પન્ના નાયકની કવિતા/શબ્દમુદ્રા
હું જોયા કરું છું.
મારી નજર
ભેગી કરે છે
શબ્દની
અનેક સુવર્ણમુદ્રાઓ.
આ મુદ્રા પાછળ
ધબકે છે
નિતનવાં સંવેદનો.
મને
ચહેરાઓ ગમે છે.
હું
મારા ચહેરાને સાચવીને
અનેક ચહેરાઓ આંખમાં
એકત્રિત કરું છું—
કોઈની પણ
સેળભેળ થાય નહીં એમ.
દરેક ચહેરાને
પોતાનું સૌન્દર્ય હોય છે.
ગમી જાય છે
કોઈની આંખ
કોઈના હોઠ
કોઈનું નાક
કોઈના કાન
કોઈની કેશછટા.
એટલું જ નહીં
ક્યારેક ગમી જાય છે
કોઈની અદા
કોઈની અદબ.
મને સંસાર
હંમેશ અજબ લાગ્યો છે.
મારી આંખ તળે
અચરજના કેટલાય કૂવાઓ છે.
આ કૂવાઓમાં
મારું વૈકુંઠ છે
મારું વ્રજ છે.
કોઈક બાંકડા પર બેઠેલો
માણસ મને ગમે છે
કારણ
એ એની સૃષ્ટિ લઈને જીવી શકે છે
એકલતાની દરિદ્રતાથી પીડાતો નથી—
પણ
એકાંતની સમૃદ્ધિથી
એનો સભર ચહેરો
સહેજે છાનો રહેતો નથી.
કોઈ પાર્ટીમાં
મહેફિલ માણતા માણસો
સાથે રહીને હસતા માણસો
બેવડ વળીને તાળી આપતા માણસો.
જીવનને ઘૂંટડે ઘૂંટડે પીતા માણસો
રાતમાં રણઝણતા માણસો–
આ બધા
મારા મન પર
અવનવી મુદ્રા ઊપસાવે છે.
કોઈક સ્ત્રી
નિરાંત જીવે
પથારી પર
માત્ર છતને ઓઢીને સૂતી છે.
એની આંખોમાં
નથી કોઈ અસહાયતા
કે
પ્રતીક્ષાનો ભાવ.
એના જીવનમાં
નથી અભાવ
કે
અછતનો ભાવ.
આવી સ્ત્રીને
હું
મારામાં કંડારી લઉં છું.
એવું નથી
કે
માત્ર માણસો જ ગમે છે.
આંખ તો
પ્રકૃતિનું પારાયણ કર્યા કરે.
મને સમુદ્ર ગમે છે
અને
ગમે છે ખડક
ગમે છે હોડી
ને
હોડીમાં બેઠેલા માણસો.
હોડીને પણ હાથપગ હોય છે
માણસો જેવા જ.
એના પગનાં તળિયાં દેખાતાં નથી.
પણ
હલેસાં એના હાથ છે.
મારી પાસે
મુદ્રાઓનું
એક વિરાટ નગર છે.
એમાં
ક્યાંય ઘોંઘાટ નથી.
હું
આ નગરની
નાગરિક છું
યાત્રિક છું.