નીરખ ને/પ્રારંભિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નીરખ ને



મંજુ ઝવેરી





મુખ્ય વિક્રેતા
રન્નાદે પ્રકાશન
૫૮૨/૨, બીજે માળે
મહાવીર સ્વામીના દેરાસર સામે
ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧

નીરખ ને : મંજુ ઝવેરી
© અમિત ઝવેરી


પ્રથમ આવૃત્તિ : ઑકટોબર ૧૯૯૨
નકલ : ૫૦૦
મૂલ્ય : રૂપિયા ૮૫.૦૦

આવરણ :
ગુલામમોહમ્મદ શેખ

પ્રકાશક :
મંજુ ઝવેરી
૪૦૩ ’ચેતના’, સાત બંગલા બસ ડેપો પાસે
 વરસોવા, અંધેરી, મુંબઈ ૪૦૦૦૫૮

મુખ્ય વિક્રેતા :
રન્નાદે પ્રકાશન
૫૮૨/૨, બીજે માળે,
મહાવીર સ્વામીના દેરાસર સામે
ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧
ફોન : ૩૧૦૦૮૧
મુદ્રક
નિર્મળાબહેન ઠાકોરલાલ શાહ
શારદા મુદ્રણાલય (લેસર વિભાગ)
જુમ્મા મસ્જિદ સામે, અમદાવાદ-૩૮૦૦૦૧



સોનલને











કેટલો આનંદ અને કેટલો પ્રેમ એણે
પોતાની નાની જિંદગીમાં અમને આપ્યો
પીટર એફ. ડ્રકર










बागों ना जा रे ना जा, तेरी काया मे गुलजार ।
सहस-कॅऺवल पर बैठ के तू देखे रूप अपार ॥
कबीर

‘આશ્ચર્યવત્ પશ્યતિ કશ્ચિદેનમ્’

