પન્ના નાયકની કવિતા/મુકાબલો
૧૧. મુકાબલો
અશોકવાટિકામાં સીતા
અને
શોકવાટિકામાં હું
શંકાના દસમાથાળા રાવણનો
મુકાબલો કર્યા કરું છું.
સેતુબંધ કરી શકે એવો
રામદૂત હનુમાન પણ ક્યાં છે?
મારામાં
બાળનારું ઝાળનારું
એવું તે કયું તત્ત્વ હશે
કે
જે વૃક્ષની છાયા નીચે બેસું છું
એ વૃક્ષ સળગી જાય છે.
રામે કરેલી અગ્નિપરીક્ષાનું તો એક ગૌરવ પણ છે.
પણ
રાવણ જ્યારે અગ્નિપરીક્ષા કરે
ત્યારે
મારામાં રહેલી નારીને
વેશ્યાનો હાથ પકડીને
રાવણને તમાચો મારવાનું મન થાય છે.