પન્ના ત્રિવેદીની વાર્તાઓ/હું દીનાપુરથી બોલું છું.....
બાસઠ વરસનો ગજોધર ટેકરીનો ઢાળ ચઢતાં-ચઢતાં હાંફી ગયો. ખભે ભેરવેલા બગલથેલામાં કશું જ વજન નહોતું તો ય તેને એવું લાગ્યું કે જાણે ખભા પર મણમણનું વજન લાદેલું હોય! એક તો ઉંમરનો થોડોક થાક વર્તાતો હતો અને બીજો સખત પથરીલા રસ્તે ચાલ્યાનો થાક બેવડાયો હતો. ઢાળ ચઢી રહેવા આવ્યો ત્યારે તેણે ગળે ભેરવેલા સફેદ સુતરાઉ ગમછાથી મોં પર નીતરતો પરસેવો લૂછી નાંખ્યો. જમણા પડખે થોડું થોડું દુખતું હોય એવું લાગ્યું, પણ તેણે ચાલ્યે રાખ્યું. થોડું આગળ ચાલીને ગજોધર જેવો એક ગલ્લા પાસે પહોંચવા આવ્યો કે અંદરના ખૂણેથી એક પરિચિત અટ્ટહાસ્ય – ‘ફૈઈઈઈઈઈ..’ના અવાજ સાથે એક ધક્કે બહાર ધસી આવી આવ્યું. એકાદી ક્ષણ પછી એ હાસ્યમાં ‘ખી ખી ખી..’ ના જાડા કર્કશ અવાજો પણ ભળવા લાગ્યા... જોકે ઘેરથી નીકળતી વખતે જ આમ તો ગજોધરે અંદાજો લગાડી જ લીધેલો કે વાલજી અને કાનજી બન્ને રામુના ગલ્લે જ ટળ્યા હશે... બીડીની ઝૂડીઓને સરખી કરતા રામુના મોં પર મસ્તીની એક લહેર દોડતી હતી. ઝૂડીઓ સરખી ગોઠવી દઈને તે પાન બનાવવામાં તલ્લીન થઈ ગયો. બાજુમાં મૂકેલા રેડિયા પર ગીત વાગતું હતું. ‘જિસને બજરિયા મેં છીના દુપટ્ટા મેરા...’ ગીતના તાલે તાલે કાનજી અને વાલજીનાં માથાં ધૂણતા હતાં. ગજોધર રામુના ગલ્લે જઈને ઊભો રહી ગયો. રામુ પાન પર કાથો ચોપડતો હતો, પણ ગજોધરે નોંધ્યું કે જાણે કાથાનો રંગ રામુના આખા ચહેરા પર ફેલાતો જતો હતો. ગજોધરને જોતાંવેંત જ રામુએ પાન પડતું મૂકીને હાથમાં એક ગાભો લઈ લીધો અને ખૂણે મૂકેલા ફોન પર ચોંટેલી ધૂળ સાફ કરવામાં લાગી ગયો : ‘પંદર દા’ડા થઈ ગ્યા નંઈ? ટેમ તો પાણીની જેમ દોડમ્...’ રામુ અવાજ વગરનું હસી પડ્યો. તે જોઈને ગજોધરે એક નિસાસો નાખ્યો, પણ રામુએ તે તરફ ધ્યાન આપવાના બદલે એક છાની નજર ગજોધર તરફ કરી અને વળતી નજર કાનજી–વાલજી તરફ કરી, લાલ રંગના ફોન તરફ સંકેત કર્યો. ગજોધરે ચૂપચાપ વીસની નોટ રામુ પાસે મૂકી અને રામુએ એટલી જ ઝડપથી એક એક રૂપિયાના વીસ સિક્કા ગણી આપ્યા. ‘ચક્કઇડું ફેરવવાના કે? હી હી હી...’ હસતાં વાલજીને કંઈક યાદ આવ્યું હોય તેમ ફાળિયું સહેજ સરખું કરતો બોલ્યો : ‘ચક્કઇડું નંઈ... શું ક્યોે? હો... ફૂણ! તે ફૂણ લગાવાના કે?’ કહેતાં કહેતાં વાલજીએ ઊભા થઈને લાલ ફોનનું લીસું લીસું ડબલું તેના ખરબચડા હાથે પંપાળી લીધું. અને નંબર લખેલા કાણામાં મેલના થર બાઝેલી પાંચેય આંગળીઓ ગોઠવી ડાયલને ગોળ ગોળ ફેરવી લીધાનો એક રોમાંચ લઈ લીધો. કાનજીએ પાસે ઊભેલા ગજોધરનો હાથ પકડી લઈ પોતાની પડખે બેસાડી દીધો. વાલજી પણ બીડી સળગાવતો તેની બાજુમાં ગોઠવાઈ ગયો. કાનજીએ બંડીના અંદરના ખિસ્સામાંથી તમાકુની તડપલી કાઢી, મસળતાં મસળતાં પૂછ્યું : ‘હવે આજે શું કે’વાના?’ વાલજી જોરથી હસી પડ્યો. તેના પીળા પડી ગયેલા આગળના લાંબા દાંત ફરતે કથ્થાઈ રંગની છારી બાઝી ગઈ હતી. હોઠના બન્ને ખૂણેથી થૂંકનાં ટપકાં દેખાતા હતાં. ‘ખી ખી ખી’ કરતો હસતાં હસતાં તે બોલ્યો : ‘તે હેં ગજોધર બાપા! તમારા ફૂણવાળા સાહેબને કો’ને કે આપણને હોતે આ રેડયેની મંઈ લઈ જાય... એ ય ને પસ તો ખાવાની કોઈ લા’ય જ નંઈ! ને આ મંઈ વાગ સ તેવું તો આપડે હોતે વગાડીએ... એવો પાવો વગાડું કે... પન મંઈ લઈ જાય એવ ચમતકાર બતલાડે તઈ માનીએ ક સાહેબને સત છઅ્...’ કાનજીથી હસવું રોકાતું નહોતું. મોંમાં નાખેલી તમાકુના લીધે તે ખુલ્લું હસી ન શક્યો, પણ વાલજીએ રેડિયાવાળી વાત કરી કે કાનજીના મોં પર કુતૂહલ ફરી વળ્યું : ‘હો બાપા! એના કરતાં તો તમારા સાહેબને એમ જ કો’ને કે આ મઈ ગીતો ગાય છ એ બઈને જ અઈ લઈ આવ..’ ગજોધરને એક ક્ષણ સમજાયું નહીં કે પોતે હસે કે ગુસ્સો કરે. ત્યાં જ રામુએ પ્લાસ્ટિકની એક બરણીનું ઢાંકણું કોલી એક નાનખટાઈ ગજોધર તરફ ધરી. બે ઘડી વાલજીની વાહિયાત વાતને ભૂલી જઈને તેણે પ્રેમથી નાનખટાઈ લેવાની ના પાડી દીધી, પણ ત્યાં તો હંમેશની આદત મુજબ જોેરદાર અવાજ સાથે પેટ અંદર ખેંચી રાખીને ‘ફઈઈઈઈ...’ કરી હસતા રામુથી એક ઠહાકું છૂટી પડ્યું : ‘ના, ના બાપા... હમણે નંઈ, આ તો પછીથી આલવા કાઢી છ...સાહેબ જોડે વાત કરી લીધા પછી કંઈ ગબડી પડસો તો ઉપાધિ... ઘેર જવાનું છ ને ઢાળેય ઉતરવાનો પાહો...’ ગજોધરનો ચહેરો રાતોપીળો થઈ ગયો. તેણે સહેજ ગુસ્સામાં કહ્યું : ‘રાતા મશિયા સાલા! આ તમ હારું તો હલાવ હલાવ કરું છું. બાકી કોને કોની પૂંઠનું અડે છે આ દુનિયામાં? દીનાપુરમાં એક નિશાળ થઈ જાય તો જે છોકરાંવને ખુલ્લામાં બેસાડી જે શીખવું છે તે.. તે લોકોનાં નામ ચોપડે ચડે. ને એક વાર નામ ચોપડે ચડે તો ગામનું નામ પણ મોટા લોકના ચોપડે ને આંખે ચઢ્યું હમજ. આ આખા વસ્તીમાં કોઈને અખ્ખર પાડતા-ઓળખતા તો આવડતું જ નથી, તેની જ તો રામાયણ છે આ બધી! આદમી શું કે બૈરાં શું...બસુંના પાટિયા વાંચી લો તોય બહુ... જો, વાંચતાં આવડે તો કેટલું બધું ઉકેલતા આવડે! જો, મને તો સુખીપુરાના ધનજીને છાપામાં નંબર બતાડી કહેલું કે આવો એક નંબર છપાયો છે, જે લગાડીએ એટલે આપણી વેઠ ગઈ હમજ. જો, નંબર યાદ રાખવાનો. ફોન કરવાનો. આપણા સવાલો હારુ માણસો બેઠા છે ત્યાં.’ ગજોધરની વાત અડધી હતી ત્યાં જ રામુ હસી પડ્યો : ‘ફઈઈઈઈઈઈઈઈઈઈ... હો બાપા! એ લોકના માણસો બેઠેલા જ છે...’ રામુએ ‘બેઠેલા’ શબ્દ પર ભાર મૂકીને કહ્યું ત્યારે તેના હાસ્યમાં ‘ખી ખી ખી’નો અવાજ પણ ભળ્યો. ગજોધર નારાજગી બતાવી ઊભો થઈ ગયો. વાલજીએ ફરીથી ગજોધરને બેસાડી દીધો અને કોઈક ભારે વાત હોય તેમ અચાનક ગંભીર થઈને બોલ્યો : ‘મેલ ને આ પૂડો...હમજાય છ કંઈ....? મન તો લવરી લાગ આ બધી... જો, એક મજેની વાત! છનકીની વાત કાનોકાન હાભરી. ભીખો તો તેન કાલીરામોને તઈ લાત ખવડા’વા લઈ જવાનો છે. મરવા પડી છ છનકી. તે... ભીખો કે’તો’ તો ક... આ પૂનેમે તે જાતે હોતે હળગતા કોયલે ચાલસી. પણ મેં તો કેધું ક જોડસ જોડઅ લીલવામાઈને તઈ હોતે લઈ જજો... એક ઘુવડ આલો તો એવું મોદળિયું હાધી આલઅ કે મરીને અરધે પોચેલો હોતે પાહો આવઅ... પવિત્તર મેલડી મા હાજરાહજૂર છ એન. પન એટલું જ ક ઘુવડ અમાસના દને જ આલવું પડઅ...’ વાતમાં તરબોળ બનેલા રામુએ પાન વાલજીના હાથમાં મૂકી દીધું. વાલજીએ પાન મોંમાં નાખતાં જ આંખ મીંચી દીધી. જાણે સમાધિ અવસ્થામાં પહોંચી ગયો હોય તેમ થોડીવાર સુધી તેણે કશુંય બોલ્યા વગર પાનનો રસ ચૂસ્યા કર્યો. ગજોધર કંઈક અસ્પષ્ટ બબડતો ઊભો થઈ ગયો. ગલ્લે ઊભા રહીને, લાકડાંના પાટિયા પર એક-એક રૂપિયાના વધારાના સિક્કાઓ મૂકી દઈને ગજોધરે ફોનના ડબ્બામાં રૂપિયાનો એક સિક્કો નાંખ્યો. માંડ માંડ દાબી રાખીને છૂટી પડેલો એક વિચિત્ર ઠહાકો ફરીથી સંભળાયો, પણ ગજોધરે તે તરફ ધ્યાન આપ્યા વિના કેટલીયવાર સુધી એક રૂપિયાનો સિક્કો નાખ્યા કર્યો અને ડબ્બામાંથી તે સિક્કો બહાર નીકળ્યા કર્યો. ફોન જોડાતો જ નહોતો. ગજોધર થાકીને પાછો પાટિયે બેસી પડ્યો. અંદરનો અજંપો તેના ચહેરા પર ફરી વળ્યો. તેણે ફરી ઊભા થઈને ફરી એક વખત રૂપિયાનો સિક્કો નાખી જોયોે. આ વખતે સામેથી એક ભારેખમ અવાજ સંભળાયો : ‘હેલ્લો... સમસ્યા-નિવારણ કેન્દ્રમાં આપનું સ્વાગત છે. અમો આપની સેવામાં હાજર છીએ... આપની ફરિયાદ, સમસ્યા કે સવાલ નોંધાવશો.’ અવાજ કાને પડતાં જ ગજોધર એકાએક સાવધાનની મુદ્રામાં ઊભો રહી ગયો. – ‘હેલાઉ...હેલાઉ...હું દીનાપુરથી બોલું છું... હેલાઉ... હેલાઉ... હા જી સાહેબ....ગામ દીનાપુર...જીલ્લા સુખીપુર...નામ ગજોધર વનમાળી...’ દરેક શબ્દના છેલ્લા અક્ષરને લંબાવતો ગજોધર વધુ સાવધાન થઈ ગયો. .... ‘હા સાહેબ, મને તો તમારો અવાજ આવે છે ચોખ્ખો... હેલાવ... મારો અવાજ સંભળાય છે? હા, સાહેબ... હું દીનાપુરનો ગજોધર... છેલ્લા કેટલાય વખતથી દર પંદર દા’ડે અઈ વાત કરવા આવું છું તે જ ગજોધર....’ ..... ‘હા,...તો તો ગઈ ફેરા જુદા સાહેબ હશે... દર ફેરે જુદા જુદા સાહેબો હોય છે તે આખો કેસ નવેસરથી સંભળાવો પડે છે સાહેબ! મારા પોતાના માટે તો કશું લેવા-કે’વાનું નથી પણ આ લોક માટે ભેખ ધરી લીધો છે સાહેબ... આમ તો અહીંથી થોડે દૂરના ગામડે રહેતો’તો...આપડે તો શે’૨ પણ જોયેલું, થોડું બહાર ફરેલા છે સાહેબ, તે દુનિયાની થોડીઘણી ગતાગમ પડે છે; પણ એકવાર કોઈક કામે આ બાજુ આવવાનું થયેલું ત્યારે આ લોકને મળવાનું થયું. આ લોકની પીડા જોઈ ને સાહેબ, ત્યારથી એમના માટે કશું કરવાની ધખના જાગી. આ જગા જોઈ હોય સાહેબ તમે...શરત મારી દઉં.. એકવાર પેઠા કે આ લોકની મદદ વિના બહાર ન નીકળી શકો એટલું જંગલ છે આસપાસ... અંતરિયાળનું ય અંતરિયાળ! નંઈ સારું ખાવાનું. નંઈ હરખું પે’રવા ઓઢવાનું... કંઈ ના મળે સાહેબ! થોડા વખતથી આ દીનાપુરમાં જ ધૂણી ધખાવી લીધી... સમાજસેવા કરવાની લગની લાગી ગઈ સાહેબ! આપણો હોય કે પારકો, આખરે માણહનો સમાજ...’ ..... ‘...હા હા ખરું કો’છો તમે સાહેબ! તમે પણ સેવા જ કરવા બેઠા છો.. ખરુંં જ સ્તો! હા, હા, મૂળ વાત પર જ આવું છું. જો કે વાત તો આ પહેલાં મેં કેટલીયવાર કરી છે. બધી ય વાતનાં મૂળિયાં તો વાતમાં જ ને સાહેબ! ગયા વખતે એક ભેખડ ધસી પડેલી. બે માણસ પૂરેપૂરા અંદર સમાઈ ગયા’તા... પણ સાહેબ, બે નઈ, બાર જ કો’ ને! દટાઈ મર્યા એ જ બે બાપડા એમનાં ઘરનાનાં પાંચ-પાંચનું પેટ ભરનારા હતા. એ વખતે મેં ફોન કરેલો સાહેબ! ત્યારે વાત તો એટલી જ હતી કે એમનાં ઘરનાં બિચારા મરેલાં માણહાં માંગતા’તા... મને વળી તુક્કો સૂઝેલો કે મશીન મગાવવામાં આવે તો લાશો કાઢી શકાય તે મેં એમને કહ્યું ત્યારે મને કેટલુંય કરગર્યા બાપડા. કહે કે ફૂણ કરો, મસીન મંગાવો ને અમારા લોકને બા’૨ કાઢો તો અગની પામઅ... એક જણું તો બોલેલું કે જીવન તો અવગતિયે ગિયું ને પછી જીવ હોતે અવગતિએ જસી...સાહેબ, મેં લાગલગાટ બે-બે દા’ડા આવી આવીને ફોન કર્યાં. પે’લા દા’ડે કોઈએ ઊપાડ્યો; પણ મશ્કરી કરી હોય એમ ‘હી હી હી’ કરતોક ફોન મૂકી દીધેલો.... ને બીજા દા’ડે તો હાંજ લગી ‘આવે છે... આવે છે...’ એમ કે’તા ૨’યા પણ કોઈ ના આવ્યું સાહેબ! હેલાવ... સાંભળો છો ને સાહેબ?’ .... ‘ના. ના સાહેબ! હવે એ મડદાંનું તો કંઈ નથી. પણ આ ફેર મડદાંની નંઈ, જીવતાં માણસની વાત કરવાની છે સાહેબ! બાકી મડદાં વખતે તો તમે એવો જવાબ આપી જ દીધેલો કે હઉ પોતપોતાનું ભાગ્ય લઈને જન્મે ને મરે. કોઈને આગ મળે તો કોઈને માટી...