નીતિન મહેતાનાં કાવ્યો/વંચના
એક પછી એક દરવાજા ખૂલે છે
એક પછી એક દરવાજામાં હું દાખલ થાઉં છું
દરવાજા એક પછી એક બંધ થાય છે
એક પછી એક હું બધા બંધ દરવાજા
બહાર રહી જાઉં છું
સવાર પડતાં ફરી એક આંખવાળો
રાક્ષસ દરવાજા ખોલે છે
એક આંખ બંધ કરી હું દરવાજાઓમાંથી
પસાર થવા જાઉં છું
ત્યારે મારી એક આંખ
રાક્ષસ લઈ લે છે
ખિસ્સામાંથી એક બીજી આંખ કાઢી,
પહેરી દરવાજામાં પ્રવેશ
કરવા જાઉં છું તો
દરવાજા બંધ થઈ જાય છે
સવારે દરેક દરવાજા પર
મારી એક આંખ ટિંગાતી હોય છે
હું દરવાજા બહાર જ
મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો છું
એવા સમાચાર એક આંખથી વાંચી
જોરથી દોડું છું
બીજે દિવસે હાથમાં
છાપું રહી ગયેલો હું
દરવાજા બહાર
મરેલી હાલતમાં મળી આવું છું