પશ્યન્તી/રિલ્કે અને વાલેરી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રિલ્કે અને વાલેરી

સુરેશ જોષી

અંગ્રેજીમાં એક શબ્દ છે ‘ઇન્સ્યુલારિટી.’ એનો ગુજરાતીમાં યથાર્થ અનુવાદ થઈ શકતો નથી. ઘણી વાર સર્જક વચ્ચેના સમ્બન્ધોમાં અનુચિત સ્પર્ધા, દ્વેષ, અતડાપણું દેખાય છે. આપણે એમ કહીએ છીએ કે આ બધી તો માનવસહજ એવી મર્યાદાઓ છે. પણ સર્જકની સંવેદનપટુતા અને સૂક્ષ્મ દૃષ્ટિ એને આ બધું ઉલ્લંઘી જવામાં સહાયભૂત નહિ થાય?

એક બાજુથી ‘સ્વ’ પુષ્ટ થતો જાય તે બરડ અહંકારમાં પરિણમે, તો બીજી બાજુથી ‘સ્વ’ના પરિમાણ વિસ્તરતાં અનુકમ્પા, સમજ અને સૌહાર્દનાં ક્ષેત્ર પણ વિસ્તરે. બરડ અહંકાર આખરે તો ‘સ્વ’ને સંકુચિત કરી નાખે. સાહિત્યનું વાતાવરણ ખોટી મહત્ત્વાકાંક્ષા ધરાવનારા, સાહિત્યના ક્ષેત્રમાં આગવું રાજકારણ ઊભું કરનારા, જાહેર માધ્યમોનો કબજો લઈને પોતાના વર્ચસ્નું ક્ષેત્ર વધારવાની લાલસા ધરાવનારા લેખકોને કારણે કલુષિત થતું હોય છે. મને તો આ ક્ષેત્રમાં સ્પર્ધા નરી અનાવશ્યક લાગે છે. એનું કારણ એ છે કે થોડુંઘણું કરે છે તેને તરત સમજાઈ જાય છે કે હજી તો કેટલું બધું કરવાની શક્યતા છે. આ આપણું ચેતનાનું વિશ્વ તો અપરિમેય અને અજસ્ર છે. ‘મેં આટલાનો કબજો મેળવી લીધો’ એવું કહેનાર બાલિશ જ લેખાય. જેને રચવાનો, નવું નિર્માણ કરવાનો, આનન્દ પ્રાપ્ત થયો છે તે સ્પર્ધા કે દ્વેષભાવથી એને કષાયિત કરવાની મૂર્ખતા ન કરે.

આમ છતાં વાસ્તવિકતા જુદી છે તે કબૂલ કરવું રહ્યું. આવી વૃત્તિને કારણે કોઈ સહૃદય ભાવક કવિની કવિતામાંથી જે આહ્લાદ પામે તે આહ્લાદ એક કવિ બીજા કવિની કવિતામાંથી પામતો નથી. ઘણી વાર સમકાલીન કવિઓ એકબીજાની રચનાપ્રવૃત્તિથી અપરિચિત જ રહે એવું પણ બને છે. પણ બીજી બાજુથી એવી સુખદ ઘટના પણ બનતી રહે છે કે એક કવિ બીજા કવિને વધુ સમર્થ રીતે ભાવકો આગળ રજૂ કરે.

મને રિલ્કે અને વાલેરી જુદી જુદી રીતે ગમે છે. બંને જાણે સામસામે છેડેના કવિ છે. રિલ્કેએ પોતાની કવિપ્રકૃતિથી સાવ જુદી જ પ્રકૃતિના કવિ વાલેરીની કવિતાનો પોતાની ભાષામાં અનુવાદ કર્યો અને એક જુદા જ વાતાવરણવાળા નવા વિશ્વમાં જવાનો આહ્લાદ અનુભવ્યો. બંનેની સંવેદનાનું પોત જ સાવ જુદું. કવિએ પોતાના અનુચિત અહંકારને અંકુશમાં લાવવા માટેય આવી કશી પ્રવૃત્તિ કરવી જોઈએ. પોતાની કવિતાની પડછે, અનુવાદ કરીને બીજા, જુદી જ પ્રકૃતિના, કવિઓની કૃતિને મૂક્યા કરવી જોઈએ. જે કવિ આવી અનુવાદપ્રવૃત્તિ નથી કરતો તે પોતે જ પોતાના વિકાસને રૂંધે છે.

