પશ્યન્તી/નવલકથાની નવી સમસ્યાઓ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નવલકથાની નવી સમસ્યાઓ

સુરેશ જોષી

આ વર્ષે બધાં જ નોબેલ પારિતોષિકો અમેરિકાવાસીઓને આપવામાં આવ્યાં. તેથી ઘણાને અચરજ થયું હશે. અમેરિકા આ વર્ષે સ્વાતંત્ર્યપ્રાપ્તિની દ્વિશતાબ્દી ઊજવી રહ્યું છે. કદાચ એની સાથે મૂકીને જોતાં આ ઘટનામાં એક પ્રકારનો ઔચિત્યબોધ હશે!

સોલ બેલોને નોબેલ પારિતોષિક મળ્યું એથી પાછો ઊહાપોહ શરૂ થયો : ‘સાહિત્યનું નોબેલ પારિતોષિક હંમેશાં યોગ્ય વ્યક્તિને આપવામાં આવે છે?’ વાસ્તવમાં અત્યારે તો સોલ બેલો કેન્દ્રસ્થાને નથી. હવે તો ધ્યાન કર્ટ વોનેગટ, ટોમસ પિન્ચન, જ્હોન બાર્થ કે જોસેફ હેલર જેવા નવલકથાકારો પર વધારે કેન્દ્રિત થતું જાય છે. મેકલુહાને ‘માસમિડિયા’ને કારણે ઊભી થયેલી નવી સંસ્કૃતિની વાતો કરીને સર્જનાત્મક સાહિત્ય પરત્વે જ વિભીષિકા ઊભી કરી હતી તે સદ્ભાગ્યે ખોટી પડી. સાઠીનો ગાળો અમેરિકી વાસ્તવવાદી નવલકથાને માટે કંઈક વંધ્ય પુરવાર થયો છે. આથી નવલકથાની ખપત પણ ઓછી થઈ. વાસ્તવવાદી વલણ જાળવી રાખીને લખનારા સોલ બેલો, બર્નાર્ડ માલામુડ કે જ્હોન અપડાઇક જેવા લેખકો કેટલીક સમકાલીન સમસ્યાઓ વિશે લખવામાં કંઈક નબળા લાગવા માંડ્યા. કાપોટે કે મેઇલર જેવા સમસામયિક બધી ઘટનાઓને (હિપ્પીઓ, યુદ્ધ, સજાતીય પ્રેમ, ચન્દ્રયાત્રાનું ભાવિ વગેરે) ખેંચી લાવનારા કંઈક છાપાળવા નવલકથાકારો નવલકથાના સ્વરૂપની પ્રશંસા કરવા લાગ્યા. એમની કૃતિઓને નવલકથા તરીકે પ્રમાણિત કરવા માટે આ કદાચ જરૂરી હતું. આ ગાળામાં નવલકથા મરી ગઈ એમ નહીં કહેવાય, પણ એનો વિશ્વાસુ વફાદાર વાચકવર્ગ લુપ્ત થઈ ગયો, વિવેચનના ક્ષેત્રમાં એની પ્રતિષ્ઠા ઘટી ગઈ. તેમ છતાં જે નવલકથાઓ લખાવી ચાલુ રહી તે ભારે મહત્ત્વાકાંક્ષી હતી. અદ્યતનતાના પુનર્જન્મની ક્ષણ જાણે આવી લાગી.

આમ તો આપણો જમાનો જ કંઈક બેહૂદો છે. એ ઘડીકમાં તુચ્છની કળાને સ્થાને પ્રતિષ્ઠા કરે છે. તો ઘડીકમાં એ કળાને જ તુચ્છ ગણવા લાગે છે. કળા કરતાં જીવાતા જીવનની એને વધારે આસક્તિ હોય એવું લાગે છે. મોરિસ ડિકસ્ટેઇને હમણાં જ ‘બ્લેક હ્યુમર’વાળા આ લેખકો વિશે લખતાં આ પરિસ્થિતિનું નિદાન કરી આપ્યું છે. આ લેખકો આપણાં સમાચારપત્રો જે સમાચાર નથી આપતાં તેવા સમાચાર આપણને આપે છે. હેલરની ‘કેચ-ટ્વેન્ટીટુ’ બીજા વિશ્વયુદ્ધ વિશેની નવલકથા નથી. એની કલ્પનાનું કેન્દ્ર કોઈક બીજા જ સ્થળે છે. આ નવલકથાકારો સમાજ વિશે કશી સુસંકલિત આલોચના કરતા નથી; એઓ રૂપરચનાના પ્રયોગોમાં વધારે રસ ધરાવે છે. એમને જે કરવાનું છે તે આ પ્રયોગો દ્વારા જ એઓ કરે છે. આ રૂપરચના એટલે માત્ર ટેકનિક નહીં, પણ નવલકથાકારની આગવી દૃષ્ટિ, જે એને ટેકનિક યોજવાની ફરજ પાડે. સમાજજીવનમાં થતા ફેરફારો અને રૂપનિમિર્તિમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ થવો જોઈએ. પણ નવલકથાને સમાજજીવનના દસ્તાવેજરૂપે જ જોવાનું જ્યાં વલણ હોય ત્યાં એ શક્ય નથી તે દેખીતું છે. વાસ્તવમાં રૂપ તે સર્જકને થતા ઇન્દ્રિયપ્રત્યક્ષોનું અન્તર્ગત સ્થાપત્ય છે; અનુભવ અને સંવેદનાના ઊંડે ઊંડે રહેલા લયનો આલેખ છે.

