પન્ના નાયકની કવિતા/પ્રભુની ચાલે અનંત લીલા
૩૦. પ્રભુની ચાલે અનંત લીલા
પ્રભુની ચાલે અનંત લીલા
નહીં કોઈ ખૂણાખાંચા ક્યાંયે નહીં દીવાલ, ખીલા,
પ્રભુની ચાલે અનંત લીલા.
પંચમહાભૂત અદ્ભુત અદ્ભુત
કરે નિરંતર ખેલ
વૃન્દગાનમાં બધાંયે તત્ત્વો
સહજપણે સામેલ.
માનવ, પશુ ને પંખી જંતુના નિજના કુટુંબ-કબીલા,
પ્રભુની ચાલે અનંત લીલા.
ઘાસ ને વાદળ, ઝાકળભીની લહર,
ઝીણેરી જ્યોત...
કિરતાર પોતે કબીર થઈને
વણે મુલાયમ પોત.
અદૃશ્ય રહીને દૃશ્ય દૃશ્યનાં ગુંજે ગીત અખિલા,
પ્રભુની ચાલે અનંત લીલા.