પુનરપિ/કાઠીયાવાડ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાઠીયાવાડ

આવળ બાવળ બોરડી કેરો દેશ.
થોરીલો ખેસ.
ધૂળ ઊડે ને ધગતા પાણા
અશોકના જ્યાં લેખ લીંપાણા.
ગ્રીષ્મને કેસૂડા લગાડે આગ.
સઘળું જ્યારે સુકાય
ગાંડો બાવળ લીલમ થાય.
જન્મ્યો હુંયે ત્યાંય.

[અરે કેસૂડા! અરે કેસૂડા!
જમોર ખેલતા કાઠીની કમ્મરે
કુમકુમ કેરી છાંટ
રાણકદે’ની ભોમની નાભિ શી કંકાવટીથી.
અથવા લોહીના ટસિયા
જ્યાં જ્યાં લૂએ ખાખરાને ડસિયા.
અથવા વિશેષણો ભાટ—ચારણનાં
જન્મદિને અફીણિયા નપુંસક રાણાના.
ફોગટ!]

ખાપરા—કોડિયાના ભોંયરામાં
આજ ખાપરા—કોડિયા ક્યાં?
મારું બાળપણું છે છૂપ્યું ત્યાં —
છીછરા વીરડા જેવું સ્પષ્ટ
એક્કેય મૂર્તિ ન થાતી નષ્ટ
નીચે પડેલા શંખલાઓની, છીપ તણી,
અપૂર્ણ શાલિગ્રામ સમી.

સાંકડી શેરીએ ખોરડાં મારાં
છાંયમાં મોટાં ખોરડાંની, જે
વહુએ વગોવ્યાં.
ઊંચેરા ગોખથી છટકી
ઊંચી સોટા જેવી પાતળી પરમાર
છાંડીને કસૂંબો કરતા ઠાકોર; જેણે
હોકો ફોડ્યો ઓલ્યીને દરબાર,
ચલમ ફોડી ચોકમાં રે!
મેંય માથું ધુણાવ્યું શોકમાં રે:
પાતળા પ્રણને રોકમા રે!
સંહિણ પાતળીનાં દૂધ પાતળાં રે!

કૃષ્ણપ્રભુને મરવા લાયક દેશ.
જીવવા માટે ત્યાગવાલાયક પ્રાંત
કોઈ દયાનન્દને, કોઈ મોહ ગાંધીને
થવું જેને ઉત્તર દેશે પ્રશાન્ત.
લીંબડા નીચે કોસ બપોરે, ધોમ બપોરે,
લીંબડે ગૂંથી પંચવટીમાં.
ધોરિયા ખેતર જાય.
વીરની યાદમાં પાળિયા ટટ્ટાર થાય.
હાથલા થોરમાં હાથ સતીના વરતાય.
[બહેનને મારતાં હાથમાં ઊગે કાંટા
— સાંભરે માનાં વેણ.]
ખોડિયાર માનું ત્રિશૂળ, જાણે
લોઢાનો થોર તરધારો.
કિચૂડ કિચૂડ કોસની ઉપર લીંબડા ઝૂમે;
વાગોળતી ભેંશ; સ્તબ્ધ મયૂર;
ક્યારે ક્યારેક કોયલ-સૂર
લિંબોળીમાં જોઈ નાની કડવી કેરીનાં નૂર.

કબરે કબરે સીતાફળીની છાંય.
મૃત્યુ-નોંધનો મધુપ્રમેહ એમાં માય.
ભૂલી જઈને ધરતી નીચે ઊગવાનું, ત્યાં
લટકે અનેનાસ.
કબ્રસ્તાનનાં સીતાફળોમાં વડવાગોળના ભાસ!

ગીરના કેસરી સંહિ.
ભારતવર્ષના સર્વ જટાધરોનું
ગીર છે દંડકરાણ્ય.
ગીરનો લાયન! મારોય સંહિનો વંશ,
લાઇન ઓફ લીસ્ટ રિઝિસ્ટન્સ.
કેડીઓ ગીરમાં ગોથાં ખાય;
કારભારીની પાઘડીમાંની આંટીઘૂટીમાં
જેમ જતા અટવાઈ
પ્રતિસ્પર્ધીઓ.

એક ઊભો ગિરનાર.
ને એક છે શત્રુંજય;
પ્રતીક આ ઉભય.
તેમ જ નાગરાણી ને રૂડી રબારણ.
માણસો તાકતા હાથી ચડેલા રાજવીને;
અંબાડીની હરોળમાં આવે ઝરૂખો નાગરાણીનો
આંખ રાજાની ત્યાં.
ચણિયે, કાપડે આભલાં
જાણે નિતનિત નાથ્યો મોર;
ગામને ટીંબે જાય રબારણ,
કંથ ચરાવતો ઢોર;
ત્રાંબાવર્ણી બાઈને કાળજે નંદકિશોર.
ગોપ ને ગોપી, ગોપ ને ગોપી
રાસ રમંતાં વહેતું મૂકે વર્તુલ.
સાંજનું કાઠિયાવાડ તે સો ગોકુલ.

27-9-’59