પુનરપિ/3. છંદ ઉપરવટ છાંદસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


3. છંદ ઉપરવટ છાંદસ

સંસ્કૃત છંદોનો મહિમા જેટલો ગુજરાતી કાવ્યસાહિત્યમાં છે તેટલો ભારતની બીજી ભાષાઓમાં નથી. ઘણાખરા બંગાળી કવિઓએ છંદબદ્ધતાનું કવચ ક્યારનુંય તોડી નાખ્યું છે અને જેને અંગ્રેજીમાં blank verse અથવા free verse કહે છે અને જેને શ્રી ઉમાશંકર જોશી ‘અગેય પ્રવાહી પદ્ય’ લેખે છે તેને ઉમંગથી અને સફતાથી સ્વીકાર્યું છે. છંદબદ્ધતાની શિસ્ત કાવ્યપ્રવૃત્તિને પ્રબળ બનાવે છે તે તો આપણે સંસ્કૃત અને ગુજરાતીની પ્રખ્યાત કૃતિઓ ઉપરથી જોઈ શકીએ છીએ. કાંઠા બાંધીને નદીનો પટ સાંકડો કરીએ તો પ્રવાહમાં ઓર જોશ આવે છે, જેમ વાર્તાને કાલસ્થળની શિસ્ત — મર્યાદાવાળા નાટકના ચોકઠામાં બંધ બેસાડતાં અનુભૂતિ અતિ તીવ્ર બને છે. પણ લક્ષ કલા ઉપર છે, કાવ્યત્વ ઉપર છે. અને કાવ્ય છંદબદ્ધતાથી બનતું નથી તેમ જ ગદ્યલય ઉપરથી પણ બનતું નથી. એ જે કાંઈ વધારે માગે છે તેનું જ જતન કરીને છંદોલય કે ગદ્યલયને સાધનરૂપ સમજીએ તો આપણે આધુનિક અંગ્રેજી કવિતાના અખતરાની હરોળમાં આવી પૂગીએ. મને રસ જાગ્યો છે છંદોલય અને ગદ્યલય વચ્ચે — છંદોત્તરમાં કે ગદ્યપૂર્વમાં. પોતાની આધેડ વયમાં શરૂ કરેલી ચિત્રકળામાં કવીન્દ્ર રવીન્દ્રનાથ ટાગોર છાંદસ તત્ત્વ જોતા; મારે એ શબ્દ અને અવાજનો લયહિલ્લોલ, સિતારના પડદાઓની જેમ ઊંડાણ આપતો રહે અને મુખ્ય તારો ઉપર વિવિધ રણકા વાગતા જાય. માત્રા અને યતિ ગણવાનું ભૂલવાનું નથી કહેતો, પણ ઉચ્ચતમ ગણિત વિરાધાભાસી ગણતરીઓમાં પરિણમે છે તેની યાદ આપું છું. રાસડાઓ અને લોકગીતોના એકવિધ કાળખંડનો જ જેને અનુભવ છે, સાદા એક-એક એક તાલમાં જ મસ્ત છે તેવો ગોવાળ તો ત્રિતાલમાં પણ તાલભંગ અનુભવે. એથી આગળ ચાલીએ. ભારતના Melody તબક્કાના સંગીતમાં ઢોલકનો કે તબલાંનો એકવિધ કાળખંડોનાં સરવાળા કે બાદબાકી કરવા પૂરતો જ ઉપયોગ થાય છે, જ્યારે પશ્ચિમના harmony-યુક્ત સંગીતમાં ઢોલક કે ઝાંઝપખાજોનો કાળખંડોની ગણતરી કરવા માટે નહિ પણ લાગણીઓની ભરતીને સમૃદ્ધ કરવા માટે ઉપયોગ થાય છે. એ પણ ભરતીમોજાંનો એક અટપટો, ઉચ્ચે, વધુ વિકસિત તાલ છે, પણ વણટેવાયેલા કાનોને એ રુચતો નથી. મારા કોલંબિયાના પ્રોફેસર રોબર્ટ મકીવરે બુદ્ધિની વ્યાખ્યા આપી છે વિચારોના અને અનુભૂતિના સૂક્ષ્મતમ ભેદો સમજવાની શક્તિમાં. અનુભૂતિના વિકાસ વિના કળા જન્મતી નથી. સાદગીમાં અને સરળતામાં આસમાન-જમીનનો ફેર છે. કળામાં સાદાઈ હોય, પણ સરળતા હોવી જ જોઈએ એવો આગ્રહ રાખવો એટલે હાલરડાં અને લોકગીતમાં જ કાવ્યકળાનો અંત આવી ગયો તેમ માનવા જેવું બને. તાલની અનુભૂતિની ચિકિત્સા કરીએ. આરોહ-અવરોહના જ અણુભવીઓ અને એ જ કક્ષાના ઊંચા કે નીચા ભારતી સંગીતનાં સપ્તકોના સંવેદનને જ સમજનારોઓ પાશ્ચાત્ય સંગીતના સમન્વય-(harmony) ને બસૂર ગણી કાઢે છે. એટલે સવાલ છે માત્રા કે યતિના વિલયનો નહિ પણ અનુભૂતિના વિકાસનો —સ્વર સપ્તપદિણા વિલયનો નહિ પણ અવિકસિતોને અગોચર એવા છાંદસ પ્રવાહને માણવાની શક્તિનો. પ્રાસાચ્છાદિત પ્રસન્નતાને છોડ્યા વિના પ્રાસનો ત્રાસ જતો કરવાનું તો આપણે ક્યારનુંય શરૂ કરી દીધું છે. વળી એક પ્રશ્ન છે. વાચકને છંદવિચ્છંદની જેટલી પડી હોય, અભ્યાસીને માત્રા ગણવાની જેટલી ધીરજ હોય, એટલી કાળજી કવિ શા માટે રાખે? દુનિયાની પરવા કર્યા વિના નદીને કાંઠે કલાકો સુધી તડકો ખાતા મગરમચ્છના જેવી મારી કવિની મસ્ત તસવીર છે. જોકે વિવેચકોની અને સાક્ષરોની જે જમાનામાં આણ વર્તે છે તે જમાનામાં કવિ મગરમચ્છ જેવો મસ્ત અને અભેદ્ય નથિ રહી શકવાનો તે પણ સ્વીકારવું રહ્યું. સર્જક કરતાં સર્જન નીચું અને સર્જન નીચું અને સર્જન કરતાં વિવેચન હીન અને સૌથી તળિયાનું વાચન. કળાની દુનિયા વર્ણાશ્રમધર્મ સિવાય ન નભે. એટલે તો સ્વાધ્યાયથી અધિકારી બનવાનો બોજો સાહિત્યજગતના શૂદ્રોએ જ ઉપાડવો રહ્યો. લોકોને સમજાવવાની કવિની જરૂર કરતાં કવિને સમજવાની લોકોની જરૂર વધાર નહિ? બહુમતીએ આનો ઇન્કાર થાય તો સર્જક હરહંમેશ લઘુમતીમાં સામેલ રહ્યો છે. સ્વચ્છંદે એટલે પોતાના અંતર્ગત છંદને અનુસરીને, એક જ કાવ્યમાં, એક કડીમાં, અરે એક જ લીટીમાં લય કે છંદ બદલવાની તરકીબને મેં થોડાં વર્ષ પહેલાં ‘છંદ ગાડરિયો’ તરીકે વર્ણવી હતી. ઓચંતુંિ, પણ અકારણ નહિ, ઘેટાંનું ટોળું દિશા બદલે, ધોરી માર્ગ છોડી ફંટાય, તોપણ ગાડરિયો પ્રવાહ ચાલુ જ રહે છે. આવા અણધાર્યા દિશાપલટાથી રુચિભંગ થયો કે નહિ, સૌંદર્યક્ષતિ પરિણમી કે નહિ, વાચકની તલ્લીનતાને આંચ પહોંચી કે નહિ તે અંતે તો આજના નાગરિકો કે આવતી કાલના સમાલોચકો નક્કી કરશે. ફેંસલો કવિના હાથની વાત નથી, અને લોકપ્રિયતા કે વિદ્વાનોની વાહવાહ કંઈ કવિની માગી આવતી નથી. પણ રજૂ કરવાની જરૂર ન હોય છતાં કર્તા કહી છૂટે છે કે પોતે કયા હેતુથી — વિશિષ્ટતાના કે શબ્દની અણિશુદ્ધતાની માગણીને કારણે — છંદને, લયને, આડો, અવળો, પાછો, ઊંચો, નીચો કરવાની છૂટ લીધી છે કે બદલવાની બાંય ધરી છે. ગુજરાતી