પરિભ્રમણ ખંડ 1/વનડિયાની વાર્તા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વનડિયાની વાર્તા


[શીતળા સાતમને દિવસે સહુ કથાઓને અંતે કહેવાય છે.]

સાત ભાઈ વચાળે એક જ બેન. બેન તો અખંડ કુંવારકા છે. પુરુષ નામે દાણો ન જમે. પુરુષની વાત મંડાય તો હાલતી થાય.

સાતેય ભોજાઈઓને બેનની પથારી ઉપાડવાના વારા છે. સાતેય ભોજાઈઓ નણંદને માથે તો ભારી ખેધે બળે છે. એમાં એક સમે એવું બન્યું કે ભોજાઈ પથારી ઉપાડવા જાય ત્યાં તો પથારીમાં અબીલગલાલ મહેકી રહ્યાં છે! ફુલેલ તેલ ધમકી રહ્યાં છે! ભીંતે તો તંબોળની પિચકારીઓ છંટાઈ ગઈ છે! બીજે દી બીજી જાય તો એનેય અબીલગલાલ ને ફુલેલ તેલ ધમક્યાં છે. એણેય ભીંતે તબોળના છાંટા ભાળ્યા છે. ત્રીજે દી ત્રીજીને નણંદના ઓછાડમાં અબીલગલાલની ફોરમો આવી છે! સાતેય મળીને મંડી વાતો કરવા. અરરર માડી! એના ભાઈયુંને મન તો બેન મોટી સતી! જો જો સતી નો જોઈ હોય તો! ભાઈયુંને તો કાંઈ પડારો! અને બેનબા તો રંગભીનાં થઈને રાત માણતાં લાગે છે. નગરીમાં એક દેરું ચણાય છે. દેરાને માથે સોનાનું ઈંડું ચડાવવું છે. પણ ઈંડું તો ખરી સતી હોય એનાથી જ ચડે. રાજાની રાણીઓ આવી. એનાથીયે ઈંડું ચડતું નથી. રાણીઓમાંયે પૂરાં સત ન મળે. રાજાએ તો ડાંડી પિટાવી છે. કે કોઈ ઈંડું ચડાવે! કોઈ એવી સતી! કોઈ કરતાં કોઈનાં એવાં ઊજળાં શીલ! શું ધરતી નરાતાળ ગઈ! હેકડાઠઠ દરબાર ભરાયો છે, બીડદાર બીડું ફેરવે છે. કોઈ દેરાનું ઈંડું ચડાવે? ‘ઇ ઈંડું તો મારી બેન ચડાવશે. લાવો બીડું.” એમ બોલીને બેનના ભાઈએ તો કચારીનું બીડું ઝડપ્યું છે. બેનને બોલાવવા ભાઈ તો ઘેર ગયો છે. સાતેય ભોજાઈઓ તો માંહોમાંહે તાળીઓ દે છે. ખડખડાટ હસે છે. બોલે છે કે ‘આજ બધોય પડારો ઊતરી જાશે. આજ ઈ રાંડ સતીનાં કૂડ ઉઘાડાં પડશે.’ ભાઈ તો બેનને લઈને દેરે ગયો છે. ગામ આખું જોવા હલક્યું છે. બામણ બોલ્યો : ‘હે ભાઈ, આ કાચા સૂતરના તાંતણા છે, એ બાંધી છે આ ચાળણી. જો તું સાચી સતી હો તો ઈ ચાળણીએ વાવમાંથી પાણી સીંચાશે. તું સતી નહિ હો તો નહિ સીંચાય.’ બેને તો કાચા સૂતરને તાંતણે બાંધેલી ચાળણી લીધી છે. ચાળણી તો એણે વાવમાં ઉતારી છે. એમાં પાણી ભરીને ખેંચે છે. છલોછલ ભરાઈને પાણી તો બહાર આવ્યું છે. ‘લે બાઈ, હવે આ ઈંડું દેરાને માથે ચડાવી દે. તું સતી હો તો ચડશે. નહિ તો નહિ ચડે.’ બેને તો ઈંડાની દોરી તાણી છે. ઈંડું તો ચડી ગયું છે. પણ ઈંડું થોડુંક વાંકું રહ્યું છે. ‘ઈંડું વાંકું! ઈંડું વાંકું! બાઈના સતમાં એબ! બાઈના સતમાં એબ!’ એમ સહુએ રીડિયા પાડ્યા છે. સૂરજ સામે હાથ જોડીને બેન તો બોલી છે, કે ‘હે ભગવાન! હું નાની હતી તે દી મેં એક વાછડો તેડ્યો’તો. વાછડો મૂતર્યો’તો ને મારે માથે છાંટા પડ્યા’તા તે વતરક હું કોઈ પુરુષને અડી હોઉં તો આ ઇંડું ચડશો મા. નીકર ચડી જાજો!’ એમ કહીને બેને તો ટચલી આંગળી અડાડી છે. સડાક દેતું ઈંડું તો સીધું થઈ ગયું છે. ‘સતીની જે! સતીની જે!’ એમ સૌ મનખ્યો કહેવા મંડ્યો છે. ભાઈ–બેન ઊજમભર્યાં ઘેર આવ્યાં છે. પણ ભોજાઈઓનો ખાર તો માતો નથી. ભોજાઈઓએ તો ભાઈના કાન ભંભેર્યા છે : ‘જરાક જુઓ તો ખરા તમારી સતી બેનનાં કામાં! એની પથારીમાં તો રોજ અબીલગુલાલ વેરાય છે.’ ભાઈએ તો બેનની પથારી જોઈ છે. એને તો અબીલગુલાલની ધમક આવી છે. ભીંતે તો તંબોળની પિચકારી દીઠી છે. ભાળીને ભાઈ તો વિસ્મે થયો છે. રાત પડી છે. ભાઈ તો બેનની પથારી આગળ તરવાર લઈને ઊભો છે. બેન તો ભરનીંદરમાં પડી છે. આખે ડિલે એણે તો ઓઢેલું છે. જ્યારે મધરાત થઈ ત્યાં તો ખાળમાંથી ભમરો નીકળ્યો છે. ભમરે માનવીનું રૂપ લીધું છે. એ તો બેનની પથારીમાં અબીલગુલાલ છાંટે છે, ફુલેલ તેલ ઢોળે છે, ભીંતે તંબોળની પિચકારી છાંટે છે. છાંટીને છાનોમાનો ચાલતો થાય છે. ત્યાં તો તરવાર લઈને ભાઈ દોડ્યા છે. ‘ઊભો રે’જે પાપિયા! બોલ તું કોણ છો! નીકર તારા કટકા કરી નાખું.’ હાથ જોડીને વનડિયો (ભમરો) બોલ્યો : ‘હું વનડિયો દેવતા છું. તારી બેન મારી વાર્તા સાંભળતી નથી. મારી વાર્તા મંડાય ત્યાં એ ઊઠીને હાલતી થાય છે. તેથી એને માથે આવાં આળ ચડાવું છું. પણ હવે મને છોડી દે. હવે હું કોઈ દી નહિ આવું.’ ‘હવે જો કોઈ દી આવ્યો છો ને, પાપિયા, તો હું તારો પ્રાણ કાઢી લઈશ.’ હાથ જોડીને વનડિયો તો ચાલ્યો ગયો છે. પાછો કોઈ દી આવ્યો નથી. બેનનાં તો આળ ઊતરી ગયાં છે.

         વનડિયા, તું વનડીશ મા!
         ભાઈની બેનને કનડીશ મા!
         કૂડાં કલંક ચડાવીશ મા!