પણ સાહેબ, આ હિસાબ મને નથી સમજાતો કે આખું જીવતર આગમાં ભડકો થતું રહે ને પછી તે જ માણસ મડદું બની જાય ત્યારે તેને તેના ભાગની આગ ના મળે! બિચારાં...તેના ઘરનાં તો ટેકરો થઈ ગયેલી જગા આગળ બેસી રહ્યાં પાંચ-પાંચ દા’ડા લગી. હું પોતે છેક કેટલું ય ચાલીને અઈ લગી આવું છું ફોન કરવા.. અઈ કોઈ ભણેલું ગણેલું નથી સાહેબ... હજી કશું ય પહોંચ્યું નથી આ જગાએ ...ને જે એકાદ-બે જણે આવાં ફોનના ડબલાંને જોયાં છે તે તો કહે કે ફૂણની હામ્મે આપણું તે કૂણે હોય? ન...હલાઉં હલાઉં કરવા દોક રૂપિયા નાંખીએ તે બે પડીકીઓ લઈને ના ખઈએ ટેસથીન...’ ..... ‘અરે, ના ના સાહેબ...મડદાંવાળો જવાબ તમે આપેલો એવું નથી કે’તો...તમે એટલે તમે પોતે નંઈ પણ તઈ બેઠેલા હતા તે – તંઈથી. મેં ના કહ્યું? કે દર ફેરે જુદા જુદા સાહેબો બેસતા’તા..?! એમાંથી જ હશે કોઈ!’ એકાએક ‘ટુ..ટુ...ટુ.’ ના એકધારા અવાજથી ગજોધર ભોંઠો પડી ગયો. તે સહેજ બી ગયો – સાહેબને લાગ્યું હશે કે તેમના પોતાના પર આરોપ મૂક્યો મેં... પણ તરત જ તેને થયું કે પોતે સ્પષ્ટતા તો કરી જ લીધી છે કે ‘તે’ એટલે તે નહીં. તો પછી બીવાનું કેવું? ગજોધરને પરસેવો વળવા માંડ્યો પણ પાછું તેને યાદ આવ્યું કે સેવા કરવામાં આમ બી મરીએ એ ન ચાલે. પછી બીજો વિચાર આવ્યો કે કદાચ સમય પૂરો થઈ ગયો હોય ને એટલે જ ફોન કપાઈ ગયો હોય! તેને યાદ કરી જોયું. તેની આંખોએ સમય બરાબર નોંધ્યો હતો, ના... ખાસ્સી સેકન્ડો હજી બાકી હતી. બાકી અમુક સેકન્ડ પછી તરત જ સિક્કો નાખી દેવાનું પણ તેને બરાબર જ યાદ રહે છે. ગજોધરે ફરી એક રૂપિયાનો સિક્કો નાખ્યો. આ વખતે પણ રિસાયેલા રિસિવરે ન તો કોઈ અવાજ સંભળાવ્યો, ન તો ‘ખણણણણ...’ અવાજ કરતો રૂપિયાનો સિક્કો પાછો પડ્યો. ગજોધર ફરી એક વાર ભોંઠો પડી ગયો. થોડીક ક્ષણો સુધી ઓશિયાળા મોંએ લાલ રંગના ફોનને તાકતો ઊભો રહ્યો : ‘મારું હાળું આ ડબલું ય હવે તો રૂપિયો ગળતું થઈ ગયું લે!’ કાનજી ખી ખી ખી ખી કરતો હસી પડ્યો. ગજોધરે ફરીથી એક રૂપિયાનો સિક્કો નાખ્યો. રિસિવરમાંથી એક કર્કશ અવાજ તેના કાનને અથડાયો. ‘હા, સાહેબ! હમણાં વાત કરતો’તો તે જ, દીનાપુરથી ગજોધર વનમાળી... ખરું થયું, વાત કરતા’તા, ને રૂપિયો અંદર હતો તો ય અધવચ્ચેથી કપાઈ ગયો’ તો ફોન. ને પાછો પછી રૂપિયો નાંખ્યો તોય વાત ના થઈ...’ .... ‘ખોટો રૂપિયો? ના, ના સાહેબ! રૂપિયો ખોટો હોય એવું કઈ રીતે બને? અહીં તો આખા દિવસમાં બસ જ એકવાર આવે છે તંઈ ખોટા રૂપિયાના ઢગલા કરવા કોણ ટ્રકો લઈને આવાનું હતું સાહેબ? હા હા હા...