હા, મંજુબહેન ઝવેરીને, આ સંગ્રહ દ્વારા પ્રગટ થતા એક હાડબંધાણી વાચકને, વૈચારિક અને વિચારપ્રેરક તથા લલિત-લલિતેતર, દેશી-વિદેશી એમ જાતજાતની ઉત્તમ સાહિત્યકૃતિઓના વાચકને, કોઈક વિરલ વ્યક્તિ તરીકે આશ્ચર્યથી અથવા તો એક આશ્ચર્ય તરીકે આપણે જોતા રહીએ છીએ. ટકાવારીના પાયા પર જોઈએ તો આજના ‘સુશિક્ષિત’ ગુજરાતીભાષીઓમાં, પાછલી, વચલી અને નવી પેઢીમાં, પૂરઝડપે ઉત્તમ વાચનનો રસ જે રીતે ઓસરી રહ્યો છે – કહોને કે એનું અવસાન થઈ ચૂક્યું છે, માત્ર વિધિસરનું ઊઠમણું બાકી છે – તે પરિસ્થિતિ જોતાં, ચોતરફની દોટંદોટ, કોલાહલ અને વાવાઝોડાની વચ્ચે થોડાક અખંડ દીવા ટમટમે છે એને, જૈન પરિભાષા વાપરીએ તો એક ‘અછેરું’ જ કહેવું પડે. અહીં કાફકા, કામ્યૂ ને કુંદેરા છે; સાર્ત્ર, ઝાં ઝેને ને જિલાસ છે; દોસ્તોએવ્સ્કી, ફ્રોય્ડ ને ફ્રોમ છે; લેવિ સ્ત્રોસ, હર્બર્ટ રીડ ને કાપ્રા છે; માર્ક્સ, એન્જલ્ઝ અને ત્રોત્સ્કી છે; ગાંધી, વિનોબા અને અરવિંદ ઘોષ છે; મિર્ચા એલિયાડ, કૃષ્ણમૂર્તિ ને રજનીશ છે; રવીન્દ્રનાથ, શરશ્ચંદ્ર ને સુરેશ જોષી છે; મેઘાણી ને દર્શક છે; જ્યોતીન્દ્ર દવે ને ઉમાશંકર છે. ટૂંકમાં અત્યારની વૈચારિક અને સાહિત્યિક હવામાં જેઓ પ્રાણવાયુનો પુરવઠો પૂરો પાડતા રહ્યા છે, તેમના ઠીકઠીક પ્રતિનિધિઓ છે. ખાસ્સો બત્રીશ ભોજનનો રસથાળ. અને છે એટલે? એ મનીષીઓના વિચાર, તેમના વિશેના વિચાર, તેમના વિશેના વિચારનો વિમર્શ, તેમના સર્જનનું કે સર્જનના વિવેચનનું વિવેચન, ચિંતક-વિચારક-સર્જક લેખે તેમની હેસિયત અને ખાસિયત – એને લગતા કેટલાક બિંદુઓનો યથાઘટિત, યથારુચિ ઊહાપોહ છે. એ ઉપરાંત એમાં તથા એમના સંદર્ભે રહેલા કે અન્યથા ઉપસ્થિત જે કેટલાક વર્તમાન પ્રશ્નો, જે કેટલીક મૂંઝવતી, જીવતી, સળગતી સમસ્યાઓ છે તેમની પણ મંજુબહેને કરેલી માર્મિક ખણખોદ તમે માણી શકશો – ઝેન, ધ્યાન, અસ્તિત્વ, ધર્મ, સંશોધન, મનોવિશ્લેષણ, પ્રતિબદ્ધતા, નારીવાદ, દલિત સાહિત્ય, શબ્દવ્યવહાર અને એવું બીજું પણ. મંજુબહેન માત્ર એક ઠરેલ, ગંભીર, સબૂઝ વાચક છે એટલું જ નથી. એ પોતાની રીતે મુક્તપણે, સમતોલપણે વિચારે છે, વિવેચે છે અને મૂલવે છે. એમની વિવેકદૃષ્ટિ, સામે પ્રભાવક મોટાં નામો હોય, એકાંગી પ્રબળ આગ્રહો હોય કે તાર સૂરે વાત કરાતી હોય તેથી ઝંખવાતી કે ધૂંધળી નથી બનતી. જે પામ્યા-સમજ્યા છે તે અંગે પોતે સ્પષ્ટ હોય છે, અને તે વિશેની વાતની માંડણી સાધાર તથા વિવરણ તર્કબદ્ધ હોય છે અને છતાં કશેય ભારેખમપણું, પંડિતાઈનો ભાર કે ગૂંચવાડો વરતાતાં નથી. ખોજવૃત્તિ, વિચારણાઓ પ્રત્યે મનનો લગાવ અને ઊંડા રસને લીધે તેઓ વાચકને પણ પોતાના પર્યટનમાં સહેજે ભાગીદાર બનાવે છે. વિવિધ ગૃહીતો અને પરંપરાના અર્વાચીન વિચારકો-લેખકો અંગેની ચર્ચાવિચારણામાં એવા કેટલાંક મતો અને તારણો મળશે જેમાં વિચારભેદ કે વિચારવિરોધ વાચકને કાંઈક ગૂંચવશે. પણ વર્તમાન વિચારણામાં પ્રગટ થતો સુમેળ અને સુસંગતિ એ તો ખોજનો જ વિષય છે. વાંચતાં જે કાંઈ ઉત્તમ, સરસ માણ્યું, જેમની જેમની સંવિત્તિનો સ્પર્શ થયો અને તેથી પોતે સમૃદ્ધ બન્યા, જિજ્ઞાસુ, રસિક, વિચારવ્યસનીની આગળ ઘરવાનું જે પુણ્યકાર્ય (એ અળખામણો બની ગયેલો અને શંકાના વણછા નીચે આવેલો પ્રયોગ કરું તો –) મંજુબહેન દસબાર વરસથી કરતાં રહ્યાં છે, સ્વાંતઃસુખાય અને પરસુખાય, એ ચાલુ રહે એમ એ જ પંથના પ્રવાસી અવશ્ય ઇચ્છે. આ મુક્ત છતાં પ્રતિબદ્ધ, નિરામય લેખોના સંગ્રહને, તેમાં પ્રસ્તુત થયેલ વિમર્શન, વિવેચન, આસ્વાદન, દોહનને હું આવકારું છું. મંજુબહેનને તે માટે વધાઈ આપું છું. એમની જેમ નીરખવાની પ્રેરણા પામી બે-ચાર જણ પણ ઘેરા બનતા અંધેર અને અંધારને કાંઈક ખાળવા મથશે એવો આશાવાદ સેવવાના હજી પણ આપણે અધિકારી છીએ.