વાલેરીને લાગ્યું કે એની ને રિલ્કેની વચ્ચે એક વિલક્ષણ પ્રકારનું સમ્બન્ધસૂત્ર રહેલું છે. એનું મૂલ્ય એને સમજાયું હતું. વાલેરીને જર્મન ભાષા સમજાતી નહોતી, આથી પોતાની પ્રત્યે ઉમળકાભર્યો આદર ધરાવનાર રિલ્કેને સમજવામાં એને મુશ્કેલી ઊભી થતી હતી. જર્મન જાણવાનો પ્રયત્ન કર્યા પછી કે રિલ્કેની કવિતાને ફ્રેન્ચમાં થયેલા અનુવાદ દ્વારા સમજ્યા પછી પણ રિલ્કેની ગુહ્યા અને અંગત સ્વરૂપની વિશિષ્ટ ભાષાને ભેદીને એનો મર્મ પામવામાં વાલેરીને મુશ્કેલી પડતી હતી. આ હકીકતનો એણે એકરાર કરેલો છે. એણે કહ્યું છે, ‘રિલ્કેને ચાહું છું. એની દ્વારા, જેને હું જાતે ચાહી ન શક્યો હોત એવું, ઘણુંબધું ચાહતો થયો છું. આત્માની એ અંધારી અને લગભગ અક્ષુણ્ણ એવી ભૂમિ જેને આપણે ‘રહસ્યવાદ’ કે ‘ગુહ્યવાદ’ જેવા અસ્પષ્ટ શબ્દોથી વર્ણવીએ છીએ, શકુનો, એંધાણીઓ અકળ રીતે વર્તાતા અણસાર, ચિત્તના નેપથ્યમાં સંભળાતા ધર્મમૂલક ધ્વનિ, દૂર દૂરની વસ્તુ સાથેના ઘનિષ્ઠતાભર્યા સંવાદ – આ બધાંથી હું તો સાવ અનભિજ્ઞ જ હતો. આ બધું કેટલીક વાર કોઈ નારી સાથેની ઘનિષ્ઠતાના અનુભવ જેવું પણ લાગે. હું તો આ બધાંની ઠેકડી પણ ઉડાવતો. આ બધું રિલ્કેએ મારી સમક્ષ સુચારુરૂપે ઉદ્ઘાટિત કરી આપ્યું.’

આ સમ્બન્ધમાં પહેલ રિલ્કેએ કરેલી. પ્રારમ્ભમાં તો એ એકપક્ષી જ સમ્બન્ધ હતો. રિલ્કેનો વાલેરીની કૃતિ માટેનો સાહજિક ઉમળકાભર્યો આદર એણે આકસ્મિક રીતે જ વાલેરીનું પ્રખ્યાત કાવ્ય ‘સમુદ્રકાંઠેનું કબ્રસ્તાન’ વાંચ્યું ત્યારે ઉદ્ભવ્યો. એની ચેતનાને આઘાતની જરૂર હતી, તેનો આ કાવ્ય વાંચતાં એને અનુભવ થયો. આથી એક વાર ફરીથી એની સર્જનશક્તિના કેન્દ્ર તરફ ગતિ કરવાનું બન્યું. વાલેરીમાં એને એક કૌવતભર્યા વ્યક્તિત્વનો પરિચય થયો. દૃઢ સંકલ્પશક્તિ એનામાં પ્રધાનપણે હતી અને એ જે એનું ચાલકબળ પણ બની રહી હતી. એની પ્રખર મેધા, સત્ય માટેની અભિનિવેશપૂર્વકની આસક્તિ – આ બધું રિલ્કેને, પ્રભાવિત કરી ગયું. એના ગ્રહિષ્ણુ અને ઉન્મુક્ત હૃદયે આ બધું ઉત્સાહપૂર્વક ઝીલ્યું અને એનાથી ચેતનાની ભૂમિ વધુ ઉર્વરા બની ઊઠી. આમ એનાથી વિરુદ્ધ એવી પ્રકૃતિના બીજા કવિએ રિલ્કેને કશુંક જુદું જ કરવાને માટેની ઉત્તેજના સંપડાવી આપી. એને માટે આવશ્યક એવો આવેગ પણ એનામાં જગાડ્યો અને જાણે રિલ્કેએ વાલેરીને પથદર્શક તરીકે સ્વીકારી લીધો. ઓગણીસસો એકવીસમાં આ બન્યું. એ ઘટના રિલ્કેના જીવનમાં એક સીમાચિહ્ન બની રહી. વાલેરીની શક્તિને આત્મસાત્ કરવા માટે એની કવિતાના અનુવાદની પ્રવૃત્તિ એણે આરમ્ભી. અનુવાદની પ્રવૃત્તિ આપણને બીજા કવિની રચનાપ્રવૃત્તિના ગુહ્યાસ્થાને દોરી જતી હોય છે. એ નિમિત્તે આપણે આપણી ભાષા જોડે, નવું કામ પાડવાનું આવે છે. આને પરિણામે કવિ તરીકેની આપણી સજ્જતા વધે છે. કશાક ક્ષુદ્ર અહંકારને વશ થઈને આ ન કરીએ તો એ આપણે માટે જ વિઘાતક નીવડે. વાલેરીની કવિતાનો અનુવાદ કરતાં એને લાગ્યું કે પોતે એક વિશદ અને સૂક્ષ્મ એવી મેધાથી દોરવાઈ રહ્યો છે. વાલેરીનું સાહિત્યિક અભિવ્યક્તિ પરનું અદ્ભુત પ્રભુત્વ એને રોમાંચિત કરી ગયું. એની પાછળ એક સુદીર્ઘ એવો અનુભૂતિનો પટ વિસ્તરેલો હતો. વાલેરીને કળાનો ઘનિષ્ઠ સંસર્ગ હતો. એણે વાગ્છટાની સસ્તી તદબીરોને ફગાવી દીધી હતી, એનામાં વિચારની ઉન્મુક્તતાનો ઉઘાડ હતો. કલ્પનોનું સાહચર્ય એક નવો વિશાળ અવકાશ રચી દેતું હતું. રિલ્કેની કવિ તરીકેની પ્રજ્ઞા પરિણતિની અવસ્થાએ પહોંચી હતી ત્યારે એને આ બધાંનો પરિચય થયો. આ અવસ્થાએ નરી વિવેકહીન મુગ્ધતા નથી હોતી. એવી મુગ્ધતા આપણને અનુકરણને ચીલે ચઢાવી દે છે. ભાંખોડિયાં ભરતાં હોઈએ ત્યારે તો આપબળને આધારે જ ઝઝૂમવું. દૃઢભૂમિ પર સ્થિર થઈએ પછી નિશ્ચિતપણે ચારે બાજુ નજર કરી લેવી.