પદ્યમાં આપણે આજ સુધીમાં ક્યારેક-ક્યારેક એક જ કાવ્યમાં છંદપરિવર્તન જોયું હોય ત મોટે ભાગે અણીને વખતે સાખીનો પડકાર લાવવા માટે કવિ કાન્તનું ‘વસંતવિજય’ આનું સચોટ ઉદાહરણ છે. પછી થોડા નવા અખતરા થયા છે. એક જ છંદની આખી લીટી લખવાને બદલે એના કાતિલ કટકાઓ કરવાની છટા દેખાડીને પ્રો. બળવંતરાય ક. ઠાકોરે ગુલબંકીને બહેલાવ્યો છે. નવીનોત્તર કવિઓ તો એથીય અનેકગણા આગળ ચાલ્યા છે. પડકાર છે સ્વયંભૂ સૂઝેલા, અનિવાર્ય શબ્દને અખંડિત રાખવાનો — યતિના કે માત્રાના મેળની માગણીને વશ થઈને એ શબ્દના હાથ, પગ કે અણીને કાપવાની લોલુપતાને ડામવાનો. એ સ્વયંભૂ શબ્દને સ્થળે એના અર્થનો પડછાયો આપતો બીજો શબ્દ વાપરવો તે પણ લખનારનું અપલક્ષણ ગણાય. શબ્દની અણિશુદ્ધતા (integrity of word)ની ઉપાસના કવિ નહિ કરે તો કોણ કરશે? એના કરતાં અહીંતહીં છંદોના હાથપગ કપાય, — એ સમૂળો શબ્દ વાપરાવા માટે અને એ અખંડિત મૂર્તિ ઉપસાવવા માટે — એ વધારે ઉચિત છે. અને એ પણ જો ગહન લયને અનુસરીને થાય તો- તો એના જેવું રૂડું બીજું કશું નહિ. વોલ્ટ વ્હિટમનનું છાંદસ ગદ્ય ઉત્તમ કવિતાનો એક નમૂનો છે અને એમાં સુભગ છંદ જેટલી જ ડોલાવવાની શક્તિ છે — શબ્દની અણિશુદ્ધતા સાચવવા છતાં. ક્યારેક ક્યારેક મને એમ થાય છે કે માત્રા અને લય અણે એના માળખારૂપ છંદે જેમ કવિતાને સમૃદ્ધ કરી છે તેમ જ લંગડાને લાકડી આપી છે. એવી ભ્રમણા જાગે ખરી કે યતિની ક્ષતિ ન થઈ, માત્રાનો મેળ મળ્યો અને છંદ સચવાયો કે કવિતા બની ગઈ; પદ્ય અને કવિતા વચ્ચે સ્પષ્ટ તફાવત પાડવાની વૃત્તિને હજી ઝાઝી ઉંમર નથી થઈ પાટા ઉપર રેલગાડી સરસ ચાલે છે, પણ જમાનો આવ્યો હવે મોટરનો કે જેથી પાટા વિનાના ડુંગરા ભમી શકાય, અને ત્યાર પછી જીપનો કે જેને રસ્તાની તો શું પણ કેડીનીય જરૂર નથી. ચીલે ચડેલી કાવ્યપ્રવૃત્તિને વધારે વેગ આપવો હોય તો કદાચ ગદ્યના પડકારની જરૂર છે, પદ્યનું સર્વમાન્ય અને સરળ લાલિત્ય (ગદ્યનો જન્મ પદ્ય પછી થયો છે. વેદઋચાઓ પછી કેટલે સૈકે ગદ્ય આવ્યું?) કૌમારની જેમ, મુગ્ધતાની જેમ ગુમાવ્યા પછી પણ જે રણકી રહે, ગુંજી રહે તે કાવ્ય. એ ઢાલ વિનાના લડવૈયા જેવું — જોકે ઢાલવાળો લડવૈયો પણ બહાદુર શકે. અંગ્રેજી કવિતાપ્રવૃત્તિએ આ જરૂર ક્યારનીય સ્વીકારી છે. હિંદુસ્તાનના સંગીશાસ્રમાં એક વખતે એક જ રાગ ઉપર મદાર બાંધવામાં આવે છે. આ પ્રણાલી શરૂ થઈ તે પહેલાં પૂરતું સંશોધન થયું હશે, કેમકે સમયોચિત એ શૈલી અત્યારે પણ કીમતી જણાય છે. ઋતુઔના