પરકમ્મા/ભક્તિની જુક્તિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભક્તિની જુક્તિ

ચેલાઓએ ‘ગુરુને ચરણે’ શરણાગતો બનીને ગાયેલ ભજનોનો ભંડાર તો પારાવાર ભર્યો છે. પુરુષ ભજનિકો મોટે ભાગે મળે છે. તે બધાંની અંદર એક ભાત પડે છે સ્ત્રી ભજનકારોની, લોયણ નામની ‘શેલણ-શીની ચેલી’ પોતાના પર વિષયાસક્ત બનેલ ધૂર્ત રાજવી લાખાને ગાળી નાખે છે તેની દાર્શનિક-વાણી પચાસેક પદોમાં પડી છે. તેના જેવી, પણ વિશેષ નિરાળી ને નવલી ભાત તો ગંગા સતીનાં, પોતાની પુત્રવધૂ ચેલી પાનબાઈને પ્રબોધતાં સંખ્યાબંધ પદો પાડી રહ્યાં છે. એ થોડાંક ભજનોમાંથી અક્કેક ટૂંક આપું છું— મેરૂ રે ડગે ને જેનાં મન નો ડગે રે પાનબાઈ, મરને ભાંગી રે પડે ભરમાંડ રે વિપત પડે વણસે નહિ રે એ તો હરિજનનાં પરમાણ રે-મેરૂ રે ડગેo શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેનાં બદલે નહિ વ્રતમાન રે; ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળી રે જેને મા’રાજ થયેલા મે’રબાન રે-શીલવંતo લાગ્યા ભાગ્યાની જ્યાં લગી ભે રહે મનમાં પાનબાઈ, ત્યાં લગી ભગતિ નહિ થાય, શરીર પડે વાકો ધડ તો લડે રે પાનબાઈ. સોઈ મરજીવા કહેવાય રે. મનને સ્થિર કરીને આવો રે મેદાનમાં પાનબાઈ, તો તો મટાડું સરવે ક્લેશ, હરિનો દેશ તમને દેખાડું રે પાનબાઈ, જ્યાં નહિ રે વરણ ને વેશ રે. રમીએં તો રંગમાં રમીએં રૂપાનબાઈ, મેલી દૈ આ લોકની મરજાદ, હ રિ ના દે શ માં ત્રિ ગુ ણ ન વ મ ળે. નો હોય ત્યાં વાદને વિવાદ રે. જાગૃતિ જાણ્યા વિન ભગતિ ન શોભે પાનબાઈ, મસજાદ લોપાઈ ભલે જાય, ધ ૨ મ અ ના દિ નો જુ ગ તિ થી ખે લો જુગતિથી અલખ તો જણાય રે. વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઈ નહિતર અચાનક અંધારું થાશે, જોતજોતામાં દિવસ વહ્યા ગયા રે પાનબાઈ. એકવીશ હજાર છસોને કાળ ખાશે આવાં પદ સાસુએ રોજ ઉઠીને સંભળાવ્યાં ત્યારે વહુ પાનબાઈ જવાબ દે છે— છુટાં રે તીર હવે નો મારીએં બાઈજી, મેંથી સહ્યું નવ જાય, કલેજાં મારાં વીંધી નાખ્યાં બાઈજી, છાતી મારી ફાટું ફાટું થાય રે. બાણ રે વાગ્યાં ને રૂંવાડાં વિંધાણા બાઈજી, મુખથી કર્યું નવ જાય, આપોને વસ્તુ મુંને લાભ જ લેવા, પરિપૂરણ કહોને ક્રિયાય. પણ માનવ–પ્રાણની છીછરાવટને જાણનારાં ગંગા સતી જવાબ વાળે છે–હજી વાર છે પરિપૂર્ણ ક્રિયા બતાવવાની. હજુ સાચાં બાણ વાગ્યાં નથી. બાણ વાગ્યા પછી તો વહુ! વાચા ન રહે મોંમા— હજી પૂરાં બાણ તમને નથી લાગ્યાં પાનબાઈ; બાણ રે લાવ્યાને છે વાર, બાણ રે વાગ્યાથી સૂરતા ચડે અસમાનમાં, પછી તો દેહદશા મટી જાય. બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહિ પાનબાઈ પરિપૂરણ વચનમાં વરતાય, ગંગા સતી એમ બોલિયાં રે તેજ પૂરણ અધિકારી કહેવાય. અને સાસુએ તો વહુને ખોળામાં બેસારીને રસ–પ્યાલો પાયો– ખોળામાં બેસારી તમને વસ્તુ રે આપું જેથી આપાપણું ગળી તરત જાવે, વખત આવ્યો છે. મારે ચેતવાનો પાનબાઈ, માન મેલી