પન્ના ત્રિવેદીની વાર્તાઓ/કાગસભા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કાગસભા

એક સમય એ પણ હતો જ્યારે શહેરના છેવાડે આવેલી હાજી શેઠની ખંડેર બની ગયેલી એ હવેલીમાં જિંદગીનો કોઈ સળવળાટ નહોતો. માણસની આબાદી તો બહુ દૂરની વાત : જનાવરો પણ અહીં આવતાં બી મરતાં. દાદૂએ આ જગ્યા જોઈ કે તરત તેની તીક્ષ્ણ આંખમાં વસી ગઈ. હવેલીનો એક એક ખૂણો-ખાંચરો જોઈ, તપાસી લીધા પછી સભાખંડ તરીકે વિશાળ પરસાળ પર પસંદગી ઉતારી. સભા ભરવા માટે આથી સરસ જગ્યા બીજી કઈ હોઈ શકે વળી? ઘોંઘાટથી એકદમ દૂર... આમ તો મુખ્ય સત્તા દાદૂ પાસે જ હતી છતાં આખા સમાજને એકઠો કરી સ્થળ પસંદગી અંગેનો પોતાનો નિર્ણય સૌને જણાવ્યો અને ‘કાગડા ભવન’ એવું નામકરણ પણ થયું. દાદૂએ ઉદારતા દાખવતા કહેલું કે હવેલીની અંદર પણ જે કુટુંબોએ જ્યાં વસવાટ કરવો હોય ત્યાં કરી શકશે પણ પરસાળનો ભાગ છોડીને. એટલા માટે કે ત્યાં પરિસંવાદો-ચર્ચા વિચારણાનું આયોજન કરી શકાય. ઊછરતી પેઢીને અલાયદી સંસ્કૃતિ-સભ્યતાથી વાકેફ કરવામાં આવે જેથી સમાજ અધિક બૌધિક-સાંસ્કૃતિક અને સંગઠિત બની રહે. છેલ્લા કેટલાય દિવસોથી હવેલીમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. કા-કા-કાના કકરા આલાપોમાં એક જુદો જ થનગનાટ હતો. ગણતરીની ઘડીઓમાં જ શ્રાદ્ધના દિવસો શરૂ થવાના હતા. બૂઢા અને બુઠ્ઠા થઈ ગયેલાં અંગોમાં નવી ઊર્જા, નવું જોમ ભરાતું જતું હતું – સારા દિવસો આવવાનાં છે. દાદૂ કે જે આખા કાગડા સમાજનો મુખી હતો તેણે આજે સાંજે કોઈક વિશેષ મુદ્દે ચર્ચા રાખી હતી. ‘ચોક્કસ કોઈક નવી યોજનાની ઘોષણા થવાની હશે...’ સહુના મનમાં કુતૂહલનો પાર નહોતો. બપોરથી જ પરસાળ ભરાવા માંડી હતી. માત્ર ‘ટોળા’ બની રહેલા અસંખ્ય કાગડાઓએ ‘કાળાં ટપકાં’ રૂપે હાજરી નોંધાવી લઈ પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ માની લીધો પણ મોનુ, ટીલુ, ગોલુ, સોનુ, એના, ફેના, લીલા જેવાં કારોબારી સભ્યોનાં કુટુંબો ગઈકાલે માણેલી મિજબાનીની વાતોમાં મશગૂલ હતાં. હજી ગયા વર્ષે જ પતંગની દોરીથી ડોક કપાઈ જવાથી ચંદાનો પતિ રામશરણ પામ્યો હતો પણ ધીમે ધીમે એ આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતી ચંદા તેના બંને