જ નહિ પણ ચોઘડિયાંનાં વ્યક્તિત્વોના સાથે મનોભૂમિકાનું તાદાત્મ્ય થાય એવી સ્વરસંહિતાઓની ગોઠવણી એટલે ભારતની રાગપદ્ધતિ. પણ આ જમાનો જુદો છે. માનવકૃત રોશનીની એવી તો તરકીબો બની ગઈ છે કે રાતનો દિવસ કરી શકાય અને દિવસને રાતમાં ફેરવી શકાય. કૃત્રિમ વરસાદ લાવી શકાય છે અને અણુબોમ્બ વાવાઝોડાં પણ પેદા કરી શકે છે. આવી અજાયબ દુનિયામાં વ્યક્તિનો ઋતુ કે ચોઘડિયાં ઉપરનો આધાર ગેબી દુનિયામાં હતો તેથી અનેક-ગણો ઓછો થયો છે. એટલે રાગશાસ્ત્રની તથ્યતાને સ્વીકારીએ તોય આજની એની ઉચિતતા ચર્ચાસ્પદ છે. એટલે પંડિત ઓમકારનાથ ઠાકુર જેવા મહાન ગવૈયા એક જ રજૂઆતમાં, એક જ ગાનમાં બેત્રણ રાગો લાવે છે ત્યારે તેમની સામે વાંધો ઉઠાવનાર ચુસ્ત સંગીતકારોનું વલણ સમજાતું નથી. એવો વાંધો ઉઠાવવો એનો અર્થ એ કે શાસ્ત્રીય સંગીતને નિસબત છે ત્યાં સુધી તાનસેને છેલ્લું ગાન કર્યું; આરોગ્યશાસ્ત્રની છેલ્લી જડીબુટ્ટી ચરકે શોધી. રાજકરણમાં છેલ્લો શબ્દ ચાણક્યે ઉચ્ચાર્યો; કવિતાલેખનમાં કાલિદાસે છેલ્લો ઉજાસ આપ્યો, ચિત્રાંકનમાં અજંતાએ પૂર્ણવિરામ મૂક્યું. કળાને અહનિર્શ ફેલાતા પ્રકાશને બદલે સંગ્રહસ્થાનની કળા માનવાનું વલણ મને પ્રત્યાઘાતી લાગે છે. જેને આજે આપણે ક્લાસિક માનીએ છીએ તે જ્યારે જન્મયું ત્યો સમકાલીન અને પ્રાસંગિક ગતું તે આપણે આટલી સહેલાઈથી કેમ ભૂલીએ છીએ? વર્તમાનમાંથી પણ જરૂર એવું કંઈ ઊપજશે જેને આવતી પેઢીઓ તેમણી અવગણના કરશે? નવાનવા અખતરા દરેક ક્ષેત્રોમાં થયા કરે છે અને થયા કરવાના અને રૂઢિચુસ્તો એનો વિરોધ પેઢી-દર-પેઢી કર્યા કરે તેથી તો જે આજના અખતરામાં વજૂદ છે તે આવતી કાલે નમૂનેદાર લેખાશે. જેમ સંગીતમાં તેમ કાવ્યપ્રવૃત્તિમાં. છંદને મોકળો મૂકી છાંદસ થવાની આધુનિક ગુજરાતી કવિતાની રેલ રોકવાનો કંઈ અર્થ નથી. પારકી ભાષામાં વર્ષો સુધી લેખન અને વાચન કર્યું એટલે સહેજે જ એવા વિચારો સ્ફુરે, એવી ઉપમાઓ સૂઝે કે એવી શબ્દમૂર્તિઓ તાદૃશ થાય કે જે આપણી છંદબુદ્ધતામાં ન બેસતી આવે. મને એમ લાગે છે કે પ્રત્યેક ભાષાના શબ્દોના ગુંજન સાથે તે ભાષામાં લખતા કવિઓની કલ્પાનમૂર્તિઓને લગભગ શારીરિક સંબંધ છે. એટલે મારી સામે એક સમસ્યા ઊભી થઈ. શબ્દના માપનું મહત્ત્વ વધારે કે વિચારની અણિશુદ્ધતાનું? નાના ખાટલામાં લાંબા અતિથિને સુવરાવી શકાય તે માટે મહેમાનના પગ કાપવા કે ખાટલો લંબાવવો? ભાવનાની અણિશુદ્ધતા, સાંગોપાંગતા સાચવવા માટે જાણીજોઈને કોઈ ઠેકાણે છંદ તોડીને ઊંડા છંદના