રિલ્કેએ પહેલા વિશ્વયુદ્ધ પછી જે નવી કેડી પર પગલાં માંડ્યાં હતાં, તેમાં વાલેરીના પ્રભાવે એને ગતિ અને રક્ષણ આપ્યાં. એ કેડી પર પગ મૂક્યો ત્યારે એમ કરવાનું કારણ તો એને મન અકળ જ હતું, એની પાછળ કોઈ ચોક્કસ પૂર્વનિર્ણીત યોજના જેવું નહોતું. રિલ્કેને લાગ્યું કે લાગણીનો પ્રચણ્ડ સ્રોત રેલાઈ જવાથી કદાચ પ્રલયની સ્થિતિ આવી ગઈ હોત. એની આડે વાલેરીની કવિતાએ એક બંધ બાંધી દીધો. આમ ‘ડ્યુઇનો એલિજીઝ’ અને ‘સોનેટ્સ ટુ ઓરફિયસ’ની રચનામાં વાલેરીનો પ્રભાવ, આડકતરી રીતે ક્રિયાશીલ બન્યો.

રિલ્કેને હવે માત્ર પાંચ જ વર્ષ જીવવાનું બાકી રહ્યું હતું. એ ગાળાના પત્રોમાં, મિત્રો સાથેની વાતચીતમાં, નોંધોમાં વાલેરીમાંથી ઝીલેલા સંસ્કારો પ્રચુર માત્રામાં દેખાય છે. વાલેરી એકધારા વીસેક વર્ષના મૌન પછી કાવ્યરચના લઈને જાહેરમાં ઉપસ્થિત થયા હતા એ ઘટના રિલ્કેના મર્મને સ્પર્શી ગઈ. કવિના આ સુદીર્ઘ મૌનનો રિલ્કે પર ખૂબ પ્રભાવ પડ્યો. આ ગાળા દરમિયાન જ કળાકૃતિને વિકસાવવાને માટેનો અવકાશ પ્રાપ્ત થયો. આ પરિણતિની પ્રક્રિયા બહુ ધીમી અને જગતથી દૂર, કવિની ચેતનાના નેપથ્યમાં, ચાલતી હોય છે. આથી રિલ્કેને ‘એલિજીઝ’ લખતાં પહેલાં જે નિષ્ક્રિયતાના ગાળામાંથી પસાર થવું પડ્યું તેની સાભિપ્રાયતા સમજાઈ.

ગેટેના સમયથી જ ઘણા જર્મન કવિઓ ઇટાલીની કવિતાના ક્ષેત્રની તીર્થયાત્રા કરતા હતા. જર્મન મિજાજ, સ્વપ્ન અને દર્શનોમાં રાચનાર, કંઈક અંશે રૂપશૈથિલ્યને ચલાવી લેનાર અને અતિરેકને વશ થઈ જનાર ગણાય છે. આથી રૂપની દૃઢતા, મૂર્તતા પામવા માટે કદાચ આ જરૂરી હતું. રિલ્કેને ઈંગ્લેંડની વિચારણા ઝાઝી આકર્ષક લાગી નહોતી. લંડન જવાનું એને મન જ થતું નહોતું. અમેરિકનો એને આસુરી લાગતા હતા. ઇટાલિયનો એને ઝાઝા પારદર્શક લાગતા નહોતા. રિલ્કેના મિત્ર કાસનરે કહ્યું છે, ‘એને ફ્રાન્સ માટે પ્રેમ હતો, કારણ કે એમાં એને એક ચઢિયાતી શૈલીનો અનુભવ થતો હતો, ચારિત્ર્ય શૈલીની ઊણપને પૂરી જ ન શકે એમ એ માનતો હતો. એને મન શૈલી પહેલી, પછી બીજું બધું.’

ઉગ્ર અને અસહિષ્ણુ ભાષાભિમાન, સંકુચિત ભૌગોલિક પ્રાન્તીયતાવાદ આ બધું આપણને પીડી રહ્યું છે ત્યારે, આ સન્દર્ભમાં, રિલ્કે અને વાલેરીના સમ્બન્ધનું સ્મરણ કરવું જોઈએ.

1-7-81