– હરિવલ્લભ ભાયાણી


નિવેદન

મારી નિસબતો, મારી પીડાઓ અને મારા આનંદોને આ લખાણો દ્વારા મેં જ્યારે જ્યારે બીજામાં પડઘાતા જોયા છે ત્યારે એ સમાન ધબકારે બધી વસ્તુની વ્યર્થતાની લાગણીની પડછે મને આનંદ આપ્યો છે. કદાચ આ કારણ હોય આ લેખોને ગ્રંથસ્થ કરવાની મને થયેલી ઇચ્છા પાછળનું. વળી લેખોને પુસ્તકરૂપે બહાર પાડવાનાં સૂચનોને અવગણી મેલોડ્રામેટિક બનવાનું પણ મને ન રુચ્યું. આ નિવેદન દ્વારા મને મિત્રોને અને સહજપણે મારું હિત હૈયે ધરનારાંઓને યાદ કરવાનું ગમે. એની શરૂઆત હિમ્મતથી થાય જેને મારામાં મારા કરતાં પણ વધુ શ્રદ્ધા હતી. અમિત અને સોનલ તો એક જ સિક્કાની બે બાજુ છે એટલે જ્યારે મેં સોનલને આ પુસ્તક અર્પણ કર્યું છે એમાં અમિત આવી જ જાય છે, અને અમિતની સાથે સ્વપ્ના, ગ્રીષ્મા અને આશના હોય જ. મુ. ભાયાણીસાહેબે આમુખ લખી આપવાનું પ્રેમપૂર્વક સ્વીકાર્યું અને ગુલામમોહમ્મદ શેખે આવરણ રેખાંકનો પોતાની અનેક વ્યસ્તતામાંથી સમય કાઢી જહેમતપૂર્વક અતિશય કાળજી લઈ કરી આપ્યા એ એક ભીંજવનારો અનુભવ છે. રાધેશ્યામભાઈને તો હું અહીં યાદ કરું એ પણ એમને મિત્રતામાં જુદાઈ જ લાગે. પણ પુસ્તકને આવકાર આપતા થોડા શબ્દો એમણે લખી આપ્યા એ મને એમને યાદ કરતા કેમ રોકે? રમણ સોનીએ પૃષ્ઠો વગેરેનો અંદાજ કાઢી શારદા મુદ્રણાલયના લેસર વિભાગનું સંચાલન કરતા રોહિત કોઠારીનું નામ સૂચવ્યું એથી પુસ્તક છપાવવાના કામમાં ઘણી સુગમતા થઈ. મૂકેશ વૈદ્યનો તો કેવી રીતે આભાર માનું? મને જ્યારે જ્યારે કામ પડે ત્યારે લે-આઉટ બાબત કે કોઈ પણ બાબત માટે હાજર થઈ જાય. અહીં પણ એમના અગત્યનાં સૂચનો મળ્યાં જ છે. શિરીષભાઈ પંચાલની પણ છાપવા અંગે ઉચિત સલાહ મળી છે. તો ચન્દ્રકાન્તભાઈ મોદી અને સુરેશભાઈ પરીખે આ પુસ્તક છપાવવા માટે રસપૂર્વક જહેમત ઉઠાવી એથી મને હું સદ્ભાગી માનું છું. સુરેશ દલાલે એસ.એન.ડી.ટી.ના ગુજરાતી વિભાગ દ્વારા આ લેખોને પ્રસિદ્ધ કરવાની સરસ ઑફર કરી માટે એમની આભારી છું. પણ એ સમયે મેં જ પુસ્તક પ્રગટ કરવાનું નક્કી કરી નાખ્યું હતું એ ફેરવવાનું દિલ ન થયું. ફાર્બસ ગુજરાતી સભાના સંચાલકોનો અને ખાસ કરીને મુ. બચુભાઈ (વિલોચન) ધ્રુવે ફા.ગુ.સ. ત્રૈમાસિકનું સંપાદન કરવાનું અત્યંત વિશ્વાસપૂર્વક મને સોંપ્યું એથી એમની આભારી છું. અહીં સુરેશ જોષી એટલા માટે યાદ આવે છે કે ત્રૈમાસિકમાં મારે લખવું જોઈએ એવું પહેલું સૂચન કરનારા એ હતા. નહીં તો કદાચ હું લખવા પ્રવૃત્ત પણ થઈ હોત કે કેમ એ શંકા છે. એ પહેલાં તો મારાં ગણ્યાંગાંઠ્યાં જ લખાણો હતાં. પણ હવે બસ. શુભેચ્છાઓ સાથે...

તા. ૧૨-૮-૯૨
મંજુ ઝવેરી