થાવને હુશીઆર રે. આપ્યો રસ ને ખોળામાં બેસાર્યાં મૂક્યો મસ્તક ઉપર હાથ. ગં ગા રે સ તી એ મ બો લિ યાં ત્યાં તો નિરખ્યા ત્રિભુવનનાથ. અને ભક્તિ એ તો રહેણીથી વેગળી વસ્તુ છે એવો પણ એક ભ્રમ છે, જેને ગંગા સતી પ્રાણ છોડતાં પહેલાં નિવારે છે— માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ, હવે આવી ચુક્યો પિયાલો, કહેવું હતું તે તો કહી દીધું પાનબાઈ, હવે રે’ણી પાળવા હેતથી હાલો. રે’ણી થકી જોને રામ રીઝે પાનબાઈ, રે’ણી થકી રસ શરીરમાં પરવરે,

રે’ણી થકી અદ્ધર ઉતારા પાનબાઈ, રે’ણી થકી પાર પોગી જવાય, રે’ણી તો સરવથી મોટી રે પાનબાઈ, રે’ણીથી મરજીવા બનાય. એવું પ્રબોધીને ગંગા સતી સ્વધામ ગયાં. પ્રથમ તો પાનબાઈને અરસોસ થયો; પછી— વસ્તુને વિચારતાં આનંદ ઊપજ્યો મટી ગયો મનનો સરવે શોક; અંતર બદલ્યું, નિરમળ બની બેઠાં, સંકલ્પ સમાણો ચૈતન માંઈ; હાણ ને લાભની મરી ગઈ કલ્પના બ્રહ્માનંદ ખાલી ગયો ચિત્તલાઈ. જ્યાં રે જોવે ત્યાં તો હરિ હરિ ભાળ્યા, રસ તો પીધો છે અગમનો અપાર, એક નવધા ભગતિ સાધતાં મળી ગયો તુરિયામાં તાર. આવી ભજનવાણી વડે નવી ટાંચણ–પોથીઓ ભરાઈ રહી છે, અને લોકસાહિત્યના રેવતાચળ ફરતી મારી પરકમ્માનો છેડો આવતો નિહાળું છું. ભજનવાણી, એ આ પરકમ્માનું અંતિમ સીમાચિહ્ન છે. સોરઠી સાગરના સાવઝ નવાં પાનાં ઊઘડે છે, અને મહિનાઓ પૂર્વે સાંભળી રાખેલું નામ–દુલા ભગત–અંકાયેલું છે. શ્રી દુલાભાઈનો પ્રથમ મેળાપ ભાવનગરમાં થયો. પ્રભુના ને ચારણી દેવીઓના નિજરચ્યા છંદો મને સંભળાવ્યા. ડોંગળી બાની પર સારો કાબૂ, કલ્પનાઓ ઊંચી, પણ. ઝડઝમક–ઝડઝમક–બેહદ ઝડઝમક. આજે તો એની વાણી એ તમામ ઝડઝમકને ગાળી નાખીને સાદા સલૂણા સર્વભોગ્ય કાવ્યપ્રકારોમાં આસાનીથી રમે છે, અને કેટલાંક તો અપૂર્વ ગણી શકાય તેવાં સ્વરૂપને સિદ્ધ કરી ચૂકી છે. સહજમાં સ્નેહ બંધાઈ જાય તેવા રસિક અને હેતાળ જુવાન, મંડ્યા ગીરની ને દરિયા–કાંઠાની વાતું કરવા. એમાંથી ભાવનગર–કંઠાળના ચાંચિયા સાગર–સિંહોની ઓળખાણ મળી : ખીમો વાજો કોટડાનો, કાળો ભીલ કોટડાનો, દંતો કોટીલો ડેડાણનો, એવા ડાંખરા બહાદુરોનાં વૃત્તાંતો સાંભળ્યાં, અને પછી તો એક દિવસ એ ગીરના અને સાગરતીરના પ્રવાસે દુલાભાઈની સાથે ચાલી નીકળ્યો. અમારી ઊંટની સ્વારી તળાજા, ગોપનાથ; ઝાંઝમેર, મધુવન ને મેથળા થઈ, જ્યાં બગડ નદી દરિયાને મળે છે એ ‘દરિયા–બારું’ નામને સ્થાને, ભરતીનાં નીર ઊતરે ત્યાં સુધી વાટ જોઈ પછી ઊતરાણ કરીને ઊંચા કોટડા પર ચડી ત્યારે સાંજ નમી ગઈ હતી. દરિયાની તરફથી બરાબર કાટખૂણે ખડા થયેલા એ ભયાનક ઊંચા ખડકની ઉપર, ચાંચિયાનું વસેલું ગામ કોટડા જોવાને અમે ધરતીની દિશાએથી ઢાળ–માર્ગે ચડ્યા, ત્યારે ચાંચિયાની બોલ–બાલાનું કારણ નજરે દીઠું. ત્રણ તરફથી દરિયામાં કાટખૂણે ઊભેલ આ ભૈરવી ખડકને માથે જવાનું જે પ્રવેશદ્વાર છે, તે તો બે જ બંદૂકદારો કે સમશેરવીરો સેંકડોની ફોજને ખાળી રાખે તેવું વંકું ને જુક્તિદાર છે.