પરકમ્મા/ટાંચણનાં પાનાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ટાંચણનાં પાનાં

લોકસાહિત્યને ખેડતાં ખેડતાં આજ ચોવીસેક વરસની અવધ થઈ. પત્રકારત્વને ધંધાર્થી ખીલે બંધાયાં બંધાયાં, ગળે પડેલી રસીએ જેટલે કુંડાળે ભમવા દીધો તેટલો પ્રદેશ ખેડી શકાયો. એકધારું અને અવિચ્છિન્ન એ ખેડાણ થઈ શક્યું હોત તો વધુ વાવેતર ન કરી શકાયું હોત! લોકપ્રદેશ જેટલો જોયો તેથી દસવીસ ગણો જોઈ ન શકાયો હોત! ચારણોને, બારોટોને, વાતડાહ્યાં અન્ય માણસોને, રાસડા ગાનારી ને કથાઓ કહેનારી માતાઓને, બહેનોને, તુરીઓને, ભજનિકોને, દરબારોને, મુસદ્દીઓને, પોલીસ નોકરીઆતોને, ઘાંચીને, મોચીને, માળીને, મીરને, રખેહરને, જેટલાને મળાયું તેના કરતાં પચાસગણી વધુ સંખ્યામાં મળાયું હોત તો આજે ભરાયાં છે તેના કરતાં કેટલાં વિશેષ પાનાં, મારી ટાંચણ–પોથીઓનાં ભરાયાં હોત! પણ જો પત્રકારત્વની સ્ફૂર્તિ ન હોત તો લોકસાહિત્યનો આ રસ જીવતો રહી શક્યો હોત શું? અભ્યાસની જડતા ન આવી જાત? ટાંચણની પોથીઓ આજે મારી સામે પડી છે. કેટલાં પાનાં હશે? બે ત્રણ હજાર તો જરૂર હશે. એ પાનાં કોઈ કોઈ વાર ઉથલાવું છું, અને ચોવીસ વર્ષોના આ પ્રદેશનાં પરિભ્રમણોનું પુનરાવર્તન અનુભવાય છે. એક દળદાર પોથીના પહેલા પાના પર — માગશરે મારગડે રમતાં ભેળાં બેસી ભોજનિયાં જમતાં હરિને હવે નથી ગમતાં રે ભરમ્યા ભૂદર શું ના’વ્યા! એમ માગશર, પોષ, માહ, અને— ફાગણ માસે ફેર ફરે હોળી, નારી પેરે ચરણાં ને ચોળી, કેસુડાં બહુ રે છાંટ્યાં બોળી-ભરમ્યા. એવી લોકવિરહિણીની આખી બારમાસી કોણે ને ક્યારે લખાવી? નામ નથી, તારીખ નથી, સંશોધનની શાસ્ત્રીય પદ્ધતિ શી છે તે હું જાણતો નહોતો. પણ હૈયાની કોરે ટાંકેલ છે નામ ઠામ ને તારીખ. એ તો રાણપુર ગામના હરિજનવાસના ઢેઢ ધૂડાનું ગાયેલું. ધૂડો ઢેઢ ધૂડો અમદાવાદ રળતો. હોળીએ ને ગોકળઆઠમે ઘેરે આવતો. કાને બહેરો, બોલવે દબાતા સાદવાળો, પચાસેક વર્ષનો શ્વેતવસ્તરો ધૂડો, એ બેય તહેવારે ઢેડવાડાનાં નરનારીઓને ઘેલાં કરતો. કડતાલ બજવતો ને છલાંગ મારતો ધૂડો, વિશાળ કુંડાળે ગવરાવતો. એના રાસડા ગરબા ઝીલતી સ્ત્રી–પુરુષોની મિશ્રમંડળી ધૂડાના કરતાં બેવડી ઝુકાઝુક મચવીને ગાતી ઘૂમતી. કોઈ કોઈ વાર ધૂડો ખડીઓ લઈને આવી ઓફિસે ઊભો રહેતો, લખતાં લખતાં માથું ઊંચું ન કરું ત્યાંસુધી ચૂપચાપ ઊભો રહેતો, નજર કરું એટલે માગે : ‘રૂશનાઈ આપો!’ ‘કાગળ આપો!’— ક્યાં છે આજે એ ધૂડો? છેલ્લે છેલ્લે દીઠે બે ત્રણ વર્ષો વહી ગયાં. અંધાપો આવી ગયો હતો. રૂશનાઈ માગી તે આપી હતી કે નહિ? ‘હમણાં કામમાં છું, હમણાં જાવ, પછી આવજો,’ એમ કહીને વળાવ્યો હતો શું? પાછો આવ્યો જ નથી. ક્યાં છે? તપાસ પણ કરાવી નથી. જીવે છે કે નહિ? હરિજનવાસ તો પડોશમાં જ છે, તો યે વાવડ લીધા નથી? ધૂડે તો ગીતો ઘણાં આપેલાં. જીજી બારોટ પાનાં ફરે છે, ધૂડે આપેલ હાલરડાં અને ‘માતાનો વડલો’ વાળું ગીત પાછળ જાય છે, અને એની પડખોપડખ એક ઊલટી જ જીવન–ગતિને ગતિને યાદ કરાવતું પાનું ઊઘડી પડે છે. લખ્યું છે– ‘ભૂચર મોરી.’ મારી ‘સમરાંગણ’ નામની મોટી વાર્તાનો જે મધપૂડો રચાયો તેનું પ્રથમ મધુબિન્દુ મૂકનાર એ કોણ હતું? નામ નથી. મિતિ કે કામ નથી. અન્વેષક ત્યારે અડબંગ હતો! યાદ આવે છે. યાદ આવે છે – જીજી બારોટ. એને લઈને છેક બરડા પ્રદેશથી તે કાળના અમલદાર મિત્ર ભાઈશ્રી મોહનલાલ રૂપાણી આવેલા. યાદ આવે છે મીઠું મોં, મીઠપભરી બારોટ–જબાન, હસમુખો ચહેરો. ટાંચણ આમ છે – “જેસા વજીરની વહુ : થાન લબડે: લૂગડાં ધોવામાં અડચણ : થાન ખંભે નાખેલ : નાગડો ધાવે પાછળ ઊભો ઊભો. “જામ :−જેસા ડાડા! હી જોરાર કીંજે ઘરજી હુંદી! (તૂટેલ આઉવાળી ભેંસ–ગાય ‘જોરાળ’ કહેવાય.) “જેસો :−અંજા ઘા થીંદા ઈ અગીઆં ન્યારજા.” (એના જે ઘા થાય તે આગળ નિહાળજો.) પછી તો દુહા ટાંકેલ છે. ઉપલું ટાંચણ જે માર્મિકતાથી ભરેલ છે તેને વાંચકો નહિ સમજે. પણ મારી નજરે તો એ બનાવ હજી યે બની રહેલો, ચાલુ સ્થિતિમાં, એક સોરઠી નદીને આરે, દેખાયા કરે છે. મારી ‘સમરાંગણ’ની આખી ય વાર્તામાં એ એક જ પ્રસંગે બળ પૂર્યું. સૌરાષ્ટ્રમાં શહેનશાહ અકબરશાહની મોકલેલ સૌપહેલી ચઢાઈ; અને અમદાવાદના અકબરશત્રુ શાહ મુઝફ્ફર નહનુના આશ્રયદાતા સોરઠી ઠાકોરો સાથે એ અકબર–ફોજના ભયાનક જુદ્ધનું નામ ભૂચર મોરીની લડાઈ. ભૂચર મોરી : કોઈ મહાકાવ્ય મહાગાથાને દિપાવે તેવો મામલો : અને એમાં નાયકપદે મૂકી શકાય તેવા સુરાપરા લાડકપુત્ર નાગડા વજીર નામના જે જુવાન પાત્રની માવજત મેં ‘સમરાંગણ’માં ઊઘડતા પાનાથી માંડીને કરી છે, તે પાત્રનું પ્રથમ બીજારોપણ મારી કલ્પનામાં ઉપલા કચ્છી શબ્દો વડે મૂકીને જીજી બારોટ ચાલ્યા ગયા. જીજી બારોટને શામાટે આટલા જલદી વળાવી દીધા? એક તરફથી અખબારના સંપાદનમાં પૂરો સમય આપવો પડતો. બીજી તરફથી છાપાંકામ જેને ભાગ્યે જ પુષ્ટ કરી શકે છે – બલકે હણી નાખે છે – તેવો આ લોકવિદ્યાનો સર્વદેશીય રસ કેળવવાનો હતો. મારો રસ હજુ એક જ પ્રકારની વાર્તાઓમાં નીપજ્યો હતો. ખબર નહોતી કે આ બારોટો ચારણો જે કંઈ અગમનિગમની અડબંગ વાતું કરે તે પણ ભાવિમાં ખપ લાગશે. જીજી બારોટની વધુ વાતો નીરસ લાગી. એમને શ્વાસ ખાવા યે વખત આપ્યા વગર સામગ્રી નિચોવી લેવી હતી! એની સાથે તો મહોબ્બત કેળવવી પડે એ ચાવી માલૂમ નહોતી. આજે ઓરતો થાય છે, કે જેણે કોઈ પણ ગ્રંથમાં કદાપિ ન મળે એવી આ નાગડા વીરની બાલ્યાવસ્થાની વિચિત્રતાની અને સ્તનો પાછળ નાખીને ધવરાવનારી જનેતાની વાત કરી, તે બારોટ એવાં બીજાં પણ ઘણો રહસ્યો આપી શક્યા હોત. જીજી બારોટો વારંવાર ભેટતા નથી. એકવાર ઝબૂકી ગયા પછી કેટલા ય દીવા કાયમને માટે બુઝાઈ જાય છે. વાર્તાકથનની તાલીમ આગળ ઊથલો પાનાં! – ને ટાંચણ આવે છે વાર્તાકથન માટેની તૈયારીનું. વાર્તાઓ તો હું યે માંડતો, એની કહેણી મનમાં ગોઠવતો. દાખલા તરીકે ‘માત્રા વરૂ ને જાલમસંગ’ વાળી સોરઠી પ્રેમશૌર્યવંતોની વિલક્ષણ ભાઈબંધીની વાત (રસધાર ભાગ ૧) કહેવી છે. કચ્છ દેશના એક વીરને વર્ણવવો છે – તો એમાં શરૂઆતમાં આવે એ દેશનું કાવ્ય–વર્ણન : સંભારો કચ્છના દુહા : ભુજ નગર ને કચ્છ ધરા નૈ પીંગળરો પાર, રા’ દેવળનાં રાજ છે, ચાલો જોયેં ચાર. ૧ ભલ ઘોડા, કાઠી ભલા, પેનીઢંક પેરવેશ; રાજા જાદુવંશરા, ઓ ડોલરિયો દેશ, બેરી, બુરીને બાવરી કુલ કંઢા ને કખ; હોથલ હલો કચ્છડે. (જિતે) માડુ સવાયા લખ. ૩ વંકા કુંવર, વિકટ ભડ, વંકા વાછડીએ વછ, વંકા કુંવર ત થીએ, પાણી પીએ જ કછ. ૪ આમ દુહા કહીને વાર્તાની લીલાભૂમિનો ચિતાર ખડો કરવો. પછી એવા કચ્છની એક ઠકરાતનો ઠાકોર ચીંથરેહાલ વેશે, અણઓળખ્યો, કાઠિયાવાડના એક ઠાકોર માત્રા વરૂને ડાયરે આવીને બેઠો છે. એ ડાયરાને ય વર્ણવો જોઈએ ના! માટે ડાયરો આલેખતા દુહા ટાંકવા. પહેલાં તો કસુંબા કઢાતા હોય, અને બેઠેલા વીરોને અમલના કેફ ચડતા હોય— નગારાં ત્રંબક રડે, હોય મરદાં હલ્લ, શિર તૂટે ને ધડ લડે, આયો શેણ અમલ્લ. પછી, એવા અમલનો કેફ કરીને ધીંગાણે ન ચડી શકનાર ઢીલોઢફ આદમીની ગૃહિણીને કેવું લાગે તેનો દુહો— જે મુખ અમલ ન ચાખિયો, તુરી ન ખેંચ્યા તંગ, ફટ અલૂણા સાયબા! આપું તોં કી અંગ! ‘અલૂણા’ (મીઠા વિનાના!) કહીને એવા મરદને ફિટકાર દેતી નારી કહે છે કે, કેફમાં ચકચૂર બની, અશ્વના તંગડા ખેંચી જુધ્ધે ન ચડનારાને હું મારો દેહ શી રીતે રંગરાગમાં આપું! પણ એ તો આ જન્મ પૂરતી કઠણાઈ! આવતે ભવે ય કાંઈ નિર્વ્યસનીને નિરાંત છે! — પરભાતે જેણે ના પિયા ઘાટા કસુંબા ઘૂંટ, તે નર સરજે ઊંટ વેરાગીને બારણે. એવો જરી પરિહાસ : ને તુરત પાછી અમલમાં છકેલા પિયુની લાલ ચટક ચકચૂર આંખોને કબૂતરની રાતી આંખો જોડે સરખાવતી, અને તીર સમી પાધરી કહી બિરદાવતી કામિનીની ઉક્તિ :— પારેવાં જીં રત્તીયું સર જી પાંસરીયું, ઘાટે કસુંબે ઘુંટીયું વાલમજી અખીયું. કાઠિયાવાડી ને કચ્છી, બેઉ બોલીની ગૂંથણી કરીને એ બેઉ પ્રદેશોને સાંકળતી આ વાર્તાનો ઉઠાવ કરવો. અને પછી એવા દાયરામાં ચૂપચાપ અને ગૂમશાન બેઠેલ પેલા ચીંથરેહાલ કચ્છી પાત્રની નિંદરવિહોણી રાત આવે : સૌ ઊંઘે છે. એ જાગે છે. નીંદર કાં ન આવે? નીંદર કોને કોને ન આવે? બોલો દુહો : નીંદર ના’વે ત્રણ જણાં કહો સખિ! કિયાં? પ્રીતવછોયાં, બહુરણાં, ખટકે વેર હિયાં. તો આ પુરુષ એ ત્રણમાંનો કિયો છે? કોઈ પ્રીતવિછોયો–પ્રેમભગ્ન છે? કોઈ બહુરણો–મોટો કરજદાર છે? ના, ના, એ તો ત્રીજી જાતનો છે : ‘ખટકે વેર હિયાં’—એને હૈયે મોટાં વેર ખટકી રહેલ છે. પછી રાતે એ ટાઢે ધ્રૂજતા પુરુષે ઘરની અંદર જઈને શું જોયું? જોઈ એક નારી–પણ કેવી? ટાંકો સુશીલા સોરઠીઆણીનું દુહાચિત્ર – લંબવેણી, લજ્જા ઘણી. પોંચે પાતળિયાં; આછે સાંયે નિપાવિયાં કો કો કામણિયાં. આછે (અચ્છે) સાંયે અર્થાત ભલા ભગવાને કોઈક કોઈક જ નીપજાવી છે તે પૈકીની એક કામની. પીતળ સરખી પીંડિયું હીંગળા સરીખા હાથ; નવરો દિનોનાથ, (તેદી) પંડ બનાવી પૂતળી. આગળીઆં ફળીઆં જસી દાડમ કળીઆં દંત, સ્ત્રોન મેં રેખા સારખી વીજળીમાં વ્રળકંત. એવી સૂતેલ સુંદરીને–પોતાના આશ્રયદાતાની ઘરવાળીને ‘મા–બહેન’ તુલ્ય માની, ફક્ત પલભર દેહની ટાઢ ઉડાડવા માટે એ કંગાલ એના ખાલી પડખામાં સૂઈ ગયો હશે, પ્રભાત સુધી ઘારણ વળી ગયું હશે, રાતમાં પોતાની ધેનુઓને પહર લઈ ગયેલો એ ઢોલીઆના ખાલી પડખાનો ખરો હક્કદાર ધણી પ્રભાતે પાછો આવ્યો હશે, પરપુરુષને ઘરનારી સાથે પડેલો જોઈને એને શું થયું હશે! કેવો પ્રકોપ? ફરકંત ભુજ, થરકંત અંગ અરૂ રોમરાઈ ઉલટે ઉભંગ બસ, એ જ ચરણો, કોઈક વાર્તાકારની વાણીમાંથી યાદ રહ્યાં છે. પ્રવેશ પછી પ્રવેશને આવાં ભાવવ્યંજક સુભાષિતોએ સજાવીને