પૂર્વાલાપ/૪. મૃગતૃષ્ણા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪. મૃગતૃષ્ણા


જાણી મધ્યાહ્નની વેળા સ્વસ્થાને સહુ જાય છે :
અરેરે! કોણ બાલા આ દોડી શ્રમિત થાય છે?

આકાશમાં રવિ અતિશય ઉગ્ર થાય,
વાયુ પ્રચંડ અતિ આકર આમ વાય;
એવે સમે અરર! આ હરિણી બિચારી,
દોડે તૃષા થકી જણાય ગયેલ હારી!

કરે વ્યાકુલ દોડીને, સુકુમાર શરીરને :
પ્રયાસ કરીને શોધે, અરેરે! હાય! નીરને!

નાની હજી, નથી અનુભવ કાંઈ એને :
પૂછે, કહો, જલ હશે ક્યહીં, એમ કેને?
આભાસ જોઈ સઘળા સ્થળમાં ભમે છે,
અત્યંત ઉષ્ણ રવિ આતપને ખમે છે,

ધારાગૃહ વિશે બેસી મનુષ્યો હાલ ન્હાય છે :
એ સમે, હાય! નિર્દોષ બાલા આ આમ ધાય છે!

આંખો અતિશય પ્રયાસથી લાલ થાય,
ને સ્વેદબિંદુ વપુનાં જલદી સુકાય;
ચાલે નહિ ચરણ, ઠોકર ખૂબ ખાય,
શુદ્ધિ રહે નહિ જ, મૂર્છિત થાય, હાય!

હાશ! આ ગમથી આવ્યું, સૂર્ય આગળ વાદળું;
છાંયો થયો જરા તેથી, અને શાંત થયું ગળું!

નીચે પડી નયન તોય જરા ઉઘાડે,
દેખી જલાશય વળી વપુને ઉપાડે;
અત્યંત દુઃખ પણ એ તનમાં સહે છે,
સંકલ્પ ત્યાં ગમનનો મનમાં લહે છે.

અરે! એ મૃગતૃષ્ણા છે : બાલે! કાં ભૂલ ખાય છે?
અનુભવ વિના તારો શ્રમ સૌ વ્યર્થ જાય છે.

રે શું વિધિ કદરહીન હશે બહુ જ,
નિર્દોષતા તણી નહિ કંઈ હોય બૂજ?
આકાશમાં ક્યમ ચડી નહિ મેઘ આવે,
આ નિષ્કલંક પશુને દુઃખથી મુકાવે?

દીસે છે ક્રૂરતા કેવી કર્તાની કરણી મહીં!
ત્રાતા જો હોય, તો આની કેમ સંભાળ લે નહીં?

રે! આ સમે જલ મહીં રમતો કરે છે,
સાથે રહી રસિક દંપતીઓ તરે છે;
વાળા તણી અતિ મનોહર ગંધ વ્યાપે,
ઉદ્ધિગ્ન કેમ નરનારી જણાય તાપે?

અરે! આ કોમલાંગીએ કેવાં પાપ કર્યાં હશે!
કર્યાં હોય, તથાપિ આ ક્રૂર શિક્ષાથી શું થશે?

થોડો રહ્યો વખત જિંદગીનો, અરે રે!
માતાપિતા-સ્મરણ આર્ત્ત દિલે કરે રે!
હા દૈવ! આંખ પણ બંધ જરાક થાય,
ને પ્રાણ છેવટ તમામ વિદાય થાય!

નથી ઈશ્વર દુઃખીનો : થયું જે જે હતું થવું :
દુનિયામાં હવે શાને, અરેરે! હાય! જીવવું?