પન્ના નાયકની કવિતા/લાગે છે
૧૦. લાગે છે
આ અમેરિકા
એમાં ફિલાડેલ્ફીઆ
એમાં ૯૦૩૪ Lykens Lane
એમાં મારું ઘર
એમાં રસોડું
મારી જિંદગીને કેમ કરી સ્વીકારું, કેમ કરી છોડું?
ક્યારેક મને લાગે છે કે રસોડાની બહાર શું મારી દુનિયા
નથી?
લાઇબ્રેરીમાં કામ કરું છું
પણ ક્યારેક મને લાગે છે કે
હું money making machine છું.
આ બધામાં શોધું છું હું ખોવાઈ ગયેલી પન્નાને
બેડરૂમની દીવાલમાં તો એક હાડપિંજર ચણાઈ ગયું છે.
મારું કહી શકાય એવું મારું કોઈ નામ નથી.
મારું કહી શકાય એવું મારું કોઈ સરનામું નથી.
આ તો હું જ મને કાગળ લખું છું ને ફાડી નાખું છું
જિંદગીને પણ આટલી સહેલાઈથી...