વાર્તા માંડવાની કલા હું યે તે કાળમાં કેળવતો. ગુજરાતે એ વાતો ઉમંગભેર સાંભળી અને ઝીલી છે. વાર્તા ગુમાવી પાનું ફરે છે – શાહીના અક્ષરો તો ક્યારના અદૃશ્ય બન્યા છે, પોણોસો રૂપિયાનો પગારદાર ઈન્ડીપેન ક્યાંથી વસાવી શક્યો હોય! પેનસિલના માખ–ટાંગા જેવા અક્ષરમાં ટાંચણ ચાલ્યું છે— ‘ભોકો વાળો ‘લીળના લાડા જેવા દીકરા ‘વિચિત્ર મુલક, વાળાઓનો પડઘો જબર ‘રૂપાણી શેઠ ‘નાગા બાવાની જમાત. બૂકમાર બંદૂક, શરણાઈના છાડા જેવી નાળી. કાંડા જેવી નાળ્ય : કાં જામગરી કાં ચકમકથી ફૂટે. ગોળીને બદલે લોઢાનો ખેરીચો ભરાય ખોબે ભરીને.’ ‘બંદુક-દેશી. સીસકાન–અરબી. વિલાતી. મકરાણની બૂકમાર. ‘જંજાળ–બહુ લાંબી, લાકડાની ઘોડી ઉપર મંડાય. ‘ખેરીચો, દોકડા, ઢબુ વગેરે ભરાય.’ સમજો છો કાંઈ? ટાંચણ કપાઈ જાય છે. આગળ કોઈ મુદ્દો નથી. તમને વાંચકોને લાગશે અગડં બગડં. પણ મને લાગે છે કે એક સારી વાર્તાને હું હારી બેઠો. ભોકો વાળો, લીળના લાડા જેવા દીકરા, રૂપાણી શેઠ, નાગડા બાવા, અને બૂકમાર બંદૂક : નથી લાગતું કે આટલાં પાત્રો કોઈ પણ એકાદ કથાના આલેખન માટે પૂરતાં હશે? કોણે કરાવી આ નોંધ? યાદ નથી. મેં વારતા ગુમાવી અને તમને તુંબડીમાં કાંકરા. સરસ્વતીનું ચારણ–સ્તવન પાનું ફરે છે. સ્તુતિ આવે છે. સરસ્વતીનું ચારણી ઉદ્‌બોધન : ‘ચિંતા બિઘન બિનાસિની ‘કમલાસની શકત્ત! વીસહથી હંસવાહની ‘માતા દેહુ સમત્ત! ‘વંદું આદ્ય અનાદ્ય તુંહિ ભવાની. ‘તુંહિ જોગમાયા, તુંહિ બાગબાની! ‘તુંહિ ધરની આકાશ વિભુ પસારે, ‘તુંહિ મોહમાયા વિષે સૂલ ધારે. ‘તુંહિ ચાર વેદં, ખટં શાસ્ત્ર બાની, ‘તુંહિ જ્ઞાન વિજ્ઞાન મેં સર્વ જાની. ‘તુંહિ રાગ રાગાન ભેદે પુરાની ‘તુંહિ જંત્રમે મંત્રમેં સર્વ જાની ને પાછલે પાને વેરાયાં છે, હાડપિંજરનાં વેરવિખેર અસ્થિ જેવાં, કેટલાક દુહાનાં ત્રૂટક ચરણો. એક ચરણ આ રહ્યું — ‘અંતર જી તાંત્યું કરું.’ બાકીનાં ત્રણ ચરણો કયાં? આંતરડાંનાં તંતુઓ કરીને વાદ્ય બજાવવાનું કોની વલ્લભાએ મન કર્યું હશે? કયા તીવ્ર ઊર્મિસંવેદનનો પ્રસંગ હશે? ‘હીરના આંટલા જેવા હાથ’ કોના? કઈ સુંદરીના? પૂછો સ્ત્રીને ટાંચણમાંથી જવાબ જડતો નથી. અને આ વળી કઈ વિજોગણની હૃદય–વસમાણ દાખવતું ખંડિત ચારણ ત્રોટક પદ? રણમેં લરનો ગિરિસેં વિરનો અસિધાર પે સેન સદા કરનો નભમેં ફરનો અગનિ ઝરનો એમ પાય પનંગ સિરે ધરનો; વખસેં મરનો દધિકો તરનો અરૂ કાશ કરત્ત સિરે ધરનો, સબ સેલ ઘણો, અરૂ એક બૂરો પતિસે પલ એક જુદો પરનો. રણમાં લડવું, ગિરિથી પડવું. તલવારની ધાર પર સૂવું, નભમાં ફરવું, અગ્નિ ઝરતો હોય તેમાં જવું, સાપને શિર પર મૂકવો, વિષથી મરવું, દરિયો તરી જવો, અને કાશીનું કરવત શિરે ધરવું, એ બધું સહેલ; પણ મુશ્કેલ ફક્ત એક પતિથી પલનો ય વિયોગ! સાચું હશે? સ્ત્રીને ખબર! ફરી પાછું ‘ભૂચર મોરી’ અને એજ વીરભદ્ર નાગડા વજીરનો, એના સમર–મૃત્યુને બિરદાવતો દુહો– ભલીયું વણ ભલા નાગડા! નર ન નીપજે. જોયો જોમાના, કાં કમ્મર કુંતા તણે. ભલી ભોમકા વગર, કુળવાન માતાની કૂંખ વગર સાચો નર ન નીપજે. હે નાગડા! મેં તો એવા બે જ જોયા. કાં એક જોમાને પેટે તું જન્મ્યો, ને કાં એક કુંતા માતની કૂંખે ભીમ પાક્યો.

