પુનશ્ચ/જવું જ છે તો જાઓ
જવું જ છે તો જાઓ, પણ મેં જે પ્રેમ કર્યો તે પ્રેમને સ્મરશો નહિ,
અને ભવિષ્યનું તમારું જે શેષ જીવન એને વ્યર્થ કરશો નહિ.
આટલાં વર્ષો તમે જાણે કે સ્વપ્નલોકમાં પરીકથામાં વસ્યા હતા,
છતાં કેટકેટલું લડ્યા હતા, રડ્યા હતા ને હોંસે હોંસે હસ્યા હતા;
એનું સૌંદર્ય, એનો આનંદ, એની ધન્યતા, એને હવે હરશો નહિ,
જે કૈં થયું, જે કૈં ગયું ને જે કૈં રહ્યું, એને ધ્યાન પર ધરશો નહિ.
જીવનમાં જ્યાં જ્યાં અંત છે ત્યાં ત્યાં નવો આરંભ છે, ક્યાંય ન્યૂનતા નથી.
ભર્યુંભર્યું આ વિશ્વ છે તેવું જ જીવન છે, એમાં ક્યાંય શૂન્યતા નથી;
વિરહની વ્યાકુલતા ને વિહ્વલતામાં એકલતાને વરશો નહિ,
તમે કોઈના પ્રેમપાત્ર થશો, ને તો તમે મૃત્યુ પૂર્વે મરશો નહિ.
૨૦૦૭