બચ્ચાં સાથે આવી પહોંચી હતી. એ જોઈને દાદૂને એક ‘હાશ’ થઈ ગઈ, કારણ કે સમજુ ચંદા પર સમાજની પ્રગતિનો ઘણો મદાર રાખી શકાય તેવું તેને લાગતું હતું. ઝુમરી અને ઠુમરીની લટક-મટક ચાલ સહુનું ધ્યાન ખેંચતાં હતાં. જુવાનીનું અભિમાન તેમના ઠેકડામાં અને ઊલળતી ચાલમાં ચોખ્ખું વર્તાઈ આવતું હતું. મા લીલી ટોકી ટોકીને તેમને સુશીલ-સંસ્કારી બનાવવા મથતી હતી. બુઢ્‌ઢી ધનુ અને છનુ આવતાં-જતાંની ચાલ-ઢાલ પર ચાંપતી નજર રાખતી, પોતાની જુવાનીના સોનેરી દિવસોને યાદ કરતી સિસકતી એક ખૂણે બેસી રહ્યાં. સહુ પોતપોતાની મસ્તીના તાનમાં હતાં. સમય પસાર કરવા અધીરા બનેલા કોઈ કોઈ તો લીલ બાઝી ગયેલાં ખાબોચિયામાં નહાવાની મજા લૂંટતું હતું તો કોઈ વૃક્ષોની શાખ પર બેસીને પ્રકૃતિના ઉલ્લાસને શ્વાસમાં ભરતું હતું. ‘કાગડા ભવન’માં જાણે કે એક ઓચ્છવ ઊજવાઈ રહ્યો. જુવાન કાગડીઓ પોતાની પાંખોના કાળા રંગને વધુ ને વધુ ચમકીલો કરવામાં પડી ગઈ તો જુવાન કાગડાઓ પોતાની ચાંચની સફાઈમાં લાગી ગયા. બાળ કાગડાઓએ માણસો વડે થતાં ‘શ્રાદ્ધપર્વ’ની કેટલીય વાતો સાંભળી હતી એટલે ભવનની ચહેલપહેલની ક્ષણે ક્ષણને સ્તબ્ધ થઈને જોઈ રહ્યાં હતાં અને બીજી ફેર આ ઉત્સવી દિવસોમાં શું નવું કરી શકાય તે અંગે મનોમન પ્લાન ઘડતા હતા – આખરે આંખ ખૂલ્યા પછી એમનો આ પહેલો જ તો શ્રાધોત્સવ હતો! અચાનક દાદૂ આવ્યો કે ક્ષણભર સોંપો પડી ગયો. સહુ પોતાના સ્થાને ગોઠવાઈ ગયા પણ બે દિવસ પહેલા જ કાગડા ભવનના કાગડાને પરણીને આવેલી, પાણીમાં અંગ અંગ ઝબકોળીને નહાતી મિલીનું ધ્યાન નહોતું. તેને સચેત કરવા તેના સાથીએ જરા નોખો જ – કા – આલાપ્યો કે તરત એનાએ તેને ટોક્યો : ‘આપણી સભામાં પુરુષ માણસ જેવો આ ખોંખારો ક્યાંથી આવ્યો? આપણામાં ‘લાજ’ વિશેના બેવડા ધોરણોને કોઈ જ સ્થાન નથી. માદાઓએ તેમની કાયા સાથે શું કરવું શું ન કરવું તેનો સંપૂર્ણ અધિકાર તેમનો જ છે. જેને લાજ આવે તે પોતાનો રસ્તો બદલી લે.’ દાદૂએ તપી ગયેલી એનાને ધીરજ રાખવા ઇશારો કર્યો. એના સમસમીને બેસી ગઈ. દાદૂનો પહાડી અવાજ આવ્યો : ‘બહેનો-ભાઈઓ, તમે મારે મન એટલાં જ બૌધિક છો જેટલાં કે બીજાં પ્રાણીઓ. એટલે સંબોધન પણ હું એ જ રીતે કરીશ. હા તો આજે છત પર, ગલીમાં, મહોલ્લાઓમાં, રસ્તા પર, કાર્યાલયોમાં જ્યાં જુઓ ત્યાં બસ બે જ શબ્દો કાને અથડાય છે – વિકાસ અને વિજ્ઞાન. આ પૃથ્વી પર માણસ નામધારી પ્રાણી પોતાની જાતને સહુથી વધુ બુદ્ધિશાળી માને છે કેમ કે તેઓ નિયમો અને પરંપરાને પોતાની સગવડ મુજબ બનાવે છે, વાપરે છે અને જરૂર પડે ત્યાં વખોડીને ફેંકી દે છે. આપણે આ બાબતમાં ઘણા કાચા છીએ. પૂર્વજોના સમયથી લઈને આજદિન સુધી આપણે રજભાર પણ બદલાયા નથી. મિત્રો, હવે બદલાવાનો સમય પાકી ગયો છે.’ અનેક તીક્ષ્ણ આંખો દાદૂ ભણી ગર્વભેર જોઈ રહી. ‘હા, હા... ક્યાં સુધી માણસના મોંએ કહેવાતી ચતુર શિયાળની વાર્તામાં આપણે બદનામ અને બેઇજ્જત થતા રહીશું?’ ગોલુનું લોહી તરત ઊકળી ઊઠ્યું : ‘વર્ષોથી આમ જ તો ચાલ્યું આવે છે! કોને ખબર, આપણો પૂર્વજ પૂરી ખાતો પણ હશે કે નહીં? ને ધારો કે તેણે પૂરી ખાધી અને શિયાળના વખાણથી ફુલાઈ ગયો તો એનો અર્થ એવો થોડો જ છે કે આપણી આખી જમાત જ પ્રશંસાની ભૂખી છે? નીચ કુળના કે ફલાણા કુળના લોકો તો આવા... આ જાત ને તે જાત તો આવી... એવું સાધારણીકરણ કરવાનું વલણ તો ઊલટું એ લોકોનું જ રહ્યું છે! પણ આપણે તો શોષિત! તેમની ગર્જના સામે આપી દીન વાણીના શા મોલ?’ ગોલુનો અવાજ ગળગળો થઈ ગયો. ‘અરે, શિયાળ જ નહીં માણસ પોતેય લાખ બેવકૂફીઓ કરતો ફરે છે, ત્યારે કાંઈ નહીં? બસ, આપણને મૂરખ ઠેરવતા કોઈ પેટ બળ્યાએ શિયાળને ‘ચતુર’ કહી સન્માનિત શું કરી નાંખ્યો તે ત્યારથી તેની પેઢીઓની પેઢીઓ ફાંકો મારતી ચરી ખાય છે ફોગટની.’ મોનુએ ગરદન ઊંચી કરી કરીને કહ્યું. ‘યસ... યસ... વેરી વેરી રાઇટ... ઍક્ઝેટલી... આઈ મીન ટુ સે સેલ્ફ આઇડેન્ટિટી જેવી કોઈ થિંગ હોય કે નહીં ગાઇઝ...!’ ફેનાએ એક ઝટકા સાથે કહ્યું. સહુ એક ધ્યાને સાંભળી રહ્યાં. વાતમાં રસ પડતો જોઈને વિષયને વધુ પુષ્ટ કરવા માટે પહેલી હરોળમાં બેઠેલા ગુલે એક દૃષ્ટાંત આપીને વાતનો દોર સંભાળી લીધો : ‘હાયે! બહરહાલ ઇન્સાનોના અફસાનાનિગારીના હુનરને જાયજ માની લઈએ પણ બાત બાત પે ફિટ્ટે મૂએ કહતે હૈ – કૌવા ચલા હંસ કી ચાલ...! એ લો... યે કોઈ બાત હુઈ? આખિર હર કૌવે કી અપની અદા, અપની ફિતરત, અપની શખ્સિયત? કમ્બખ્તોને વક્ત જ ક્યારે મળે છે આ ખૂબસૂરત નર્ગિસી નજારા જોવાનો? ઇલ્મ જ નથી કે શું તહોમત લગાવે છે? હમારે જખ્મ રાયગા નહીં જાને દેંગે...’ ‘ગાળ નહીં, ગાળ નહીં... આપણે માણસ થોડા જ છીએ?’ દાદૂએ તરત જ એક રાડ પાડીને ‘કમબખ્ત’ શબ્દ માટે ગુલને રોક્યો. સહેજ આંખ કરડી કરી ભારે અવાજમાં કહ્યુ : ‘આજકાલ તું ઉર્દૂ શાયરી લખતા પેલા શાયર મિયાંની છત પર બેસે છે, તેની મને ખબર છે... પણ અહીં ઉપસ્થિત તમામ આપણી ભાષા સમજે છે, મિયાંની નહીં. જો, એક-એકના ચહેરા ધ્યાનથી જો. તેં કહ્યું તેમાંનું કેટલું સમજ્યા આ લોકો?’ ગુલે પરસાળમાં બેઠેલા પર એક ઊડતી નજર ફેરવી. બધાં બાઘાની જેમ ગુલ સામે તાકી રહ્યા હતા. દાદૂએ તરત જ કહ્યું : ‘ઉર્દૂ શબ્દો ઉર્દૂ સમજનારની સામે બોલાવા જોઈએ. જોવું જોઈએ કે તમે કોને સંબોધી રહ્યા છો. સમાજ સાથે પ્રત્યાયન ખૂબ જરૂરી છે. આ જ શીખ એના માટે પણ છે. અંગ્રેજીના મોહમાં એવી તો પડી છે કે કશું સૂઝતું જ નથી. બીજું...! આપણી વિદ્વતાનો દેખાડો કરવો એક પ્રકારે દંભ કરવા બરાબર છે. આપણી ભાષા આપણી પોતાની ઓળખ છે. તેનું સિંચન પેઢી દર પેઢી થતું રહે તે આપણા સહુની સહિયારી જવાબદારી છે. ઠુમરી અને ઝુમરીના ઉછેર પર એનો કેવો દુષ્પ્રભાવ પડી રહ્યો છે તેનો કોઈ ખ્યાલ છે તને? આવા જ મોહમાં કોઈ યાયાવર સાથે ભૂલ ભૂલમાં લપેટાઈ તો હાલ બેહાલ થઈ જશે.’ ‘હમમમ...’ સર્વએ દાદૂની વાતમાં હામી ભણી, એનાને ખરાબ તો લાગ્યું પણ દાદૂની વાતમાં એક રીતે દમ હતો. તેણે ઠુમરી અને ઝુમરીને ઠાવકાઈથી બેસવા આંખ કાઢી. ‘દાદૂ, એક બાજુ તો આ માણસ જાત આપણને તેમના પૂર્વજોના દૂત ગણે છે ને બીજી રીતે રંગમાં, અવાજમાં, ચાલમાં આપણને ઉતારી પાડી પાડીને ઠઠ્ઠા-મશ્કરી કરે છે? આ લોકોના આવા બેવડા અને દંભી વલણોને કારણે જ હું દૂર રહું છું. કોઈ ગોરીચિટ્ટી છોકરીના હાથની રોટલીય હું તો ન અડકું. કાળા રંગને તેઓ ધિક્કારે છે. તે લોકો કરતાં આપણે કાળા છીએ. ભલે, પણ આપણે જેવા છીએ તેવા દેખાઈએ તો છીએ કમસેકમ...!’ ટીલુએ મોં મચકોડતા કહ્યું. સભામાં એક ગણગણાટ શરૂ થયો. ‘ભાઈઓ-બહેનો..’ દાદૂનો અવાજ ધીમે ધીમે ઊંચો થયો. ‘પરિષદ ભરવાનું એક વિશેષ કારણ છે. આવતીકાલથી શ્રાદ્ધના દિવસો શરૂ થઈ રહ્યા છે. ‘વિષ્ણુપુરાણ’માં સોળ સોળ દિવસો સુધી ચાલતા શ્રાદ્ધના દિવસોનો તથા કાગડા બનીને આવતા પૂર્વજોનો ઉલ્લેખ છે. તેમના ધર્મમાં દેવ-બ્રહ્મ-પિતૃ-મનુષ્ય અને ભૂત એવા પાંચ યજ્ઞનો અને ગો-શ્વાન-કાક-દેવ અને પિપીલિકા એવી પાંચ પ્રકારની બલિનો મહિમા છે.’ દાદૂએ જોયું કે બચ્ચાંઓને અને જુવાનોને છેલ્લો શબ્દ પલ્લે પડ્યો નથી એટલે તેમણે વળી સ્પષ્ટતા કરતા કહ્યું : ‘પિપીલિકા એટલે કીડી. આ પાંચ બલિ માટે ભોજ કાઢવું અનિવાર્ય છે.’ જુવાન કાગડાઓને દાદૂની આવી ભારેખમ વાતોથી બગાસાં આવતાં હતાં પણ બીકના માર્યા જાણે ધ્યાનથી સાંભળતા હોય એવો ડોળ કરતા બેસી રહ્યા. ‘શ્રાદ્ધના આ દિવસોમાં માણસો પિતૃઓની પસંદગીનું ભોજન બનાવે છે. યાદ રાખો, આપણી પસંદગીનું નહીં. છતાં ઉદાર મને આપણે તે રીત પણ વધાવી લઈએ છીએ. પણ જરા વિચારો ને કે આ રીતે આપણને કેટલીવાર નિમંત્રણ અપાય છે? ચાર દિવસ માન અપાય અને પછી હાંકી કઢાય. એ અપમાન શું સહ્ય છે? પહેલાના માણસોની વાત જ કંઈ ઓર હતી. જેમને મૂલ્યો સાથે ખરેખરી લેવાદેવા હતી. દિવસો પલટાયા છે. મિજાજ પલટાયો છે, ‘યૂઝ એન્ડ થ્રો’ હવે એમની રગરગમાં વહે છે. આ વખતે આપણે કોઈનીય છત પર જઈશું નહીં. માણસોએ બનાવેલાં ભોજન પર તૂટી પડીશું નહીં.’ દાદૂએ સભામાં પ્રસ્તાવ મૂક્યો. ‘આપણા કરતાં તો કૂતરાં-બિલાડાંનું નસીબ સારું. રોજ રોજ રોટલો તો મળી રહે! જ્યારે આપણે તો એક દિવસના મહેમાન! સંક્રાંત પર ગાયોને ખેંચી ખેંચી દયા-મમતા-પુણ્ય એક જ દિવસે ઠાલવી દે છે એ જોયું છે? અરે! બળજબરી કરી કરીને એક સામટું ખવડાવી ખવડાવીને મારી નાંખશે કોઈ દિવસ. કેવો આફરો ચઢતો હોય છે અબોલ જીવોનો, એની તમા કરી છે કદીય...?’ ટીકુ ચિઢાઈને બોલ્યો. ગંભીર વાત ચાલતી હતી ત્યાં ઠુમરી તેના પંજાના નખ જોતી મલકાતી હતી અને ઝુમરી પાંખ ઊંચી કરી કરીને જોતી હતી – રૂંવે રૂંવાં કેટલાં પોચાં ને કોમળ બની ગયાં છે! પણ તેને ક્યાં ખબર હતી કે તેના જુવાનીના રંગને દૂરથી સોનુ એકધારું તાકી રહ્યો છે! ઝુમરીની માદક આંખમાં ડૂબવા કેટલો અધીર બની ગયો છે તે! જોકે તેની હરકત પણ પીઢ દાદૂથી છાની થોડી જ રહેવાની હતી? ‘સોનુ...’ દાદૂ તમતમી ઊઠ્યો. ‘ક્યાં છે ધ્યાન તારું? આવી હરકતો છેલબટાઉ માણસોની છે. લગામ રાખ જાત પર નહીંતર હું રાખીશ તો ભારે પડી જશે. પેલા કલ્લુની આવારા ટેળી જ્યાં રાત-દિવસ પત્તાં ટીચતી રહે છે અને મહોલ્લાની બહેનો-દીકરીઓને જે રીતે તાકતી રહે છે ત્યાં જ તેં તારો અડ્ડો બનાવી દીધો છે નહીં? બોલ, એ લોકો કાલે નવા નવા બગીચાના ફૂલ સૂંઘવાની વાતો કરતા હતા કે નહીં? માદાઓને સન્માન આપતા શીખ, જેનાથી જીવમાત્રનું અસ્તિત્વ છે. ખબરદાર જો કાલથી ત્યાં ગયો છે તો...! સોનુ ગભરાઈને તરત નીચું જોઈ ગયો. થોડીવારની ચુપ્પી પછી દાદૂએ ફરીથી વાતનો દોર સાધતા કહ્યું : ‘હા તો મિત્રો... આ વખતે આપણે કાગવાસ જોઈને આદત મુજબ તૂટી નહીં પડીએ. ‘સ્વાભિમાન’ નામની પણ કોઈ ચીજ હોય છે. માણસોમાં કહેવત છે – અન્ન તેવો ઓડકાર. તે આપણે પણ સમજી લેવાની જરૂર છે. આપણે કોની છત પર બેસીએ છીએ, કોનું ખાઈએ છીએ એ પણ એટલું જ મહત્ત્વનું છે. કદાચ એટલે જ આપણે અંદર અંદર લડી મરીએ છીએ. જુઓ ને, બાપ એક હોય છે તોય એમના શ્રાદ્ધ વખતે બે અલગ અલગ છતો પર કાગવાસ નંખાતા હોય છે. આને શું કહીશું?’ એક સન્નાટો છવાઈ ગયો. દાદૂનો અવાજ ગળગળો થઈ ગયો. ભોળી ચંદાએ એનાં બંને બચ્ચાંઓને સ્નેહથી સોડમાં લઈ પંપાળી ચૂમી લીધાં. તેણે બંનેની આંખમાં ક્યાંય સુધી જોયા કર્યું અને માણસના નહીં પણ કાગડીના પેટે અવતર્યાનો મનોમન હાશકારો લીધો. ‘રોટલો સૂકો ભલે હોય પણ સાત્ત્વિક હોવો જોઈએ. યાદ રાખો. મોક્ષ ૫૨ કાંઈ માણસનો એકલાનો અધિકાર નથી. વાસ્તવમાં આ એક મોટું ષડ્‌યંત્ર છે આપણને ખવડાવી ખવડાવી ‘પુણ્ય’ કમાઈને તે જન્મ જન્માંતરના ચક્રમાંથી છૂટવાના કે આગલે જન્મે માણસ રૂપે જ અવતરવાના પેતરાં છે એમનાં.’ ‘તો.... તો.... આપણે હવે ભવોભવ કાગડા જ રહેવાના?’ ધનુનો ધ્રૂજતો અવાજ હવામાં તરતો હતો. ‘એક વાત તો છે. પુણ્યધારી માણસો જો માણસ તરીકે અવતર્યા કરે તો સમસ્યા તો સર્જાવવાની જ વળી! કેમકે જીવસૃષ્ટિ ચલાવવા બ્રહ્માએ જીવો તો બનાવવા જ પડે, એટલે પછી માણસ સિવાયના જીવ રૂપે આપણે જ જન્મ લેવો પડે. આપણે ધીમે ધીમે એ લોકોના આવા પુણ્યપ્રપંચોમાં ફસાતા જઈએ છીએ એનુંય ભાન થયું છે તમને?’ દાદૂએ ભાર દઈને કહ્યું. ‘તો શું આપણે હવે ખીર ખાવા નહીં જઈએ?’ વચ્ચેથી જ એક બચ્ચાએ ઉદાસીભર્યા સ્વરે પૂછ્યું. દાદૂની આંખ લાલ થઈ ગઈ : ‘તું માણસ જ થવાનો મોટો થઈને મીઠાઈનું સ્મરણ થયું નથી કે લાળ ટપકી નથી! લાલચ અને પ્રલોભન આગળ નીતિ-ધર્મ-સત્ય-સ્વમાન બધું જ નેવે મૂકી દેવું છે તારે?’ ‘માફી ચાહું છું આમ વચ્ચે બોલવા બદલ. પણ નીતિ-ધર્મ-સત્ય-સ્વમાન જેવા શબ્દો ૫૨ પણ બુદ્ધિજીવીઓએ હકદાવો માંડી દીધો છે. આજકાલ એ લોકોની જાહેરસભાઓમાં બધે જ આ શબ્દો સાંભળવા મળ્યા છે મને તો. જુલમ તો જુઓ, આકાશ-પાતાળ-પૃથ્વી ને હવે શબ્દો, બધુંય એમને એકલાને જ ઓહિયા કરી જવું છે?’ ટીકુ ઊકળી ઊઠ્યો. ‘એ જ તો સાબિત કરવાનું છે કે આપણામાં અને એમનામાં આભ-જમીનનો ફેર છે. કોઈપણ વાણીમાં જો અનીતિ-અધર્મ અને બદ્‌ઇરાદાની ગંધ આવે તો એથી દૂર રહેવું જોઈએ.’ દાદૂએ એક ઊંડો નિશ્વાસ નાંખ્યો : ‘એવું કેમ હશે કે આ જગતમાં, જે કંઈ અનિષ્ટ હોય છે તે તરફ જ આપણું મન વધુ આકર્ષાય છે? ખેંચાય છે...’ ‘પણ આપણને ખબર કેવી રીતે પડશે કે ઇરાદો બદ્દ છે?’ કિશોર વયની પોનીએ કંઈક અસમંજસથી પૂછ્યું. ‘તને તો એ ખબર પડશે જ મારી વહાલી, માદાઓને પણ છઠ્ઠી ઇન્દ્રિયનું વરદાન હોય છે, માણસોની છોકરીઓને હોય છે એવું જ. એ લોકો તેને સિક્સ્થ સેન્સ કહે છે. તું મોટી થઈશ એટલે તને પણ આપોઆપ ખબર પડશે. કુદરતે આપણને પણ આવી ભેટ આપી જ છે પણ આપણે તો નર્યા નિર્ભેળ અને પારદર્શક, મન મેલું હોય તો જરૂર પડે ને?’ પોની કંઈક વધુ ગંભીર અને ઠાવકી થઈને બેસી ગઈ. દાદૂએ બધા સામે જોઈ લીધું : ‘ચાલો.... આ વખતે આપણે સંયમ રાખીને બતાવી દઈએ કે તમે કહેશો ‘આવો’ તો નીકળી નહીં પડીએ. તમે કહેશો ‘હડે’ તો ઊડી નહીં જઈએ. સંકલ્પ લઈએ કે આપણે વધુ ને વધુ સભ્ય બનતા જઈશું. વધુ સુસંસ્કૃત...’ ‘કા-કા-કા-કા...’ મંદ-બુલંદ સ્વરો હવામાં ગુંજી ઊઠ્યા. ત્યાં જ એકાએક મોજી હાંફતો હાંફતો નીચે ઊતર્યો. ઘણાંએ છેક ત્યારે જ નોંધ લીધી કે સભામાં મોજી હાજર નહોતો. દાદૂએ પહેલા તો તેને નિરાંતે શ્વાસ લેવાનું કહ્યું. ટીકુએ સભાની સઘળી ચર્ચા ટૂંકમાં કહી સંભળાવી. ‘આપણે એમનું કશું જ નહીં અડકીએ. સાત્ત્વિક પણ નહીં. આજે છાપાંમાં પહેલા જ પાને મેં આપણો ફોટો જોયો છે. દાદૂ, હું તમને અને અહીં આ સભામાં ઉપસ્થિત સહુ કોઈને પૂછું છું કે આપણને પૂછ્યા વિના, પરવાનગી લીધા વિના આપણા ફોટા છાપી જ કઈ રીતે શકે?’ મોજીનું લોહી ઊકળતું હતું. ‘નીચે આપણા નામ લખેલાં?’ લિયો કુતૂહલથી પૂછી બેઠો. ‘નામ? તનેય એ લોકોનો ચેપ લાગ્યો છે કે શું? નામનાની આટલી ધખના? અરે, આ સભા જો તેમની હોત તો અત્યાર લગી તો ફોટાઓ પણ ક્યારના ફરતા થઈ ગયા હોત. દેખાડાની તો હોડ લાગી છે એ લોકમાં. ને તું ભૂલી ગયો છે કે આપણે વાંચી-લખી શકતા નથી? પણ જોને, માણસોને તો વાંચતા-લખતા આવડે છે છતાં આપણામાં ભેદ જ નથી કરી શકતા. આપણું અલાયદું કોઈ અસ્તિત્વ જ નહીં? તેમના માટે તો ટીલુ, સોનુ, ગલુ, ટીકુય કાગડા ને એના, ફેના, ચંદાય કાગડા ને ઠુમરી અને ઝુમરી ને પોનીય કાગડા? માદાના સ્વતંત્ર અસ્તિત્વનું શું? મોજી ચિઢાઈને બોલ્યો. ‘અરે! આપણી માદાઓની પણ કોઈ આબરૂ ખરી કે નહીં? કાલે નેવા નીચે આપણી શશી મન મૂકીને નહાતી હતી તો કોઈક અળવીતરાએ તેનો ફોટો પાડી લીધો. કપડાં વિનાના છીએ પણ આત્મા વિનાના થોડા જ છીએ! એ નિર્લજ્જો તો ટીંટોળીના ઈંડાનોય ફોટો દર ફેરે લઈ લે છે. નવીનવાઈની ટૅક્‌નૉલૉજી શું આવડી ગઈ કે આ રીતે બેફામ ઉપયોગ કરવાનો? કોઈની પ્રાઇવસી ખંડિત કરવાનો શો અધિકાર એમને?’ ટીલુના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ. ‘સો વાતની એક વાત. પૃથ્વી પર કેવળ એમનો જ હક નથી આપણે પણ બરાબરના હિસ્સેદાર છીએ. આખરે આપણું ને આપણા પૂર્વજોનું કેટલુંય ઋણ અને યોગદાન છે એમના પૂર્વજોને શાંતિ પમાડવામાં. દૂત બનીને જઈએ છીએ તેમનો સંદેશો લઈને. આપણે પણ આ જ પ્રકૃતિના અંશ છીએ.’ અત્યાર સુધી ચૂપ રહેલી ચંદા આ વખતે ધીમેથી પણ દૃઢ અવાજે બોલી. એક સન્નાટો છવાઈ ગયો. છેવટે બધાનાં મોંમાંથી એક જ વાત નીકળી – નક્કી રહ્યું કે આ વખતે કોઈ જ કાગ શ્રાદ્ધભોજ લઈશું નહીં કાક્ત્વની ઉન્નતિ માટે, ગરિમા માટે આપણે સતત પ્રયત્નશીલ રહીશું તથા સતત મંથન, ચિંતન અને અધ્યયન કરતા રહીશું સર્વાનુમતે કા-કા-કા-કાનો એક જયઘોષ પડઘાઈ રહ્યો. દાદૂની આંખમાં પરિષદ માટેનો પરિશ્રમ સફળ રહ્યાનો ભાવ ચમકી રહ્યો. દૃઢ સંકલ્પ સાથે સભા વિખેરાઈ.

પણ બીજા જ દિવસે સવારે વસ્તીની છતો કાળા કાળા ટપકાંથી રંગાઈ ગઈ. એ જ કાળો રંગ, એ જ કર્કશ અવાજ, શ્રાધોત્સવની મિજબાનીના એ જ ચટકા અને મજેદાર સ્વાદની એ જ ચર્ચાઓ... દૂર બેઠેલા દાદૂનો શ્વાસ આઘાતથી બેસતો જતો હતો. પાસે બેઠેલ અવાક્‌ ચંદા તરફ તે લાચાર નજરે તાકી રહ્યો.