પુનશ્ચ/પ્રેમમાં વિલંબ
આમ ને આમ તો વર્ષો વહી જશે,
વિલંબની વ્યથા કેમ સહી જશે ?
જુઓ, વસંત તો આ... આ ચાલી,
જોતજોતાં ડાળ થશે ખાલી;
પછી તમે આવો, શા ખપનું ?
મારું જન્માન્તરનું સપનું
એ તો માત્ર સપનું જ રહી જશે.
પછી આયુષ્યનો શેષભાગ
કેવોક હશે ? ગ્રીષ્મની આગ
ને શિશરનું હિમ ! એ કથા,
મૃત્યુ પૂર્વે મૃત્યુની એ વ્યથા
ક્ષણે ક્ષણે એકાન્તમાં કહી જશે.
૨૦૦૫