પૂર્વોત્તર/ફરી અસમ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ફરી અસમ

ભોળાભાઈ પટેલ

(બીજી આવૃત્તિ પ્રસંગે)

છેવટે અસમના આંદોલન દરમ્યાન બ્રહ્મપુત્રની ખીણનું એ બીજુ રૂ૫ જોવા પહોંચી ગયો, ફરી બ્રહ્મપુત્રને તટે. ૧૯૮૩ના વર્ષમાં વિશ્વભારતી શાંતિનિકેતનના આમંત્રણથી ત્યાં તુલનાત્મક ભારતીય સાહિત્યના વિઝિટિંગ ફેલો તરીકે હતો, ત્યારે વિશ્વભારતીના અસમિયા વિભાગના અધ્યાપક શ્રી સુનીલકુમાર દત્ત સાથે ૧૯૮૩ના ઑક્ટોબર-નવેમ્બરમાં અસમનાં દૂરસુદૂરનાં સ્થળોમાં ભમવાનું થયું. આંદોલનથી ધબકતા ગુવાહાટી યુનિવર્સિટીના કૅમ્પસમાં છાત્ર નેતાઓને મળવા જવાનો અવસર મળ્યો. બરપેટા જેવા અંદરના વિસ્તારના નાગરિકોની ‘પરદેશી’ નાગરિકો બાબતે વ્યથાકથા સાંભળી. બ્રહ્મપુત્રના વિશાળ દ્વીપ માઝુલીના પાંચ સદી જૂનાં વૈષ્ણવ સત્રો અને ભારત-ભૂતાનની સરહદ પર સૌન્દર્ય વેરતી માનસ નદીનાં જંગલોની મુલાકાતોએ પ્રતીતિ કરાવી કે અસમની સંસ્કૃતિ અને સૌન્દર્ય કેટલાં સમૃદ્ધ છે. માઝુલી અને બરપેટામાં અસમના જે વૈષ્ણવ ચહેરાનું દર્શન થયું, તેની તે અમીટ છાપ ચેતના પર અંકિત થઈ છે. ‘પૂર્વોત્તર’માં અસમની આ બીજી મુલાકાતની જે વાત નથી આવી, તે પછીના મારાં પુસ્તક ‘કાંચનજંઘા’ અને ‘રાધે તારા ડુંગરિયા પર’માં આપી છે. ‘પૂર્વોત્તર’ જે રૂપમાં છે, તે એકરીતે અખંડ રૂપે પ્રકટ થાય એવી ઇચ્છા રાખી છે.