વાહ વા! માતાની યશોગાથા મળી. અને એ નાગડાની જનેતાનું નામ મળ્યું. જોમાબાઈ એ નામ પુસ્તક લખતી વેળા મને ન જડ્યું – સાંભર્યું. સમરાંગણની આખી કથા એ જનેતાના નામ વગર રહી ગઈ. કેવી ગફલત! નોંધપોથીઓ પૂરી વાંચી નહોતો ગયો. ​

વાર્તાનાં અસ્થિ વળી પાછાં દુહા–ચરણો :— ‘ચંદણ પડ્યું ચોકમાં ઈંધણ મૂલ વેચાય.’

‘ધોબી વસ કર ક્યા કરે ડીગંબરને ગામ!’ આ તે કઈ કઠેકાણે પડી ગયેલ વ્યક્તિનો ઉલ્લેખ હશે? વારતા ગુમાવી લાગે છે. પાછાં ખંડિત ચરણો– ‘મોતી થઈ ગ્યાં ઝેર.’

‘મોતી મીઠાંનાં ગાંગડા, ‘નરસાં લાગે નીર; ‘મનહર કોઈ મળે નહિ. ‘સાંસો પડ્યો શરીર.’ જવા દો. પણ આ વળી શું? ‘પાડાની જીભ જેવી કટાર.’ કટારીને ઉપમા કેવી ફક્કડ આપી! પણ એ કટાર ધારણ કરનારા પાત્રનો પતો જડતો નથી. તુરત નીચે— ‘પીંજરાના ધોકા જેવા હોઠ-એવાં ભીલડાં.’ એની નીચે વળી આ વિનોદોક્તિ— ‘ઈસલો માળી ‘એને નૈ ગરિયો નૈ જાળી. ‘મામદ વોરો ‘એને નૈ સો નૈ દોરો. ‘વલી વાંઢો ‘એને નૈ ઢોર નૈ ઢાંઢો.’

‘બબે પુળા જેવી મૂછ્યું’

‘સડડડ નિસાસો નાખ્યો,’

‘પરભુ છાબડા માથે આવ્યો.’ કોઈક વારતાનાં જ વેરણ છેરણ હાડકાં લાગે છે. વારતાને મેં ગુમાવી છે. દર અઠવાડીએ પાનાં ફરે છે, ગીતો વહે છે, પેનસિલનો વેગ અને અક્ષરોના મરોડ એવો ભાસ કરાવે છે કે જાણે દોડતી ટ્રેનમાં ગીતો ટપકાવ્યાં હશે. પ્રવાસે તો દર શુક્રવારે પરોઢની ટ્રેનમાં ચડી જતો. એવું એક પરોઢ–ચાર વાગ્યાનો સમય સાંભરી આવે છે. અંધારિયું હતું. સ્ટેશને ઊભો હતો. ગાડી આવી. અને ઘેરથી પાછળ સ્વ.........દોડતી આવી. ‘આ લ્યો ઘડિયાળ : ભૂલીને આવ્યા છો!’ પૂછ્યું : અરે, આ ભયાનક અંધકારમાં તું છેક ઘેરથી આવી શી રીતે? કહે, ચાલતી, દોડતી! રાણપુરનો ઘરથી સ્ટેશન સુધીનો મારગ, તે વેળાએ તો આજે છે તેથી ય ભેંકાર હતો. ફાળ ખાતો ગાડીએ ચડ્યો હતો. તાજી પરણેતર, મુંબઈ શહેરની સુકુમારી, એક બાળક, બન્નેને ફફડતાં મૂકીને, નીરસ ધૂડિયા વાતાવરણમાં ધકેલી દઈને, દર અઠવાડીએ ચાલી નીકળતો. પાંચાળનો પ્રવાસ પાનું ફરે છે. ટપકાવ્યો છે. ‘પાંચાળનો પ્રવાસ.’ યાદ છે, અમૃતલાલભાઈ શેઠ સાથેનો એ મોટરમાં શરૂ કરેલો પ્રવાસ, લોકલ બોર્ડમાં શેઠ પ્રેસિડેન્ટ હતા. પોતાની સાથે મને પણ પાંચાળ જોવા લીધો. વર્ણન પણ મેં મોટરિયું જ માંડ્યું છે— અણીઆળી, કેરીઆ, ધારપીપળા, સાંગણપુર, લોયા, નાગડકા, ચોરવીરા, ભડલા, નોલી, સાંગોઈ. ગંગાજળ, ગોરૈયા… ગામ પછી ગામ. અને એ ગામોનાં નામો સામે ટૂંકી નોધો છે– ‘—ગરાસીઆ વિલાસી, નિરૂદ્યમી.’ —કાઠીઓ ગરીબ, વિનયશીલ. —કાઠીઓ તોફાની, વસ્તીને સંતાપનારા. —નિશાળની જગ્યા પણ ન આપે. —…વગેરે કાઠી : ડાંખરા, બદમાશ : સ્ત્રીઓને પાણીનો ત્રાસ, કઠોડો જાહલ. નિશાળ સારી. —કાઠી સારા, પાણીનું દુ:ખ. —ઊભી દાઢીવાળા સતજુગીઆ કાઠી, વિસામણ ભગતનો પીપળો. પનીહારીઓ કહે કે ‘પાણી આંઈ કેમ ખૂટે? આંઈ તો વીસામણ ભગતનો પીપળો છે. ખબર છે?’ ઝેરની બીક ઓરી નામના ગામનો પ્રસંગ, જેમાં હીંગોળગઢેથી જસદણ દરબાર સાહેબ પણ અમારી સાથે થયા હતા, તેનું ટાંચણ રસભર્યું છે– ‘અમરાભાઈ તથા તેના બાપ રૂખડભાઈ, ભોળીઆ : જુની રખાવટ : ડીલ ઉપર લોહી હિલોળા લ્યે : હાથખેડ કરે. જસદણ દરબાર સાહેબ માટે ચા— ‘અમરા, પેલો તું પી, પછી હું પીઉં, પછી બાપો પીએ.’ સમજાય છે? બાપદીકરાએ પોતે પકાવેલી ચાનું આખું તપેલું ત્યાં આણ્યું, પહેલું છાલિયું બુઢ્ઢા કાઠીએ પોતાના જોધાર પુત્રને પાયું, પછી પોતે પીધું, ને પછી જસદણ દરબાર સાહેબને એજ તપેલામાંથી કપ ભરીને આપ્યો. કારણ? કારણમાં કરુણતા રહી છે. ગાદીના ધણીઓને ઝેર દેવાતાં, તે કર્પીણ કાળનો, આ આજ સુધી ચાલ્યા આવતા રાજવળાંના રિવાજમાં પડઘો છે. આજે પણ ઠેર ઠેર મેં જોયું છે, કે રાજવીને ઘેર રાજપુત્ર જ્યારે પરોણો હોય ત્યારે યજમાન રાજવી એ પરોણાની સાથે પોતાના જોબનજોદ્ધ પુત્રને જમવા બેસારે. પહેલો કોળીઓ એ યજમાન–પુત્રને આરોગવાનો હોય. સોરઠીઆણીની દશા મનના મધપૂડાનાં છિદ્રો પછી છિદ્રો આવી વિલક્ષણ અસલવટો વડે પુરાતાં જાય છે, સોરઠી મધ્યયુગી જીવનનું જે વાતાવરણ મારે મારી કથાઓમાં સર્જાવવાનું હોય તેની પરિપુષ્ટિ આમ થતી આવેલી. અને મદભરી સોરઠીઆણીમાં જૂનાં પાત્રોની વર્તમાનમાં થઈ રહેલી અવદશાનો આ ચિતાર પણ ગામડે ગામડે મળી રહેતો, જેના બળે હું અવાસ્તવની આસમાનીમાંથી ઊગરી ગયો છું. ‘મોટા માત્રા ગામ : ૫૦ હાથ ઊંડો કૂવો : તળીએ વીરડા જેટલું પાણી : કેડ્યે રાંઢવું બાંધીને કાંઠેથી એક નાની છોકરી અંદર ઊતરી છે : એ ત્યાં તળીએ ઊભી ઊભી ડોલ ભરે છે. આ ડોલ ઉપરથી સિંચાય છે, કાંઠે પનીહારીનાં બેડાં એ ડોલે ડોલે ભરાય છે. કૂવાને કઠોડો નથી.’ આજ એ વાતને અઢારેક વર્ષ થયાં હશે. આવું આછુંપાતળું ટાંચણ પણ એ કઠોડા વગરના એકાકી કૂવાને તળીએ તબકતા ચાંદરડા જેટલા એ પાણીને તળીએ ઊભી ઊભી ડોલો ભરી દેતી એ છોકરીને અને વેદનામૂર્તિ, મૂંગી, ગંભીર કાઠીઆણીઓને મનના વેરાન વચ્ચે તાદૃશ કરી આપે છે અને— કાઠીઆણી કડ્ય પાતળી હલકે માથે હેલ્ય; બરડા હંદી બજારમાં ઢળકતી આવે ઢેલ્ય. ઓદરથી ઉરે સરસ, નાકનેણનો તાલ; ગૂઢે વસ્તરે ગોરિયાં, પડે જોવો પાંચાળ. એવી એવી મેં એકઠી કરેલી આ કંકુવરણી ભોમકાની સૌંદર્યખ્યાતિનાં ચાંદૂડિયાં પાડતો વર્તમાન પાંચાલ નજરે તરે છે. ચિત્રાકૃતિઓની મદદ ગામવાર ટૂંકાં ટાંચણ છોડી દઉં છું, એ ડુંગરીઆ ગઢકિલ્લાના અવશેષોને યાદ રાખવા માટે મેં કોઈ અફલાતૂન ચિત્રકારની અદાથી દોરેલાં ચિત્રોને નીરખતો આગળ વધું છું. ભીમોરાનો ગઢ ચીતર્યો છે, નિનામાના ગઢને એક નદીકાંઠે ઊભો કર્યો છે, ઊંચી ઊંચી ભેખડ પર ઊભેલું અમારા સ્વ. કાઠી મિત્ર દરબાર શ્રી કાંથડ ખાચરનું રેશમીઉં આ કળાકારની પેનસિલને લીંટોડે ખડું થયું છે. ઠાંગનાથ મહાદેવની એક દેરીને એક ડુંગરના પેટાળમાં ધજા સહિત દેખાડી છે. પ્રશ્ન ફક્ત એટલોજ રહે છે કે મેં આલેખેલું એ તે ડુંગરનું પેટાળ છે કે કોઈ સ્ત્રીનું ઝંટિયે ઝૂલતું માથું છે, એ તો સોવીએટ કલાકારોની કદરનો વિષય છે. ભવિષ્યમાં કોઈ ભક્ત મારી આ હસ્તપ્રતને પણ મોસ્કો નહિ લઈ જાય? શિવજીના પોઠીઆ ખેર! આ બાબત, હું આજે બનાવી રહ્યો છું તેવી તદ્દન પરિહાસની નથી. આ આકૃતિમાં મેં ઠાંગનાથ મંદિરેથી ગામ તરફ લંબાતી જતી એક ધારની ટોચે સિલસિલાબંધ ઊભેલા પથ્થરો બતાવીને ઉપર લખ્યું છે : ‘પોઠીઆ.’ મને યાદ છે. માર્ગે દોડી જતી અમારી મોટરમાં સ્વ. કાંથડભાઈએ અને અમૃતલાલભાઈએ મોં મલકાવીને મને પૂછ્યું હતું, ‘જુઓ તો ખરા, તમને અહીં આસપાસ કંઈ રહસ્ય દેખાય છે?’ બેઉ હસે, મને ગતાગમ ન પડે, પછી અમૃતલાલભાઈ કહે, તારી રસધારની કથામાં તેં જ લખ્યું છે તે ભૂલી ગયો? રાજાને ત્રુઠેલ શિવજીના આ પોઠીઆ નથી જોતો – એમ કહેતે કહેતે એ ધાર બતાવી. પાછળ જોતો નહિ! આકારે પોઠીઆ નથી, ધારની ટોચે ટોચે કુદરતે સીધી કાળી શિલાઓ છોડી દીધી છે. લોકકલ્પનાએ એ પથ્થરની લંગારમાં અન્ન લાદેલ પોઠીઆની વણઝાર કલ્પી. શંભુની આ અન્નપોઠ ક્યાં ચાલી જાય છે? કાળાસર ગામમાં. ગામ ક્ષુધાર્ત હતું. બાર વરસનો દુકાળ પડેલો. ગામધણીએ પોતાના કોઠાર ખોલી છેલ્લા દાણા સુધી વસતીને નભાવી. ભંડાર ખૂટી ગયા. પ્રજાનો પ્રતિપાલ લાજી ઊઠ્યો. ‘મોં શું બતાવવું!’ બીજો માર્ગ હતો પણ ક્યાં? આત્મવિલોપન એજ એનો આખરી રાજધર્મ હતો. એણે મહાદેવ સન્મુખ જઈને ખડ્ગ ખેંચ્યું. ‘હે નાથ! આ લે આ મસ્તક-કમળ.’ શંભુએ માકાર કર્યો. ‘જા બાપ! ઘોડો ગામ ભણી વહેતો મૂક. પાછળ જોતો નહિ.’ લોકપાલના ઘોડાની પાછળ અન્નની પોઠ ચાલી. અનંત લંગાર ચાલી આવે છે. ગામડું અનાજે ધ્રપધ્રપી ઊઠે છે. બહુ થયું. લોહપાલે પાછળ જોયું. બાકીના પોઠીઆ પાખાણ બન્યા. ઊભા છે હજુ–થંભીને ઊભા છે. ‘પાછળ જોતો નહિ!’ એ બોલના પડઘા પડે છે. પાછળ જોતો નહિ! શ્રદ્ધા–આત્મશ્રદ્ધા હારતો નહિ! હે મર્ત્યલોકના માનવી! પાછળ જોતો નહિ. દૃષ્ટિ માંડજે ભાવિના ધ્રવતારકે. લોકવાર્તાની રચના શું આ પ્રાકૃતિક પાષાણ–દૃશ્ય ઉપરથી થઈ હશે? લોકમાનસ કેવા પ્રકારનું વાર્તાકાર છે? જે કંઈ નિહાળે છે તેને કેવી રીતે જીવનમાં ઘટાવી કાઢે છે! લોકકલ્યાણનાં સ્તોત્રો કેવી ચોટદાર કલામાં ઉતારી આપે છે! અત્યારે, લોકોના રોટલા પર ચાલી રહેલી રાજસત્તાઓની લૂંટાલૂંટને ટાણે, પાંચાળના ઠાંગનાથ મહાદેવની પાષાણ-ધાર પરનું આ પથ્થરકાવ્ય વિશિષ્ટ અર્થ ધરે છે. ​રીસાળુ ને ફૂલવંતી ઊઘડો પાનાં, અને ચોબારીનાં ખંડિયેરો પરનું ટાંચણ ઉકેલાવો— ‘ચોબારી–મૂળ દ્રુપદ શહેર. ૧ – પંચમુખી વાવ–યજ્ઞકુંડ જેવી. પણ ખોટી : પગ પર પગ ચડાવીને શેષશાયીની મૂર્તિ. ર – ગણેશવાવ. ગણેશની ઊભી મૂર્તિઓ બે : હનુમાન. ૩ – કુવો ભોંયરાવાળો : ભોંયરાનો સંબંધ ગામમાં; ભોંયરૂ દટાઈ ગયું છે. ૪ – તળાવ-કિનારે બે દેરાં : તળાવ પર પૂલ : પૂલ પરથી જતાં અંદર દેરૂં. શેષશાયી ભગવાન : એની કેડ સુધી પાણી આવે એટલે તળાવની ઓગન (Wateroutlet) ઊઘડી જાય. અસલી દેરૂં શૈવી ઘાટનું. ૫ – ગામમાં એકલદંડીઆ મહેલનો અવશેષ : પડખેના જ ઘરમાં, ફળીમાં કોઈ રબારણ યુવતી બેઠેલી : ફૂલવંતીનું સ્મરણ. ફૂલવંતી – અનંત ચાવડાની દીકરી. શાલિવાહનનો ‘રીસાળુ’ કુમાર