સોલ બેલો નવલકથાના દૃઢ સ્વરૂપને જ અનુસરે છે. જ્યારે સાઠીની નવલકથાઓમાં કથાનાયકને સ્થાને ભ્રમણશીલ પ્રતિનાયક હોય છે. આ પહેલાં નવલકથામાં વ્યક્તિગત પાત્રોના સ્વભાવની સંકુલતાના પર ભાર મૂકવામાં આવતો હતો. ઓગણીસમી સદી પાસેથી મેળવેલી કેટલીક શ્રદ્ધાઓ (વ્યક્તિના વિકાસની શક્યતા, સમ્બન્ધો કેળવવાથી વ્યક્તિમાં આવતી પુખ્તતા) એણે જાળવી રાખી હતી. પણ સાઠીની નવલકથાનો પ્રતિનાયક તો કંઈક બાઘો લાગે છે; માનવસમ્પર્કોના પરિચિત ક્ષેત્રમાં કેટલીક વિલક્ષણ લાગતી બાહ્ય ઘટનાઓનો ધક્કો લાગવાથી પ્રવેશે છે. આ ઘટનાઓ વિલક્ષણ જ નહીં પણ પરાવાસ્તવવાદી પણ લાગે છે. એ અનુભવથી કશું શીખતો નથી, નદી જેમ સમુદ્રમાં કાંપ ઠાલવે છે તેમ એનામાં અનુભવ ઠલવાય છે. નવલકથામાં, આગળ વસ્તુનો સીધી રેખાએ જે વિકાસ થતો દેખાતો હતો તેને સ્થાને એમાં પુનરાવર્તન પામતું સ્થાપત્ય દેખાય છે. એકની એક વસ્તુ વારે વારે બને છે, પણ એમાંથી કોઈ કશું શીખતું નથી. વાસ્તવ જીવનમાં મળી આવે એવાં પાત્રોને સ્થાને આ નવલકથાઓમાં કાર્ટૂન જેવી કઠપૂતળીઓ હોય છે. લેખક એના પોતાના નૈતિક અભિગ્રહ અનુસાર દોરીસંચાર કરે છે.

આપણી મુમુર્ષુ સંસ્કૃતિની જેમ નવલકથા પણ મુમુર્ષુની અવસ્થાને પામી હોય એવું લાગે છે. દરેક મહાન નવલકથા પ્રગટ થયા પછી હવે નવલકથા માટે વિકાસને કશો અવકાશ રહ્યો નથી એવું લાગે છે. ફિલ્ડિંગ, ડિકન્સ, ફલોબેર, દોસ્તોએવ્સ્કી, ટોલ્સ્ટોય, જોય્સ, કાફકા ને પૂ્રસ્ત – આ બધાની નવલકથાઓએ આવો જ અનુભવ કરાવ્યો. અમુક વિવેચકો જમાને જમાને એનું ઊઠમણું યોજતા જ રહ્યા છે, તો બીજા એના પુનર્જન્મના આનન્દદાયક સમાચાર પણ લાવતા રહ્યા છે. લાયોનેલ ટ્રિલંગિ જેવા વિવેચકે તો કહી દીધું હતું કે નવલકથાનું કામ હવે સમાજવિજ્ઞાન સારી રીતે કરે છે. મરણિયા બનીને જીવવું, નવીનવી ટેક્નિક અને નવાં નવાં ઓજારો શોધતા રહેવું જરૂરી બની રહ્યું છે. માસ મિડિયાના આ યુગમાં પાંચસો પાનાંની નવલકથા કેમ પરવડે? એનું દરેક પાનું કેવી આકર્ષક જાહેરખબર બની રહે! નવલકથાકારો ફિલસૂફ બને તો વાંધો, ફિલસૂફ નહીં બને તો વાંધો, એ પ્રયોગ કરે તો પ્રયોગખોર, પ્રયોગ નહીં કરે તો રૂઢિપૂજક, સમાજની આલોચના કરે તો પ્રચારક કે ઉપદેશક, સમાજ વિશે નિલિર્પ્ત રહે તો કેવળ કળાવિલાસમાં રાચનારો ગણાય.