પડદા ઝણઝણાવવાની કારીગરીની આજકાલ બહુ જરૂર છે, કેમ કે અત્યાર સુધીમાં ઘણું લખાઈ ગયું છે અને ગવાઈ ગયું છે અને ભજવાઈ ગયું છે, એટલે મૌલિકતા-લોલુપ આધુનિક કવિતા માગી લે છે કે લીટીએ-લીટીએ સૌંદર્યવર્ધન કરતાં સંચાર જોઈએ અને નહિ કે અહીંતહીં વેરણછેરણ (અને ખાસ કરીને છેલ્લી બે પંક્તિઓમાં જ ઝમકતાં) નક્કર મૌક્તિકોને સાંધવા માટે, ગૂંથવા માટે કે જોડવા માટે ઉપયુક્ત પણ સર્વલબ્ધ, સર્વોપયોગી, જરૂરી, સીવણના ધાગા જેવી પંક્તિઓ કે કડીઓ. જયપુરી બાંધણીકામ દોરાનો ઉપયોગ કરે છે, પણ એ દોરાઓને શાલવન જેવી અંતે ઊપસેલી સાડીમાં સ્થાન નથી હોતું. આ કારીગરી આંતરસી સીવણ કરતાં પણ અનેકગણી ચડિયાતી છે. વળી મૂળ મૂર્તિને તીવ્ર કરવા ઉપરાંત, કે તેને માટે, અડખેપડખેની નાનકડી મૂર્તિઓ ઊભી થઈ જાય તો આખરી મંદિર મંડિત થાય. મૌલિકતાની તમન્ના હંમિતભર્યા અખતરાઓ માગી રહી છે. શબ્દની અણિશુદ્ધતા, વિચારની સાંગોપાંગતા, કવિને લાચાર કરીને ક્યારેક-ક્યારેક યતિભંગ કે માત્રાભંગનું બલિદાન માગે છે. એટલું ખરું કે જે છંદને અને લયને પચાવી ગયો છે તેને આવો આડો રસ્તો લેવાનો અદકો અધિકાર. એક તો તે પોતાનો કીમિયો જાણે છે. બીજું, એના વાચકોમાં પણ એવી શ્રદ્ધા ખરી કે કવિ અવળો ગયો તો તે હેતુસર હશે. ભલે ને પછિ પિકાસોનું કોઈ ચિત્ર કરોળિયાના જાળા જેવું લાગે, પણ આપણે એની સામે તાકશું શ્રદ્ધાથી, કેમકે એ પરંપરાગત ચિત્ર શૈલીઓને પી ગયો છે. આધુનિક કવિને આધુનિક ચિત્રકારની જેમ નવી લઢણો સાંપડી છે. એક તો તાદૃશથી દૂરદૂર જઈને તાત્ત્વિકમાં વિરમવાની. બીજી, આગળ થઈ ગયું છે તેથી કંઈક નવીન કરી બતાવવાની. ત્રીજી, વિષયને ગૌણસ્થાન આપી, તેને બહાનું બનાવી તેની દ્વારા પોતાનાં વ્યક્તિગત દર્શનોનું દર્શન કરાવવાની. આધુનિક કવિતાનાં લક્ષણો ઉપર ભાર મૂકી વિચારને વધુ આગળ ચલાવીએ. પરંપરાના અલંકારોને ભેખ લેતા બુદ્ધની જેમ ત્યજી, ભાવનાની તીવ્રતા ઉપર મુખ્ય મદાર બાંધવાની નવી કવિતાને લત લાગી છે. કથાનકો, વર્ણનાત્મક કાવ્યો ઓછાં લખાય છે; અંતર્ગત તુમુલોનું સાંકેતિક ભાષામાં નિરૂપણ વધતું જાય છે. બુદ્ધિગ્રાહ્યતાની ઘૃણા કરી નવીન કવિ વાચકના માનસ ઉપર તેજાબની જેમ અસર કરવા મથે છે. શબ્દો નહિ, પણ શબ્દોનાં ઝૂમખાંઓ ઉપર આધાર રાખતો હંમેશનો કવિ હવે નવાં ઝૂમખાંઓની શોધમાં છે, કેમ કે આજપર્યતનાં સ્વીકૃત ઝૂમખાંઓની શક્તિ બહારનું તેને કંઈ કહેવું છે. પાષાણની, આરસની મૂર્તિઓની સ્થળે હવે તેને પોલાદની મૂર્તિઓ જોઈએ, કેમકે એની તીવ્ર લાગણીનો ધોધ આરસને ઘસી નાખે તેવો પ્રબળ છે. એની ઉપમાઓ ભયંકર બની છે, કેમકે ભયાનક આવેગોનો એ સોદાગર બન્યો છે. એને વિશેષણો તરફ સૂગ ચડી છે, કેમકે વખાણથી વેગળા રહી રહસ્ય આપવામાં એ સાચાં વખાણ સમજે છે. પહેલાંના કવિઓની જેમ કવિતાની પ્રસ્થાપિત શૈલીઓનો એ નિષ્ણાત છે તે સાબિત કરવાની આ નવીનને પરવા નથી, કેમકે તેની તમન્ના છે માનવના, શહેરોના, કુદરતના, કરાખાનાંઓના અંતરતમ મૌનને અવાજ આપવાની અણે નહિ કે પોતાની કાવ્યશક્તિનો આહ્લાદ આપવાની. [અવળે ન્યાયે, સંસ્થાપિત અને સ્વીકૃત પદ્યકારો ઉપર અતિઅલ્પ નૂતન લેહકાઓ કરવાની, ઉર્દૂ મુશાયરી શાયરીમાં નગ્ન પડી જતી, પણ બીજે ઘણેય સ્થળે ઉપયોગમાં લેવાતી, તરકીબોથી આજનો વાચક તૃપ્ત નથી થતો — પહેલાંનો થતો. જગત જેની સામે ખુલ્લું પડ્યું છે તેને પાણી પી-પીને પાતળી પડી ગયેલી છાશમાં શો રસ હોય?] એને મનુષ્યના અદૃશ્યની પડી છે, નહિ કે તાનાં જુલફાંની કે શરીરની ઊંચાઈની. ઉલ્લેખો દેવાનું એનું પૌરણ [?] અંગત છે, અને તેથી તો પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓના ભેદથી તે પર છે. કુરૂપતાને, હૃદયહીનતાને, ચારિત્ર્યવિચિત્રતાને પણ એ માનવકુળની સમગ્ર પરિસ્થિતિનાં અંગો સમજે છે. બર્નાર્ડ બેરેનસની સાથે તે માને છે કે જીવનમાં મૃત સિવાય કશું કુરૂપ નથી. અને આખી એક લેખક-પેઢી એકબીજાને મળતું એકબીજાની બૃહદ્-શૈલીને મળતું લખવાની લઢણ સેવતી તે જમાનો ચાલ્યો ગયો છે તે પણ એ જાણે છે. માનસની ચિકિત્સા તેની કાવ્ય-ગ્રંથિ છે. એને નામ પડ્યા સિવાય વિશેષણો વાપરવા છે. કર્તા વિના કર્તવ્ય ચીતરવું છે, લપકતા આવેગો સાથે સંતાકૂકડી રમવી છે, ભોંયરામાં ચાલબાજી થઈ રહી છે તેને ઉઘાડી પાડવા અંધારાના ઓળા જેવા શબ્દો વાપરવા છે. ક્યાં છે નવી પરિભાષા આ નવી કવિતા માટે? તેથી તો આધુનિક કવિતામાં અસ્પષ્ટતા છે અને દુર્બોધતા છે. તેથી તો તેની ભાષા બાળ-બોલી છે, ભાંગીતૂટી છે, અટકતી-બટકતી છે. અને તેથી જ પદ્ય અને ગદ્ય પહેલાં કરતાં વધુ નજીક આવતાં જાય છે, કેમકે સમાજને અને કુદરતને બાજુએ રાખી કવિતા અને નવલકથા બન્ને મથી રહી છે માણસનું પુનર્ઘડતર કરવા, સમાજનું નહિ. અને આપણે સામ્યવાદી દુનિયાની વાત નથી કરતા, કેમકે સત્યને શોધનાર વ્યક્તિ છે, સમાજ નહિ. આવી શોધમાં સામુદાયિક ભાષા પૂરતો ભાગ ભજવી શકતી નથી. એની મથામણ અંગત ભાષા તરીકે નિંદાઈ રહી છે. માટે તો અભિવ્યક્તિનો પ્રશ્ન નવી કવિતાની એક કૂટ સમસ્યા બન્યો છે.