પશ્યન્તી/અપેક્ષા અને આશા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અપેક્ષા અને આશા

સુરેશ જોષી

ઘણી વાર એવું બને છે કે જાણે હવે બીજો દિવસ ઊગવાનો જ નથી, જાણે હવે ભવિષ્ય જેવું કશું રહ્યું જ નથી. ‘આશા’ જેવો શબ્દ પણ ઠગારો લાગવા માંડે છે. કર્મમાત્રનો આધાર ખસી જતો લાગે છે. સૂર્ય જેવો સૂર્ય પણ ઝાકળના બિન્દુ જેવો ભંગુર લાગવા માંડે છે. સમય સિગારેટ પર બાઝેલી રાખની જેમ સહેજ સરખી આંગળી અડતાં જ ખરી પડે છે. આંખ શૂન્યમાં જ તર્યા કરે છે; શ્વાસની અવરજવર નિરર્થકતાને જ ઘૂંટ્યા કરતી લાગે છે. શબ્દોનો પ્રપંચ સહ્યો જતો નથી.

વચમાં આપણે ત્યાં એવો ગાળો આવ્યો જ્યારે હતાશાને મમળાવ્યા કરવી એ બુદ્ધિમત્તા અને સંસ્કારિતાનું લક્ષણ બની રહ્યું. અસ્તિત્વવાદે ‘આશા’ના સંકેતને જીવનમાં કેન્દ્રવર્તી બનાવી દીધો. ઘણાને મતે અસ્તિત્વવાદ આશાને એક જીવલેણ ભ્રાન્તિ લેખે છે. એ આપણા જીવનની સ્વસ્થતા પર ગેરુ રંગ લગાડી દે છે. જીવન આપણી આડે જે અન્તરાયો ઊભા કરે છે તેને જો ઉલ્લંઘી જવાની હામ ભીડવી હોય તો આશા માત્રને પરહરવી જોઈએ.

અસ્તિત્વવાદની બલા આવી તે પહેલાં ઘણા કવિઓએ તો આશાને જીવનનું ધારક બળ કહીને બિરદાવી છે. એ આપણામાં રહેલી પ્રસુપ્ત શક્તિઓને જગાડે છે; અને જે કાર્યો સ્વપ્ને પણ સિદ્ધ નહિ થાય એવું એને લાગ્યું હતું તે કાર્યો સિદ્ધ કરવા એને ધૈર્યવાન બનાવીને કાર્યશીલ રહેવાને પ્રેરે છે. ગેટેએ પણ આશાને ‘ઉદાત્ત હેતુ તરફ જવાને પ્રેરનાર’ શક્તિ કહીને બિરદાવેલી. એણે આશા અને કલ્પનાશક્તિ વચ્ચે ઘનિષ્ઠ સમ્બન્ધ જોયો હતો. હોલ્ડરલીને તો પોતાના જીવનનાં છેલ્લાં વર્ષો ઉન્માદની અવસ્થામાં જ ગાળ્યાં હતાં. છતાં એણે પણ આશાને ‘કદિ વિફળ નહિ જનાર પથપ્રદર્શક’ કહી છે. આશા વિલાપ કરનારને એકલોઅટૂલો છોડી દેતી નથી એવી પણ એને પ્રતીતિ હતી.

આ કવિજનો ભોળા હશે? નિરાશા સેવનારમાં અમુક માત્રામાં અહંકાર તો હોય છે જ. બીજા જેનાથી સહેજ સહેજમાં ભોળવાઈને આશાવાન થઈ જાય છે, તેનાથી એઓ સહેલાઈથી છેતરાઈ જતા નથી. વળી નિરાશા એ ઉગ્ર બુદ્ધિમત્તાનું પણ પરિણામ લેખાય છે. આથી નિરાશ થઈને રહેવું તે બુદ્ધિશીલતાનો જ વિશિષ્ટ અધિકાર છે એવું પણ ઘણા માનતા હોય છે. આશા પુરુષાર્થને કટાઈ જવા દે છે, માનવીને પ્રમાદી બનાવે છે; જ્યારે નિરાશાની સરાણ પર જ પુરુષાર્થની ધાર તીક્ષ્ણ બને છે. જર્મન ભાષામાં તો એક કહેવત છે : ‘જે આશાને આધારે જીવે છે તે ભૂખે મરે છે.’ આશા માયાજાળ રચે છે, મનુષ્યના મનને ભ્રામક છબિઓ ખડી કરીને છેતરે છે. આથી એ પારદર્શક વિશદતાથી જીવનની વાસ્તવિકતાને જોઈ લેવાની મગદૂરી કેળવી શકતો નથી. એ સ્વપ્નવિહારી જ માત્ર બની રહે છે. આ દૃષ્ટિબિન્દુ આશા અને કલ્પનાના સમ્બન્ધને વિઘાતક લેખે છે. ગ્રીક પુરાણકથામાં ચિન્તાને આશાની જોડિયા બહેન ગણી છે. આશા તો અશક્ય પણ સમ્ભવિત છે એવી ખોટી ભ્રમણા ઊભી કરે છે.

‘મિથ ઓવ્ સિસિફસ’માં કેમ્યૂએ આ વિશે જે વિચાર્યું છે તે અહીં યાદ કરવું જોઈએ. માનવીએ બધી આશાનો સભાનપણે ત્યાગ કરવો જોઈએ. પણ એ કહે છે કે નરી હતાશાની પળમાં પણ માનવી સુખી હોઈ શકે છે. સિસિફસ નીચેથી પથ્થરને ટેકરી પર લઈ જાય છે ને પછી ઉપરથી નીચે ગબડાવે છે, વળી પાછો નીચેથી ઉપર લઈ જાય છે ને વળી નીચે ગબડાવે છે. આમ અવિરત ચાલ્યા જ કરે છે. છતાં કેમ્યૂ કહે છે, ‘આપણે સિસિફસને સુખી માણસ ગણવો જોઈએ.’ આ સિસિફસ તે ‘એબ્સર્ડ હીરો’નું દૃષ્ટાન્ત બની રહે છે. આ ચર્ચાના પ્રારમ્ભમાં કેમ્યૂ કહે છે કે નિષ્ફળ અને હતાશાભર્યું કામ કરવાનું આવે એના જેવી આકરી સજા આ પૃથ્વી પર બીજી એકે નથી. દેવોએ વિદ્રોહી સિસિફસને આવી સજા કરી છે. સિસિફસને પોતાના પ્રયત્નોની નિરર્થકતાનો સ્પષ્ટ ખ્યાલ છે એ જ તો આ સજાને વધુ આકરી બનાવે છે. એક રીતે જોઈએ તો સિસિફસના જેવી જ આપણી નિયતિ છે. કેમ્યૂ પૂછે છે, ‘જો દરેક પગલે આશા એને ઉત્સાહ આપતી હોત તો એની યાતના શેમાં રહી હોત?’ અહીં કેમ્યૂ યાતનાના મર્મને સ્પષ્ટ રીતે પ્રગટ કરે છે.

મૃત્યુની નિશ્ચિતતાને બાદ કરો તો મનુષ્યનું સમસ્ત જીવન કેવળ અનિશ્ચિતતાથી જ ઘેરાયેલું છે. આપણે સિસિફસની જેમ કર્મ કર્યા વિના રહી શકતા નથી; ઘણી વાર પરિણામની અનિશ્ચિતતા હોવા છતાં કર્મ કર્યે જવાની શક્તિ આપણે મેળવ્યા કરવાની રહે છે. ક્યિર્કેગાર્દ જેને ‘ડિસ્પેર’ કહે છે તેને જ કેમ્યૂ ‘એબ્સર્ડ’ કહે છે. સિસિફસ કર્મ દ્વારા પોતાની પરિસ્થિતિમાં રહેલી હતાશાને સક્રિયપણે પ્રસ્થાપિત કરવાથી જ એને ઉલ્લંઘી જાય છે. સિસિફસની આ વિશદ અભિજ્ઞતા જ એની યાતનાનું કારણ છે અને એને કારણે જ એનો વિજય નિવિર્વાદ બની રહે છે! ઉપેક્ષાપૂર્ણ તિરસ્કારથી આપણે દૈવને પણ ગર્વપૂર્વક ઉલ્લંઘી જઈ શકીએ. સફળ થવાનો સહેજસરખો અણસાર ન હોય ત્યારે પણ ક્રિયાશીલ રહેવાથી માનવીને એવી તુષ્ટિ પ્રાપ્ત થાય છે જેનો ગમે તેટલી મોટી બાહ્ય નિષ્ફળતા નાશ કરી શકતી નથી. આથી જ તો કેમ્યૂ આવું તારણ કાઢે છે, ‘શિખર પર જવાનો સિસિફસનો પ્રયત્ન સ્વયંપર્યાપ્ત છે. આપણે સિસિફસને સુખી ગણવો જોઈએ.’

