પુનરપિ/બાથટબમાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બાથટબમાં

લંબગોળ ઘાટીના પાણીને
ખાબોચિયું માનું?
ધર્મ એનો ગંગા જેવો ગહન નિતનિત.
વગડાનો મહેકીલો શ્વાસ ગદગદિયાં કરે સાબુને:
પરપોટા.
[કેટલાં રહ્યાં વરસ, ભાઈ, કેટલા શ્વાસ?]
ફુવારો ઉપરનો બંધ, તોય ટપકે ભેંકાર:
[કેટલા શ્વાસ?]
થયો લાંબો, કાન સુધી ખેંચી જળરેખાની પરછ;
કંપી ઊઠ્યાં ઘરગથ્થુ અવાજોનાં મૂળ:
[કોઈ પડ્યું? વ્યોમ દડ્યું?]
તરતો આ થોડો મેલ
[ખુશબોના સ્મરણોની વર્ણમાલા.
મારાં અંગઅંગમાં રે, મોકળાશ.
સ્વસ્થ શ્વાસ.
આંખ બંધ કરી —
સૂર્યોદય ઝીલવા સરી પોપચાંની પડદી:
પ્રાત:સંધ્યા પ્રાત:ઉદયે
[મારું ઊર્ધ્વ સાષ્ટાંગ]
ધ્યાન ચીરતું ચાંદરડું સર્યું ગોખ થકી ઊંચા.
બહાર કૂદું તો થાશે ઘામ,
પરસેવો સાબુને સ્થાન.
ભાઈ, પડી રહે!
પણ શાશ્વત સ્વચ્છતામાં?
એ કોણ સહે
એકાન્ત?
થનગનતા કરવી શાંત, થાવું ક્લાંત,
નિર્મળતામાં ફરી સરકતાં પહેલાં.

9-8-’59