પશ્યન્તી/ઉદ્ભિજનું સામ્રાજ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉદ્ભિજનું સામ્રાજ્ય

સુરેશ જોષી

હવે ઉદ્ભિજનું સામ્રાજ્ય વિસ્તરતું જાય છે. જાણે ધરતી હૈયાઉકલત કરીને બેઠી છે. વહેલી સવારે ખુલ્લે પગે ઘૂંટી સુધી ઊંચા વધેલા ઘાસમાં દોડવાનું સુખ બાળપણમાં માણેલું તે યાદ આવે છે. હવે તો ભેજને ને શરીરને બનતું નથી. સીધો અંકુશ શ્વાસ પર જ આવી જાય છે. આથી કર્તા મટીને કેવળ બીજાના આનન્દનો નિરીક્ષક માત્ર રહ્યો છું. વરસાદની ધારાથી રચાતું આર્દ્ર ધૂસરતાનું વાતાવરણ, મરીનડ્રાઇવની પાળ સાથે પછડાતાં મોજાંનો એકધારો અવાજ, દૂર દૂર નિરુદ્દેશ ભમ્યા કરવાનો આનન્દ – આ બધું પણ યાદ આવે છે. પણ વર્ષા તો વન વચ્ચે માણવા જેવી ઋતુ છે. શહેરમાં તો ગ્લાનિ જ ઘુંટાયા કરે છે. ધૂળના આવરણ વિનાના, ઉઘાડા પડી ગયેલા, ડામરના રસ્તા જોયા કરવા પડે છે. શહેરની ગંદકી વહેતી થઈ જાય છે.

એકધારાં ટપક્યે જતાં નેવાંના અવાજમાં રહેલું સમ્મોહન તન્દ્રાને ખેંચી લાવે. તન્દ્રાના આશ્રયે સ્વપ્નો પુષ્ટ થતાં આવે. બહારની ઠંડકને કારણે ઓરડામાંની માફકસરની હૂંફ સુખદાયક બની રહે. આમ ધીમે ધીમે સમય, એના વીતવાની જાણ કર્યા વિના, તાર પરથી લસરતાં ટીપાંની જેમ લસરતો જાય. ધરતી અલૌકિક અને માયાવી લાગે. ભગવદ્ગીતા જે કહે તે ગળે ઊતરે નહિ. કેવળ જોયા કરવાનું ગમે. વૃક્ષનાં પાંદડાં પર ટપકતાં ટીપાંને સાંભળ્યા કરવાનું ગમે.

હવે વર્ષા થોડો ગ્લાનિનો સ્વાદ મૂકી જાય છે. કદાચ રમણીયતા હવે એટલી બધી જિરવાતી નથી. જગત થોડું પરોક્ષ બનતું જાય છે. ગુમાવેલી પ્રત્યક્ષતાને કારણે પણ વિષાદ થતો હશે. આમ છતાં વર્ષાના દિવસોને દુદિર્ન કહેવાનું હું પસંદ કરતો નથી. મારું મન ભલે મોરની જેમ કેકારવ નહિ કરી ઊઠતું હોય, તેમ છતાં ગ્લાનિ થાય છે તે કશું ન પામ્યાની નહિ પણ ઘણું બધું પામ્યાની વિહ્વળતાને કારણે થતા અજંપાની છે. વર્ષા સાથે વિગત વૃદ્ધ કુટુમ્બીજનોના પડછાયા ઘરમાં ઘૂસવા લાગે છે. એકધારા વૃષ્ટિના અવાજના નેપથ્યમાં ધીમા અવાજે કોઈ કાનમાં કશુંક કહેતું હોય એવું સાંભળ્યાની ભ્રાન્તિ થાય છે.

આ દિવસોમાં કાફકાની કે ચેઝારે પાવેસેની ડાયરીઓ વાંચવી ગમે. કાફકા વાતાવરણનો જીવ છે. એ વાતાવરણને નર્યું સાચું બનાવી દેવાની કળા જાણે છે. આવા જ કોઈ વર્ષાના દિવસે એણે જગતને જોઈને ક્ષણભંગુર જળબિન્દુમાં જગતની ભંગુરતાને અનુભવેલી. અહીં જે કાંઈ છે તેનો સ્વભાવ વીતી જવાનો છે; બધું ચાલ્યું જાય છે. અરે, આપણી સ્મૃતિ પણ ધીમે ધીમે આપણામાંથી સરી જાય છે. આથી કાફકા કહે છે કે આ ભંગુરતા જ જગતનો સ્વભાવ છે. એનું ઉગ્ર ભાન જ આપણને અમરતાની શોધ માટે દોડાવે છે. આથી આ નાનકડી ક્ષણનો પ્રભાવ શતાબ્દીઓના પ્રભાવથી સહેજેય ઊતરતો નથી. શતાબ્દી ક્ષણની સ્પર્ધામાં કદાચ ઊણી જ ઊતરે. ક્ષણિકતાનું પણ સાતત્ય કલ્પીને આપણે શાશ્વતીનું આશ્વાસન લેવાને નથી લલચાઈ જતાં? ઘણા લોકો ખંડેરમાંથી ફૂટી નીકળેલા તૃણાંકુરને જીવનના મૃત્યુ પરના વિજયની પતાકા કહીને કવિતડું કરે છે. એમાં જીવનનું ખંતીલું હઠીલાપણું નહિ, મરણનો જ પ્રભાવ ઊપસી આવતો દેખાય છે. મારે જગત સામે ઝૂઝવું હોય તો એની આ ક્ષણિકતા સામે યુદ્ધ માંડવું જોઈએ. હું એ આ જીવન દરમિયાન કરી શકું? કેવળ એ વિશેની આશા રાખવાથી કે શ્રદ્ધા કેળવવાથી ન ચાલે.