જર્મન ફિલસુફ કાન્ટે પણ કહ્યું છે કે કોઈ પણ કાર્યનું નૈતિક મૂલ્ય તેની બાહ્ય સફળતા પર નિર્ભર રહેતું નથી. સાર્ત્રે જે કહ્યું છે તે આશ્ચર્યકારક રીતે આને મળતું આવે છે : ‘માનવીના કાર્યમાં મહત્ત્વ તો એની સમ્પૂર્ણ પ્રતિબદ્ધતાનું છે,’ કાન્ટ અને સાર્ત્ર કર્મને એનાં નૈતિક મૂલ્યની દૃષ્ટિએ જુએ છે, એટલે કે એ કર્મના પરિણામે માનવી સુખી થાય છે કે દુ:ખી તે વાતને લક્ષમાં લેતા નથી. કેમ્યૂનું એવું નથી. એ તો આ બંનેથી આગળ વધીને કહે છે કે સફળતા-નિષ્ફળતાનો આમાં વિચાર કરવાનો નથી. એટલું જ નહિ, નિષ્ફળતાને નક્કી જ માનવી. બીજું એકે કેમ્યૂએ માત્ર કર્તવ્યની જ વાત કરી નથી – એ તો કોઈક વાર આપણી ઇચ્છા વિરુદ્ધ પણ કરવું પડે – પણ એની તો અપેક્ષા એ પણ છે કે પોતાના પ્રયત્નોની નિષ્ફળતાની વિશદ અભિજ્ઞતા એણે કેળવવી અને છતાં સુખી રહેવું. એને મતે માનવ્યનું ગૌરવ આમાં જ રહેલું છે. કાર્ય જે સન્તોષ આપે છે તેને નિષ્ફળતા પણ હરી લઈ શકે નહિ.

કપરો સંઘર્ષ વેઠ્યા પછી પણ જો સફળતાની ખાતરી નહિ હોય, એને બદલે નિષ્ફળતાની જ વિશદ અભિજ્ઞતા હોય તો પ્રયત્નનું સાતત્ય જળવાઈ રહે ખરું? કેમ્યૂના વિધાનમાં આથી વિરોધાભાસ રહ્યો હોય એવું લાગે છે. ‘એબ્સર્ડ’ નાયક પણ કાર્ય પરત્વે કૃતનિશ્ચયી હોવા છતાં આખરે હતાશાને વશ થાય છે. આવી સ્થિતિમાં અર્થપૂર્ણ જીવન જીવવાનું માનવીને માટે શક્ય છે ખરું? એને માટે તો માનવીએ એના કારાગારની જંજીરને ફગાવી દેવી જોઈએ અને હતાશાએ રચેલા એકાન્તમાંથી બહાર નીકળીને ભવિષ્ય પરત્વે સ્વસ્થતાભર્યું વલણ કેળવતાં ભવિષ્ય એને વિભીષિકારૂપ નહિ લાગે; એને ભવિષ્ય નવી સમ્ભવિતતાઓના ઉદ્ગમસ્રોત જેવું લાગશે. એની આગાહી ભલે ન થઈ શકે, પણ એ પૂરેપૂરું મુક્ત તો હશે જ. ભવિષ્યની આ અકલ્પ્યતા છતાં એ ભયાવહ બની રહેતું નથી. એ ઊલટાનું એના ભાવિ પુરુષાર્થનો નક્કર પાયો બની રહે છે ને એને શૂન્યની ગર્તામાં લુપ્ત થઈ જતાં અટકાવે છે. આ અર્થમાં આશા તે આપણો જીવન પરત્વેનો વિશ્વાસ છે; એમાં આપણી કૃતજ્ઞતાની લાગણી પણ ભળેલી હોય છે.

અપેક્ષા અને આશા વચ્ચે, આ ભૂમિકાને સ્વીકારીને, આપણે વિવેક કરવો જોઈએ. આશા જ આપણા ભવિષ્ય તરફ અગ્રેસર થતી પ્રક્રિયાને ચાલુ રાખે છે. આવતી કાલે કશી વિઘાતક ઘટના બનવાની નથી એવી શ્રદ્ધાથી આપણે એને આવકારવાને તત્પર બની શકીએ છીએ. ધૈર્ય, તિતિક્ષા અને સલામતીની લાગણી એથી આપણે કેળવી શકીએ છીએ. ભવિષ્યની સમ્ભવિતતાઓનું વિસ્તૃત ક્ષેત્ર આપણી આગળ ખૂલી જાય છે. આપણે અમુક એક સંકુચિત ધ્યેયની સફળતા કે નિષ્ફળતાના સન્દર્ભમાં જ આશાનિરાશા નક્કી કરતા નથી. આમ સમસ્ત માનવજીવનના પરિપ્રેક્ષ્યમાં આશાને સમજવાની આવશ્યકતા છે.

