પૂર્વાલાપ/૭. કલ્પના અને કસ્તૂરીમૃગ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૭. કલ્પના અને કસ્તૂરીમૃગ


“સુરસદન તણી જે વાડીઓમાં રમે છે,
હૃદય થકી નિહાળી આપને જે નમે છે,
પ્રમદવન તણઓ એ અપ્સરાનો જ સાથ,
નમન સહ મને આ મોકલે, પ્રાણનાથ!”

આવ્યો હતો પરમ યોગ થકી પ્રસંગ,
જામ્યો હતો સકલ વૃત્તિની માંહી રંગ :
શબ્દો પડયા ઉપર અમૃતધાર જેવા,
તાજા થયા હૃદય સાથ તરંગ તેવા!

માથું ઊંચું કરી નયનને સ્વલ્પ ઊંચું કરું છું,
જોવા જેવું નીરખી મનને હું સુધાથી ભરું છું;
અંગે અંગે ખૂબી નીરખીને આંખ તો જાય ચોટી,
સાચું માને નહિ હૃદય ને વાત દેખાય ખોટી!

એક અદ્ભુત વસ્ત્રોમાં અપ્સરા નજરે પડે;
વૃત્તિઓ થાય છે મૂઢ મુગ્ધાની મોહની વડે.

અધર મધુર તેનો જોઉં પામે વિકાસ,
વિવિધ કુસુમની ત્યાં નીકળે છે સુવાસ;
મુજ નયનની સાથે યોગ્ય જોડું રચાય,
ખબર નહિ પડે, ને કીકીઓથી નચાય!

હૈયાંના હોજમાંથી આ શું પાણી છલકાય છે?
પ્રેમ છે, એ નહીં બીજું, પ્રતીતિ એમ થાય છે.

બોલે પછી પ્રણયથી નવરાવતી એ :
વાણી સુધારસ બધે છવરાવતી એ :
“જાણ્યું હશે, હૃદય એમ મને કહે છે :
કે આપની ઇતર લોક વિશે રહે છે.

કવિતાદેવીની તેથી અમે દાસી જ આપની :
દેખીએ દિવ્ય ચક્ષુથી બિના આપ પ્રતાપની.

આવો નહિ વિપદ આપ સમી જરાય :
રાજ્ઞી રહો અમર એ કવિતા સદાય :
જેની કૃપા થકી થયો સુરલોક વાસ :
સાહિત્ય જ્યાં સુખધ કોટિ જણાય પાસ!

રચના દુનિયાની હું દેખાડું સરદારને :
પાંખ ઉપર બેસીને જુઓ દેશ હજારને!”

આહા! એવું વચન વદતાં અન્ય દેખાવ થાય :
પાસે ઊંચો ગિરિવર બને, શ્વેત શોભા જણાય :
ધોળાં ધોળાં ઝરણ ટપકે, વાદળાંઓ ઘસાય :
આજુબાજુ ગહન વન આ એક ઊભું જ થાય.

રહો, એ કંઈ જોવાનું દીસે છે આ દિશા મહીં :
આવે છે કોઈ પ્રાણી એ : મને સંશય છે નહિ!

છે મંદ મંદ ગતિ આ જ પ્રદેશ સામી :
આંખો થકી કહી શકાય અપૂર્વ કામી :
કસ્તૂરિકા મૃગ સમાન વપુ જણાય :
દેખાવને નીરખતાં મન ત્યાં તણાય.

જાણે કોઈ શર શિર વિષે તીક્ષ્ણ વાગેલ હોય,
ટોળું છોડી પર દુખથી જેમ ભાગેલ હોય,
તેવી રીતે ઘડી ઘડી પછી એ અગાડી ધસે છે,
વૃત્તિની કૈં ખબર ન પડે, એ પ્રમાણે હસે છે!

અચાનક મને એનું અનુમાન થઈ ગયું :
વાદ્ય અદ્ભુત અસ્પષ્ટ સંભળાય અહીં કયું?

ઊંચે બધાં શિખર શ્વેત થયાં જણાય,
નીચે નદી ગહનમાં તરુઓ તણાય;
વચ્ચે જગા વિકટ ઉપર એક ચાલે,
ગારુડી કોઈ નજરેથી ગુફા નિહાળે.

અસામાન્ય છટાથી એ બજાવે હાય બીનને!
ચાલે છે ચિત્તના તંતુ જ્ઞાન ક્યાં રસહીનને?
દેખે છે કાલને સામે તોય પાછો નહિ વળે :
જવાની તો કહે, કેમ આજ્ઞા સંગીતની મળે?

અશ્રુ પડે નયનથી, બહુ ખિન્ન લાગે;
છે મૃત્યુની ખબર, તોપણ બદ્ધ રાગે;
કેદી સમાન હળવે ડગલાં ભરે છે,
અત્યંત હર્ષ સહ ચિહ્ન બધાં કરે છે.

આવે ચાંડાલની પાસે, સુણે એકાગ્ર ચિત્તથી;
લુબ્ધ લુબ્ધકનું ચિત્ત થાય કસ્તૂરીવિત્તથી!

ધીમો તેથી કંઈ પડી ગયો બીનનો એહ નાદ :
રે! રે! કેવો શબરપતિ આ થાય તારો પ્રમાદ!

ઝાંખું તેથી મખુ થઈ ગયું એમ જોતાં જણાય,
ધીમા તોયે સ્વર સમજવા નાડીઓ ફુલ્લ થાય!

કહે કરુણ ચીસોમાં : “અરે રે! આમ શું કરે?
પ્રાણદાન કરું તોય તૃષ્ણા અત્યંત શું ધરે?”

અરે! ખૂની સામે મૃગવર બિચારો ટળવળે,
તથાપિ પારાધી હૃદય તણી પીડા ક્યમ કળે?
કરે તૈયારી એ શર તણી, ફરે ચિત્ત મુજનું,
ખરે! પાપી પ્રાણી! નિધન કરું હું દુષ્ટ તુજનું!

આપે છે શસ્ત્ર તેજસ્વી સખી એ અપ્સરા મને,
દોડું ચાંડાલની સામે રાખીને ખડ્ગને કને.

મારું જઈ શિર પરે તરવાર એને :
નીચે પડે, અરર બીન! બચાવું કેને?
તે જોઈને જ મૃગ મૂર્ચ્છિત થાય, હાય!
આવું થતું નીરખતાં જ મિજાજ જાય!

“અપ્સરા, અહીં ક્યાં લાવી?” કહી હું ક્રુદ્ધ થાઉં છું;
કલ્પના જાય છે ઊડી, એકલો રહી જાઉં છું!