નિરંજન/૧૯. ``ગજલું જોડીશ મા!''
જેમજેમ આગગાડી વતનના ગામની નજીક ને નજીક જઈ રહી હતી, તેમતેમ નિરંજન માતાપિતાના મેળાપ માટે ચિંતામાં પડ્યો હતો. રેવાનો શોક એના હૃદય પર ઘેરાતો હતો. માબાપને જોતાં જ એ શોકનો ઘનઘોર તૂટી પડશે તો કેવી બૂરી દશા બનશે! સ્ટેશન આવી પહોંચ્યું. ભારે હૈયે તે ઊતર્યો. ``કાં ભાઈ, આવ્યા ને? કરતો એક બુઢ્ઢો ટપ્પાવાળો સ્ટેશનની રેલિંગ ઝાલીને બહારથી ઊંચો થયો. ``હા, ઓસમાનકાકા! નિરંજને જવાબ દીધો. ``લાવો ભાઈ, પેટી. બીજા ટપ્પાવાળાઓ બૂમાબૂમ પાડતા ને હાથ લાંબા કરતા ભાડાની ચડસાચડસી કરવા લાગ્યા. પણ નિરંજને શાંતિથી સહુને કહ્યું: ``ભાઈઓ, મારે તો ઓસમાનકાકાના જ ટપ્પામાં બેસવું પડશે; અલારખનો સંબંધ મારાથી ન ભુલાય. ઓસમાને ટપ્પો ચલાવ્યો ત્યારે નિરંજને પૂછ્યું: ``કાકા, કેમ આજ તમે પોતે ઊઠીને ટપ્પો જોડ્યો? અલારખ નથી? ``અલારખો નથી, ભાઈ! ``ક્યાં ગયો છે? ``બીજે ક્યાં? અલ્લા કને. ``શું બોલો છો? ક્યારે? ``ગઈ કાલ પરોઢિયે. બોલતાંબોલતાં બુઢ્ઢા ઓસમાને ખોંખારા ખાધા; ઘોડાને જરા વધુ ડચકારા કર્યા. નિરંજનને સમજાઈ ગયું: બુઢ્ઢો ઓસમાન પુત્રશોકના આવેશને દબાવી રાખવાનું છલ કરતો હતો. શો રોગ હતો વગેરે વિગતો ન પૂછવાનું જ નિરંજને ઉચિત માન્યું. કાલે જ જેનો જુવાન દીકરો ફાટી પડ્યો છે તેને આજે તો મજૂરી પર ચડી ગયો દેખી નિરંજનને પોતાની બાબતમાં શરમ ઊપજી. રેવાના મૃત્યુએ કેટલાક દિવસ સુધી એના વાચનમાં વિક્ષેપ પાડ્યો હતો. આજે આ બુઢ્ઢાને દીકરાની મૈયત પર બે દિવસનો પણ શોક ન પોસાય તેવી હાલત હતી. શોક, વિલાપ, આંસુ, આપ્તસ્નેહનો ચિત્તભ્રમ: વિશ્વના રસસાહિત્યમાં જ્વલંત ભાવે વર્ણવાતા એ સહુ ભાવો, કાલિદાસનો કીર્તિકલશ એ અજવિલાપ, ભવભૂતિની કાવ્યકલગી એ રામવિરહની કવિતા – એ સર્વ તો સમૃદ્ધિવંતોના વૈભવો છે; અમીરોનાં એ અમનચમનો છે. ઓસમાને ટપ્પો ચલાવતાં કહ્યું: ``નાનકડો છોકરો કે' કે બાપા, લાવો હું ગાડીએ જાઉં. પણ મેં કહ્યું કે, ના ભાઈ, તને હજી દસ જ વરસ થયાં છે, તારે હજી બે વરસની વાર છે. ને હું જાઉં તો દુ:ખ થોડુંક વિસારે પડે. કેમ ખરુંને, ભાઈ? ડોસો નિરંજનનો ગુરુ બનતો હતો. ``કામ છે ને ભાઈ, ઇ હરકોઈ વાતના દુ:ખનું મારણ છે. કામ તો દુ:ખને ખાઈ જાય છે. હું તો અલારખાનેય કહ્યા જ કરતો કે ભાઈ, તું કામે લાગી જા! પણ એ ઊંધે માર્ગે ઊતરી ગયો. ``શું થયું હતું, કાકા? ``આ ભાઈ, અમારી ન્યાતમાં એક દેખાવડી છોકરી હતી. એની સૂરતમાં અલારખો ઝડપાઈ ગયો. પે'લાં પ્રથમ તો બાઈએ છોકરાને આંબાઆંબલી બતાવ્યાં; પછી વળી બદલી ગઈ, બીજા હારે શાદી કરી ગઈ. આ તે દા'ડાથી હૈયાફૂટો અલારખો ગળવા મંડ્યો. ગાડીએ જાય, પણ ગજલું જોડ્યા કરે. ભાડાબાડાનું ધ્યાન આપે નહીં. ઓલી ક્યાં છે ને ક્યાં નઈં તેના ખબર કઢાવ્યા કરે. એમ કરતાં કરતાં છેલ્લા એક મહિનાથી તો મંદવાડમાં