જગત સામે ઝૂઝવું હોય તો આશા અને શ્રદ્ધા કરતાં વધુ સાચાં શસ્ત્રો મેળવી લેવાનાં રહે. એવાં શસ્ત્રો નહિ હોય એવું તો નથી પણ એને ઓળખવાનું ને વાપરવાનું તમે અમુક ગૃહીતોને સ્વીકારી લો તો જ શક્ય બને. એ ગૃહીતો વિશે થોડું વિચારવું જરૂરી છે. ‘ધ કાસલ’માં કાફકાનો ઉપક્રમ કંઈક આવો જ છે. એ ગૃહીતોને સમજવામાં આપણને કોઈ મદદ નહિ કરી શકે અથવા બીજી રીતે કહીએ તો એ ગૃહીતોને ઓળખ્યા પછી જ કોઈની મદદનો કશો અર્થ રહે. પ્રારમ્ભ આપણાથી જ થવો જોઈએ. કદાચ પ્રારમ્ભ કર્યા પછી કોઈની મદદની અપેક્ષા પણ નહિ રહે. છતાં આપણે સ્વયંપર્યાપ્ત નથી એનું ભાન આપણને અનેક નિમિત્તે થતું જ રહે છે. આપણને ઊંડે ઊંડેથી આ ઊણપનું ભાન હોય છે, પણ આપણી આપણે વિશેની શ્રદ્ધાને નામે આપણે એ તરફ દૃષ્ટિ કરવાનું ઇચ્છતા હોતા નથી. આપણે સાચા જિજ્ઞાસુ હોઈએ તો આપણને પ્રશ્ન પૂછતાં આવડવું જોઈએ. પણ જો પ્રશ્નને મૂર્ત કરી શકીએ તો ઉત્તર લગભગ પામી જ જઈએ છીએ. મહત્ત્વની વાત પ્રશ્નની માંડણી કરવાની છે. જે લોકો પ્રશ્નહીન છે તે લોકો ખરા અર્થમાં સજીવન નથી.

સાર્ત્રે પણ જગત વિશે કેટલાક પાયાના પ્રશ્નો ઉઠાવ્યા છે. બધા જવાબો શોધી આપવાનો તો કોઈ ફિલસૂફે દાવો નથી કર્યો. સાર્ત્ર તો કહે જ છે, ‘હું મારા સમકાલીનોને માટે જ લખું છું. ભવિષ્યની પેઢી એ વિશે શું કહેશે તેની મને ઝાઝી ચિન્તા નથી.’ લગભગ દરેક ફિલસૂફે જગતમાં પ્રવર્તતાં અનિષ્ટ વિશે પ્રશ્ન ઉઠાવ્યો છે. અનિષ્ટને સહેલાઈથી સમજાવી દઈ શકાતું નથી. અનિષ્ટને ભ્રાન્તિ ગણીને ઉડાવી દઈએ તો નહિ ચાલે, એને વિશે ગમ્ભીરતાથી વિચારવું જોઈએ. એ અનિષ્ટ આપણે જ નિપજાવ્યું હોય છે એવું પણ નથી. આપણો જમાનો જો અસહ્ય એવી યન્ત્રણાનો જમાનો બની રહ્યો હોય તો તે કેવળ આપણે પ્રતાપે નહિ; એવું બન્યું છે તેનો દોષ માત્ર આપણે માથે નાખી શકાય નહિ. હિરોશીમા, નાગાસાકી, આઉશવિત્સ, ડચાઉ – આ નરી ભ્રાન્તિ નથી. એનું કારણ જાણવાથી પણ અનિષ્ટને દૂર કરી શકાતું નથી. અનિષ્ટ એટલે જે ઇષ્ટનું અવરોધક છે કે વિરોધી છે તે એવી સાદી વ્યાખ્યા પણ ચાલી શકે તેમ નથી; જે ઉદ્દામ આવેગોને ખાળી શકાયા હોત તેનું એ પરિણામ છે એવું પણ નથી. જે ભયને અતિક્રમી શકાયો હોત તેનું એ પરિણામ છે એવુંય નહિ કહી શકાય. એ ક્ષમ્ય ગણી લઈ શકાય એવો દુર્વ્યવહાર કે ક્ષતિમાત્ર છે એવું પણ નથી. એ દૂર કરી શકાય એવા અજ્ઞાનને કારણે બને છે એમ પણ નહિ કહી શકાય. જે લોકો માનવતાવાદના આદર્શમાં માને છે તેઓ એ આદર્શને નામે એને અનુકૂળ રીતે ઘટાવી લઈ શકે એવું પણ નથી. લાઇબનિત્ઝ એમ કહેતો કે પ્રકાશથી આપણી આંખ અંજાઈ નહિ જાય માટે છાયાની જરૂર છે!

