પરકીયા/પ્રભાત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રભાત

સુરેશ જોષી

તું જ મારી નિયતિનું સર્વસ્વ.
આવ્યું પછી તો યુદ્ધ, સત્યાનાશ;
કૈં કેટલા – રે કેટલાયે સમયથી
ના મળે કૈં ચિહ્ન તારું, ના ખબર.

આટલાં વર્ષો પછી
વિક્ષુબ્ધ કરી દે છે મને તારો ફરીથી કણ્ઠસ્વર;
રાત આખી વાંચતો’તો પોથી તારી,
મૂર્ચ્છા મહીંથી જાગતો જાણે ફરી.

ન મારે જવું છે લોક વચ્ચે
સમુદાયમાં, પ્રાત: સમેની ધમાલમાં.
કચ્ચરે કચ્ચર કરી સૌ નાખવા તૈયાર હું,
લોકને ચરણે જઈને એ ધરું.

દોડતો હું ઊતરી જાઉં સીડી
કેમ જાણે પ્રથમ વાર
આ બરફછાઈ શેરીઓ ને આ સૂના રસ્તા પરે
પાડતો ના હોઉં પગલાં.
ચારે તરફ દીવા ઝગે, સંસાર ચાલે, ઊઠતાં સૌ લોક,
ચા પીએ, દોડે પકડવા ટ્રામ;
થોડી જ ક્ષણના આ લઘુ અવકાશમાં
નગર બની જાયે અજાણ્યું!

હિમઝપાટો શી જાળ ગૂંથે
બારણાં વાસે વરસતા બરફની,
સમયસર સૌ પહોંચવાને દોડતા
ખાવું અધૂરું છોડીને ચાને ય પીવી મૂકીને.

એ સૌ તણું લાગે મને
મારા શરીરે એમની જાણે ત્વચા;
આ પીગળતા બરફ સાથે ઓગળું છું હું ય ને
ઉષા ચઢાવે ભ્રમર તો હું યે ચઢાવું ભ્રમરને.

મારા મહીં લોકો અનામી કેટલાં:
કૈં બાળકો, ઘરમાં પુરાયેલાં અભાગી, વૃક્ષ સૌ –
આ સૌ થકી જિતાઉં છું હું
એ ટ્ટજ મારો વિજય એક માત્ર.