સમાજ પ્રત્યે ઘૂરક્યા કરવું તે સંવેદનાશીલતા નથી, હિંસા તે શૂરવીરતા નથી. આ બધું વાતાવરણમાં પ્રસરેલી વંધ્યતા, નપુંસકતા, શુષ્કતા અને પક્ષાઘાતની લાગણીની પ્રતિક્રિયારૂપે આવ્યું. પણ આપણે ક્રિયા-પ્રતિક્રિયાના ઝોલે ક્યાં સુધી આમથી તેમ ફેંકાયા કરીશું? દુનિયા બગડી ચૂકી છે તો નવલકથાનો નાયક સન્તપુરુષ શી રીતે બને? ગુનો કરવો એ એની જાણે ફરજ બની રહે છે. આ દુનિયામાં ગુનેગાર જ કદાચ સાચો સન્ત છે. એ જ જીવનમાં રહેલા શક્તિ-સામર્થ્યને પુરસ્કારે છે. ઇતિહાસની હકીકતોના ત્રાસમાંથી એ ભાગી છૂટ્યો છે. નિરક્ષરતા, અસમ્બદ્ધતા એ આવી દુનિયામાંથી છટકી જવા માટેની બે પાંખો છે. એમાં થોડોથોડો બધી વસ્તુનો સમાવેશ થયો હોય છે. એમાં ક્યિર્કેગાર્દની ડાયરીનાં થોડાં પાનાં છે, નીત્શેનાં ઉદ્ગારો છે, કેમ્યૂનો સારસંક્ષેપ છે. ફ્રોઇડનો અણસાર છે, ઝૈન બૌદ્ધ ધર્મની છાંટ છે, મૂળ અસ્તિત્વવાદથી દસ ડગલાં છેટેનો એનો પડછાયો છે ને અઢારમી સદીના ઈશ્વરથી પચાસ ડગલાં છેટે પડતી એની આછી ઝાંખી પ્રતિકૃતિ છે. આ બધાંની પણ પ્રતિક્રિયા થઈ. જે વધુ પડતું સરળ બનાવીને રજૂ કયું હતું તેની સામેનો ઉગ્ર અસન્તોષ પ્રગટ થવા લાગ્યો. હવે ભોંયતળિયેનો આદમી બહાર નીકળવા માગતો હોય એવાં લક્ષણ દેખાવાં લાગ્યાં. એ ફરી ક્રિયાશીલ બનીને ઇતિહાસમાં પ્રવેશવા મથતો હોય એવું જણાવા લાગ્યું. હિટલર અને હિરોશીમાનો તથા સ્તાલિનનો ધક્કો એને લાગ્યો. એ હડસેલાઈને બહાર આવ્યો.

પણ બહાર આવીને એ ક્યાં જઈ પહોંચ્યો? એ હજુ નરી ઉપસ્થિતિ મટીને વ્યક્તિ બન્યો ખરો? વધારે સંસ્કારી માનવી જ પોતાના અંતરાત્માને સૂક્ષ્મ દૃષ્ટિથી તપાસતો રહે છે. આપણા લોકશાહીના જમાનામાં બાહ્ય પરિસ્થિતિ એવી તો પલટાયા કરે છે કે એની જોડે વ્યક્તિ સમ્બન્ધ બાંધે એવી કોઈ સ્થિર ભૂમિકા જ એને પ્રાપ્ત થતી નથી.

સોલ બેલોની નવલકથામાં આથી પાત્રો સ્વગતોક્તિ તરફ વળે છે. ‘હરઝોગ’માં બાહ્ય વાસ્તવિકતાનાં તાદૃશ સૂક્ષ્મ વર્ણનો છે. પણ પાત્રની આન્તરચેતના સાથે એનો સમ્બન્ધ જોડી શકાતો નથી. પોતા જોડે જ વાતો કર્યા કરનાર પોતાના સાચા મૂલ્યાંકન માટેનાં ધોરણો પ્રાપ્ત કરી શકતો નથી. આપણે ઇતરને ભલે સાર્ત્રની જેમ નરક કહીએ, પણ ઇતરની કસોટીએ જ આપણું સ્વત્વ પ્રમાણિત થતું રહ્યું છે. એ વિના આપણું વ્યક્તિત્વ એના આગવાપણાને પામતું નથી. એ કેવળ રૂપહીન ચૈતન્ય જ બની રહે છે. એ કદાચ બહારના વિરાટ જીવનથી ગભરાઈને ફરીથી પોતાની ચેતનાના ભોંયતળિયામાં ભરાઈ ગયો છે. આ વિરાટ જીવન એને કચડી નાખે, વામણો બનાવી નાખે એવો એને ભય છે.

આપણી અપેક્ષા એ છે કે આ ભય, આ સંઘર્ષ પણ કળાનો વિષય બની રહે એવી એની ક્ષમતા, સર્જકો પ્રગટ કરે. સોલ બેલોના કથાનાયકોનું કામ ઈશ્વરની સૃષ્ટિને નાણી જોવાનું છે. એ ઈશ્વરને પૂછે છે : ‘હે ઈશ્વર. જો તારી સૃષ્ટિ ઉષ્માભરી છે, તો પછી એ મારામાં કેમ પ્રાણ પૂરી શકતી નથી?’

7-11-76