ઘેરાઈ જ ગયો. મેં એને ઘણુંયે કહ્યું કે ભાઈ, હુંય એક દા'ડો તારા જેવડો જવાન હતો, મનેય ઇશકના ઘા લાગ્યા'તા, પણ મેં તો બાઈને રોકડું પરખાવી દીધું'તું કે તું તારે માર્ગે ને હું મારે માર્ગે! એક ઘડીય દલને વિસામો દઉં તો મને સતાવે ને? પણ વિસામો જ શેનો દઉં? કામ, કામ ને કામ માથે જ મંડી પડેલ. ઘરમાં દસ જણાં ખાનારાં હતાં. દસેયને મોઢે જાર-બાજરીની રોટી તો મૂકવી જ પડેને, ભાઈ? એમાં ગજલું જોડવી પોસાય ક્યાંથી? ``ન પોસાય, કાકા! સાચી વાત. નિરંજનને ભય પેઠો કે ઓસમાન ટપ્પાવાળાએ પોતાના વિશેની બારસો ગાઉ દૂર બનેલી ગુપ્ત વાત જાણી લીધી જણાય છે. શું મારો મામલો કોઈએ દેવકીગઢમાં ફેલાવ્યો હશે? ઓસમાને ઉમેર્યું: ``નિરંજનભાઈ, બેટા! તુંનેય કહું છું, કે આવે કોઈ ફંદે ન ફસાજે, બાપા! સીધી લીટીએ હાલ્યા જાવું, મારા બાપા! સંસારની ઘટમાળા છે; ખાવંદની કરામત છે. મરદ અને ઓરત તો માલેકે જ સરજેલ છે; એટલે ઇશક ને વજોગ, શાદી ને વિવા, બાલ ને બચ્ચાં, માંદગી ને મોત, ઇ તો હાલ્યા જ કરે. બાકી ગજલું જોડવાની વાતમાં સાર નથી રિયો, ભાઈ! વધુ શું કહું? તું તો બડો ઇલ્મી છો, હજારું કિતાબુંને ઘોળી પી ગ્યેલ છો. ``એ કિતાબોએ જ દાટ વાળ્યો છેને, કાકા! એટલું કહેતોકહેતો નિરંજન અટકી ગયો. ઓસમાનડોસાએ તો નિરંજનને ભારી ફફડાવી મૂક્યો. એનાથી કશું બોલી જ ન શકાયું. ઘર આવ્યું. ઓસમાને હેઠા ઊતરીને ખડકી પર ટહુકો કર્યો: ``એ ગંગાવઉ, શ્રીપતરામભાઈ, આ નિરંજનભાઈને લાવ્યો છું. ખડકી ઊઘડી. અંધારે મા એક હરિકેન લઈને બહાર આવી. માએ ઓસમાન જેઠનો ઘૂમટો કાઢ્યો હતો, છતાં ઘૂમટામાંથી મા બોલી શકતાં હતાં: ``ભાઈને લાવ્યાને, ઓસમાનભાઈજી! ``તયેં નૈ! ઓસમાનને એક બ્રાહ્મણ નારીના જેઠ હોવાનો પોરસ ચડ્યો, ``મારી ગાડી મેલીને બીજે બેસે જ નૈ ને! બુઢ્ઢો ઓસમાન નિરંજનના ટ્રંક-બિસ્તર ઊંચકીને ખડકીમાં મૂકવા ચાલ્યો ત્યારે અંદરથી શ્રીપતરામ માસ્તર બોલી ઊઠ્યા: ``રંગ છે, ઓસમાન! રંગ છે તને, ભાઈ! રોવા ન બેસે એનું જ નામ મર્દ! ``તમેય માસ્તરસાહેબ, ઓસમાને સામી શાબાશી આપી, ``તમેય જુવાન બેટીને વળાવી કેવા લોખંડના બની બેઠા! હું શું નથી જોતો? હરહંમેશ શાસ્તર ઉપાડીને ઠેકઠેકાણે વાંચવા જાઓ છો. નીકર ટાંટિયા જ ભાંગી પડે ને! ઘૂમટામાંથી નિરંજનનાં બાએ કરુણ અવાજે કહ્યું: ``બેસે તો ખાય ક્યાંથી, ભાઈજી? આંસુથી કાંઈ આટો થોડો ભીંજાય છે? ``બસ, બસ, મારી બોન! ઓસમાન પડકારી ઊઠ્યો, ``તુંય કાંઈ ઓછી કઠણ છાતીની નથી. સંસારમાં ભડ બન્યાની જ વાત ખરી છે. માટે જ હું તો નિરંજનભાઈનેય આખી વાટે કહેતો આવેલ છું કે બાપા, ઇશ્કની ને નિસાસાની ગજલું જોડવા ન બેસતો! એમ કહેતો ઓસમાન પોતાના થાકેલા ઘોડાને દોરતો દોરતો જ ગાડી લઈ ગયો ને એ ત્રણ બુઢ્ઢાંની જીવન-ફિલસૂફી પર સ્તબ્ધ બની વિચારતો નિરંજન ખડકી પર જ ઊભો થઈ રહ્યો.