પરિભ્રમણ ખંડ 2/ઘણકો ને ઘણકી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઘણકો ને ઘણકી


[પુરુષોત્તમ માસ]

પરષોત્તમ મહિનો આવ્યો

બધી બાયડી પરષોતમ મહિનો ના’ય. ફળિયામાં દેરું, દેરા માથે પીપળો ઝકૂંબે : નાઈ ધોઈને બાઈઓ દેરાને ઓટે બેસે : પીપળાને છાંયે બેસે; હાથમાં ચપટી દાણા રાખે. પરષોતમ ભગવાનની વાર્તા મંડાય. એક કહે ને સૌ સાંભળે. પીપળાની ડાળે ઘણકા–ઘણકીનો માળો છે. માંહી ઘણકો ને ઘણકી રે’ છે. ઘણકી તો ડાળ્યે બેઠી બેઠી રોજ વાર્તા સાંભળે છે. એ તો પૂછે છે, બાઈ બાઈ, ના’યે શું થાય? કે’ કાયાનું કલ્યાણ થાય; ઊજળો અવતાર મળે.

કે’ ત્યારે હું નાઉં?
કે’ નહા ને બાઈ!

ઘણકી કહે : ‘ઘણકા, આપણે પુરુષોતમ માસ ના’શું?’

ઘણકી કહે : ‘ઘણકા, આપણે પુરુષોતમ માસ ના’શું?’ ઘણકો કહે : ‘ના ના, આપણે તો છબછબ ના’શું, ને કરડ કરડ લાકડું કરડશું.’ ઘણકી કહે : ‘આપણે તો એક વાર ના’શું, એક ઠેકાણે બેસીને લાકડું કરડશું, પછી આખો દી લાકડું નહિ કરડીએ.’ બીજે દીથી બાઈઓ ના’ય, ભેળી ઘણકીય ના’ય. બાઈઓ વાર્તા સાંભળે. ઘણકીયે ડાળે બેઠી બેઠી સાંભળે. બાઈઓ દર્શન કરવા જાય, ઘણકીયે જાય. એમ ઘણકી પુરુષોત્તમ માસ ના’ય, ને ઘણકો લાકડાં કરકોલે. મહિનો પૂરો થયો. ઘણકી નાઈ રહી. સહુએ ઊજવણાં કર્યાં; ઘણકી શું કરે? ઘણકો ને ઘણકી બેય મરી ગયાં. મરીને ઘણકી રાજાની કુંવરી સરજી. ઘણકો પણ એ જ રાજાને ઘરે બોકડો સરજ્યો. કુંવરી તો સોળ વરસની સુંદરી થઈ. નત્ય નત્ય માગાં આવવા માંડ્યાં. સારો વર જોઈ કુંવરીને તો પરણાવી છે. કરકરિયાવર દીધાં છે. ગાડાંની તો હેડ્યો હાલી છે. કુંવરી કહે : ‘મને આ બોકડો આપો. બોકડો મને બહુ વા’લો છે. એને હું સાસરે લઈ જઈશ.’ બોકડો લઈને કુંવરી તો સાસરીએ ગઈ. બોકડાને તો મેડીને દાદરે બાંધ્યો. રોજ રાતે કુંવરી થાળ લઈને મેડીએ ચડે. મેડીએ ચડે ત્યાં એનાં ઝાંઝર ઝણકે. ઝાંઝર સાંભળીને બોકડો તો જાગી જાય. જાગીને બોલે :

રમઝમતી રાણી!
મેડીએ ચડ્યાં
ને ઇચ્છાવર પાયા!

ત્યારે કુંવરી જવાબ વાળે કે —

હા મારા પીટ્યા!
મેં ઇચ્છાવર પાયા
તેં કરકર બરકર ખાયા!

રોજ ને રોજ —

રઝમઝતી રાણી!
મેડીએ ચડ્યાં
ને ઇચ્છાવર પાયા.
હા મારા પીટ્યા!
મેં ઇચ્છાવર પાયા
તેં કરકર બરકર ખાયા!

એવી બોલાબોલી થાય : એ વડારણ સાંભળે. વડારણે તો વાત રાજાને કરી છે : રાજાએ તો રાણીને પૂછ્યું છે, ‘રાણી! રાણી! મને વાત કરો!’ ‘રાજા રાજા! કહેવરાવવું રે’વા દ્યો.’ ‘ના, કરો ને કરો.’ રાણીએ તો પૂરવ ભવની વાત કહી છે. રાજાની તો ભરાંત ભાંગી છે. ઘણકીને ફળ્યાં એવાં સહુને ફળજો!