સમયના સુદીર્ઘ પરિપ્રેક્ષ્યમાં જોતાં, ભવિષ્યની કોઈ પેઢીને આપણો આ નામોશી ભરેલો માર્ગ, શાન્તિની દિશા તરફ વળેલો હતો એવું લાગવાનો સમ્ભવ છે. એની અનિવાર્યતા પણ એ સુખી જમાનો સ્થાપી આપી શકશે. પણ જે ઇતિહાસ રચાઈ ચૂક્યો છે તે આપણા પક્ષમાં નથી. આપણી સ્થિતિ એમાં એવી છે કે દરેક ક્ષણ મહત્ત્વની બની રહે છે. અનિષ્ટ એ ભ્રાન્તિ નથી, એને દૂર કરવાના માનવીના પ્રયત્નો આજ સુધી નિષ્ફળ નીવડ્યા છે એ પણ આપણે સ્વીકારવાનું રહે છે. આદિમાનવ તો માનવ કરતાં પશુ વિશેષ હતો, પણ હજી એ પશુપણું છોડીને પૂરેપૂરો માનવી થઈ શક્યો નથી.

આર્તો જેવો નાટ્યકાર ‘ધ થિયેટર ઓવ્ ધ ક્રુઅલ’ની વાત કરે છે. હત્યારાઓનો યુગ પૂરો થયો નથી. નવી પેઢી સભાનપણે સભ્યતાને છોડીને આદિમ બર્બરતા કેળવવા મથે છે. સાહિત્યમાં અને કળામાં એનાં પ્રતિબિમ્બો દેખાય છે. હવે ભગીરથ પુરુષાર્થનો જમાનો રહ્યો નથી. માનવીઓ સદ્ગુણ અને દુર્ગુણ બંને પરત્વે નિષ્ઠાહીન અને અપ્રામાણિક બની ગયા છે. આથી ફિલસૂફીને નામે કે ધર્મને નામે જેઓ આ જીવન પ્રત્યે ઘૃણા પ્રગટ કરીને એને સ્થાને મોહક ભ્રમણા રચવા મથે છે તેને બદલે જીવન જેવું છે તેવું સ્વીકારીને એનો મુકાબલો કરનારા વધુ સાચા માનવી છે એમ કહેવું રહ્યું.

આ મુકાબલો આપણા માનવ્યને આપણી આગળ પ્રગટ કરી આપે છે. આપણી અભિજ્ઞતાને ડહોળવા નહિ દેવી, નિર્ભ્રાન્તિ રાખવી એ આપણું પવિત્ર કર્તવ્ય છે. જ્યાં સુધી આ વિશદતા જાળવી રાખીશું ત્યાં સુધી ભ્રાન્તિને શરણે જવાની જરૂર નહિ રહે. આથી સાર્ત્ર કહે છે કે ‘ના’ કહેવાનો પણ આપણો મોટો અધિકાર છે. જેઓ કેવળ મૌન સેવે છે તેઓ પરમહંસ હોવાનો દાવો હંમેશાં નહિ કરી શકે, તેઓ મોટે ભાગે કાયર જ હોય છે. નિલિર્પ્તતા એ હંમેશાં મોટો ગુણ નથી. માનવ્યને સિદ્ધ કરવું હોય તો માનવીની નિયતિમાં સંડોવાવું જ પડે.

વર્ષાના આ દિવસોમાં હું ઇન્દ્રગોપ અને ગોકળગાયને જોઉં છું, આકાશના ગ્રહતારાઓ દેખાતા નથી. પર્વતો વાદળ પાછળ અદૃશ્ય થઈ ગયા છે, પણ તૃણાંકુર મારી દૃષ્ટિ સામે લહેરાયા કરે છે. વર્ષાના જલબિન્દુનો સ્પર્શ એક નવી જ સૃષ્ટિ તરફ મને ઉન્મુખ કરે છે. એનો મર્મ પાસેના મેદાનમાં બેઠેલું પોપટોનું ટોળું જાણે છે. જગતનું રૂપ ઉઘાડી આંખે જોવું એ જીવવાની પહેલી શરત છે. જીવનની અવેજીમાં કશુંક મૂકીને હું જીવવાની ભ્રાન્તિ ઊભી કરી શકું નહિ.

30-6-80