આશાનું વિરોધી શું કહેવાય? કેટલાક ભયને આશાનો વિરોધી ગણે છે. ભય એ અમુક નિશ્ચિત પ્રકારની લાગણી છે; જ્યારે આશામાં થોડું ધૂંધળાપણું છે, એ અનિશ્ચિતપણે અમુક અપ્રેક્ષણીય સમ્ભવિતતાને ચીંધે છે. વળી ભયને કેવળ ભવિષ્ય સાથે સમ્બન્ધ નથી, વર્તમાનની કોઈ પરિસ્થિતિ પણ આપણા ભયનું કારણ હોઈ શકે. ચિન્તા પણ આશાની વિરોધી છે એમ નહીં કહી શકાય, કારણ કે એનેય ભવિષ્ય સાથે ઝાઝો, આશા જેવો સમ્બન્ધ નથી. આથી ક્યિર્કેગાર્દ જેને ‘ડિસ્પેર’ કહે છે તેને જ આશાની વિરોધી કહી શકાય. એના અનુવાદ લેખે ‘હતાશા’ શબ્દ પૂરો સન્તોષકારક નથી, કારણ કે એમાં જે ‘એબ્સર્ડ’ની અર્થચ્છાયા છે તેનો સમાવેશ થતો નથી. ફ્રેન્ચ આસ્તિક અસ્તિત્વવાદી માર્સેલ કહે છે કે આશા વડે આ ‘ડિસ્પેર’ના પ્રલોભનને સક્રિયપણે અને સફળતાપૂર્વક ઉલ્લંઘી જઈ શકાય છે.

અલબત્ત, આના વિરોધમાં પણ કહી શકાય એમ છે. કોઈ કહેશે કે આશા પોતે જ એક પ્રલોભન નથી? ઘણા એમ માને છે કે માનવનિયતિને જોતાં ‘ડિસ્પેર’ જ આપણી તો સાધારણ સ્થિતિ છે; એમાં ક્યારેક ક્યારેક બળજબરીથી આપણે જાણે થોડીક આશાને આંચકી લેતા હોઈએ છીએ. પણ હતાશાની લાગણી જીવન પ્રત્યે નિષ્ક્રિય બનીને કેળવાતી જતી ઉદાસીનતામાંથી ઉદ્ભવે છે એવું નથી લાગતું? જ્યાં સુધી સક્રિય બનીને ઝૂઝવાનો ઉત્સાહ હોય છે, ત્યાં સુધી ઉદાસીનતા હોતી નથી, માટે હતાશા પણ હોતી નથી. આવી ઉદાસીનતાને જ ક્યિર્કેગાર્દ મૂળભૂત પાપ લેખે છે. એ એક પ્રકારની ચૈતસિક મન્દતા છે. એ આપણને એમ સમજાવે છે કે પ્રયત્ન કરવાનો કશો અર્થ નથી, કારણ કે બધું મિથ્યા જ ઠરવાનું છે. એક વાર આવી નિરાશાના લપસણા ઢાળ પર આવીને ઊભા રહીએ પછી ઊગરવાનો આરો રહેતો નથી. આ દૃષ્ટિએ જોતાં આશા જ એવી શક્તિ છે જેના વડે માનવી આ લપસ્યે જવાના પ્રલોભનમાંથી બચી જાય છે. આપણે ભવિષ્યનું દ્વાર બંધ કરી દેતા નથી.

આવી ચૈતસિક મન્દતા જ આશાની વિરોધી છે. એમાં એક પ્રકારની ક્લાન્તિ છે; એમાં અવિશ્વસનીયતાની લાગણી પણ હોય છે. આ તો જીવનવિરોધી તત્ત્વ જ ગણાય. એ પ્રતિરોધની બધી શક્તિને જ હણી નાખે છે. આશા ચૈતન્યને ઉદ્દીપ્ત કરે છે. આથી જ કદાચ ગેટેએ કહ્યું હશે કે આશા એ આપણો મૂલ્યવાન વારસો છે જેને આપણે ધારીએ તોય ફગાવી દઈ શકતા નથી. ઘણા તો આત્મહત્યાની ઇચ્છાને પણ આશાનું જ વિકૃત રૂપ લેખે છે. જીવનના બેહૂદાપણા સામેનો આક્રોશ અને વિદ્રોહ જ એનામાં સ્વેચ્છાએ જીવનનો ત્યાગ કરી દેવાની લાગણી જગાડે છે. આ જોતાં લાગે છે કે આશા જ આપણી એક સહજ સ્થિતિ છે. 16-3-81