રિસાઈને જંગલમાં આવ્યો. અનંત ચાવડાએ એને કન્યા ફૂલવંતી પરણાવી. પણ ફૂલવંતી આઠ-નવ જ વર્ષની. કુંવર એને બેલાડે (પોતાના ઘોડા પર પોતાની પાછળ) બેસાડીને લઈ ચાલ્યો. એકલદંડીઆ મહેલમાં રાખીને પાળે પોષે–દુધ ટોવે ને ઉછેરે; યૌવનકાળે પરણીશ : યુવતી બની : વિકાર : કચ્છનો હઠીઓ વણઝારો ઘોડેસ્વાર થઈને નીકળ્યો. બોલાવ્યો. પ્રેમ થયો : હીંડોળે હીંચકે : હીંચકતાં હીંચકતા હઠીએ તાંબુલની પિચકારી લગાવેલ : પિચકારી ઘુમ્મટમાં પડી. સાંજ પડે એટલે હઠીઓ પાછો ચાલ્યો જાય પોતાના ડેરા હતા ત્યાં. સાંજે રીસાળું કુંવર ઘેર આવ્યો. ઘોડાએ પરાયા ઘોડાની લાદ દેખી ડાણ દીધી : પિચકારીના છાંટા જોયા. પૂછ્યું – કોણે તાંબુલની પિચકારી ઠેઠ ઘુમ્મટે છાંટી? ફૂલવંતી :—મેં. રીસાળુ :—કરી બતાવ. ન કરી શકી. (હીંડોળે હીંચકતી હીંચકતી પાનની પિચકારી ઘુમ્મટ પર ન પહોંચાડી શકી.) બીજે દિવસે ઘોડાના તાજા સગડ જોયા. રીસાળુએ જઈને હઠીઆને માર્યો; એનું કલેજું લાવી રંધાવ્યું : પોતે કોળીઆ ભરાવ્યા : પૂછ્યું, ‘કેવું મીઠું!’ ‘બહુ જ.’ ‘જીવતાં મીઠું તે મર્યા પછી યે મીઠું લાગે હો!’ ફૂલવંતી ચાલી ગઈ. ખંડેર પરથી વાર્તાસર્જન? ટૂંકા ટાંચણમાંથી એ આખી કરુણ કથા ઊપસી આવે છે. એકલદંડીઆનાં બલાડાં મેં નોટમાં તાણેલાં છે તે મોજૂદ છે. એટલો જ જો એ એકલદંડીઓ હોય તો તો એમાં નથી કોઈ હિંડોળો બાંધવાની જગ્યા, કે નથી હઠીઆ–ફૂલવંતીની પ્રેમલીલાને પ્રકટવાનું ઠેકાણું. કદાચ એ તો મૂળ મહાલયનો અવશેષ માત્ર હશે. રૂદ્રમહાલયનું એક તોરણ આજે જેમ છે તેમ જ. સંભવ છે કે મૂળ પ્રેમાલય નષ્ટ થયું છે. એથી વધુ સંભવ છે કે કોઈક લોકવાર્તાકારે ત્યાં બેઠાં બેઠાં વાર્તા કલ્પી કાઢી છે ને સ્થાન તો ઘણું કરીને ઓઠું જ બન્યું છે. આમ આ પાષાણી અવશેષો પર તો બુદ્ધિ માત્ર એક હાસ્ય વેરીને પાછી વળી જાય છે. પણ એવું હાસ્ય આ ટાંચણ કરેલી વાર્તાના અવશેષો પર વેરી શકાતું નથી. રીસાળુ, ફૂલવંતી અને હઠીઓ વણઝારો, એ ત્રણ પાત્રો આ પૃથ્વી પર કદી હો વા ન હો, મારું મન તો એમનું સનાતન અસ્તિત્વ સ્વીકારી બેઠું છે. નાની એવી બાલિકાનું કળી–જીવન એના પરણ્યા પતિના કોઈક એકલ ગૃહમંદિરમાં પુરાયું હશે, દિનો પછી દિનોનાં વહાણાં વાતાં હશે, કળીને ખીલવતાં ખીલવતાં વર્ષો વિદાય લેતાં હશે, પરણ્યો એની પરિપૂર્ણ પુષ્પિતાવસ્થાની વાટ જોતો હશે. એની સબૂરીને કલ્પનામાં ખડી કરું છું. કાચી કળીને અંતરની ધીરીધીરી ઉષ્મા આપતો એ દિવસો ખેંચતો હશે. તો શું એને ખબર નહિ રહી હોય ને જોબન ફૂલવંતીમાં સળવળી ઊઠ્યું હશે! એકલવાસી યૌવના પિયુને પોતાના ઉરની વાત મુખેથી શું કહી નહિ શકી હોય? કે શું એ આઠ વર્ષના વચગાળામાં સ્ત્રીનો હૃદયભાવ જુદે રસ્તે વહ્યો હશે? પોતાના પાલક પોષક પ્રત્યે વલ્લભની નહિ પણ વડીલની લાગણી પોષાયે ગઈ હશે? એ લાગણીને વશ બનેલું કન્યા–હૃદય, પોતાનો જોબનમહોર બેઠા પછી ય ટૌકાર નહિ કરી શકતું હોય તેથી જ શું રીસાળુએ ‘વાર છે! હજુ વાર છે!’ એવી ભ્રમણા સેવે રાખી હશે?