પૂર્વાલાપ/૮૦. સૃષ્ટિસૌંદર્યથી મન ઉપર થતી અસર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૮૦. સૃષ્ટિસૌંદર્યથી મન ઉપર થતી અસર


[માલિની]
મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે,
પરમ વિમલ શોભા ચદ્રિકાની વિરાજે;
અનુકૂળ સઘળી છે હર્ષની આજ ચીજો,
અવસર નહિ આવે આ સમો કોઈ બીજો.
[અનુષ્ટુપ]
વધતું કહીને શાને વ્યર્થ મારે વધારવું?
ફરવાને જવા ચાહું પ્રિયે! આપે પધારવું.
[મંદાક્રાતા]
વ્યાપ્યો આખા વપુ મહીં સુણી હર્ષ અત્યંત એને,
આવી સારી ઋતુ મહીં નહીં થાય આનંદ કેને!
“ઠંડી વાશે પ્રિય પતિ, કદી તો પછી કેમ થાશે?”
બાંધ્યો એવું કહી — હસી — મને પ્રેમથી હસ્તપાશે.
[રથોદ્ધતા]
સજ્જ એ ઝડપથી થઈ રહી, નીકળ્યાં સુખદતા મને વહી,
મંદ મંદ પિય સાથ જાઉં છું, વાટમાં સરસ કાંઈ ગાઉં છું.
[પુષ્મિતાગ્રા]
રસિત સમજીને પ્રમોદ પામી, નયનથી જોઈ રહી જ સામી;
કર મહીં કરને નખાવી ચાલે, પ્રણય થકી પતિને પ્રિયા નિહાળે.
[વસંતતિલકા]
દેખાવ તો બહુ જ સુંદર આસપાસ,
શી ચંદ્રિકા! કુસુમદામની શી સુવાસ!
આનંદ એ પ્રિય તણો વધતો જ ચાલ્યો
ને છૂટથી પ્રસરીને મન માંહી મ્હાલ્યો.
[અનુષ્ટુપ]
થવા લાગી મને ચિંતા, કેમ આનું હવે કરું?
હદથી વધતાં હર્ષ, પરિણામ થશે ખરું!
[મંદાક્રાંતા]
આવી ત્યાં તો વિકટ તરુની એક વિસ્તીર્ણ ઝાડી,
ર્હેતા જેમાં દિવસ સમયે નીચ લોકો અનાડી;
તેમાં શાથી કંઈ પડી ગયો વાત માંહી વિરોધ,
આવ્યો તેના પર મન થકી તુર્ત અત્યંત ક્રોધ.
[અનુષ્ટુપ]
વિનોદ સઘળો એ ક્યાં કોણ જાણે શમી ગયો;
વાતચીત પડી બન્ધ સ્વર છેક નમી ગયો.
[સ્વાગતા]
વાર તો બહુ ગઈ ન હતી જ્યાં એ પ્રદેશ થકી મુક્ત થયાં ત્યાં.
અંધકાર ટળતાં અજવાળું, એ સુશોભિત બહુ જ નિહાળું.
[સોરઠો]
મંદ સ્વરથી એક નાળું ત્યાં વહેતું હતું;
તે દેખીને છેક સર્વે તર્ક ફરી ગયા.
[સ્વાગતા]
ત્યાં સુધી ‘કદરહીન બહુ છે’ વાક્ય એ ઊચરતો દુખમાં હું;
‘એ જ એ જ જગ માંહી સહુ છે’ એમ શબ્દ નીકળ્યા મુખમાં ત્યાં.
[પુષ્પિતાગ્રા]
જગત બધું બહુ જ શાંત લાગે, અતિશય દૂર પ્રસન્ન વીણ વાગે;
ગગન પણ ખુશી જણાય છે આ, પવન મનોહર રાગ ગાય છે હા!
[અનુષ્ટુપ]
મસ્તકે પડવા માંડયા શીત અમૃતના કણો;
શાંત કોપ થયો મારો તથા હર્ષ વધ્યો ઘણો.
[વસંતતિલકા]
પ્રાણપ્રિયા મુજ થકી હતી દૂર થોડી,
ત્યાં હું ગયો હૃદય સાથ તુર્ત દોડી;
દર્શાવીને નયનથી સહુ ફેરફાર,
છાતી સમી કરી રહ્યો ધરી થોડી વાર.
[દુહો]
અશ્રુ આવ્યાં આંખમાં; થયો ગળગળો સાદ!
પૂરું બોલી નહિ શક્યો — ‘પ્રાણ-ક્ષમા-પ્રસાદ!’
[અનુષ્ટુપ]
લજ્જા તેણે તજી દીધી સ્વસ્થ તુર્ત મને કર્યો;
બાલાએ બાલચેષ્ટાથી ચિત્તના ખેદને હર્યો.
[ગીતિ]
શું શું ચેષ્ટા કીધી, તે વર્ણવવું નહીં ઉચિત ધારું;
અનુભવરસિકો સમજે, બીજાને શું જણાવવું વારું!