથપાવવા લાગ્યો, ‘રિલેક્સ બૅબી રિલેક્સ, કામ ડાઉન.’ પછી ઈલેશે તેને ગોળી આપી તેનાથી તેને ઊંઘ આવી ગઈ. સવારે ઊઠતાંવેંત માયાને વૉમિટિંગ થયું. ઈલેશે તેને જેટલું જલદી બને તેટલું ડૉક્ટરને કન્સલ્ટ કરવાનું ફરમાન કરી દીધું. તેને અંદેશો આવી જ ગયો હતો એટલે જ તે ઉતાવળ કરવાનું કહેતો હતો. આવી ક્ષણોમાં તે માયા સાથે ડૉક્ટર પાસે તો ન જ ગયો પણ ઊલટો જયારે તેણે જાણ્યું કે માયા મા બનવાની છે ત્યારે તે ખુશ તો ન થયો પણ ગુસ્સે થઈ ગયો. માયા તેનો હાથ પકડી તેના ઉદર પર મૂકવા જતી હતી તો તેણે રીતસરનો તેનો હાથ તરછોડી દીધો. ઈલેશે કહ્યું, 'તું અબૉર્શન કરાવી લે.’ અચાનક થોડે દૂર ક્યાંક વીજળી પડી હોય તેવો અવાજ આવ્યો. શું કોઈ બાળક પર તો નહીં પડી હોય ને! માયા તેના અતીતમાં પહોંચી ગઈ. તેની અને તેના ભાઈ વચ્ચે દસ વર્ષનું અંતર હતું. તે જ્યારે દસ વર્ષની હતી ત્યારે તેના ભાઈનો જન્મ થયો હતો. ત્યારે તેના પપ્પા કેટલા ખુશ થયા હતા! દીકરો હતો એટલે નહીં પણ એક પૂરો પરિવાર બન્યો તેની હતી. અને ત્યાર પછી તેમનું અને મમ્મીનું બૉન્ડિંગ વધુ મજબૂત બન્યું હતું. ઝઘડાઓ વચ્ચે પણ તે બંને વચ્ચે કશુંક એવું હતું જે તેમના વચ્ચે નથી. એ શું હતું તેની શોધ કરે એ પહેલાં તો ઈલેશે ફરી વાર અને તેય આદેશાત્મક સૂરે કહ્યું, ‘તું જલદી અબૉર્શન કરાવી લેજે.' માયાએ હિંમત એકઠી કરી ‘ના’ તો કહી પણ સામેથી મિસાઇલ છૂટી, 'હું બીજે રહેવા ચાલ્યો જઈશ.' તે જાણતી હતી કે આ ખાલી ધમકી નથી. પણ તે પોતાની કૂખમાં ધીરે ધીરે ફેલાતા અજવાળાને ગુમાવવા નહોતી માગતી. માયાના ઉદરના પોલાણમાં ચંદ્રની કળાઓ વૃદ્ધિ પામી રહી હતી. પરંતુ તેના પર રાહુનો પંજો ભીંસ જમાવી રહ્યો હતો અને એક દિવસ બાળચંદ્રને તે ગ્રસી ગયો. ખંજર વિનાય લોહીની ધાર વહી હતી અને તેમાં માંસનો લોચો તરતો હતો કે તરફડતો હતો. તેને થયું કે કોઈ ચીસ પાડી રહ્યું છે, 'ઓ મા!” તે પથારીમાં બેઠી થઈ ગઈ. તે પરસેવે રેબઝેબ થઈ ગઈ. તેણે જોયું તો બાજુમાં ઈલેશ નહોતો. હમણાંનો તે કોણ જાણે ક્યાં ચાલ્યો જાય છે, બબ્બે- ચચ્ચાર દિવસ ગાયબ જ થઈ જાય છે. તેને શંકા કરવી નહોતી ગમતી તોપણ આવી હાલતમાં ખોટા વિચાર આવી જ જાય. તેણે જ તો કહ્યું હતું ને, જો તે અબૉર્શન કરાવી લેશે તો તેને છોડીને ક્યાંય નહીં જાય. તો પછી ક્યાં ગયો હશે? આવી તો જશે ને! પહેલાં તો માયાને એમ હતું કે દરવખતની જેમ બે—ચાર દિવસ કે વધુમાં વધુ અઠવાડિયામાં પાછો આવી જશે પણ પૂરા એક મહિના સુધી ન આવ્યો. આથી તેણે તેની ઓફિસમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે તેણે કંપનીમાંથી રેઝિગ્નેશન આપી દીધું છે. તેણે તેનો કૉન્ટેક્ટ નંબર પણ બદલી નાખ્યો હતો. લાંબા સમય પછી તે ધ્રુસકે ધુસકે રડી. તેને આમ રડવું સારું લાગ્યું. ભલે પાસે કોઈ આંસુ લૂછવાવાળું નહોતું પણ કોઈ રોકવાવાળું પણ નહોતું ને. તેને થયું, લાલબાગની ખુશ્બુ મારા દરવાજે ટકોરા મારીને ચાલી ગઈ. પણ ના, પોતે જેને ખુશ્બુ માનતી હતી તે ખુશ્બુ ક્યાં હતી? તે તો, તે તો હતી સિગારેટની તીવ્ર વાસ. સામે જ ટિપોઈ પર સિગારેટનું નવું જ કેસ પડ્યું હતું પણ તેણે સિગારેટ સુધી લંબાયેલા તેના હાથને પાછો વાળી લીધો.

*