પુનરપિ/હાથરસનો હાથી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હાથરસનો હાથી

સાત પૂંછડિયા ઉંદરડાને
એક પૂંછડિયો થાવું’તું,
સઘળા ઉંદર જેવો થઈને
ઉંદરશાળા જાવું’તું:
બાળક સૌ જાણે એ જાત,
આજે કરવી ઊંધી વાત.
ઉંદર છોટો, હાથી મોટો,
ક્યાં ઉંદર ને હાથી ક્યાં!
અંતે તો સરખી વાતો છે
ઊંધીચત્તી દુનિયા જ્યાં!
ઉંદર બાદબાકી વાળો;
હાથી શીખ્યો સરવાળો.
હાથરસના રાજાને ત્યાં
એક હતો હાથીડો મત્ત;
માનવ જેવો હાથી ધૂની
એને થાવું ઐરાવત!
સાત સૂંઢ માગે હાથી,
એક સૂંઢે ચાલે ક્યાંથી?
રાજા વિક્રમ મૂછોવાળો,
રજવાડામાં પહેલો વર્ગ;
પણ ઇંદ્ર હરોળે ક્યાંથી આવે
રાજપાટ જેનું છે સ્વર્ગ!
સ્વપ્ન સવારી ઇંદ્ર તણાં!
વિક્રમ જેવા જોયા ઘણા!
એકલવાયી સૂંઢ ધુણાવી
હાથી રોતો, રડતો જાય;
હાથીખાને પાછા ફરતાં
ઢગલો થઈને નાખે હાય:
દુનિયામાં ના ન્યાય મળે!
મોટું દિલ મોટું કકળે!
હાથીભાને રોતો જોઈ
મારું લ્યો પૂંછ, ઘોડો વદે,
બનશો બે સૂંઢાળા રૂડા.
શિખર ધુણાવે હાથી મદે:
ચમ્મર રૂપે જે શોભે!
શું જડી શકું મારે મોભે?
જિરાફને જાતો ભાળીને
માગી લીધી લાંબી ડોક:
વડલાની ધીંગી વડવાઈ
જે લેતી’તી ખાસ્સો ઝોક:
અજગર લાવ્યો એક મદારી:
છગછગ બંબાનું ભૂંગળ:
પડઘમાળો મેજર લાવ્યો
વાજું મોટો લેતું વળ:
પાંચ સૂંઢ નવી ભાલે,
છ તોય થાયે સરવાળે!
ક્યાંથી ગોતું સૂંઢ સાતમી?
વિહ્વળ હાથીડો થાતો.
જેમ વિચાર વધારે કરતો
છયે સૂંઢમાં રઘવાતો;
વીજળી ચમકો થયો વિચાર:
થશે જ મારો બેડો પાર!
બબડ્યો હાથી ડોક ધુણાવી:
કાપું કેમ ન મારું પૂંછ?
એમાં નાનમ કેમ નિહાળું?
એને શાને ગણવી મૂછ?
આમ થયો એ ઐરાવત!
સાત ગણો થાતો મદમત્ત!
દુનિયાનો ઐરાવત ઊભી
સ્વર્ગ ભણી ફેંકે પડકાર:
ઇન્દ્ર તણું સિંહાસન ડોલ્યું
પણ એમાં નહોતો ઇન્દ્ર સવાર.
વાવડ આવ્યા, ઇન્દ્ર પલાયન,
સ્વર્ગ તણું આપી ભૂદાન.
લોકશાહી શી દેવશાહી ત્યાં
ન પાલવે હાથીનાં માન!
હાથ રસના રાજાને ત્યાં
ખડ નહોતું તો સાત ગણું;
સાત સાત મોઢાં ભરવામાં
દીવાળું થ્યું રાજ્ય તણું.
અરજી મળતાં કમર કસીને
ખડું થયું ટાટાનું ટ્રસ્ટ;
ખતમ થયો ખજાનો વરસે
ટ્રસ્ટ તણુંયે થયું જ બસ્ટ.
રાજાઓને હાક પડે:
ઐરાવત નવાજો ખડે!
ભેગાં થ્યાં સઘળાં રજવાડાં,
રાષ્ટ્રસંઘ સ્થપાયો આમ.
પેટ હાથીનું વધતું ચાલ્યું,
દુનિયા કરતી ખડનું કામ.
સાત સૂંઢેથી ઘાસ ઉછાળી
એક પેટની પૂજા થાય.
દુનિયાના ગોળા જેવો એ
ઐરાવત મનમાં મલકાય:
હું શું ખાનારો? આમાં તો
આખી દુનિયા છે ખડ ખાય!
9-3-’59