પરકમ્મા/સંતોનાં જીવનરહસ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંતોનાં જીવનરહસ્ય

ખેર! સલામો દઈને જ આગળ ચાલું છું. પાંચાળનાં બહારવટીઆની પડખોપડખ મારી નોંધપોથીમાં પાંચાળના પીરાણાં–સંતજનોની શ્રેણી બેઠી છે— “આપો રતો – નાની મોલડી “આપો જાદરો – સોનગઢ “આપો મેપો – થાન “આપો ઝાલો રબારી – મેસરીયું વાંકાનેર તાબે આપો ગોરખો – જાદરાનો પુત્ર : આપો વણવીર વંથળી પાસે વર્ધા ગામનો કાઠી : આપો – ઢાંગો દલડી પાસેનો કુંભાર.” બીજાનાં ચરિત્રો તો ‘સોરઠી સંતો’માં આપ્યાં છે. પણ ઢાંગા — વણવીરને મેં ગુમાવ્યા છે. એનું ટાંચણ મારે હૈયે, સ્વ. ચારણ મિત્ર ગગુભાઈ નીલા સનાળીવાળાએ જે જૂજ કરાવેલું તે યાદ કરું છું.— ‘બેઉ લોકસંતો એકબીજાને મળ્યા નથી. એક દિવસ કુંભાર ભક્ત ઢાંગો ગધાડાંના લગડાં પર ચલમો ભરીને વેચતા વેચતા વણથળી પંથકમાં જાય છે પણ વણવીર ભગતને ઘેર પહોંચે તો ભગત નથી. ઘરની કાઠીઆણી પરોણાને કુંભાર જાણી કશો આદરસત્કાર કરતી નથી. સંત પાછો વળે છે. વણવીરને સંદેશો કહેવરાવતા જાય છે કે ‘ભગત! ખોરડું તો મોટું, પણ્ થાંભલી જાહલ!’ વણવીર એ સંદેશાનો ભેદ પામી જઈને સ્ત્રીનો ત્યાગ કરે છે. બીજી લાવે છે. ઢાંગાને કહેવરાવે છે કે ‘થાંભલી બદલાવી છે. ઘર જોઈ જજો’. ઢાંગા ભગત ફરીવાર આવે છે. નવાં કાઠીઆણીનો સત્કાર પામે છે. વણવીર તો ઘેર નથી. રાતે મહેમાનનો ને પોતાનો, બેઉ ખાટલા ભક્ત–પત્ની પડખોપડખ ઢળાવે છે. મોડી રાત સુધી જ્ઞાનભક્તિની ગોષ્ઠિ કરીને બેઉ ઊંઘી જાય છે. ઊંઘમાંથી ઢાંગા ભક્ત એકાએક ઝબકી ઉઠે છે. જુએ છે તો પોતાનો હાથ યજમાન–પત્નીની છાતી પર પડેલો! હાથનો પંજો કાપીને, ત્યાં મૂકી પોતે રાતોરાત છાનામાના જતા રહે છે. સંદેશો મૂકતા જાય છે. કે ‘તારા ચોરને સોંપતો આવ્યો છું.’ આવી નાનકડી હૈયા–નોંધ મને આ લોકસંતોની આંતર્ગત, અરસપરસના આચારવિચારની એક નિગૂઢ પરંપરા તરફ લઈ જાય ​છે. હું આ દિવસોમાં સમસ્ત ભજનસાહિત્યમાં ને ભક્તપ્રણાલિકામાં ઊંડો ઊતરી રહ્યો છું. આ મહેમાન–યજમાનની, પુરુષ ને સ્ત્રીની, પાસે પાસે પથારી શું! પરોણાગતની આવી પ્રણાલિકાનું રહસ્ય શું! એ પછીથી ચર્ચશું.