હા, કાચી કેડીએ કેટલું ય ચાલો ત્યારે એક સડક દેખાય ને પાછું તેના પર કેટલું ય ચાલો ત્યારે કોઈ પૈડાં દેખાય સાહેબ.......... હા, હા સાહેબ... સમય નથી બગાડતો, મૂળ વાત પર જ આવું છું.. આ દીનાપુરના છોકરાઓ જાણે મરવા વાંકે જીવે છે સાહેબ! ખાલી પેટમાં દાણા નથી તંઈ પોષણ શેનું મળે?... દોરડી જેવા ટાંટિયા લઈને ફરે છે, સાહેબ! જુઓ તો અરેરાટી થઈ જાય... સારા ખોરાકની જરૂર છે આ લોકને. બાળકોની સંગાથે બૈરાંઓને હોત...સુવાવડોમાં તો કંતાઈ જાય સાવ. ને પાછું દવાખાનું નંઈ, ભાતભાતના બાવાઓ ને જાતજાતની માઈઓ! ને એક બીજી વાત...બૈરાં બા’૨ જાય બિચારાં... અંધારામાં જવાનો એ લોકને કોઈ ભો નથી સાહેબ... પણ બીક તો એ લોકને અજવાળાની લાગે છે. પેટમાં આંટીઓ લઈ બેસી રે’...ને હજી એક બીજી વાત સાહેબ, એક નિશાળના ઓરડા બની જાય તો ઘણું થઈ જાય. અહીં તો એક તળાવ જ સહુનું માઈ બાપ છે. વરસાદમાં બહુ અઘરું પડે, લીલ બાઝી જાય. બૈરાંના પગ લપસી જાય, ભગવાને એ લોકને પણ તરસ આપી છે ને કાળી ભૂખ આપી છે તે શું થાય? પાણી પીધે જ છૂટકો! તો વરસાદમાં તો અહીંનું લોક માંદલું જ રહે સાહેબ. ને આ લોકની દવા પછી ભૂવાની ભભૂત!’ ..... ‘હા, સાહેબ, તમારી વાત સાચી કે પીવાના પાણી ને વીજળીનો વાયદો કરનાર માણસો બીજી પાર્ટીના હતા. પણ એ લોકો તો હારી ગયા છે. પણ સાહેબ, આ વસ્તી તો તમારી કામગીરીની જગામાં આવે છે! ને ચૂંટણી વખતે તમારા માણસો પણ સુખીપુરામાં આવેલા. હું હતો ત્યાં સાંભળવામાં. મારા આ ગામનું નામ નહોતું લીધું, પણ તમારામાંના કોઈકે લાઉડસ્પીકરમાં એવું કહેલું સાહેબ, કે સુખીપુરા જિલ્લાનાં જેટલાં પણ ગામ છે તે બધાંને સગવડો પહોંચાડવામાં આવશે. બસ, આટલી વાત પહોંચાડવાની છે સાહેબ. કઠણાઈ તો એ છે કે આ જંગલ વિસ્તારમાં વસ્તીની ભાળ કોણ લે? કેટલુંય ચાલીને આવું છું ત્યારે આ ફોનનું ડબલું દેખાય... કોને કહેવું? શું કરવું? રોજ રોજ મુંઝારો થાય છે...’ .... ‘હા, હજી તો વાર છે બીજી ચૂંટણીને, પણ આ વસ્તીનાં લોક નામ વાંચશે ત્યારે તમારા લોકના નામ સામે નિશાન પાડશે ને સાહેબ!’ .... ‘દીનાપુરની કુલ વસ્તી? હા સાહેબ. લખી લ્યો. કુલ એકસો ને બાર હતા. બે મડદાં થઈ ગયાં. હવે એકસો ને દસ માણસો પૂરા...’ – ‘ટુ... ટુ... ટુ........................’ ગજોધર મોટે મોટેથી બોલતો રહ્યો : ‘હું દીનાપુરથી બોલું છું...’ ગજોધરે ખાલીખમ આંખે રામુ સામે જોયું. રામુ સપાટ ચહેરે ગજોધરને જોઈ રહ્યો.. આ વખતે રામુએ ‘ફઈઈઈઈ..’ કરતું હાસ્ય નહોતું કર્યું, તો ય જાણે ક્યાંય સુધી લાલ રંગના એ ડબલામાંથી ‘ફઈઈઇઈઈ...’ કરતું હાસ્ય ગજોધરના કાનને સંભળાતું રહ્યું!