પૂર્વોત્તર/પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પરિચય

ભોળાભાઈ પટેલ

સર્જક-પરિચય
Bholabhai-Patel-239x300.jpg
ભોળાભાઈ પટેલ (જ. ૭ ઑગસ્ટ ૧૯૩૪ – અવ. ૨૦ મે ૨૦૧૨)

સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં.

સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.
ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.
કૃતિપરિચય : પૂર્વોત્તર

સાહિત્ય અકાદેમીના પ્રવાસ-અનુદાનથી શ્રી ભોળાભાઈ પટેલે ભારતનાં ઉત્તર-પૂર્વ રાજ્યોનો પ્રવાસ કરેલો એના ખૂબ જ સંતર્પક અને રસપ્રદ અનુભવો આ પુસ્તકમાં રોજનિશીના – રોજેરોજની ડાયરીના રૂપમાં લખાયેલા છે. ઓડિયા, કલકત્તા(બંગાળ), ત્રિપુરા, મણિપુર, નાગાલૅન્ડ, મેઘાલય, અસમ-માં લેખકમિલનો, ત્યાંનાં ભાષા-સાહિત્યનો આસ્વાદ-પરિચય એ પ્રાથમિક કર્તવ્ય પણ અહીં ખૂબ જીવંતતાથી આલેખાયું છે. એ ઉપરાંત લેખકે આ પ્રકૃતિસુંદર પ્રદેશોને એક નિસર્ગપ્રેમીની દૃષ્ટિથી માણ્યા છે એનાં સર્જનાત્મક વર્ણનો વાચકને રસ-તરબોળ કરી દે છે. વળી, પ્રકૃતિ-આલેખન આગળ એ અટક્યા નથી – તે તે પ્રદેશનાં ઇતિહાસ અને સંસ્કૃતિનો રસભર્યો પરિચય પણ એ કરાવતા જાય છે. પ્રવાસી તરીકેની વિસ્મયવૃત્તિ, સાહસવૃત્તિ અને જિજ્ઞાસા અહીં હંમેશાં સતેજ રહી છે. એથી પ્રવાસ દરમ્યાન આ બધાં સ્થાનોનો ભરપૂર આનંદ લેખકે લીધો છે ને એની લ્હાણી કરી છે. એક સિદ્ધહસ્ત લલિત નિબંધકાર તરીકે ભોળાભાઈની લખાવટ એવી છે કે જાણે આપણે પણ એમની સાથે સાથે પ્રવાસ કરતાં હોઈએ એવો અનુભવ થાય. એમના એવા સર્જક વ્યક્તિત્વનો અનુભવ લેવા હવે પુસ્તકમાં જ પ્રવેશીએ… —રમણ સોની