પરકીયા/લિ ચિંગ પાઓ
લિ ચિંગ પાઓ
સુરેશ જોષી
પવન થંભી ગયો છે,
ખરેલી પાંખડીની ખુશબોથી ધરતી મઘમઘે છે;
દિવસને છેડે મને આળસ ચઢે છે,
હું વાળની લટ ગૂંથતી નથી;
બધું એમનું એમ છે, પણ એ નથી
ને બધું મારે મન નહિવત્ છે.
હું બોલવા મથું છું,
પણ આંસુ વહી જાય તો!
મેં સાંભળ્યું છે કે પેલાં સાથે સાથે
વહેતાં ઝરણાં આગળ વસન્તનો
બહાર હજી એવો ને એવો છે;
ને મને ય નાની શી નાવડીમાં
બેસીને વિહરવાનું મન થઈ આવે છે;
પણ તીડ જેવી એ નાની નાવડી
ને મારી આ ભારે ભારે વેદના
કદાચ નાવડી એનો ભાર નહિ સહી શકે તો?